હાસ્ય ના હોત તો ઉત્ક્રાંતિ ના થાત?

વિનોદ, રમૂજ કે ટોળટપ્પાં વિના જીવન અધૂરું છે
હસ્યા વિનાનાં સુખ, આનંદ કે મોજથી પણ પૂરું છે

 

બુક એટલે? સંસ્કૃત શબ્દ હોય તો હાસ્ય. બુક્ક અર્થાત્ બકરો. શક્ય છે બોકડો મોં ફાડીને બેંઓંએંએં કરે એ સાથે આ હાસ્ય જોડાયેલું હોય. મૂળ શબ્દ હાસ. જેના પરથી હાશ. અહીં અરબી યાદ આવે. હઝરત અલીના બીબી ફાતમાના મોટા દીકરા હસન. આપણી ભાષામાં હસન = હસવું/હસાહસી કરવી તે. અરબી હસન ધાતુ પરથી હુસ્ન = સૌંદર્ય ‘ને હસીના = સુંદરી આવ્યું. અંગ્રેજીમાંય બૌદ્ધિક વા શિક્ષિત લાગે એવા સ્નિકર, ગિગલ ‘ને ચકલ જેવા હાસ્યનાં ઘણાં નામકરણ છે. ખેર, સંસ્કૃતમાં હાસ્ય માટે ઘણા મજાના શબ્દ છે. પ્રકાશ. ઘર્ઘર. ‘કહાની ઘર્ઘર કી’ કરો તો કોમેડી શૉ થઈ જાય. ઘર્ઘર પરથી ઘૂઘરો ‘ને તેનો બીજો એક અર્થ ઇંગ્લિશમાં ગાર્ગલ. ઘરઘરાટી યાને નસકોરાં બોલાવવાં. ગાગર સાથે સંકળાયેલું ગર્ગર = ચર્નિંગનું ચર્ન અલગ. પ્રહાસ્ય = વ્યંગ/કટાક્ષ સાથે સંબંધિત. ઉપહાસ્ય = ડોકું ધુણાવી હસવું. વિહાસ્ય = વિરોધી, વિકૃત કે વિશિષ્ટ. સામ્પ્રહાસ્ય = અટ્ટહાસ્ય. ઉત્સ્મય એટલે સ્મિત નાન્યતરમાંથી સ્ત્રીલિંગ સ્મિતિ થાય, સમિતિ નહીં તો સ્માઇલમાંથી લાફ્ટર બની શકે. સ્મયન = સૌમ્ય હાસ્ય. દબાયેલું હાસ્ય ઉદવર્ધન કહેવાય. ઉદ એટલે પાણી તો જલવર્ધન કહેવાય કે નહીં તે પ્રશ્ન છે અને ઉચ્ચધન એટલે ચહેરા પર જેના ભાવ ના દેખાય તેવું હાસ્ય. બાળક જન્મે એવું રડે. રડવાનું શીખવાડવું ના પડે કે ૯૯% કેસમાં પેદા ના કરવું પડે. તો જ્યારે જનેતા પોતાના બાળ સામું હસે ત્યારે તે પહેલી વાર હસે છે. મગજના દર્પણ-કોષ નકલ કરીને પોતાના મૂળ શરીર જેવું સહજ વર્તે છે. બીજી તરફ નાઇટ્રસ ઓક્સાઇડ ઉર્ફે લાફિંગ ગેસ મગજની સામાન્ય કાર્યવિધિ ખોટકાવી અસામાન્ય સ્થિતિ ઊભી કરે છે ‘ને હસવું આવે છે. ત્રીજી તરફ ગલીપચી વખતે ગાંડાની જેમ હસવું આવે છે. ફની વાત એ છે કે ગીલીગીલી વેળાએ મગજનો એ ભાગ સક્રિય થાય છે જે દર્દ માટે સમર્પિત છે. જર્મન સંશોધકો કહે છે કે એ હાસ્ય એક રક્ષણાત્મક પ્રતિક્રિયા છે જેમાં બૉડી સામેનાને તાબે છું એવું શૉ કરે છે, વાસ્તવમાં તાબે નથી હોતું. ચોથી તરફ હકીકતમાં ગાંડા પ્રકારના માનવીઓ અકારણ હસતાં ભાસે છે. બેશક બાકીની બધી તરફ વ્યાપ્ત હસવું એ શું છે એ ઘણી રીતે કોયડો છે.

