જીએલએફ – યુવાનોને આકર્ષવામાં સફળતા

ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલ ૨૦૧૮નું આ પાંચમું વર્ષ હતું. દરેક વર્ષની જેમ આ વખતે પણ મોટી સંખ્યામાં યુવાનોએ તેમાં ભાગ લીધો. ત્યારે પાંચ વર્ષે જીએલએફ વિશે લોકો શું માને છે તે જાણવાનો ‘અભિયાન’એ પ્રયત્ન કર્યો…

 

ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલ, ટૂંકમાં જીએલએફ. છેલ્લાં પાંચ વર્ષથી ગુજરાતી સાહિત્યરસિકો જેની ચાતક નજરે રાહ જોતાં રહે છે તે સાહિત્ય, કલા, ફિલ્મ તથા નાટ્યજગતનો આ અનોખો ઉત્સવ હાલમાં જ ૭ જાન્યુઆરીના રોજ અમદાવાદના કનોરિયા સેન્ટર ફોર આર્ટ્સ ખાતે રાજીખુશીથી સંપન્ન થયો. વર્ષ ૨૦૧૪થી શરૃ થયેલા આ વાર્ષિક સાહિત્યિક મહોત્સવે બહુ ટૂંકા ગાળામાં સાહિત્ય રસિકોમાં પોતાનું આગવું સ્થાન ઊભું કર્યું છે. માત્ર ગુજરાતી જ નહીં, કોઈ પણ ભાષાના વારસા સાથે યુવાનોને જોડવાનું કામ અઘરું છે. એ રીતે જોઈએ તો રાજ્યની બે પ્રતિષ્ઠિત સાહિત્યિક સંસ્થાઓ ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ પણ અત્યાર સુધી યુવાઓને ગુજરાતી ભાષા સાથે જોડવામાં સદંતર નિષ્ફળ નિવડી છે. અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ભણેલી આજની પેઢી દિવસે ને દિવસે ગુજરાતી ભાષાથી દૂર જઈ રહી છે. ત્યારે જીએલએફનું આગમન થાય અને પહેલા જ વર્ષથી પ્રચંડ લોકપ્રિયતા મેળવે તે કોઈ ચમત્કારથી કમ નથી. પાંચ વર્ષમાં આ એકમાત્ર એવો સાહિત્યિક કાર્યક્રમ બની રહ્યો છે જ્યાં યુવાનો સ્વેચ્છાએ આવે છે, મિત્રોને મળે છે, ગમતા સેશનમાં ભાગ લે છે અને કંઈક નવું જાણવા શીખવા મળ્યાનો આનંદ અનુભવે છે. આગળ જેની વાત કરી તે બંને સંસ્થાઓના જાહેર કાર્યક્રમો ક્યારે શરૃ થાય છે અને પૂરા થાય છે તેની તેના સભ્યો સિવાય ભાગ્યે જ કોઈને જાણ હોય છે. જેની સામે જીએલએફને લઈને યુવાનોમાં ખાસ્સી ઉત્સુકતા હોય છે. બહુ ટૂંકાગાળામાં તેણે દરેક ઉંમરના લોકોમાં પોતાની આગવી છાપ ઊભી કરી છે તે નાનીસૂની બાબત નથી. એનો એક અર્થ એવો પણ થઈ શકે કે, જે કામ આટલાં વર્ષોમાં અકાદમી કે પરિષદ ન કરી શકી તે જીએલએફે કરી બતાવ્યું છે. જોકે, જેમ દરેક નવી વસ્તુનાં સારાં નરસાં પાસાંઓ હોય છે એમ જીએલએફ પણ તેમાંથી બાકાત નથી. તેની ચર્ચા કરતાં પહેલાં આ વખતના કાર્યક્રમમાં નવું શું હતું તેની વાત કરીએ.

