કચ્છનાં પુરાતત્ત્વીય સ્મારકોનું કોઈ ધણીધોરી નથી

ગુજરાતમાં ૩૬૬ જેટલાં પુરાતત્ત્વીય સ્મારકો છે, પરંતુ તેની જાળવણી કરવામાં સરકારને રસ નથી. પુરાતત્ત્વ ખાતામાં ૭૫ ટકા ટૅક્નિકલ સ્ટાફ નથી. કચ્છ જેવા છેવાડાના જિલ્લાનાં ૨૦ જેટલાં સ્મારકો રાજ્ય સરકારના પુરાતત્ત્વ ખાતા હસ્તક છે અને પાંચ સ્મારકો કેેન્દ્રના આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા હસ્તક છે. અહીં પુરાતત્ત્વ ખાતાની કચેરીએ તો હંમેશાં તાળું જ જોવા મળે છે. કારણ, પુરાતત્ત્વ ખાતાની કચેરી માત્ર એક પટાવાળો સંભાળે છે, જેને પણ બીજા ખાતામાંથી મેળવેલો છે…..

 

કચ્છની ભૂમિ કરોડો વર્ષનો પ્રકૃતિનો ઇતિહાસ તો સંગ્રહીને બેઠી જ છે. સાથે-સાથે સેંકડો, હજારો વર્ષો જૂનો માનવીય ઇતિહાસ પણ સાચવીને બેઠી છે. આજથી અંદાજે ૪૮૦૦થી પ૦૦૦ હજાર વર્ષ પૂર્વેના માનવ સભ્યતાના અવશેષો અહીં ખૂબ સારી અવસ્થામાં જોવા મળે છે. હડપ્પીય કે સિંધુ સંસ્કૃતિની અનેક સાઇટ છે. સદીઓ જૂનાં મંદિરો, કિલ્લાઓને સરકારે રક્ષિત જાહેર તો કર્યાં છે, પરંતુ તેના રક્ષણની કે જાળવણીની કોઈ વ્યવસ્થા કરાઈ નથી. રાજ્ય સરકારની કચેરીમાં તો કોઈ સ્ટાફ જ નથી અને કેન્દ્રની કચેરીમાં પણ સ્ટાફની ઘટ છે. પુરાતત્ત્વ ખાતાની કચેરીને તો હંમેશાં તાળું લાગેલું જ નજરે પડે છે. એક જમાનામાં ૧૩-૧૪ કર્મચારીઓથી ધમધમતી રહેતી આ કચેરી આજે ભૂતિયું મકાન બની ગઈ છે. અહીંથી નિવૃત્ત થઈ ગયેલા કર્મચારીઓની જગ્યા ક્યારેય ભરાઈ જ નથી. જેની સીધી અસર કચ્છની ઐતિહાસિક, પુરાતત્ત્વીય ધરોહરની સાચવણીને થાય છે. ૨૦૦૧ના ભૂકંપની અસર ભુજની છતરડી અને રામકુંડ, કંથકોટના કિલ્લાને તથા તેમાંના સૂર્ય મંદિર અને જૈન મંદિર, મંજલના પુંઅરેશ્વર મંદિર, કેરાના શિવમંદિર, અંજારના ભડેશ્વર મહાદેવ મંદિરને થઈ હતી, પરંતુ ભૂકંપને ૧૭ વર્ષ વીતવા છતાં આ પૈકીનાં અનેક સ્મારકો હજુ યથાવત્ સ્થિતિમાં પડ્યાં છે. અંજારના ભડેશ્વર મંદિર કે કેરાના શિવ મંદિરને ભાવિકો અને સ્વૈચ્છિક સંસ્થાઓએ મૂળ સ્થિતિમાં લાવવા પ્રયત્નો કર્યા છે, પરંતુ પૂર્ણેશ્વરનું મંદિર આજે પણ ગમે ત્યારે પડી જાય તેમ છે. જ્યારે ફિલ્મોમાં ચમકીને જાણીતી થયેલી છતરડીઓને પણ ભૂકંપમાં ભારે નુકસાન થયું હતું, પરંતુ અત્યારે એકાદ- બેનું કામ થયું છે. લખપતજીની છતરડીનું પ્લિન્થ લેવલ સુધીનું કામ છેક ૮ વર્ષ સુધી બંધ રહ્યાં પછી થયું હતું. અત્યારે પણ આ છતરડીનું કામ પૂરુંં થયું નથી.

