ટ્રક ડ્રાઈવરો-અનેક અભાવો વચ્ચે દોડતી રહેતી જિંદગી

ટ્રક ડ્રાઈવરો-અનેક અભાવો વચ્ચે દોડતી રહેતી જિંદગી

 

સવારથી સાંજ સુધીની આપણી અનેક જરૃરિયાતો ત્યારે પૂરી થાય છે જ્યારે દેશના ખૂણેખૂણેથી મસમોટી ટ્રકો સમયસર આપણાં શહેરોમાં આવી પહોંચે છે, પણ શું આપણને ખ્યાલ છે કે આપણી જરૃરિયાતો સાચવતાં ટ્રક ડ્રાઈવરો કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈને આપણા સુધી પહોંચે છે? જો ના, તો વાંચો આગળ……

 

પરસોત્તમભાઈ સુરેન્દ્રનગરની એક માલવાહક કંપનીની ટ્રક ચલાવે છે. દર સોમવારે તેમના ક્લીનર ભીખા સાથે સુરેન્દ્રનગરથી સામાન ભરી ઊપડે, દોઢ-બે દિવસે મધ્ય પ્રદેશ પહોંચી ખાલી કરે અને વળતા ફેરામાં ત્યાંથી બીજો સામાન ભરતા આવે. આ આખી ટ્રિપ પૂરી કરતાં તેમને ઓછામાં ઓછા પાંચ દિવસ થાય છે. ક્યારેક એવું પણ બને કે ટ્રાફિક, વરસાદ, ખરાબ રસ્તાના કારણે બીજો આખો દિવસ નીકળી જાય. ક્યારેક પંક્ચર પણ એવા રસ્તે કે સ્થળે પડે જ્યાં આસપાસ માનવ વસ્તી તો ઠીક શ્વાન પણ ન હોય. ક્યારેક અડધી રાત્રે એન્જિનમાં અચાનક કોઈ ખામી સર્જાય અને લાખોનો માલ ભરેલી ટ્રક અસામાજિક તત્ત્વોની રંજાડ ધરાવતી જગ્યાએ ઊભી રહી જાય. એવા પણ એક-બે પ્રસંગો આવ્યા છે જ્યારે પરસોત્તમભાઈએ સ્વબચાવ માટે લોખંડની પાઈપ કે હૉકી લઈને હાઈવે રોડ પર લૂંટ ચલાવતી ટોળકીનો સામનો કરવો પડ્યો હોય.

એક વખત સાંજના સમયે હાઈવેના કિનારે ઊભેલી એક બાઈના દેહથી આકર્ષાઈને તેને ગાડીમાં લીધી અને થોડે આગળ જતાં તેણે પોત પ્રકાશ્યું. જેવું એક પોલીસ સ્ટેશન નજીક આવ્યું કે પેલીએ ધમકી આપી કે, જેટલા પણ રૃપિયા હોય તે આપી દે નહીંતર તે રાડો પાડીને પોલીસને બોલાવશે અને બંને પર છેડતી, બળાત્કારના પ્રયાસનો આરોપ મૂકી જેલભેગા કરાવી દેશે. ગભરાયેલા ક્લીનર ભીખાએ પોતાની પાસે હતા એ તમામ રૃપિયા તેને આપી દીધા, પણ બાઈને એટલાથી સંતોષ ન થતાં પરસોત્તમભાઈનો મોબાઈલ અને પાકીટ પણ તફડાવતી ગઈ. જેમાં ટોલનાકાંઓ પર ટોલટેક્સ ભરવા માટે શેઠે આપેલા રૃપિયા, ડિલિવરીની પહોંચ, સરનામું વગેરે પણ ગયું. એ તો સારું હતું કે તેમણે પેન્ટના ચોરખિસ્સામાં પંદરસો રૃપિયા અલગથી સાચવી રાખ્યા હતા એટલે કામ ચાલી ગયું. બાકી અજાણી જગ્યાએ ટ્રક મૂકીને જવું ક્યાં? થોડે દૂર એક હોટલ પર ગાડી ઊભી રાખી શેઠને ફોન કરીને આખો મામલો સમજાવ્યો. શેઠે તરત કંપનીના અન્ય માણસને મદદ માટે મોકલ્યો. એટલું જ નહીં, એ રૃટ પર દોડતી બીજી ગાડીના ડ્રાઈવરને પણ મોકલી આપ્યો ત્યારે છેવટે બંને ઘર સુધી પહોંચી શક્યા. આ ખરાબ અનુભવ બાદ પરસોત્તમભાઈ કે ભીખાએ ટ્રક ચલાવવાનું છોડ્યું નથી. ગામમાં મજૂરી કરતાં અહીં તેમને જરાક વધારે રકમ મળતી હોઈ બંને જોડાઈ રહ્યા છે. બંનેનો પરિવાર આર્થિક રીતે મોટા ભાગે તેમના પર નિર્ભર રહે છે અને તેના શેઠ પણ જરૃર પડ્યે તેને પાંચ પચ્ચીસની મદદ કરતા હોઈ તેમના ઉપકારના ભાર નીચેથી તેઓ નીકળી શકતા નથી. ટાઢ-તડકો, વરસાદ, કુદરતી કે માનવસર્જિત આપત્તિ, પરિસ્થિતિ ગમે તે હોય પરસોત્તમભાઈની ટ્રક ભીખા સાથે દેશના જુદા-જુદા હાઈવે પર દોડતી જ રહે છે. રોજ હાઈવે સાઈડના ઢાબાઓ પર જમવાનું થતું હોઈ ભીખાને સમયાંતરે કોઈ ને કોઈ પેટજન્ય બીમારી થતી રહે છે. આપણી જેમ દરરોજ મા કે પત્નીના હાથની ઘેર બનાવેલી રસોઈનો સ્વાદ માણવાનો મોકો તેમને અઠવાડિયે એકાદ દિવસ માંડ મળે છે.

