ગાયનું મહત્ત્વ સમજો – અનોખો નવ દિવસીય ગૌ-ફેસ્ટિવલ

આપણા દેશની નવી પેઢીને ગાય વિશે કોઈ વધુ જાણકારી નથી. તેને એટલી જ ખબર છે કે જેના કારણે રસ્તાઓ પર ટ્રાફિક જામ થાય છે તે ગાય એક એનિમલ છે અને તેને અંગ્રેજીમાં કાઉ કહેવામાં આવે છે. આ સિવાય આજની પેઢી ગાય વિશે કશું વધુ જાણતી નથી. કદાચ એવું કહી શકાય કે તેને ગાય વિશે વધારે જાણવામાં રસ પણ નથી. આથી જ બાળકો અને આજની નવી જનરેશન ગાય વિશે માહિતગાર થાય અને તેને ગાયનું મહત્ત્વ સમજાય તેવા ઉમદા હેતુસર સોલા ભાગવત વિદ્યાપીઠ દ્વારા નવ દિવસના ગૌ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે……

 

‘બપોરના બાર વાગ્યા હોય અને આપણે મમ્મી પાસે જમવાનું માગીએ તો આપણને તરત જ જવાબ મળતો કે હમણાં ગૌરી આવે, તે જમી લે પછી તને આપંુ. આ બાબતે ઘણીવાર બધાંને મમ્મી સાથે માથાકૂટ પણ થતી કે તારે તો નવાઈની ગૌરી છે. તેને જમવાનું આપ્યા સિવાય અમને આપે જ નહીં, એવું તે કેવું? ત્યારે આપણને પપ્પા સમજાવતા કે જો બેટા, આપણા અનાજમાં ગૌરીનો હક છે. તેને આપણે જ સાચવવાની હોય.’ હજુ હમણાં સુધી ગામડાંમાં આવા સંવાદો આપણને સાંભળવા મળે છે, પરંતુ શહેરોમાં વસતા લોકોને સ્વાભાવિક પ્રશ્ન થાય કે આ ગૌરી વળી કોણ હશે, જેના માટે આટલી બધી બબાલ છે. ગૌરી એટલે ગાય. ગામડાંઓમાં આજે પણ બરાબર બારના ટકોરે ઘરના આંગણે રોટલી, ઘી અને ગોળ ખાવા આવી જ જાય. તેને પીરસાય પછી જ ઘરોમાં ભોજન મળે. ગામડાંમાં ઘણાં ઘરોમાં આ પરંપરા આજે પણ અકબંધ છે, પણ સમય વીતતો ગયો તેમ ધીમે ધીમે ગાય પ્રત્યેની ભાવના અને તેનું મહત્ત્વ ઓછું થતું જાય છે.

ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતા કહી છે. શાળાઓમાં બાળકોને શીખવવામાં આવતું કે, પહેલી જન્મ આપનારી માતા જનેતા, બીજી આપણી જન્મભૂમિ ધરતીમાતા અને ત્રીજી ગૌમાતા એટલે કે ગાય. હજુ થોડાં વર્ષાે પહેલાં તો વડીલો સવારમાં ઊઠે ત્યારે પ્રથમ ધરતી માતાને પ્રણામ કરે. ઘરના આંગણે બેઠેલી ગાયને બે હાથ જોડી રોટલી આપે અને પછી ઘરમાં બેઠેલા વૃદ્ધ માતાના ચરણસ્પર્શ કરે અને પછી જ દિવસની શરૃઆત કરે, પરંતુ આજે તો નવી જ સંસ્કૃતિ જોવા મળે છે. હવે તો ઘરના આંગણા જ રહ્યાં નથી અને જ્યાં છે ત્યાં આપણે ગાયને ઊભી પણ રહેવા દેતાં નથી. રખે ને તે આંગણું બગાડશે તેવી માનસિક્તા ઘર કરી ગઈ છે. કહેવાય છે કે ગાયમાં ૩૩ કરોડ દેવી-દેવતાનો વાસ છે. જેથી ગાયને માનતા અને પૂજતા લોકો હંમેશાં ગાયના મુખનાં દર્શન કરે છે. ભલે આપણે માનીએ કે ન માનીએ, ગાય સાથે આપણું જીવન જોડાયેલંુ છે. નવી જનરેશન ગાયના મહત્ત્વને સમજી શકે તેવા ઉમદા હેતુસર જ સોલા ભાગવત વિદ્યાપીઠ દ્વારા ગૌ-ફેસ્ટિવલ ઊજવવામાં આવનાર છે. મકરસંક્રાંતિના દિવસથી અહીં નવ દિવસનો ગૌ-ફેસ્ટિવલ શરૃ થઈ રહ્યો છે. નવી પેઢી ઉપરાંત એનઆરઆઇ પણ આ ગૌ-ફેસ્ટિવલમાં ઉત્સાહભેર ભાગ લે અને પવિત્ર ગાયમાતાને સમજે તેવા હેતુસર આયોજન કરવામાં આવ્યું છે. ૧૩ જાન્યુઆરીથી શરૃ થતાં આ કાર્યક્રમમાં ગૌપૂજન, ગૌકાફે જેવા અનેક વિશિષ્ટ આકર્ષણો પણ યુવાપેઢી દ્વારા ઊભા કરવામાં આવનાર છે.

