વામન કલાકારોની વિરાટ વેદના

બોલિવૂડનો કિંગખાન શાહરુખ તેની આગામી ફિલ્મમાં બૌના (ઠીંગુજી)ની ભૂમિકા ભજવી રહ્યો છે. કહેવાય છે કે, ઝીરો નામની તેની આવનારી ફિલ્મને લઈને તેના ચાહકો હજુ જોઈએ તેવા ઉત્સાહિત નથી. આવા સમયે રિયલ લાઈફના બૌના કલાકારોની વાત કરવી પણ અનિવાર્ય બને છે. આપણો સમાજ ઠીંગુજીઓ સાથે મોટા ભાગે સમાન વ્યવહાર કરતો નથી એ એક કડવી વાસ્તવિક્તા છે. ઠીંગુજીને ઝીરો જ માનવામાં આવે છે, પરંતુ ફિલ્મી દુનિયામાં ઘણા એવા પણ કલાકારો છે જેમણે રીલ સાથે રિયલ લાઈફમાં પણ સાબિત કરી દીધું છે કે બૌના (ઠીંગણા) હોવા છતાં તેઓ ઝીરો નહીં, હીરો છે. અહીં એવા જ કેટલાક કલાકારોની વાત કરવાની છે….

 

હેન્ડસમ એક્ટર કે બ્યુટીફુલ એક્ટ્રેસની વાત આવે ત્યારે લાંબંુ કદ, સમાન શરીર બાંધો, ગોરો વર્ણ જેવી અનેક બાબતોને ધ્યાનમાં લેવામાં આવે. આવા સમયે કોઈ ત્રણ-સાડા ત્રણ ફૂટની વ્યક્તિ આવીને એમ કહે કે મારે ટીવી ક્ષેત્રે કે બોલિવૂડમાં કરિયર બનાવવી છે, તો લોકો તેને સાહજિક રીતે નથી જોવાના તે સ્વીકારવું રહ્યું. આવું જ કંઈક બન્યું હતંુ લીલીપુટ સાથે. નામ તો સૂના હોગા… લીલીપુટ બોલિવૂડમાં ઠીંગુજી તરીકે એન્ટ્રી લેનારો પ્રથમ કલાકાર હતો અથવા એવું પણ કહી શકાય કે ઠીંગુજી તરીકે સ્વીકારાયેલો હિંમતવાન અભિનેતા કોઈ હોય તો તે લીલીપુટ હતો અને આજે પણ છે. લીલીપુટે બોલિવૂડમાં એન્ટ્રી મારી ત્યારે તેના નસીબમાં લાંબો સંઘર્ષ લખાયેલો હતો, કારણ કે અહીં તો મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચનના પુત્રને પણ અભિનેતા તરીકે સાબિત થતાં વર્ષોનાં વર્ષાે વીતી ગયાં છતાં આજે પણ તે બોલિવૂડમાં ટકવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. ત્યારે લીલીપુટ જેવા ત્રણ-સાડા ત્રણ ફૂટના આ કલાકારને કોઈ પોતાની ફિલ્મમાં રોલ કેવી રીતે આપે…

પરંતુ પોતાની અભિનયની ક્ષમતાથી લીલીપુટે સાબિત કરી દીધું કે માત્ર લાંબા અને હેન્ડસમ હોવાથી બોલિવૂડમાં કશું પુરવાર કરી નથી શકાતું. લીલીપુટે તેની લાંબી કારકિર્દીમાં લગભગ દરેક મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. બોલિવૂડની ‘સાગર’, ‘બંટી ઔર બબલી’, ‘સ્વર્ગ’, ‘એલાન-એ-જંગ’ જેવી અનેક સફળ ફિલ્મો તેના નામે લખેલી છે. આ સાથે જ ‘દેખ ભાઈ દેખ’ અને ચમત્કાર જેવી ફિલ્મોની કથા લખીને તેણે પોતાની આવડત પુરવાર કરી છે. આટલી બધી સફળતા છતાં પણ લીલીપુટનું કહેવું છે કે, ‘ક્યાંક ને ક્યાંક આજે પણ તેને કામ મળવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. લોકો આજે પણ એ સ્વીકારી નથી શકતા કે અમારું કદ માત્ર શરીરથી જ ઓછું છે, કામ કરવાની ઉત્સુક્તા, ધગશ અને આવડત તો અન્ય લોકો જેટલી જ અને કેટલેક અંશે તો તેથી પણ વધારે છે. આજે પણ બોલિવૂડમાં માત્ર ને માત્ર જોકના પાત્ર તરીકે જ અમારો ઉપયોગ કરવામાં આવે છે. રિયલ લાઈફમાં હું પિતા, ભાઈ, દીકરાનું કિરદાર બરોબર નિભાવી રહ્યો છું. છતાં રીલ લાઈફમાં આ રોલથી હજુ અમે દૂર જ છીએ. છતાં એક વાત સ્વીકારવી પડશે કે પહેલાં જે હદે અમારી મજાક થતી હતી. તેમાં આજે ઘણો બધો બદલાવ આવ્યો છે.’