રામાયણ સિરિયલના રાવણનું કે ગબ્બરસિંઘનું હાસ્ય યાદ કરતાં ગુંજવા લાગે. એવું અટ્ટહાસ્ય એટલે વિપ્લવાટ્ટહાસ્ય, ભૂતહાસ કે ઉત્પ્રાસ. એ હાસ્યમાં કુવિજય કે હિંસા જેવી અમાનવીય બૂ છે. અંધે કા પુત્ર અંધા કહીને દ્રૌપદી દુર્યોધન પર હાહાહાહા કરીને હસે છે. અપમાન કે વેર? સો ટકા મશ્કરી. કોઈ દાદરા પરથી ગબડે(=પડે) તો કોકને હસવું આવે. લાફ્ટર પ્રકારના શૉ કે વીડિયોેમાં અર્ધાથી વધુ સંજોગો કોઈના દુઃખ પર હસવાના હોય છે. ઢગલો જોક્સમાં કોઈની પટ્ટી જ પાડેલી હોય છે. મગજ બાજુમાં મૂકીને જોવાની ફિલ્મની એક પ્રજાતિ છે. તો ‘ઇન્તેલિજન્ત’ પ્રકારના હાસ્ય-લખાણનીય એક ‘ગેન્રી’ સે. એવી એક શૈલીમાં યુઝાતા સાર્કાઝમ એ.કે.એ. વ્યંગનો એક અર્થ છે ક્રિપલ્ડ/ ડીફોર્મ્ડ. મર્મવચન કે સેટાયર લેખનમાં ઝાઝાં ભાગે વકરેલી વક્રદ્રષ્ટિ હોય છે, ઠઠ્ઠાગીરી. બે હાથે બર્ગર કરડતા ગોરાઓ ભારતીયને હાથથી રોટલી શાક ભરખતા જોઈ હસે. ગુજરાતી રોટલી પર પંજાબી હસે. બંને દક્ષિણીને ભાત-દાળ ખાતા જોઈને હસે. પૃથ્વીવાસીઓએ કોઈ એલિયનને જમતા જોયો નથી, બાકી સૌ ભેગાં મળીને એના પર હસે.

હસતી વખતે બ્રેઇન પોઝ મોડમાં આવે છે કે યુ આર રોંગ અથવા આઇ એમ રાઇટના હુંકારમાં. જો કોઈ ઘરડી વ્યક્તિ ઠોકર ખાય તો? જોઈ કોઈ પોતાનું લપસે તો? ખુલ્લી ઝિપર સાથે ભણાવતા શિક્ષક પોતાના પપ્પા હોય તો? સેડનેસ. પેઇન. દયા. શરમ. એવું બધું થાય. પાછું પત્ની નકશા જેવી રોટલી બનાવે તો હસવું આવે કે ગુસ્સો એ સમય પર આધાર રાખે. પેચ લઈને કાપો એ કરતાં કોઈ જોરશોરથી ખેંચવા આવે ‘ને અડતામાં જ એનું જાય તો ખરેખર હસવું આવે. આંખ બંધ કર મસ્ત વસ્તુ આપું કહીને કશું ગંદું કે ચિતરી ચઢે એવું પધરાવ્યા પછી સફળતાપૂર્વક છેતરવાનું હાસ્ય ઉત્પન્ન થાય. બારણું ખૂલે ‘ને હાઉ કરીને કોઈને ભયમાં મૂકીનેય હસવું આવે. શું છે આ હાસ્ય? એને માનવીયમૂલ્ય એવં સત્ય સાથે કેટલો સંબંધ છે? હાસ્ય ના હોત તો ઉત્ક્રાંતિ ના થાત?

કૂતરા ખુશ થાય ત્યારે પૂંછડી પટપટાવે. ચાટે. માણસ હેપી થાય ત્યારે તાલી પાડે, આપે. નાચે. બંદરની માફિક કૂદકા મારે. ભેટે. કિસ કરે. વાઘ-સિંહ બાઇટ-બાઇટ રમે. કોયલ જેવા પક્ષી એમનું સંગીત રેલાવે. સો આનંદ કે જોયની સ્થિતિ હસવાથી ભિન્ન છે એમાં બબૂઆ કોનો ડાઉટ નથી. તેમ છતાં અમુક જનાવર હસે છે. ડોલ્ફિન. કી નામનું પોપટ જેવું પંખી. ચિમ્પાન્ઝી દાંત કાઢી શકે. જેરી સહિત ખરા ઉંદર રમતાં હોય ત્યારે હાહાહીહી કરે, આપણને ભલે ના સંભળાય. અમુક કૂતરા પણ ખીખી કરે. ઉરાંગઉટાંગ. ઝરખ. અલબત્ત, આ બધા અંદરથી રિઅલી હસે છે કે કેમ એ ખાતરી કરવી પડે. પણ, એટલું નિશ્ચિત છે કે મસ્તી, ટીખળ વગેરે કે અપવાદ છોડીને આ હસી શકતા બિનમનુષ્યો નકરાત્મક હેતુથી નથી હસતા.

