કેજરીવાલ અને તેની પાર્ટી માટે પદાર્થપાઠ સમો ચૂંટણીપંચનો ચુકાદો

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભારતના ચૂંટણી પંચની ભલામણને આધારે દિલ્હી રાજ્યના સત્તાધારી પક્ષ આમ આદમી પાર્ટીના ૨૦ ધારાસભ્યોને લાભના પદના કારણે ગેરલાયક ઠરાવી દેતાં કાયદાની બાબતમાં ભલભલાને સાણસામાં લેતી આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. પ્રશાંત પટેલ નામના ઉત્તર પ્રદેશના એક યુવાન વકીલે વર્ષ-૨૦૧૫માં રાષ્ટ્રપતિને પત્ર લખીને જણાવેલું કે દિલ્હીની રાજ્ય સરકારમાં બેઠેલા ધારાસભ્યો ગેરકાયદેસર રીતે લાભનું પદ ભોગવી રહ્યા છે અને તેથી તેમને ગેરલાયક ઠરાવવામાં આવે. રાષ્ટ્રપતિએ આ બાબતની તપાસ અર્થે તેની વિગતો ભારતના ચૂંટણીપંચને મોકલી દીધેલી. આ મામલો અઢી વર્ષની કાયદાકીય પ્રક્રિયા પછી હવે નિર્ણાયક તબક્કે આવ્યો છે.

આમ આદમી પાર્ટીની દિલ્હીની સરકારમાં નિયમ અનુસાર જોઈએ તો વધુમાં વધુ ૭ મંત્રીઓ અને ૧ સંસદીય સચિવ હોઈ શકે છે, પરંતુ સત્તા મળ્યા પછી પક્ષની અંદરો-અંદર સત્તા માટે શરૃ થઈ ગયેલા રાજકારણ બાદ પોતાના નેતાઓને અંકુશમાં રાખવા કંઈક લાભ આપી દેવાની રણનીતિ હેઠળ આમ આદમી પાર્ટીએ ૨૧ સંસદીય સચિવોની નિમણૂક કરી દીધેલી. સંસદીય સચિવનું પદ ‘ઑફિસ ઓફ પ્રોફિટ’ એટલે કે લાભનું પદ ગણાય છે. યુવાન વકીલે રાષ્ટ્રપતિને આ ધારાસભ્યોની સભ્યતા રદ્દ કરવાની માગણી કરી, ત્યારે આમ આદમી પાર્ટીની દિલ્હી સરકારે ભૂલ સમજાયા બાદ પાછળથી ઉતાવળે વિધાનસભામાં બિલ પસાર કરાવી દીધેલું. જોકે એ બિલ પર તત્કાલીન ઉપ-રાજ્યપાલે હસ્તાક્ષર નહોતા કર્યા અને રાષ્ટ્રપતિએ પણ તે બિલને માન્ય નહોતું રાખ્યું. કાયદાકીય પ્રક્રિયા દરમિયાન દિલ્હીના મુખ્ય સચિવે ચૂંટણીપંચને કરેલી એફિડેવિટમાં સ્વીકાર્યું છે કે આ ધારાસભ્યોને મંત્રીઓની સુવિધા આપવામાં આવી છે. અલબત્ત, સંસદીય સચિવોની નિમણૂક થઈ તે પહેલાં આ બિલ પસાર કરવું જોઈતું હતું. જો આવું થયું હોત તો આજે ધારાસભ્યોની બરતરફીનો વારો આવ્યો ન હોત. ઉલ્લેખનીય છે કે આવા કુલ ૨૧ ધારાસભ્યો હતા, પરંતુ તેમાંથી એક જરનૈલ સિંહ આ પહેલાં જ પંજાબની ચૂંટણી લડવા માટે દિલ્હીની વિધાનસભા છોડી ચૂક્યા છે.