જીએલએફ ૨૦૧૮માં પુસ્તકો અને લેખકો માટે વિવિધ એવોર્ડ્સ જાહેર કરાયા. યુવા લેખકો પોતાનાં પુસ્તકો માટેના વિચાર સીધા પ્રકાશકો સુધી પહોંચાડી શકે તે માટેનું ‘ઈન્ક ટેન્ક’નું આયોજન પણ જરૃરી હતું. બાળકો માટેના વિશેષ સાહિત્ય ઉત્સવને જોકે જોઈએ તેવો પ્રતિસાદ ન મળ્યો છતાં આ પ્રકારના કાર્યક્રમો સમયની માગ છે. આ વર્ષે જીએલએફની અમદાવાદની જેમ વડોદરાની આવૃત્તિ પણ શરૃ કરવામાં આવી. જે ૨-૩-૪ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ યોજાનાર છે. ટૂંકમાં બધું મળીને આ પાંચ દિવસમાં ૧૦૦ જેટલી ઈવેન્ટ્સ, પાંચ નાટકો અને ૨૦૦થી વધુ સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વક્તાઓ, લેખકો, કલાકારો અને સર્જકોએ ભાગ લીધો હતો. ગુજરાતી ભાષામાં જે રીતે વાર્તા અને વાર્તા કહેવાની કળા વિસરાતી જાય છે તે જોતાં જીએલએફ આયોજકો દ્વારા સમજી વિચારીને જ સમગ્ર સિઝનમાં ‘વાર્તા અને વાર્તા કહેવાની કળા’ને મુખ્ય વિષય તરીકે પસંદ કરાયો હતો. અગાઉ ૨૦૧૬માં તેની ત્રીજી આવૃત્તિમાં સાહિત્યના નવા પ્રકાર તરીકે ફિલ્મો અંગે ચર્ચા થઈ હતી. જ્યારે ૨૦૧૭ની ચોથી આવૃત્તિમાં હાસ્ય અને વ્યંગ કેન્દ્રસ્થાને હતાં. સાહિત્ય કોઈ પુસ્તકના બે પૂંઠા સુધી સીમિત નથી અને લોકોને વાપરવી ગમે તે ભાષા – એ જીએલએફની ફિલોસોફી રહી છે. જેને ધ્યાનમાં રાખીને આ વર્ષે ‘વાર્તા અને વાર્તા કહેવાની કળા’ની મુખ્ય થીમમાં  થિયેટર, ફિલ્મ, ડોક્યુમેન્ટરી, સંગીત, પત્રકારત્વ, સોશિયલ મીડિયા એમ તમામ વિષયોને આવરી લેવાયા હતા. ફિલ્મજગત સાથે જોડાવા ઇચ્છતા યુવાઓ માટે ખાસ સ્ક્રીન રાઇટર એસોસિયેેશન સાથે જોડાણ કરીને વિવિધ ૧૪ જેટલા વર્કશોપ અને માસ્ટરક્લાસે યોગ્ય દિશા ચીંધી. દેવદત્ત પટનાયક, મેરૃ ગોખલે, રાકેશ ઓમપ્રકાશ મહેરા, અંજુમ રજબઅલી, કેતન મહેતા, રાજદીપ સરદેસાઈ, સાગરિકા ઘોષ, વિનય કુમાર જેવી વિવિધ ક્ષેત્રની જાણીતી હસ્તીઓ સાથે સવાલ જવાબ તો દૂર, નજીકથી નિહાળવા પણ ન મળે તેમને સાંભળવાનો અને પ્રશ્નો પૂછવાનો લોકોને મોકો મળ્યો.

જીએલએફની આટલી સારી બાબતો વચ્ચે અમુક એવી બાબતો પણ છે જેના તરફ તેના ચાહકોએ ધ્યાન દોર્યું છે. ‘અભિયાન’એ કેટલાક સાહિત્યપ્રેમીઓ સાથે વાત કરી. લોકોએ ઉદ્ઘાટન પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનાં પત્નીની હાજરી સામે અણગમો વ્યક્ત કર્યાે. એક સાહિત્યપ્રેમીએ સ્પષ્ટ જણાવ્યું કે, ‘આ પ્રકારના સાહિત્યિક કાર્યક્રમોમાં સરકારી હસ્તક્ષેપ અમુક હદથી વધારે ન હોવો જોઈએ, છતાં વધ્યો તેનું આ પરિણામ છે. સરકાર આમાં મદદરૃપ થતી હોય તો કંઈ ખોટું નથી, પણ પછી તેમનો હાથ ઉપર રહે અને તેઓ ઇચ્છે તે પ્રમાણે જ આયોજકો કરતા થઈ જાય તે બાબત ચિંતા ઉપજાવે છે. આ કાર્યક્રમને હું ઉદાર દિલે આવકારું છું. લોકો ખાસ જીએલએફ માટે દૂરદૂરથી આવતા હોય છે. એટલે તેની કેટલીક મર્યાદાઓ છતાં તેના વખાણ કરવામાં પાછી પાની ન કરવી જોઈએ.’

સુરેન્દ્રનગરથી આવેલા હરેશ મકવાણાના મતે, દર વખતે કેટલાક એવા વક્તાઓ હોય છે, જેની સામે ખરેખર સારા અને યુવા લેખકોને આ વખતે પણ સ્થાન ન મળ્યું તે ખેદજનક છે. દિવ્યેશ વ્યાસ, હર્ષ મેસવાણિયા, લલિત ખંભાયતા, દિવ્યેશ વેકરિયા, તેજસ વૈદ્ય, વિશાલ શાહ જેવા ખરેખર સારું લખતા યુવાનોને મંચ ન મળ્યો. સામે અમુક એના એ જ લેખકોને વારંવાર આમંત્રણ આપવામાં આવે છે. એમાંના કેટલાક તો એવા હતા જેમને વાર્તાક્ષેત્ર સાથે સ્નાનસૂતકનો પણ નાતો નહોતો છતાં મુખ્ય વક્તા બની બેઠા હતા. આવાં બીજાં પણ કેટલાંક ઉદાહરણો હતાં.

