કામનો માણસ…

‘પચાસ વર્ષ સુધી દુનિયાને ચોખ્ખી કરવાનો પ્રયાસ કર્યા પછી ખબર પડી કે ધૂળ તો મારા ચશ્માં પર હતી.’ – ગ્રેહામ ગ્રીન

એક માણસ બીજા માણસનો વિચાર પણ આજકાલ ‘ઉપયોગ’ની દ્રષ્ટિએ કરે છે. માણસ કેટલો ઉપયોગી છે તે જ ખાસ જોવાનું! ‘ઉપયોગ’ની વાત બાદ કરતાં તેની સાચી પરખ કે કિંમતનો ખ્યાલ બહુ ઓછો કરે છે. આપણે સગા કાને સાંભળીએ છીએ. ‘એ માણસને તમે ઓળખો છો?’ એવા પ્રશ્નના જવાબમાં બીજો માણસ પૂછે છે કે કામનો માણસ છે? માણસ કંઈક કામમાં આવે તો આપણે મન કીમતી! નહીંતર એ માણસ નકામો!

આપણે જોઈએ છીએ કે, માણસોએ માણસના બે ભાગ પાડી દીધા છે. કામનો માણસ! નકામો માણસ! ‘ઉપયોગ’ની નજરને લીધે માણસ માણસ વચ્ચે સ્નેહના, આદરના અગર સદ્દભાવના નિખાલસ સંબંધો બંધાતા નથી. માણસ આજકાલ પોતાને કોણ કેટલો ઉપયોગી થઈ શકે તેમ છે એવો ખ્યાલ ખાસ કરે છે. નવી પેઢીને પણ એવી જ શિખામણ મળે છે કે કામના સંબંધો કેળવો. આ રીતે ભવિષ્યમાં ખપ લાગે તેવા સંબંધો કેળવવા પર જ ખાસ ધ્યાન આપવામાં આવે છે. કસોટીની ક્ષણે ‘કામનો’ માનેલો માણસ કશા કામમાં ન આવે તે વળી જુદી વાત! જ્યાં ને ત્યાં ઉપયોગી સંબંધો કેળવવાની વાત મુખ્ય બની જાય છે, પણ આ રીતે ઉપજાવી કાઢવામાં આવેલા સંબંધોમાં કંઈ ભલીવાર હોતો નથી. માણસ-માણસ વચ્ચેના સંબંધો તો અંતરમાંથી ઊગવા જોઈએ. પછી તમે તેને સ્નેહસિંચન કરીને પોષો એ વાત જુદી છે. કોઈ કશું કારણ વિના કરે તે આપણે માની શકતા નથી. કોઈક માણસ તો ખરેખર પરોપકારનું કામ કરે તો પણ આપણને શંકા પડે છે કે, આમાં ઊંડે ઊંડે તેનો કંઈક સ્વાર્થ તો હશે જ! કોઈ પણ પ્રકારના કશા સ્વાર્થ વગર કોઈ પણ માણસ કશું પણ કરે તો આપણા માન્યામાં જ નથી આવતું.

એક મિત્ર એક સંબંધીને પ્રેમથી માત્ર મળવા માટે જ ગયા, પણ મળ્યા પછી કંઈક વ્યથિત થઈ ગયા. મિત્રએ કહ્યું કે, હું તો ઉમળકાભેર મળવા ગયો હતો. મારે કશું જ કામ નહોતું, પણ સંબંધી વારંવાર પૂછતા જ રહ્યા- ‘કંઈ કામ તો નથી ને? કંઈ કામ હોય તો કહી દો! કામ થઈ શકે તેમ હશે તો કરી આપીશ. નહીંતર ના પાડીશ. મને ઘણા લોકો મળવા આવે છે. મારો ઘણો સમય લે છે. મીઠી-મીઠી વાતો કરીને પાછી ફેરવી ઘૂમાવીને મૂળ વાત પર આવે છે. જોકે તમારી બાબતમાં હું એવું માનતો નથી. તમે તો મને જરૃર સીધું જ કહી શકો છો. હજુ ફરીવાર તમને પૂછું છું કંઈ કામ તો નથી ને?’

