મત આલા સીટ ગેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોેમાં એક આશ્ચર્યજનક બાબત સામે આવી કે ભાજપને મળેલા મતની ટકાવારી વધી હોવા છતાં તેની સીટોની સંખ્યા ઘટી છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને ભાજપ કરતાં મળેલા મતની ટકાવારી ઓછી હોવા છતાં તેની બેઠકોે વધી છે…..

ગુજરાતના પરિણામો ગ્રામિણ અને શહેરી વિસ્તાર, અનામત અને બિનઅનામત સીટો અને પ્રદેશો વચ્ચે વહેંચાયેલા છે. તે બધામાં ભાજપની ઘણી સીટો ઘટી છતાં તમામ ક્ષેત્રે તેનો મતહિસ્સો કોંગ્રેસ કરતાં વધુ જોવા મળે છે. આ વાતને એક દાખલાથી સમજીએ તો, ગ્રામિણ વિસ્તારમાં કોંગ્રેસને ભાજપ કરતા વધુ બેઠકો મળી છે. પરંતુ આખા રાજ્યમાં બંને પાર્ટીને મળેલા મતની ટકાવારી જોઈએ તો ભાજપને ૪૯.૧ ટકા મત મળ્યા છે. આ મત ૨૦૧૨માં મળેલા ૪૭.૯ ટકાથી પણ વધારે છે. જ્યારે કોંગ્રેસને ૪૧.૪ ટકા મત મળ્યા છે. કોંગ્રેસને ૨૦૧૨માં ૩૮.૯ ટકા મત મળ્યા હતા. કોંગ્રેસને મળેલા મતની ટકાવારી ગત ચૂંટણી કરતાં વધી છે તો પણ તે ભાજપ કરતાં ૮ ટકા જેટલી ઓછી છે.

ભાજપ અને કોંગ્રેસની મતહિસ્સેદારી વચ્ચે આટલું મોટું અંતર હોવા છતાં ભાજપ સરકાર બનાવવા જરુરી બહુમત કરતાં માત્ર સાત સીટ વધુ મેળવી શક્યો છે. ભાજપ મતને લીડમાં તબદિલ કરવામાં ઉણો ઉતર્યો છે. શહેરી બેઠકો ઉપર ભાજપે સિક્કો જમાવ્યો છે. ૩૩ શહેરી બેઠકોમાં ભાજપે જીત મેળવી છે અને અહી સરેરાશ જીતનો તફાવત ૪૭,૪૦૦ મતોનો છે. ભાજપે શહેરી-ગ્રામિણ બેઠકો સરેરાશ ૨૬,૦૦૦ મતોની લીડથી જીતી છે.

પરિણામે કોંગ્રેસનો મતહિસ્સો ભાજપ કરતાં ઓછો હોવા છતાં તે ગ્રામિણ વિસ્તારમાં વધુ સીટો જીતવામાં સફળ રહ્યો છે. સૌરાષ્ટ્રનાં પરિણામો નાટકીય છે, અહીં ભાજપ માત્ર ૨૩ સીટો જીત્યુ છે જ્યારે કોંગ્રેસે ૩૦ સીટો જીતી છે. કોંગ્રેસને મળેલા મતની ટકાવારી (૪૫.૫ ટકા) કરતાં ભાજપને મળેલા મતની ટકાવારી ( ૪૫.૯ ટકા) વધુ હોવા છતાં. ઉત્તર ગુજરાતમાં પણ કંઈક આવી જ સ્થિતિ સર્જાઈ છે. અહી કોંગ્રેસને મળેલા મતની ટકાવારી (૪૪.૯ ટકા) કરતાં ભાજપને મળેલા મતની ટકાવારી (૪૫.૧ ટકા) વધુ હોવા છતા તેને કોંગ્રેસ કરતા ઓછી સીટો મળી છે. ઉત્તર ગુજરાતમાં ભાજપને મળેલા ૪૫.૧ ટકા મતો સામે ૧૪ સીટો મળી છે જ્યારે કોંગ્રેસને મળેલા ૪૪.૯ ટકા મતો સામે ૧૭ સીટો મળી છે. આખા રાજ્યમાં એકમાત્ર ઉત્તર ગુજરાતમાં ભાજપને ૨૦૧૨ કરતાં મળેલા મતોની ટકાવારી વધી હોવા છતાં સીટો ન વધી. એ પણ વિચિત્ર હકીકત છે કે પાટિદાર પ્રભાવિત  બાવન સીટોમાં ભાજપને મતો પણ વધુ મળ્યા (૫૦.૩ ટકા) અને સીટો પણ વધુ મળી (૨૮) છે. કુલ મળીને વાત કરીએ તો ૨૦૧૨ની સરખામણીએ ભાજપને મળેલા મતોની ટકાવારી વધીને ૪૯ ટકા થઈ તો પણ ૧૬ સીટ ઘટી ગઈ. મરાઠાઓએ વીર સેનાપતિ તાનાજી ગુમાવીને એક લડાઈ જીત્યા ત્યારે શિવાજી માટે “ગઢ આલા સિંહ ગેલા” સ્થિતિ થઈ હતી. તેમ ભાજપ બાબતમાં કહી શકાય કે “મત આલા, સીટ ગેલા”.