આ સમગ્ર કોન્સેપ્ટ ઊભો કરનાર ગૌશાળાના મેનેજર ભરતભાઈ બારડ કહે છે, ‘આજની પેઢી ગાયમાતાને લઈને બિલકુલ ગંભીર નથી. ગાયને મહત્ત્વ કેમ આપીએ તેવા પ્રશ્નો પણ તેઓ કરતા હોય છે ત્યારે આ કાર્યક્રમ દ્વારા તેમના દરેક સવાલોનું નિરાકરણ લાવવાનો અમારો પ્રયાસ છે. અમે એવંુ ઇચ્છીએ છીએ કે આપણું યુવાધન તો ખરું જ પણ ખાસ કરીને બાળકો પણ આ ફેસ્ટિવલમાં ભાગ લે તેવી અમારી અપીલ છે. તેનું મુખ્ય કારણ એ છે કે, બાળકને પણ સમજમાં આવે કે ગૌમાતા શું છે, તેનું દૂધ કેટલું ઉપયોગી છે અને તેને માતા કેમ કહેવામાં આવે છે. બાળકોને સંસ્કારનું સિંચન કરવામાં આવે તો તે ફૂલની જેમ મહેકી ઊઠે છે. હિન્દુ સંસ્કૃતિમાં ગાયને જે વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે તેનું જ્ઞાન આજનાં બાળકોને કે નવી પેઢીને નથી. બીજી બાજુ માતા-પિતા પણ એટલાં વ્યસ્ત હોય છે કે તે ઇચ્છે તો પણ ગાય વિશે વધુ જાણકારી આપી શકતાં નથી. આવા સમયમાં આ પ્રકારનો ફેસ્ટિવલ નવી પેઢીના સારા ભવિષ્ય માટે જરૃરી બન્યો છે. અમારો આ વિચાર આજે એક ઊંચાઈએ પહોંચ્યો છે. દરેક વ્યક્તિ પોતાના બાળકને લઈને આવે અને યુવાનો પણ આ માટે જાગૃત બને તે જરૃરી છે.’

આ વિશે ભાગવત વિદ્યાપીઠના મેનેજર પ્રમોદભાઈ ગામોથ કહે છે, ‘સામાન્ય રીતે મકરસંક્રાંતિના દિવસે હિન્દુધર્મની પ્રણાલી પ્રમાણે ગાયનું પૂજન થતંુ હોય છે, પરંતુ સતત નવ દિવસ, ખાસ કરીને ગાયમાતા પર જ કોઈ કાર્યક્રમનું આયોજન થાય તેવું પ્રથમ વખત બની રહ્યું છે. ગૌ-ફેસ્ટિવલનો મુખ્ય હેતુ નવી પેઢી સુધી ગાયમાતાના મહત્ત્વને પહોંચાડવાનો છે. આપણી ભારતીય પરંપરા અને શ્રીમદ્ ભાગવતમાં ગાયનું વિશેષ મહત્ત્વ છે. નવી પેઢી વૈજ્ઞાનિક રીતે પણ ગાયનાં પંચગવ્યનો ઉપયોગ સમજી શકે તે માટે આ ઉત્સવ મહત્ત્વનો બની રહેશે.’