મિત્રએ કહ્યું, ‘મને તો જમીન મારગ આપે તો સમાઈ જવાનું મન થાય છે! કશા કામ વગર, ખાસ કંઈ સ્વાર્થ વગર એક માણસ બીજા માણસને ન મળે? આપણી બધાની નજર કેમ આવી થઈ ગઈ છે? દરેક ભેટવા આવતાં માણસમાં આપણને કેમ કાં એક અરજદાર અને કાં એક યાચક દેખાય છે?’

વાત તો સાચી છે, પણ માણસ આ રીતે વિચારતો થયો છે તેના મૂળમાં પણ કોઈ ને કોઈ કડવા અનુભવો પડ્યા હોય છે તે હકીકત પણ આપણે સ્વીકારવી જોઈએ. ઘણા બધા માણસો કામ પૂરતા અને ગરજ પૂરતા સંબંધો રાખે છે એટલે માણસ આ રીતે વિચારતો થઈ જાય તો તેમાં નવાઈ શી?

તમારે કંઈક કામ પડે ત્યારે સામા માણસની પરખ થઈ જાય છે તે આપણે જાણીએ છીએ. બનતા સુધી સંત તુલસીદાસે જ એવું કહ્યું છે કે, ‘સારો જગ બહુ સરસ હૈ જબ લગ પડ્યો ન કામ!’

કામ ન પડે ત્યાં સુધી આ દુનિયાના માણસો બહુ સારા છે. તમારે કામ પડે ત્યારે કોણ આગળ આવે છે તે જોવાનું રહે છે. તમે કંઈક કામ લઈને જાઓ એટલે પેલો માણસ કહેશે એ મારું કામ નહીં. કામ તો આનાથી થઈ શકે તેવું હોય તો પણ એ હાથ ઊંચા કરી દે છે. એટલે માણસને થાય છે કે આ દુનિયા બહુ જ સ્વાર્થી છે. આ એક વિષચક્ર છે. માણસનું કામ કરે તે માણસ અને એ જ કામનો માણસ. કશા જ કામ કે સ્વાર્થ વગર માણસ માણસ વચ્ચે સ્નેહસંબંધ રાખે તે સાચો માણસ. પોતાના કોઈ હેતુ કે સ્વાર્થનો વિચાર કરીને તમે સંબંધ બાંધો અને સામા માણસને ‘કામનો’ ગણી લો, પણ કસોટી આવે ત્યારે તમારે માટે એ ‘નકામો’ પુરવાર થાય એવું બને.

તમે જેને ‘નકામો’ અને ‘ત્રેવડ’ વગરનો માણસ માન્યો હોય તે માણસ તમારી ભીડની ક્ષણે તમારી મદદમાં આવે, તમારી પડખે ઊભો રહે તે જ ખરેખર ‘કામનો માણસ’ કહેવાય.

માણસની પરખ કરવામાં આ જ રીતે આપણે નિષ્ફળ જતાં હોઈએ છીએ. જરૃર પડ્યે કામમાં આવશે તેમ માનીને અમુક વ્યક્તિ જોડે સંબંધ બાંધવાની સ્વાર્થવૃત્તિથી દોરવાઈએ છીએ અને આવી રીતે વિચારીને બાંધેલો સંબંધ ખરી કસોટીમાં કશા કામમાં આવતો નથી! એથી ઊલટું જેની દ્વારા આપણું કશું જ કામ થઈ નહીં શકે એવું જેના વિશે આપણે માન્યું હોય તે માણસ ખમીર ન હોય, ત્રેવડવાળો પણ ન હોય તો પણ તે ભીડના-કસોટીના પ્રસંગે વગર કહ્યે ખપમાં આવે તેવું બને છે. એટલે માણસ ‘કામનો’ છે ગણીને સંબંધ બાંધવો નહીં- સંબંધ ખાતર સ્નેહ સંબંધ બાંધવો. આખરે માણસ ખરેખર ‘કામનો’ છે કે ‘નકામો’ છે તે કસોટીની ક્ષણે જ ખબર પડે છે.

——————.

You might also like