૨૦૧૪ના કેગના રિપોર્ટમાં પણ પુરાતત્ત્વ ખાતા દ્વારા સ્મારકોની યોગ્ય જાળવણી થતી ન હોવાની ટીકા કરાઈ છે. જાળવણી માટે મળનારા ફંડનો પૂરતો ઉપયોગ થતો નથી. કચ્છની બૌદ્ધ ગુફાઓનું ઉત્ખનન પણ થયું નથી.

કચ્છમાં મહત્ત્વનાં સ્મારકોમાં બારમી સદીની આસપાસ બનેલું પુંઅરેશ્વરનું મંદિર મહત્ત્વનું છે. ઐતિહાસિક અને પુરાતત્ત્વીય મહત્ત્વ ધરાવતું આ મંદિર સદીઓથી કાળનો માર ખમીને નબળું તો થયું જ હતું. મોટા પથ્થરો એકબીજા પર મુકીને બનાવાયેલું આ મંદિર અત્યારે ભલે નાનું લાગતું હોય, તેનું ઐતિહાસિક મહત્ત્વ ઘણું વધારે છે. નવરાત્રી દરમિયાન પગપાળા માતાના મઢનાં દર્શનાર્થે જનારા ભાવિકો માટે અહીં મોટો કેમ્પ યોજાય છે. આ મંદિરના રિસ્ટોરેશન માટે અગાઉ ૮૦ લાખ ફાળવાયા હતા, પરંતુ આસપાસ વેરાયેલા પથ્થરો એકઠા કરીને રખાયા છે તથા માત્ર પ્લિન્થ સુધીનું કામ કરાયું છે. બાકીનું કામ સ્ટાફ અને કારીગરોના અભાવે વર્ષોથી અટકેલું છે.

કંથકોટનો કિલ્લો ૧૦-૧૧મી સદીમાં કાઠીઓની રાજધાની હતી. અહીં સૂર્ય મંદિર અને જૈન મંદિર એમ બે સુંદર મંદિરો હતાં. જેને પુરાતત્ત્વ ખાતાએ રક્ષિત જાહેર કર્યાં હતાં, પરંતુ ૨૦૦૧ના ભૂકંપમાં બંને મંદિરો જમીનદોસ્ત થઈ ગયાં હતાં. અત્યારે મંદિરની સુંદર મૂર્તિઓ આસપાસના પરિસરમાં પડેલી જોવા મળે છે. કિલ્લાનો દરવાજો પુરાતત્ત્વ ખાતા દ્વારા રિપેર કરાયો છે, પરંતુ બીજું કોઈ કામ થયું નથી. આવી જ રીતે એક જમાનામાં જ્યાં રોજનો લાખોનો વેપાર થતો તે લખપતનો કિલ્લો આજે ભૂતિયા શહેરની જેમ માત્ર ૫૦૦ની વસતી સાથે ખાલી જેવો પડ્યો છે. આ કિલ્લાના રિપેરિંગ માટે વર્ષો પહેલાં કચ્છ કલેક્ટરે પુરાતત્ત્વ વિભાગને દરખાસ્ત કરી હતી. જોકે ત્યાર બાદ આગળ કોઈ કાર્યવાહી કરાઈ નથી.