અમદાવાદની એક પ્રતિષ્ઠિત ખાનગી ગુજરાતી ન્યૂઝ ચેનલના એક વરિષ્ઠ પત્રકારે નામ ન આપવાની શરતે જણાવ્યું કે, ‘અત્યારે સૌથી વધુ યુવા પત્રકારો ઇલેક્ટ્રોનિક મીડિયામાં કામ કરે છે. આઠ જેટલી પ્રાદેશિક ન્યૂઝ ચેનલો ચોવીસ કલાક ચાલે છે, છતાં તેને ધ્યાનમાં રાખીને એક પણ સેશન નહોતું. રાજદીપ સરદેસાઈ કે સાગરિકા ઘોષની સાથે લોકલ ન્યૂઝ ચેનલોને પણ સ્થાન આપવું જોઈતું હતું. ગુજરાતી ન્યૂઝ ચેનલોમાં અનેક પ્રકારની નબળાઈઓ હોય તો તેના વિશે પણ એક સેશન કેમ નહીં.’

રાજેશ જાદવ નામના એક સાહિત્યરસિકે કહ્યું કે, ‘ગુજરાતી સાહિત્ય પરિષદે તેના અકાદમી સાથેના વિવાદને બાજુ પર મૂકી યુવાઓ સુધી સાહિત્ય પહોંચતું હોય તેવા કોઈ પણ કાર્યક્રમમાં હાજરી આપવી જોઈએ. છેવટે પરિષદનો ઉદ્દેશ્ય તો તેમના સુધી પહોંચવાનો જ છે. હાલ સાહિત્ય પરિષદમાં ૧૦-૧૫ લોકો મળીને કાર્યક્રમ કરી નાખે છે જેની લોકોને તો ખબર પણ નથી હોતી. જેની સામે જીએલએફ જેવા કાર્યક્રમોમાં યુવાનો સામેથી આવતા હોય છે ત્યારે પરિષદે તેમાં સક્રિય રીતે ભાગ લેવો જોઈએ એવું મારું માનવું છે. જો યુવાનો સુધી સાહિત્ય પહોંચતું હોય તો પરિષદે પોતાનો હઠાગ્રહ છોડી દેવો જોઈએ. વર્ષા અડાલજા સાથે જે બન્યું તે ખેદજનક છે. આવી ઘટનાઓથી તો પરિષદની યુવાનોમાં નકારાત્મક છાપ ઊભી થશે.’

અમદાવાદના ત્રિભોવન રાઠોડ નામના શિક્ષકના મતે, ‘જીએલએફમાં એવોર્ડ પ્રથા ન હોવી જોઈએ, કારણ કે તમે એકને એવોર્ડ આપશો તો બીજા ચાર બીજા વર્ષે ઊભા થશે અને નકામા વિવાદો શરૃ થઈ જશે. કાલ સવારે આવા જ કોઈ એવોર્ડ વિજેતાઓને જીએલએફ સામે વાંધો પડશે તો એ લોકો તેમની સામે પણ એવોર્ડ વાપસી કરી શકે છે. તમે જે-તે લેખક, સાહિત્યકારનું સન્માન કરો એ બરાબર છે, પણ એવોર્ડના કારણે બિનજરૃરી સ્પર્ધા ઊભી થશે અને ચોક્કસ પ્રકારનો વર્ગવિગ્રહ પણ ઊભો થશે.’ સુરેન્દ્રનગરના ખેરાળી ગામના લલિત ડોરિયા કહે છે, ‘જીએલએફનું આયોજન સૌરાષ્ટ્રના રાજકોટ જેવા શહેરોમાં પણ શરૃ કરવું જોઈએ. કેમ કે, અહીં અમારે સૌરાષ્ટ્રમાં આ પ્રકારનું કોઈ પ્લેટફોર્મ જ ઉપલબ્ધ નથી. વડોદરામાં કરાયેલા આયોજનનું સ્વાગત છે અને ભવિષ્યમાં સૌરાષ્ટ્ર તરફ પણ આવું આયોજન થાય તેની હું આશા રાખું છું. જો આ જ ફોર્મેટ સાથે જીએલએફ આગળ વધતું રહેશે તો વાંધો નહીં આવે, પણ આગળ જતાં જો તેમાં રાજકીય દૂષણો ઘૂસતાં જશે તો વેઠવાની તૈયારી રાખવી પડશે. આવી નાની-નાની નબળાઈઓ આગળ જતાં મોટું સ્વરૃપ ધારણ ન કરી લે તેની કાળજી લેવી જરૃરી છે.’

—–.

જીએલએફમાં ઍવોર્ડ પ્રથા ન હોવી જોઈએ, કારણ કે તમે એકને ઍવોર્ડ આપશો તો બીજા ચાર બીજા વર્ષે ઊભા થશે અને નકામા વિવાદો શરૃ થઈ જશે – ત્રિભોવન રાઠોડ, શિક્ષક, અમદાવાદ

-.

જીએલએફનું આયોજન સૌરાષ્ટ્રના રાજકોટ જેવા શહેરોમાં પણ શરૃ કરવું જોઈએ. કેમ કે, અહીં અમારે સૌરાષ્ટ્રમાં આ પ્રકારનું કોઈ પ્લેટફોર્મ જ ઉપલબ્ધ નથી  – લલિત ડોરિયા, સાહિત્ય રસિક, સુરેન્દ્રનગર

———–.

You might also like