જો દિલ્હી કે હરિયાણાની ટ્રિપ આવી પડે તો તો મહિને વાત ગઈ. બંને મજબૂરીમાં જે મળે તે પેટમાં પધરાવીને ગાડી ચલાવ્યે જાય છે. પરસોત્તમભાઈને વળી બગોદરા પાસેની એક હાઈવે હોટલના ગાંઠિયા એવા તો પસંદ પડી ગયા છે કે દરેક ફેરે તેઓ ત્યાંથી નીકળતી વખતે તે ખાધા વિના રહી નથી શકતા. સતત ઊકળ્યાં કરતા પડતર તેલમાં તળેલા, સોડાથી ભરપૂર કહેવાતા કાઠિયાવાડી ગાંઠિયા સાથે તીખાં મરચાં આરોગવાથી તેમની પાચનશક્તિ મંદ પડી છે. આ જ હોટલની ચા વિશે પાછી જુદા પ્રકારની વાતો ટ્રક ડ્રાઈવરોમાં થાય છે. કોઈ કહે છે કે, અહીંની ચા પીવાથી ઊંઘ નથી આવતી, તો કોઈ વળી ચાવાળો તેમાં અફીણ ભેળવતો હોવાની વાતો પણ કરે છે. બંને પર માલ સમયસર પહોંચાડવાનું અતિશય દબાણ રહેતું હોઈ તેઓ ક્યાંય શાંતિથી બેસીને આરામ નથી કરી શકતા. માનસિક તાણ ઘટાડવા બંને ક્યારેક હોટલોની આડમાં ચાલતાં કૂટણખાનાંઓ પર પહોંચી જઈને મન અને તન બંને હળવું કરી લે છે. પરસોત્તમભાઈ કહે છે, ‘ટ્રક ડ્રાઈવરનો ધંધો જરાય સારો નથી. લોકો નાછૂટકે જ આ ધંધામાં આવતાં હોય છે. ઘર ચલાવવા માટે સતત રોડ પર હોઈએ છીએ. વારતહેવારે પરિવાર સાથે રહેવાનો મોકો ભાગ્યે જ અમને મળે છે.’

પરસોત્તમભાઈના જાત અનુભવો દેશના કોઈ પણ રાજ્યના ટ્રક ડ્રાઈવરને લાગુ પાડીએ તો પણ આપણે ખોટા ન પડીએ એટલા કોમન છે. કેમ કે, બહુમતી ટ્રક ડ્રાઈવરો પરસોત્તમભાઈ જેવી જ મુશ્કેલીઓ, અગવડો ભોગવતા હોય છે. (૧) સમય મર્યાદાનું દબાણ (૨) અપૂરતી ઊંઘ (૩) ઓછો પગાર (૪) ખાવાપીવાની સમસ્યા (૫) હાઈવે પર થતી લૂંટ (૬) રસ્તાની સ્થિતિ (૭) સ્વચ્છતાનો અભાવ વગેરે તેમની મુખ્ય સમસ્યાઓ છે જેના પર આપણે ચર્ચા કરવાના છીએ.