તેમણે વધુમાં જણાવ્યું કે, ‘અનેક લોકો ગૌમૂત્ર અર્ક અને ગૌમૂત્રમાંથી બનતી અનેક ઔષધિનો ઉપયોગ કરતાં હોય છે. જેનાથી તેમના સ્વાસ્થ્યમાં ફાયદો જોવા મળે છે. એ જ રીતે યજ્ઞાદિ વગેરેમાં પંચગવ્યનો જે પ્રયોગ કરવામાં આવે છે તે પણ અહીં સમજાવવામાં આવશે. ગૌ-ફેસ્ટિવલનું આયોજન ગત વર્ષે પણ કરવામાં આવ્યંુ હતું. તે સમયે હજારોની સંખ્યામાં લોકો આ ઉત્સવના ભાગીદાર બન્યા હતા. જ્યારે આ વર્ષે પણ સવિશેષ આયોજન કરવામાં આવનાર છે. લોકોમાં ગાયમાતાને લઈને ધાર્મિક ભાવના છે અને યુવાવર્ગમાં જે રીતે તેનું મહત્ત્વ જાણવાની જિજ્ઞાસા વધતી જાય છે તે જોતાં આ ફેસ્ટિવલ અનોખો રહેશે.’

નિયમિત રીતે ભાગવત વિદ્યાપીઠ ખાતે દર્શનાર્થે આવતાં ગિરીશભાઈ દવે કહે છે, ‘હું વર્ષોથી અહીં આવું છું. મને ઘણું સારું લાગે છે. વિદ્યાપીઠના દરેક કાર્યક્રમમાં હું પરિવાર સાથે ભાગ લઉં છું. ગૌ-ફેસ્ટિવલનું જે આયોજન કરવામાં આવનારું છે તે અદ્ભુત છે. આજની પેઢી આમેય વેસ્ટર્ન કલ્ચરને વધુ માનતી થઈ છે, પરંતુ આપણે આપણા ભારતીય સંસ્કારોનું જતન તો કરવું જ પડશે. આવા પ્રકારના ફેસ્ટિવલ આજની નવી જનરેશન માટે ખૂબ જરૃરી છે. ગાય આપણી માતા છે અને તેના દૂધના સેવનથી અનેક રોગો દૂર થાય છે. ઉપરાંત ગૌમૂત્રના નિયમિત સેવનથી તો કૅન્સર જેવા ગંભીર રોગમાં પણ ફાયદો જણાય છે. આ બધું આજના યુવાનોને સમજાવવું પડશે અને તેના માટે આ ગૌ-ફેસ્ટિવલ ઘણો જ ઉપયોગી નિવડશે. ભાગવત વિદ્યાપીઠના આવા આયોજન થકી બાળકોમાં ભારતીય સંસ્કૃતિના જતનની ભાવના વધશે.’

સોલાના રહીશ કામિનીબહેન કહે છે, ‘ગત વર્ષે પણ અમે આ ફેસ્ટિવલનો હિસ્સો બન્યા હતા. આ વર્ષે પણ આટલા મોટા પાયે આવો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તે અમદાવાદીઓ માટે ગૌરવની વાત છે. આપણે તો બાળકોને ગાયમાતા વિશે ઘણું સમજાવતા હોઈએ છીએ પણ અહીં તેમને સંપૂર્ણ જાણકારી મળશે. બાળકો પાસે આ જ્ઞાન હોવું જરૃરી છે. દૂધની માત્ર થેલી જ આવે છે તે વાત ભૂલાવવાની છે અને ગાયના દૂધના કેટલા ફાયદા છે તે તેમને સમજાવવાનું છે. માટે આ કાર્યક્રમ કોઈ મોટા તહેવારથી કમ નથી.’

નવ દિવસ ચાલનારા આ ગૌ-ફેસ્ટિવલમાં અમદાવાદ ઉપરાંત અનેક શહેરોમાંથી લોકો ભાગ લેશે. આ ઉત્સવ બાળકો અને યુવાપેઢી માટે મહત્ત્વનો બની રહે તેવા પ્રયાસો થઈ રહ્યા છે.

———————.

ગાયનાં દૂધ, ઘી, ગૌમૂત્રના લાભ…..