શહેરોમાં અને સુરતમાં અમિત શાહનું માઇક્રો પ્લાનિંગ કામ કરી ગયું. દિવાળી પહેલાં ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહની અમદાવાદમાં જીએસટી મુદ્દે વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સાથેની બેઠકમાં એક વેપારીએ સીધુ જ પૂછ્યું, “જો ચૂંટણી ન હોત તો તમે આવત?” અમિત શાહે સવાલનો જવાબ આપતા સ્વિકાર્યુ કે ચૂંટણીના કારણે થોડી ઉતાવળ કરવી પડે છે એવું કહેતાં અમિત શાહે જવાબ આપ્યો,”જુઓ, કોઈપણ સંજોગોમાં અમે તમારા કારોબારને ડુબવા દઈશું નહી. અત્યાર સુધી અમે કદી એવું કર્યુ નથી અને કોઈનેય એવો રસ નથી કે તમે ડુબો.” અમિત શાહ એક અઠવાડિયું રોકાયા હતા અને સેંકડો વેપારીઓ અને ઉદ્યોગપતિઓને મળ્યા હતા. વેપારીઓએ જીએસટીની જટિલતાઓ ગણાવી અને તેના જવાબમાં અમિત શાહે જીએસટીની અનિવાર્યતા સમજાવી કહ્યુ, “યાદ રાખો, તમે અમને અત્યારે હરાવશો તો છ મહિના પછી પાછા લાવી શકવાના નથી.” સુરતના કાપડ વેપારીઓની જાણ કર્યા વગર અચાનક મુલાકાત લીધી. વડાપ્રધાન મોદીએ સભાઓમાં જીએસટીમાં કરેલા સુધારાની વાત કરી.

જીએસટીના કારણે કોંગ્રેસ ગેલમાં આવી અને તેમની ભેરે આવ્યા ભાજપના જુના અસંતુષ્ટ નેતાઓ. તેઓ મોદી મોડેલને નિષ્ફળ અને અર્થતંત્રને દિશાહીન ગણાવી રહ્યા હતા. મોદીના ગયા પછી આનંદીબહેનની પસંદગીમાં પણ થાપ ખાધી અને તેમને હટાવીને રુપાણીને મુક્યા. ભાજપમાં પણ સમસ્યાઓ હતી. પાટીદાર અનામત આંદોલનને તોડવાનું હતું, મગફળી અને કપાસના ટેકાના ભાવ વધારવાની માંગણીઓને લઈને ખેડૂતો બહાર આવ્યા. નુકશાની ખાળવા અમિત શાહ ડઝન પ્રભાવશાળી કોંગ્રેસના નેતાઓને તોડી લાવ્યા. જો કે તેઓએ અપેક્ષિત પરિણામ નહીં આપતા ખોટો જુગાર સાબિત થયા.

અમિત શાહ હાર્દિકની ચાલ પણ જોઈ રહ્યા હતા. ઘણાની પીન હાર્દિકના અનામત વિશેના અજ્ઞાન સાથે ચોંટી ગઈ હતી. તેમણે વેપારીઓ અને ઉદ્યોગપતિઓને સમજાવ્યુ કે કોંગ્રેસમાં હાર્દિકનો ભારે પ્રભાવ ઉદ્યોગ અને વેપાર જગત માટે ખરાબ સમાચાર છે.

———————.

You might also like