હવે મામલો રાજકીય ચર્ચાના ચગડોળે ચડ્યો છે. અરવિંદ કેજરીવાલ રાષ્ટ્રપતિના નિર્ણયને હાઈકોર્ટ અને જરૃર પડ્યે સુપ્રીમ કોર્ટમાં પણ પડકારવાની તૈયારી ભલે કરી રહ્યા હોય, પરંતુ અંદરખાને તેમની ભૂલ સમજતાં હોવાથી ૨૦ ધારાસભ્યોની નવી ચૂંટણી માટે પણ વિચારવા લાગ્યા છે. આમ આદમી પાર્ટીના નેતાઓનું તુમાખીભર્યું અને અક્કડ વલણ આમ તો તેમનાં ભાષણોમાં સમજાય જ છે, પરંતુ આ કિસ્સામાં કાયદાના સ્તરે તેમને પોતાને ભારે પડ્યું છે. ચૂંટણીપંચે જ્યારે આ કિસ્સામાં ૨૦ ધારાસભ્યોને નોટિસ આપેલી તેમ છતાં તે સૌએ ચૂંટણીપંચની નોટિસને ગણકારી નહીં અને જવાબ પણ આપ્યો નહીં. ચૂંટણીપંચ એ બંધારણીય સત્તા છે અને નિર્ણય લેવા સ્વતંત્ર છે. ચૂંટણીપંચ જ્યારે ખુલાસો માગે તો કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ તેનો જવાબ આપવા બંધાયેલા છે. ધારાસભ્ય તરીકે પણ જો તેઓ લાભનું પદ ભોગવવાની બાબતમાં કાયદા મુજબ અધિકૃત હોત તો પણ તેમના અધિકારની તેમની રક્ષા માટે પોતાની વાત સક્ષમ સત્તા એવા ચૂંટણીપંચ સામે જ તેઓએ કરવાની હતી. અરવિંદ કેજરીવાલ અને તેમની આમ આદમી પાર્ટી હવે કઈ કઈ પ્રકારની રણનીતિ પર સફળતા કે લોકોની સહાનુભૂતિ મળે તે અંગે યોજનાઓ વિચારવા માંડ્યા છે. એક તરફ તેઓ એમ કહે છે કે લાભનું પદ હોય કે ન હોય, અમારા ધારાસભ્યોએ સરકારી ગાડી, સરકારી બંગલા કે પગારનો ફાયદો લીધો જ નથી. ચૂંટણીપંચે અમારી વાત સાંભળી જ નથી. એક આક્ષેપ એવો કરે છે કે મુખ્ય ચૂંટણી કમિશનર એ.કે.જ્યોતિએ ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હેઠળ કામ કર્યું હોવાથી અને હવે નિવૃત્ત થવાના હોવાથી તેમને ખુશ કરવા આવો નિર્ણય કર્યો છે. અલબત્ત આવો આક્ષેપ નિરાધાર અને હાસ્યાસ્પદ છે.

રાષ્ટ્રપતિના નિર્ણયની બાબતમાં જોઈએ તો તેઓ ચૂંટણીપંચની ભલામણ માનવા બંધાયેલા હોય છે. નિયમો હેઠળ લોકપ્રતિનિધિઓને અયોગ્ય ઠરાવવાની માગણીઓ જે રાષ્ટ્રપતિને મોકલાતી હોય છે, તે યોગ્ય નિર્ણય માટે ચૂંટણીપંચને જ મોકલાતી હોય છે. ચૂંટણીપંચ આવી અરજીઓ પર નિયમ અનુસાર તપાસ, યોગ્ય વિચારણા અને ત્યાર બાદ યોગ્ય કાર્યવાહી માટેના નિર્ણયો કરતું હોય છે. આ નિર્ણયને તે રાષ્ટ્રપતિ પાસે મોકલી આપે છે, જેનો રાષ્ટ્રપતિએ સ્વીકાર કરી માનવાનો હોય છે. આ કિસ્સામાં ચૂંટણીપંચે રાષ્ટ્રપતિને મોકલેલા પોતાના અભિપ્રાયમાં જણાવ્યું હતું કે, ‘સંસદીય સચિવ રહેવાવાળી વ્યક્તિએ લાભ લીધો હોય કે ન લીધો હોય, તેનાથી કશો જ ફરક પડતો નથી. જેમ કે સુપ્રીમ કોર્ટે જયા બચ્ચનમાં કિસ્સામાં કહ્યું હતું કે જો ‘ઑફિસ ઓફ પ્રોફિટ’  હેઠળ આવતું હોય તો અયોગ્યતા સાબિત થતી હોય છે.’

આ કિસ્સામાં આમ આદમી પાર્ટીની તરફેણમાં કાયદો જરાપણ ન હોવા છતાં આપના નેતાઓ આક્રમક સ્વરે ભાષણો કરવા માંડ્યા છે. હમણાં જ નજફગઢમાં એક સભામાં અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર સામે પ્રહારો કરતા કહ્યું કે અમને હેરાન કરવામાં કેન્દ્રએ કશું જ બાકી રાખ્યું નથી. મારી ઑફિસમાં સીબીઆઈએ ૨૪ કલાક સુધી દરોડાઓ ચાલુ રાખ્યા છતાં ૪ મફલર સિવાય સીબીઆઈને હાથ લાગ્યું નથી.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ કેન્દ્રના ઇશારે ચૂંટણીપંચની વાત માની લેવા માટે નિર્ણય કર્યાનો વાહિયાત આક્ષેપ કર્યો. જોકે આ કિસ્સાને સામેલ ન કરીએ તો દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે તંગ સંબંધો હોય તેવું તો ઘણા લાંબા સમયથી ચર્ચામાં સાંભળવા મળે છે. છેલ્લાં ૨ વર્ષો દરમિયાન અંદાજે ૪૦૦ જેટલી રાજ્ય સરકારની ફાઇલો ઉપ-રાજ્યપાલ દ્વારા તપાસ માટે માગવામાં આવેલી તેમ છતાં કંઈ વાંધાજનક મળ્યું નથી. વળી, આપના નેતાઓના આક્રમક વલણ છતાં દિલ્હી સરકારને હજુ સુધી રક્ષણાત્મક સ્થિતિમાં મૂકાવું પડ્યું હોય તેવું બન્યું નથી, જે સૂચવે છે કે રાજ્ય સરકાર આ લાભના