આ તો વાત થઈ લીલીપુટની. આવું જ એક બીજું પાત્ર છે જૂહી અસલમ. ૨૦૧૦માં ‘બાબા એસા વર ઢૂંઢો’ નામની ટીવી સિરિયલ આવી હતી. પ્રથમ એપિસોડ જોઈને એવું લાગતંુ હતું કે આ સિરિયલ બહુ લાંબી નહીં ચાલે, કારણ કે સિરિયલમાં મુખ્ય પાત્રનો રોલ જૂહી નિભાવી રહી હતી. જેની હાઈટ માત્ર સાડા ત્રણ ફૂટ હતી. હવે આ મુખ્ય પાત્રને દર્શકો સ્વીકારશે કેવી રીતે અને તેમાં પણ તેની પ્રેમ કહાનીને લોકો કેવો રિસ્પોન્સ આપશે તેવું લાગતું હતું, પણ જ્યારે સિરિયલ શરૃ થઈ ત્યારે જૂહીની દમદાર અભિનય ક્ષમતા જોઈ લોકો તેની એક્ટિંગના દીવાના બની ગયા હતા. એ સિરિયલ એટલી ચાલી કે સિરિયલમાં દીકરી, પુત્રવધૂ અને સાસુ તરીકેનું કિરદાર પણ જૂહીએ નિભાવ્યું. જૂહી કહે છે કે, ‘આ સિરિયલમાં રોલ મળવો મારા માટે ઘણી મોટી વાત હતી. ત્યાર પછી મને ઘણી બધી સિરિયલોમાં કામ મળ્યું છે, પણ ઘણી જગ્યાએ માત્ર હસી-મજાકના પાત્ર માટેના કે કોઈ નાના કિરદારના મળેલા રોલનો મેં શાલીનતાથી અસ્વીકાર કર્યાે છે. બીજી એક વાત એ પણ છે કે જ્યારે હું આ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી નહોતી ત્યારે મારી સાથે ઘણું ખરાબ વર્તન થયેલું. સગાં-સંબંધી મારા અન્ય કઝીન માટે કપડાં લાવતાં અને મને કહેતાં કે તારા માપનાં કપડાં અમને મળ્યાં જ નહીં. ત્યારે મને ઘણું દુઃખ થતું. આજે તે લોકો સામેથી કહે છે કે આ તો અમારા ઘરની દીકરી છે. ખરેખર આવા લોકોએ પોતાની માનસિક્તા બદલવાની જરૃર છે.

અમે જેવા છીએ, ભગવાને અમને બનાવ્યા છે. અમારા નાના કદ પર કોમેન્ટો કરવા કરતાં લોકો પોતાના વિચારો બદલે તે વધુ જરૃરી છે.’ શાહરુખ ખાનની ફિલ્મ ‘ઝીરો’ની વાત કરીએ તો તેના ચાહકોએ તો તેના આ કેરેક્ટરને બહુ ભાવ આપ્યો નથી. નાના પરદા ઉપર અને ભોજપુરી ફિલ્મોમાં પોતાના અભિનયના જાદુ પાથરનારા કે.કે. ગોસ્વામીએ પણ શાહરુખ પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. એક ઈન્ટરવ્યૂમાં કે.કે.એ કહ્યું છે કે, ‘શાહરુખ સરે અમારા જેવા બૌના કલાકારો ઉપર ફિલ્મ બનાવી તે ઘણી સારી વાત છે, પરંતુ આ ફિલ્મમાં પોતે રોલ કર્યો એના કરતાં કોઈ ઠીંગણા કલાકારને હીરો બનવાની તક આપી હોત તો તે અમારા માટે સન્માનની વાત હોત. હાલમાં તો ઘણા ઠીંગણા કલાકારો છે, જે એક્ટિંગમાં એક્કા છે. છતાં અમને કાયમની જેમ લીડ રોલ ન મળે તેવા પ્રયત્નો શા માટે કરવામાં આવે છે. એ વાત જુદી છે કે જ્યારે કમલ હસનજીની ફિલ્મ અપ્પુરાજા આવી હતી ત્યારે તેમાં તેમણે ઠીંગુજી કલાકાર તરીકે જાતે અભિનય કર્યાે હતો, પરંતુ તે સમયે ઈન્ડસ્ટ્રીમાં ઠીંગણા કલાકાર નહોતા, પણ આજે તો છે. શાહરુખ સરે અમને દુઃખ પહોંચાડ્યંુ છે. અમારી નજરમાં તો તે સ્વાર્થી છે.’

તો બીજી બાજુ ટ્વિટર પર પણ કિંગખાનની મજાક ઊડી રહી છે. એક યુઝરે તો એવું પણ લખી નાંખ્યંુ કે શાહરુખ ખાનના એટલા ખરાબ દિવસો આવ્યા છે કે તેને રાજપાલ યાદવનો રોલ પણ ઝૂટવવો પડ્યો. ખેર, હવે જે હોય તે પણ શાહરુખે ખરેખર ઠીંગુ કલાકારને અભિનયની તક આપવા જેવી હતી કે નહીં તે તો તેનો અંગત મામલો છે, પણ એટલું ચોક્કસ કહી શકાય કે, કોઈ પણ ઠીંગણી વ્યક્તિ, પછી તે કલાકાર હોય કે આમ ઇન્સાન, તેને ક્યારેય ઓછી આંકવી ન જોઈએ, કારણ કે દરેકને રંગ, રૃપ, કદ, આકાર આપનાર માત્ર ઈશ્વર જ છે અને પ્રભુ જ્યારે એક ખામી આપે છે તો તેની સામે અનેક આવડત પણ આપી દે છે. કેમ ખરું ને?

———————

You might also like