ગુજરાતી ટ્રકડ્રાઈવરોની માનસિકતા…

આમ તો આ સમસ્યા દેશભરના ટ્રક ડ્રાઈવરોમાં સામાન્ય છે, પણ અહીં આપણે તેને માત્ર ગુજરાતના સંદર્ભમાં મૂલવવા પ્રયત્ન કરીશું. ગુજરાતમાં મોટા ભાગના ટ્રક ડ્રાઈવરો મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, પંજાબ, હરિયાણા, યુપી, તામિલનાડુ, કર્ણાટક, દિલ્હી સુધીની ટ્રિપ મારતાં હોય છે. તેની સામે આ રાજ્યોમાંથી ગુજરાતનાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભુજ સિવાય દરિયાકાંઠાનાં બંદરો કંડલા, મુંદ્રા, વેરાવળ, પોરબંદર, ઓખા, પીપાવાવ, અલંગ સુધીની ટ્રિપ મારતી ટ્રકો આવી પહોંચે છે. ગુજરાતના ૧૬૦૦ કિલોમીટર લાંબા દરિયાકાંઠે આવેલાં વિવિધ બંદરો પર આવતો માલસામાન ભરીને હાઈવે મારફત જે-તે જગ્યાએ, નિયત સમય મર્યાદામાં તેને પહોંચાડવાનું અઘરું કામ આ ટ્રક ડ્રાઈવરો કરે છે. ગુજરાતના ટ્રક ડ્રાઈવરોમાં જોકે હવે ધીમેધીમે અન્ય રાજ્યોમાં ફેરા કરવા જવાનું ઓછું થતું જાય છે. જેની પાછળ અનેક કારણો જવાબદાર છે. હાઈવે પર પડતી મુશ્કેલીઓ તો છે જ, એ સિવાય સામાજિક અને માનસિક કારણો પણ એટલાં જ જવાબદાર બની રહ્યાં છે. સતત પરિવાર અને વતનથી દૂર રહેવાનું તેમને ઓછું ફાવે છે. આમ તો આ સમસ્યા ટ્રક ડ્રાઈવરો પૂરતી મર્યાદિત નથી છતાં તેમનામાં તે વધારે પ્રમાણમાં જોવા મળી હોવાનું એક જાણીતી લોજિસ્ટિક કંપનીના અધિકારીનું કહેવું છે. તેમના મતે, ટ્રક ડ્રાઈવરો માટે લાંબંુ અંતર અને નિયત સ્થળે માલસામાન પહોંચાડવાનો પડકાર હોય છે. એમાં પણ સમયમર્યાદામાં માલસામાન પહોંચાડવાનું દબાણ સતત રહેતું હોય છે. જેને પહોંચી વળતા તેઓ વચ્ચે બ્રેક લેવાનું ટાળતા હોય છે. દિવસના પંદર કલાક કામ કરવાની તેમને ફરજ પડતી હોઈ તેઓ પૂરતી ઊંઘ પણ લઈ શકતા નથી. જે લાંબાગાળે તેમના સ્વાસ્થ્ય પર અસર કરે છે અને હાઈવે પર થતાં અકસ્માતોના મુખ્ય કારણો પૈકીનું સૌથી મોટું કારણ બની રહે છે.