પદના કિસ્સા સિવાય પોતાના સ્તરે ટનાટન ચાલવામાં સફળ રહી છે. તકલીફ એ છે કે ઘણીવાર આમ આદમી પાર્ટીની લોકનિષ્ઠા ભલે શંકાસ્પદ ન હોય, વહીવટની બાબતમાં તેમનો બિનઅનુભવ અને અપરિપક્વ વ્યવહાર તેમને નડી જાય છે. લોકનિષ્ઠા ભલે ગમે તેટલી હોય, સુશાસન માટે કાર્યદક્ષ વહીવટ અને પરિપક્વ કાબેલિયતનું પોતાનું વિશેષ મહત્ત્વ હોય છે. વળી, લાભના પદના કિસ્સામાં પોતાની ભૂલ સમજાયા પછી પણ તેને ન સ્વીકારવી તે લોકાદર વધારવાને બદલે ઘટાડવાની નિશાની છે.

આમ જોઈએ તો આમ આદમી પાર્ટીના સર્વેસર્વા અને ટૂંકા સમયગાળામાં લોકનાયક બની ગયેલા અરવિંદ કેજરીવાલ વિશે લોકોનો સંપૂર્ણ મોહભંગ થઈ ચૂક્યો છે, તેવું કહી શકાય તેમ નથી. આજે પણ લોકો કેજરીવાલના સંઘર્ષની પ્રશંસા કરતા થાકતા નથી, પરંતુ હવે લોકો સર્જિકલ સ્ટ્રાઇક માટે પણ સાબિતી માગતા અને વાત-વાત પર વડાપ્રધાન પર શબ્દતીર તાકતા કેજરીવાલની કેટલીયે હરકતો પર સવાલો કરવા લાગ્યા છે. વિધાનસભાની ચૂંટણી વખતે પાણીની બાબતમાં હરિયાણાને બદલે પંજાબની હિમાયત કરવાના મુદ્દે તેઓ ખાસ્સા અળખામણા સાબિત થયા. ભિવાની જિલ્લાના સરહદી ગામ ખેડા કે જ્યાં કેજરીવાલના દાદા-પરદાદાઓની લોકસેવાના કારણે તેમના કુટુંબને ખૂબ માન-સન્માન મળતું તે ગામના લોકો હવે નિરાશાજનક સ્વરમાં એવું પણ કહેવા લાગ્યા છે કે અરવિંદ કેજરીવાલ ભલે અમારો ભાઈ છે, અમારા ગામનું નામ તેણે રોશન કર્યું છે, પરંતુ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે હવે તેનું નામ ભરોસાપાત્ર રહ્યું નથી. લોકોની આ નિરાશા ૩ વર્ષ જેટલાં સમયગાળા દરમિયાન જ જો બહાર આવતી હોય તો તે કેજરીવાલ તથા તેની પાર્ટી માટે ચોક્કસ ચિંતાજનક છે. આમ આદમી પાર્ટી એક એવો પક્ષ છે, જેમાં ગરીબ અને મધ્યમવર્ગના લોકોની આસ્થા ઘણા મોટાપાયે જોડાયેલી છે. દિલ્હીની બહાર પણ અન્ય રાજ્યોમાં તેની અસર છે. મૂડીવાદીઓ તથા સ્થાપિત હિતો સામે નહીં ઝૂકવાનું કેજરીવાલનું વલણ અને સંઘર્ષ માટેની આક્રમકતા તથા પ્રતિબદ્ધતા દ્વારા કેજરીવાલે લોકહૃદયમાં જે સ્થાન મેળવ્યું છે, તે ભારતના રાજકારણમાં ઉદાહરણ સ્વરૃપે જવલ્લે જ જોવા મળે છે. આથી તેની ભૂલ હોય,

અપરિપક્વતા હોય, સત્તાકાંક્ષા હોય કે અન્ય કારણ હોય, લોકશાહીમાં લોકસેવા દરમિયાન કાયદાના શાસનથી વિપરીત વર્તણૂક ક્યારેય કોઈ નેતાને, પક્ષને કે છેવટે જનતાને ફળદાયી હોતી નથી. હવે જ્યારે પોતાના ૨૦ ધારાસભ્યોની સદસ્યતા રદ્દ થઈ ગઈ છે ત્યારે વિધાનસભામાં ૭૦ની સભ્ય સંખ્યા સામે આપના ૪૬ સભ્યો જ રહી ગયા છે. જોકે સંખ્યાબળ ઘટવા છતાં પણ સરકારને કશી આંચ આવે એમ નથી. કાયદાની લડાઈમાં આમ આદમી પાર્ટીને જો કોઈ સફળતા નહીં મળે તો ૬ મહિનાની અંદર દિલ્હીની ૨૦ બેઠકો માટે પેટા ચૂંટણી નિશ્ચિત છે. ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસ આ ૨૦ બેઠકો માટે ઉત્સાહિત હોય તે સ્વાભાવિક છે, પરંતુ આ કિસ્સો અરવિંદ કેજરીવાલ અને તેની પાર્ટી માટે પદાર્થપાઠ સમાન છે, તેની તેણે નોંધ લેવી રહી.

————————-.

You might also like