લખપત તાલુકાના સિયોતમાં આવેલી શૈલ ગુફાઓ તેની સાક્ષી છે, પરંતુ આ ગુફાઓ પ્રત્યે પણ દુર્લક્ષ સેવાયું છે. ગુફાઓ સુધી જવાનો રસ્તો બિસ્માર છે. અહીં નજીક જ એક ટીંબો છે. જેમાં પુરાતત્ત્વીય અવશેષો મળવાની શક્યતા છે. આથી અહીં પૂણેની ડેેક્કન યુનિવર્સિટી તથા પુરાતત્ત્વ ખાતા દ્વારા ઉત્ખનનની યોજના હાથ ધરાઈ છે. જોકે તે ક્યારે થશે તે નક્કી નથી. સિંધુ સંસ્કૃતિના મહત્ત્વના મથક ધોળાવીરામાં પણ પૂરતું ઉત્ખનન થયું નથી. જો પૂરતું ઉત્ખનન થાય તો આજના કોઈ પણ શહેરને ટક્કર મારે તેવું શહેર દૃશ્યમાન થવાની શક્યતા છે. આમ છતાં જેટલું ઉત્ખનન થયું છે તેના પરથી તે સુનિયોજિત રીતે વિકસાવાયું હોવાનું જણાઈ આવે છે. અહીં વિશ્વની પ્રથમ રંગભૂમિ હતી. અહીં ગાઇડ કે ત્યાં આવનારા લોકોને ધોળાવીરા વિશે સમજ આપી શકે તેવો પુરાતત્ત્વ વિભાગનો કોઈ સ્ટાફ નથી. આવવા જવાનો રસ્તો બિસ્માર છે, પ્રવાસીઓ માટે રહેવા, જમવાની કોઈ વ્યવસ્થા નથી. એક નાનકડું મ્યુઝિયમ લોકોની અપેક્ષા સંતોષવામાં ઊણું ઊતરે છે. ધોળાવીરા જેવી કાનમેર, કુરન, સુરકોટડાની સાઇટ છે, પરંતુ ત્યાં કોઈ ખાસ કામ થયું નથી. કચ્છમાં ૧૮ જેટલાં પુરાતત્ત્વીય સ્મારકો રાજ્ય સરકાર હસ્તક છે, પરંતુ તેમની સંભાળ લેવા સ્ટાફ નથી. અહીં વર્ષોથી પુરાતત્ત્વ અધિક્ષક નથી. અત્યારે વી.ડી. કણસાગરાને ચાર્જ સોંપાયો છે, પરંતુ તેઓ એન્જિનિયર છે તેથી કોઈ સ્મારકના ઐતિહાસિક મહત્ત્વ વિશે તેઓને પૂરતો ખ્યાલ નથી. ઉપરાંત તેમની પાસે કચ્છ સહિત ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને અમદાવાદ સહિત ૧૭-૧૮ જિલ્લાનો ચાર્જ છે. કચ્છની કચેરીમાં એક્સ્પ્લોરેશન આસિસ્ટન્ટ, ટૅક્નિકલ આસિસ્ટન્ટ, ફોટોગ્રાફર કમ ડ્રાફ્ટસમૅન, હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક જેવો કોઈ સ્ટાફ નથી. દરેક સ્મારક માટે એક ચોકીદાર પણ હોવો જોઈએ, પરંતુ કચ્છમાં માત્ર એક જ ચોકીદાર છે, તે પણ બીજા ખાતામાંથી આવેલો. આથી આ કચેરીએ હંમેશાં તાળું લાગેલું જ દેખાય છે.

રાજ્યના પુરાતત્ત્વ વિભાગ પાસે ૭૫ ટકા જેટલો ટૅક્નિકલ સ્ટાફ નથી. તેના કારણે સ્મારકોની યોગ્ય જાળવણી થઈ શકતી નથી.

પુરાતત્ત્વ ખાતાના ડાયરેક્ટર વાય.એસ. રાવત નિવૃત્ત થયા પછી ફરી ચાર્જમાં આ હોદ્દો સંભાળી રહ્યા છે. તેઓએ કચ્છની પુરાતત્ત્વીય વિરાસતની જાળવણી અંગે વાત કરતાં સ્ટાફની કમીની વાત જ દોહરાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘ખાતામાં અનેક જગ્યાઓ ખાલી છે. તે ભરવાની પ્રક્રિયા ચાલુ છે. થોડા સમય પહેલાં પુરાતત્ત્વ અને સંગ્રહાલયોનો વિભાગ એક થતાં ભરતીના નિયમોમાં ફેરફાર કરવા પડ્યા છે. નજીકના સમયમાં જગ્યાઓ ભરાઈ જશે.’