પગારના લોચા અને માનસિક તાણ…

એક સંશોધન મુજબ, ટ્રક ડ્રાઈવરોને મહિને માંડ રૃ.૧૦,૦૦૦થી રૃ.૧૫,૦૦૦ અથવા ટ્રિપ દરમિયાન પ્રતિ કિલોમીટરે રૃ.૧.૫૦ મળતાં હોય છે અને એ પણ સમયસર ચૂકવાતાં નથી. પરિણામે મહિનાને અંતે તેમની કોઈ ચોક્કસ આવક રહેતી નથી. એનું જ કારણ છે કે યુવા ડ્રાઈવરો ધીમેધીમે આ ધંધાથી વિમુખ થતાં જાય છે અને ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં તેમની મોટી અછત ઊભી થઈ છે. અમદાવાદના ટ્રક ડ્રાઈવર ખીમજીભાઈ કહે છે, ‘પગારમાંથી ઘરનો ખર્ચ ઉપરાંત સ્વખર્ચ કાઢવો મુશ્કેલ છે કારણ કે અમને પગાર સાવ નજીવો મળે છે. મહિનાને અંતે પગારની તારીખ પણ નક્કી નથી હોતી. જેના કારણે ઘર ચલાવવું અઘરું પડે છે. ટૂંકા પગારમાંથી બધાને સાચવવા મુશ્કેલ બની જાય છે. સંશોધનમાં સામે આવ્યું છે કે, મોટા ભાગના ટ્રક ડ્રાઈવરો નિયત સમયમર્યાદામાં ડિલિવરી પહોંચાડવાના દબાણ હેઠળ હોઈ મોટા ભાગનો સમય હાઈવે પર જ રહે છે. જેના કારણે તેમને યોગ્ય ખોરાક મળી શકતો નથી. તેઓ રોડ સાઈડના ઢાબા કે રેસ્ટોરન્ટમાં નબળી ગુણવત્તાનું ભોજન જમે છે જે તેમના સ્વાસ્થ્યને નુકસાન કરે છે. ઢાબા પર શૌચાલય અને નહાવા-ધોવાની સગવડ પણ સારી નથી હોતી. જેનાથી બચવા તેઓ રોડ સાઈડની ખુલ્લી જગ્યાઓનો શૌચ માટે ઉપયોગ કરી લે છે. સરકાર સ્વચ્છ ભારત અભિયાન ચલાવી રહી છે, પણ તેમાં ક્યાંય ટ્રક ડ્રાઈવરોનો ઉલ્લેખ જોવા મળતો નથી. ‘અભિયાન’એ તેમની લાઈફસ્ટાઈલ જાણવા માટે કેટલાક ટ્રક ડ્રાઈવરોની મુલાકાત લીધી, જેમાંના એક હતા કચ્છના કાંતિભાઈ. જેઓ કચ્છના લખપતથી અમદાવાદ સુધીના ફેરા કરે છે. ક્યારેક ગુજરાત બહાર છેક કર્ણાટક અને તામિલનાડુ સુધી પણ જઈ આવે છે. કાંતિભાઈ કહે છે, ‘સમયસર માલ પહોંચાડવો અમારા માટે સૌથી મોટો પડકાર બની રહે છે. તેના માટે અમે પૂરતી ઊંઘ કે ખોરાક લીધા વિના સતત ટ્રક દોડાવ્યે રાખીએ છીએ.’

અકસ્માત અને લૂંટફાટની બીક…

એક ખાનગી કંપનીએ કરેલા સર્વે મુજબ, દર વર્ષે માર્ગ અકસ્માતમાં ૧,૩૯,૦૦૦ હજાર લોકો મૃત્યુ પામે છે, જેમાંના ૨૬,૬૭૮ લોકો ઊંઘની સમસ્યાથી પિડાતા હતા. હાલ જે પ્રકારે વાહનોમાં મોબાઈલ ફોન, કેમેરા, ઇન્ટરનેટ, જીપીએસ જેવી ટૅક્નોલોજી ઉપલબ્ધ છે તે જોતાં ચોરી, લૂંટના બનાવોમાં ઘટાડો થવો જોઈએ, પણ એવું થયું નથી. અગાઉ ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રગટ થયેલા એક રિપોર્ટ મુજબ, દેશભરમાં હાઈવે પર લૂંટના ૮૨,૦૦૦ બનાવો બન્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે, તે પૈકી ૬૪,૦૦૦ એટલે કે કુલ લૂંટના ૮૦ ટકા જેટલા બનાવો એકલા ઉત્તર પ્રદેશના હાઈવે પર બન્યા હતા. આ જ કારણોસર ગુજરાતના ડ્રાઈવરો યુપી તરફ જવાનું ટાળે છે. જો નાછૂટકે જવાનું થાય તો પણ એકલા જવાને બદલે બેથી વધુ લોકો સાથે જવાનું પસંદ કરે છે. હાલ ભારતના માર્ગ પરિવહનમાં ૯૦ ટકા હિસ્સો પેસેન્જર ટ્રાફિકનો જ્યારે ૬૫ ટકા માલસામાન હેરફેરનો છે. આમાંનો મોટા ભાગનો ટ્રાફિક નેશનલ હાઈવે પર પસાર થતો હોય છે. આપણે ત્યાં ૯૦,૦૦૦ કિ.મી. કરતાં વધુ નેશનલ હાઈવેનું નેટવર્ક છે, પણ સમસ્યા એ છે કે તેની જાળવણી બરાબર થતી ન હોઈ ટ્રકોના અકસ્માતો વધતા જાય છે. વર્ષ ૨૦૧૫માં ૭૭,૧૧૬ અકસ્માતો ઓવરલૉડ વાહનોના થયા હતા. જેમાં ૨૫,૧૯૯ ટ્રકો સામેલ હતી. દેશના કુલ માર્ગ અકસ્માત અને જાનહાનિમાં બંને અનુક્રમે ૧૫.૪ ટકા અને ૧૭.૨ ટકા હિસ્સો ધરાવતા હતા.