મોટા ભાગના પામી ચૂકેલા યોગીઓ સ્મિતથી નોખું જે હાસ્ય છે એના પક્ષમાં નથી હોતા. ખિખયાટા કરતાં આદિમાનવોની કલ્પના કરો, તમને એ હ્યુમન કમ મંકી જ્યાદા લાગશે. તમારા મનને એમની મોકરી કરવાનું સૂઝશે. આદિમાનવનો આખો દિવસ ખાવા-પીવા ‘ને સંરક્ષણની મગજમારીમાં પૂરો થતો હશે એવી હાઈપોથીસિસની ઠેકડી કેમ ના ઉડાવાય? જાણીતા કહો કે સિદ્ધ એવા સ્તોત્ર હોય કે ભજન, હે ઈશ્વર મને હસવું આપો એવું કેમ નથી બોલાવતા? પ્રાર્થના ગમે તે ભાષા કે ધર્મની હોય, નોર્મલી અને મા-દાદીના જમાનાથી હસવું માંગવામાં નથી આવતું. હા, કાલિદાસ જેવા ઘણા કવિઓએ હાસ્યનો મહિમા કર્યો છે. જગદીશચંદ્ર બોઝ તો વર્ષો પછી થયા, એ કવિઓ કહેતા કે હાસ્યને કારણે ફૂલ-ફળ જલ્દી આવે તેમજ સારા આવે. જેમ એક સમયે હિન્દી ચલચિત્રમાં કમિડિઅન ફરજિયાત રહેતો તેમ સંસ્કૃત નાટકોમાં વિદુષક માને હાસ્યરસના કારક એવા વિદ્વાનનું પાત્ર રહેતું. પરંતુ, રામાયણ ‘ને મહાભારતમાં લોકો કે સાધક અનુસરે એવી રીતે હાસ્ય કેમ નથી? અગેન, સ્મિતની વાત નથી. હ્યુમરથી થોડી આગળની વાત છે. શાસ્ત્રોમાં ઈશ્વર, મૂર્ખાઈ ‘ને સ્મિત સિવાય કશું સાચું નથી એમ કીધું છે એની ક્યાં ના છે?

શું મચ્છર, માખી કે વંદા લોકોમાં હાસ્ય હશે? ઊધઈ હસતી હશે? લાખો જીવો ઉત્ક્રાંતિની હોડમાં હસ્યા વિના સક્સેસફૂલી સર્વાઇવ તેમજ થ્રાઇવ થયા છે. તો માનવીને હાસ્યની કેમ જરૃર પડી? એ પાર્ટ ફ્રોમ અન્ય પર હસવા, નિર્દોષ હાસ્યને આપણે કળામાં બિન્દાસ ગણી શકીએ. નીતિ-સિદ્ધાંત પીરસતું હાસ્ય-સાહિત્ય બરાબર. પણ, બાકીના પ્રકારનું શું? લાફિંગ-બુદ્ધાની આ એજમાં ત્યાંના કાફ્કા કે અહીંના કાર્ટૂન્સમાંથી ડાર્ક કે વ્હાઇટ હ્યુમર ટપકાવવા મનુષ્ય પાસે કયું કારણ છે? મજા આવે એટલે. દુઃખ દૂર થાય એટલે. એવા હાથવગા જવાબ સિવાય શું? મનોવિજ્ઞાની રોબર્ટ પ્રોવિન્સ કહે છે આ આપણું સામાજિક વર્તન છે. મારા જેવાને અનુભવ છે કે તમે કોઈને હાસ્યપ્રચૂર ટુચકો કહો ‘ને તે ના હસે તો સ્ટ્રોંગ ચાન્સ છે કે એ તમારા પ્રત્યે નકારાત્મક હશે અને જો ગમતીલા એકમેકને ચવાયેલો લતીફો શેઅર કરે તોય હસી પડશે, છેવટે એકબીજા પર. સામે એવું મનાય છે કે હસવું એ ભાષા શોધાઈ એ પહેલાંનું છે. શું દિમાગ ફક્ત અમુકતમુક ડેટા ઇનપુટ થાય એટલે યાંત્રિક રીતે હાસ્ય આઉટલોડ કરે છે? લાફ્ટર-ક્લબ હોય કે લાફ્ટર-યોગા, હસવું એ ઉપચાર/દવા સાબિત થયું છે. મનને શાંતિ મળે છે. આત્મવિશ્વાસ ‘ને રોગપ્રતિકારક શક્તિ વધે છે. આશરે ચોથા ભાગના માણસો નાકથી હસે છે ત્યારે હંહંહં કરતી મધમાખી કે ગુંગુંગું કરતો ભમરા એમની રીતે હસતા હોય એવું શક્ય છે. સ્વરપેટીની સમસ્યા હોય એય હસતા હોય છે. ઇવન ધેન એ સિરિઅસ ક્વેશ્ચન રિમેઇન્સ, ફારસ હોય કે પેરોડી ઇન્સાનને હાસ્યની જરૃર જ કેમ પડી? આપણું તન તેમજ મન હસવાની ક્રિયાના કયા કયા તાર્કિક, નૈતિક ‘ને આધ્યાત્મિક ઉપયોગ કરે છે?

બુઝારો

હસવું એ માનવ-નિયંત્રિત પાગલપણું છે જે દરમિયાન કુદરત કે સમય-સંજોગો માનવ પરનું નિયંત્રણ ખોઈ બેસે છે.

————————.

You might also like