યશવંત સિંહા ૩૦ જાન્યુઆરીએ રાષ્ટ્રીય મંચની રચના કરશે

ભાજપના વરિષ્ઠ નેતા યશવંત સિંહા ક્રેઝી મૂડમાં છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ખુલ્લેઆમ ભાજપ વિરોધી ઝુંબેશમાં સામેલ થયા હતા. આમ છતાં ભાજપની નેતાગીરીએ તેમની ઉપેક્ષા કરવાનું મુનાસીબ માન્યું હતું. એ પછી તેઓ મહારાષ્ટ્રના ખેડૂત આંદોલનમાં જોડાઈને ભાજપની રાજ્ય સરકાર સામે મેદાને પડ્યા હતા. એ પછી તાજેતરમાં સર્વોચ્ચ અદાલતના ચાર વરિષ્ઠ ન્યાયાધીશોએ સર્જેલા સંકટને મુદ્દો બનાવીને તેમણે કેન્દ્રીય પ્રધાનોને સરકાર સામે હિંમતપૂર્વક બોલવાનું આહવાન કર્યું હતું. જોકે તેને કોઈએ પ્રતિસાદ આપ્યો નહીં. યશવંત સિંહા કદાચ ઇચ્છે છે કે તેમને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવે. એમ થાય તો તેઓ વિપક્ષી છાવણી માટે હીરો બની શકે. કેન્દ્રમાં ભાજપની સરકાર હોવા છતાં તેમને કોઈ પદ આપવામાં આવ્યું નથી. એથી વ્યથિત સિંહા વિદ્રોહના રસ્તે આગળ વધી રહ્યા છે. તેમની તમામ પક્ષ વિરોધી અને સરકાર વિરોધી હરકતોને અત્યાર સુધી સહન કરતા આવેલા ભાજપના મોવડી મંડળની સહનશીલતાની કસોટી કરે એવી ઘટના આગામી ૩૦ જાન્યુઆરીના રોજ બનવાની છે. યશવંત સિંહા એ દિવસે રાષ્ટ્રીય મંચની રચનાની જાહેરાત કરવાના છે. એ કોઈ રાજકીય પક્ષ કે જૂથ નહીં હોય બલ્કે એક ફોરમ હશે જ્યાં સમાન વિચાર ધરાવતા નેતાઓ એકત્ર થશે અને દેશના મહત્ત્વના મુદ્દાઓ અંગે સંઘર્ષની વિચારણા કરશે. સિંહાને અનેક વિરોધ પક્ષોનું બહારથી સમર્થન મળી આ વિપક્ષો ફોરમમાં સત્તાવાર રીતે કદાચ સામેલ નહીં થાય. હવે જોવાનું એ રહેશે કે ભાજપ મોવડી મંડળ શું પગલાં લે છે. પક્ષ તેમની હકાલપટ્ટી કરશે કે પછી અગાઉની માફક તેમની પ્રવૃત્તિઓની ઉપેક્ષા કરશે! સિંહા કદાચ એવું ઇચ્છે છે કે તેમની હકાલપટ્ટી થાય જેથી ૨૦૧૯ પહેલાં તેઓ ‘હીરો’ બની શકે.

—————.

You might also like