ડ્રાઈવરો સાથે એઈડ્સ પણ દોડતો રહે છે…

આ બધા વચ્ચે સૌથી મોટી સમસ્યા તો એઈડ્સની છે. હાલમાં જ બહાર આવેલા એક સર્વે મુજબ ભારતમાં એચઆઈવી ફેલાવવામાં લાંબા અંતરના ટ્રક ચલાવતા ડ્રાઈવરોનો બહુ મોટો રોલ છે. આફ્રિકા અને થાઈલેન્ડમાં થયેલું સંશોધન કહે છે કે, ‘ભારતના નેશનલ હાઈવે પ્રકારના મોટા રસ્તાઓ પર માત્ર માલસામાન ભરેલી મસમોટી ટ્રકો જ નહીં, એઈડ્સ જેવી જીવલેણ બીમારીઓના વાઇરસ પણ તેમની સાથે-સાથે દોડતાં હોય છે.’ ભારતીય વૈજ્ઞાનિકોના એક રિપોર્ટને ટાંકીને બ્રિટિશ મેડિકલ જર્નલનું કહેવું છે કે, ‘ભારતમાં લાંબા અંતરની ટ્રકો ચલાવતાં ડ્રાઈવરો મોટા ભાગનો સમય ઘરથી દૂર રહે છે અને દેશના ખૂણેખૂણે ફરતા રહે છે. જેના કારણે તેઓ તાણ ઘટાડવા ઢાબાની આડમાં ચાલતાં દેહવ્યાપારનો આશરો લે છે. જેમાંથી એઈડ્સ જેવી જીવલેણ બીમારીઓ તેમના શરીરમાં દાખલ થઈ જાય છે. આમ ટ્રકની સાથે જાતીય રોગોના વાઇરસ પણ હાઈવે આસપાસ ફેલાતા રહે છે.’

આ બધી સમસ્યાઓના ઉકેલરૃપે નિષ્ણાતોએ કેટલાક ઉપાયો પહેલેથી સૂચવી દીધા છે. જે અંતર્ગત પહેલા તો સરકારી ધોરણે ટ્રક ડ્રાઈવરોના કામના કલાક નક્કી થવા જોઈએ અને દરેક ખાનગી કે સરકારી કંપનીઓ પાસે તેનું કડક રીતે પાલન કરાવવું પડે. આ પ્રકારની સુવિધા પશ્ચિમના કેટલાક દેશોમાં ઉપલબ્ધ છે જ. ટ્રક ચાલકોનું આરોગ્ય અને સ્વચ્છતા જાળવી રાખે તેવી હોટલો ઊભી કરવાની જરૃર છે. જ્યાં તેમને યોગ્ય ભોજનની સાથે સ્વચ્છ પાણી, આરામની સગવડ અને સ્વચ્છ શૌચાલય મળવા જોઈએ. આ માટે જરૃર પડ્યે સ્વૈચ્છિક સંસ્થાઓની મદદ પણ લઈ શકાય. અહીં જ તેમનું હેલ્થ ચેેકઅપ પણ થઈ શકે તે જરૃરી છે. ઓવરલૉડ ટ્રકોના કારણે અનેક અકસ્માતો થતાં હોઈ તેના પર કડક હાથે કામ લેવાની જરૃર છે. જેના કારણે ટ્રાફિક તો ઘટશે જ, સાથે અકસ્માતોમાં જીવ ખોનારા લોકોનો આંકડો પણ નિયંત્રણમાં આવી શકે. આમાંનું અડધું પણ જો થઈ શકે તો ચોક્કસ ટ્રક ડ્રાઈવરોની જિંદગીમાં સુધાર આવી શકે.

—————.

You might also like