ગાયનાં દૂધ, ઘી અને ગૌમૂત્રથી અનેક બીમારીઓ દૂર થાય છે. એક ગ્લાસ પાણીમાં ગૌમૂત્રનાં ચારથી પાંચ ટીપાં નાંખી તેમાં બે ચમચી મધ, એક ચમચી લીંબુનો રસ મિક્સ કરી નિયમિત પીવાથી વજન ઓછું થાય છે. ગાયના ઘીમાં પૂરતાં પ્રમાણમાં પ્રોટીન હોવાથી તેના ઉપયોગથી પાતળા લોકો સ્વસ્થ શરીર બનાવી શકે છે. ખરતા વાળની સમસ્યા પણ ગાયના ઘીથી દૂર થાય છે. ગાયના ઘીમાં મીઠું નાંખી વાળ પર લગાવવાથી વાળ ભરાવદાર અને શાઇની થાય છે. ગાયના દૂધમાં બી-૧૨ વધુ હોય છે. તેના કારણે હાર્ટ ડિસીઝની શક્યતા ઓછી રહે છે. ગાયનું ઘી નિયમિત આહારમાં લેવામાં આવે તો તેનાથી કબજિયાત, એસિડિટીથી રાહત મળે છે, ઉપરાંત ડાઇજેશન સારું થાય છે. ગાયનાં ઘીનાં બે ટીપાં સવાર-સાંજ નાકમાં નાખવાથી માઇગ્રેનની બીમારી દૂર થાય છે, માથાના દુખાવામાં રાહત રહે છે. લોહીની ઊણપ હોય તો ગૌમૂત્ર, ત્રિફળા અને ગાયનું દૂધ મિક્સ કરીને પીવાથી સારું રહે છે. ગૌમૂત્ર અને લીંબુનો

રસ પીવાથી એસિડિટી દૂર થાય છે. આ ઉપરાંત પણ ગૌમૂત્ર, ગૌદૂધ અને ઘીના અનેક ફાયદા છે. બાળકને સમજમાં આવે કે ગૌ માતા શું છે, તેનું દૂધ કેટલું ઉપયોગી છે અને તેને માતા કેમ કહેે છે. બાળકોને સંસ્કારોનું સિંચન થાય તો તે ફૂલની જેમ મહેકી ઊઠે છે

ભરતભાઈ બારડ, ગૌશાળા મેનેજર, ભાગવત વિદ્યાપીઠ, સોલા

———————.

નવ દિવસના કાર્યક્રમની રૃપરેખા

ભાગવત વિદ્યાપીઠસ્થિત લક્ષ્મી ગૌશાળામાં ૧૩થી ૨૧ જાન્યુઆરી સુધી આ ઉત્સવ ઊજવાશે, જેનો સમય સવારે ૮થી ૧૧ અને સાંજે ૪થી ૭નો રહેશે. જે અંતર્ગત તા.૧૩થી ૧૫ દરમિયાન ગૌદાન, ગૌપૂજા થશે. આ સમયે ગૌ આરતી, તિલક, પૂજા, અગ્નિહોત્ર, પૂંછપૂજન વગેરેનો લાભ મળશે. ગૌગાન અંતર્ગત ભક્તો યથાશક્તિ દૈનિક, માસિક, વાર્ષિક દાન, લીલો-સૂકો ઘાસચારો, ગોળ વગેરે ગાયમાતાને અર્પણ કરશે. તા.૧૬થી ૧૮ જાન્યુઆરી દરમિયાન ગૌસેવા આયોગ તરફથી ગૌકથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગાયનું માહાત્મ્ય સમજાવવામાં આવશે. ભારતીય સંસ્કૃતિનું મહત્ત્વનું અંગ ગાયમાતા છે અને તેમની પૂજા, ગૌદાન અને પંચગવ્યનો ઉપયોગ કરવાથી આરોગ્ય સ્વાસ્થ્યવર્ધક બને છે તે સમજાવવામાં આવશે. તા.૧૯મીએ સમગ્ર ગુજરાતની ગૌશાળાના મહાનુભાવો અને લોકો ઉપસ્થિત રહેશે. તા.૨૦મીએ પશુ નિદાન કેમ્પ, પ્રદર્શન અને ગૌ આધારિત બાય પ્રોડક્ટની માહિતી આપતો કાર્યક્રમ યોજાશે. ગૌ કેફેમાં સૂંઠ, ગંઠોડા મિશ્રિત દૂધ ઉપરાંત ગાયના દૂધની અવનવી મીઠાઈ, છાશની સાથે ગૌ ચર્ચા કરાશે. આ વિશેનાં મંતવ્યો પણ રજૂ કરવામાં આવશે. ખાસ વાંસળીની સુરાવલી સાથે ઢોલ-નગારાના તાલનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

———————.

You might also like