પહેલું સુખ તે જાતે નર્યા

એક ફિલસૂફે કહ્યું છે ઃ “જિંદગી પાસે બહુ ઝાઝું માગશો નહીં. જિંદગીને બહુ શરમાવશો નહીં જિંદગીની પાસે તમે કૃપણ થઈને ઊભા રહો છો અને તમારું ભિક્ષાપાત્ર વધુ ને વધુ પહોળું કરો છો, ત્યારે જિંદગી તમને ઝાઝું આપતી નથી. જિંદગી પાસે જે ખૂબ માગણીઓ કરે છે, તેને જિંદગીમાંથી કંઈ મળતું નથી.”

ફિલસૂફની આવી વાણી સાંભળીને પહેલાં તો આપણને તેનો વિરોધ કરવાનું મન થાય છે. “અરે ભાઈ, અમે અમારી જિંદગી પાસે ઝાઝી માગણી કરી જ નથી! ઝાઝી માગણીઓ કરનારાઓને તેમની જિંદગી કંઈ ન આપે તે તો જાણે સમજ્યા, પણ અમે બહુ વાજબી માગણી મૂકી છે ને છતાં જિંદગી તેને મંજૂરીની મહોર મારતી નથી! અમારી જિંદગીની નઠોરતાની તમને ખબર નથી, નહીંતર તમે આવું ન કહેત!”

આપણી પાસે સુખનાં સાધનોની એક અફલાતૂન યાદી છે સંભવિત સુખો આપણે આંગળીને વેઢે ગણી શકીએ. પણ જે દુઃખો આપણને ભેટ્યાં નથી તેનું દળકટક આપણે જોયું નથી. આમાંથી થોડાંક દુઃખો આપણે ઘેર બારણું ખખડાવવા આવ્યાં હોત તો આપણું એરકન્ડિશનર આપણને ગરમ હવા ફેંકવા માંડ્યું હોત. આપણો બંગલો આપણને કેદખાના જેવો લાગ્યો હોત અને આપણા કોઠારમાં પડેલાં જાતજાતનાં ધાનમાંથી કશું જ આપણા ભાણામાં મુકાયા પછી પણ આપણને મોં સુધી લઈ જવાનું ગમ્યું ન હોત. માણસની જિંદગીમાં સુખ એક આખો અકબંધ કરંડિયો નથી કે જેને સ્વીકારી, ઈન્કારી શકાય. મોટર મારી પાસે હોય, પણ પેટ્રોલના પૈસા ન હોય તો? ધીકતો ધંધો હોય અને સંતાન સારું ન હોય તો? બત્રીસ ભાતનાં ભોજનની ત્રેવડ હોય અને ડૉકટરની અનાજ લેવાની મનાઈ હોય તો? પહેલું સુખ તે જાતે નર્યા એવું કહેનાર કોઈ બેવકૂફ નહોતો. એક રહસ્ય જેવી માણસની જિંદગીની અહીં તેણે બરાબર નાડીપરીક્ષા કરી છે. તમે પોતે સારા-સાજા હશો તો તમારી માલિકી વગર પણ પૃથ્વી પરનાં બધાં સુખ ને સૌંદર્ય તમારી આંખ ઠારશે, તમારા અંતરમાં આનંદ જગાડશે.

તમારા શરીરમાં જિંદગીનો તણખો બરાબર નહીં હોય તો બધું જ નકામું. મર્સિડીઝ પણ નકામી અને તમારી માલિકીનો પેટ્રોલ પંપ પણ બેકાર! એટલે સુખને પકડવાની તેની શક્તિ મર્યાદિત છે. પણ તમારું મન જો ટટ્ટાર, આનંદી ને ત્રેવડવાળું હશે તો તમારે માટે એ એક અદ્ભુત ખજાનાની ગરજ સારશે. તમારી પોતાની અંદર એક મૂળ માણસ, કદાચ તમારો આત્મા-એ જો બહુ મજબૂત હશે તો તે બહારથી સુખને ઝીલી પણ શકશે અને અંદરથી સુખ પ્રગટાવી પણ શકશે. માણસના મનમાં જ સુખનો એક સંચો પડેલો છે. સુખ અને દુઃખની ‘તૈયાર ચીજ’ આપણી અંદર બને છે. આ મન મનાવવાની વાત નથી- ‘દુઃખ જેવું કાંઈ છે જ નહીં’ એવી આધ્યામિક વાત પણ આ નથી. દુઃખ તો છે જ, પણ તેને તમે કઈ રીતે ગાંઠે બાંધો છો, તમે તેનું શું કરો છો, તેના ઉપર ઘણોબધો આધાર છે. સુખ અને દુઃખની એક જોડી છે- એક દ્વંદ્વરૃપે તેને જોવાની જરૃર નથી.

માણસને એક સંતાન હોય, માબાપને ઘણું બધું સુખ આપીને શ્રવણની જેમ સેવા કરીને શ્રવણની જેમ જ મૃત્યુ પામે તો એ માબાપ માટે આ મોટું ‘દુઃખ’, પણ માણસને સંતાન હોય, લાંબું જીવે, નસીબદાર જુગારીની જેમ સંસારના પાટલા ઉપર જીત્યા કરે, પણ માબાપની સામે નજર ન કરે તો?  કોઈ માબાપને શ્રીમંત પુત્રના આલીશાન બંગલાના એક ખૂણામાં પુરાઈને આવી ખોરાકી ગમતી નથી. વાત છે સંતાનના પ્રેમની, માબાપ પ્રત્યેના તેના આદરની. હવે આ બે જાતનાં માબાપમાંથી કયાં માબાપને ‘સુખી’ અને કોને ‘દુઃખી’ ગણીશું? શ્રવણ જેવી સેવા કરીને ચાલ્યો ગયેલો પુત્ર એક મીઠાશ મૂકીને ગયો છે, સુખદાયક સ્મૃતિઓની એક સરવાણી માબાપના મનમાં પ્રગટાવીને ગયો છે. જે માબાપનો પુત્ર જીવતો છે, સુખી છે, પણ માબાપને આપવા માટે તેની પાસે કશું જ સુખ નથી તો આવાં માબાપને કઈ રીતે ‘સુખી’ ગણવાં?

—————–.

You might also like