જ્યારે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના સિનિયર કન્ઝર્વેશન આસિસ્ટન્ટ એ.જે. પરમારના જણાવ્યા મુજબ તેમને પણ સ્ટાફની ઘટની સમસ્યા નડે છે. તેઓ કહે છે, ‘અમને ખાસ તો નાણાં અને સ્ટાફની ઘટ નડે છે. આમ છતાં મર્યાદિત રિસોર્સિસ વચ્ચે પણ થાય તેટલું કામ કરીએ છીએ. હડપ્પન સાઇટ ધોળાવીરા પર અમે સ્ટાફ રાખ્યા છે. આગળ કામ શરૃ કરવા માટે પ્રયત્ન ચાલુ છે. તેની બાજુની બીજી એક નાનકડી છતરડી પણ સુરક્ષિત કરાઈ છે. અમારી પાસે ફોટોગ્રાફર કે ટૅક્નિકલ સ્ટાફ તો છે, પરંતુ જાળવણીના કામ માટે સ્ટાફ નથી.’ પુરાતત્ત્વ ખાતાની ભુજની કચેરીમાં ફોટોગ્રાફર કમ ડ્રાફ્ટ્સમૅન તરીકે કામ કરીને નિવૃત્ત થયેલા નટવરલાલ વ્યાસ પણ નવી ભરતી થતી ન હોવાથી સ્મારકોની સાચવણીમાં મુશ્કેલી પડતી હોવાનું જણાવે છે. તેઓ વધુમાં કહે છે, ‘ભચાઉ તાલુકાનું આધોઇ ગામ ભૂકંપમાં સંપૂર્ણ તહસનહસ થઈ ગયું હતું. મૂળ ગામથી બે કિ.મી. દૂર નવું ગામ વસાવાયું છે, પરંતુ મૂળ ગામને લોકોએ યથાવત્ સ્થિતિમાં જાળવી રાખ્યું છે. આજે પણ ત્યાં જઈએ તો ભૂકંપ વખતે પડી ગયેલા મકાનો નજરે પડે છે. આ મ્યુઝિયમપીસ જેવા ગામની પણ સંભાળ લેવાવી જોઈએ.’

—————-.

ધોળાવીરામાં આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ બનશે….

વર્ષોથી ધોળાવીરામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું મ્યુઝિયમ બનશે તેવી વાતો થાય છે ત્યારે તાજેતરમાં જ આ સાઇટ પર જ દિલ્હી, ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓની કચ્છ કલેક્ટરની ઉપસ્થિતિમાં એક બેઠક યોજાઈ હતી. જેમાં આ મ્યુઝિયમ માટે જરૃરી જમીનની ફાળવણી કરવાની તૈયારી કલેક્ટરે બતાવી હતી અને તે માટે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની ઔપચારિક દરખાસ્ત તેમને મળ્યે આગળ કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. આમ હવે દડો એ.એસ.આઈ.ના હાથમાં છે, પરંતુ કામ ક્યારે ખરેખર આગળ ધપશે અને ક્યારે શરૃ થઈને પૂરું થશે તે એક પ્રશ્ન છે.

આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ ઉપરાંત અહીં એક સ્ટડી સેન્ટર બનાવવાની વાત પણ ચર્ચાઈ હતી. આ સ્ટડી સેન્ટરમાં સિંધુ સંસ્કૃતિના આ શહેર ઉપરાંત અન્ય સાઇટમાં રસ ધરાવતી વ્યક્તિને મદદરૃપ થાય તેવી સામગ્રી સાચવવાની, તેમને માર્ગદર્શન આપવાની વ્યવસ્થા હશે.

—————————-.

You might also like