ચૂંટણી- ‘જંગ’નો અંત, ગુજરાત ‘એજન્ડા’નો આરંભ

૨૦૧૭નો અંત અને ગુજરાતની રાજનીતિનો નવો આરંભઃ બંને એક સાથે આવ્યા છે. ચૂંટણી-પ્રચારના મુદ્દાઓનું ઘમાસાણ હવે ભૂલાઈ જવું જોઈએ પણ તેના છાયા-પડછાયા હજુ અસ્તિત્ત્વમાં છે. હજુ પેલા ‘નીચ જાતિ’ના સંબોધનોએ ગુજરાતી નાગરિકના મનમાં જગાડેલી આગ બૂઝાઈ નથી. અને એમ શાંત થાય પણ ક્યાંથી? તમે ગુજરાત-પુત્ર અને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાનની ગંદી નિમ્ન ટીકા કરી છે, જે હવે વડાપ્રધાન પણ છે………!

મણિશંકર તો એક પ્રતીક છે. મોદી-ભાજપ-સંઘ સામેના પૂર્વગ્રહો, નિંદા, તિરસ્કાર અને અણગમો એ ખતરનાક માનસિકતા છે. છેક જમાના જૂનું વાક્ય છે પંડિત જવાહરલાલનું તેમના જ મંત્રીમંડળમાં રહી ચૂકેલા અને બંગાળના પ્રિયપ્રતિષ્ઠિત ડો. શ્યામાપ્રસાદ મુખરજીએ નવો પક્ષ બનાવ્યો ત્યારે તત્કાલીન વડાપ્રધાન નેહરુજીએ પ્રતિક્રિયા આપી ઃ “જનસંઘ એ આર.એસ.એસનું અવૈધ સંતાન છે!” ને પછી સંસદમાં કહ્યું “હું જનસંઘને કચડી નાખીશ” શ્યામાબાબુનો જવાબ સરસ હતો “હું કોઈનેય કચડી નાખવાની તમારી માનસિકતાને જ કચડી નાખીશ.”

અય્યર-શૈલીની માનસિકતાને ગુજરાતની ચૂંટણીએ જવાબ આપ્યો અને ભાજપને સત્તાજોગી બેઠકો આપી. નાગરિક જો જાગૃત હોય તો તે હેડમાસ્તર છે, વિદ્યાર્થીનો કાન આમળીને તેને બોધપાઠ આપે છે તેમાં ક્યાંય દુશ્મનાવટ નથી હોતી. નાગરિક તેની પાસે આવતા પક્ષોને બોધપાઠ આપે છે. તેમાંયે ગુજરાતી નાગરિક ભારે ગણતરીબાજ (કેલ્ક્યુલેટિવ) છે. તે અ-બ-ક-ડ કે ક-ખ-ગ-ઘ-થી સાર્વજનિક વ્યવહારની શરૃઆત કરતો નથી, એક-બે-ત્રણ-ચારથી કરે છે! એટલે જ નરેન્દ્ર મોદીએ કહ્યું હશે કે અમારે માટે એક અને એક બે નથી થતા, અગિયાર થાય છે.

ગુજરાતમાં છઠ્ઠીવાર ભાજપ-સરકાર બની. તેની પહેલા ત્રણવાર જનતા મોરચો, જનતા પક્ષ અને જનતા દળ આંશિક સત્તાનો અનુભવ લીધો એટલે તેને રાજકારણની બરોબર ખબર પડી ગઈ છે. તેણે “મર્યાદિત રાજકીય પ્રવૃત્ત” રહેલા પણ સિધ્ધાંત પથ પર અડીખમ ભારતીય જનસંઘને હવે “સમગ્ર સમુહની” માસ પાર્ટી બનાવી દીધી છે જેનું નામ ભાજપ છે પણ ખોળિયું ૧૯૫૨ના જનસંઘનું છે. આ પરિણામોમાં ભાજપના ઉમેદવારો હાર્યા તેમણે એ યાદ રાખવું જોઈએ કે ૧૯૫૨થી ૧૯૬૭ સુધી જનસંઘ તમામ બેઠકો લડતો, હારી જતો અને જેમની ડિપોઝીટ બચી ગઈ હોય તેમનું સન્માન કરતી ઊજવણી કરતો! આ વલણ હારનારાઓને માટે સંપૂર્ણ આશ્વાસન બની શકે. વડાપ્રધાનપદેથી એક જ મતે મોંમાથી કોળિયો ઝૂંટવાઈ જાય તે રીતે હારી જનારા અટલબિહારી વાજપેયીએ તેનો રાયસીના માર્ગ પરના નિવાસે સાંજે, એક હિંદી કવિની પંક્તિ કહી હતી. ક્યા હારમેં, ક્યા જીતમે, કિંચિત નહીં ભયભીત મૈં, જીવનપથ પર જો મિલા, વહ ભી સહી યહ ભી સહી!”

ભાજપના ૨૦૧૭ના પરાજિત ઉમેદવારો આવું માને તો કોંગ્રેસના ઉમેદવારો માટે ય એટલું જ સાચું છે. આ વખતે અધ્યક્ષ બનવાના માહોલની વચ્ચે રાહુલ ગાંધીએ ગુજરાતની ચૂંટણીમાં જીતી જવાનો આશામહેલ બાંધ્યા તે રેતીનો હોવા છતાં, કોંગ્રેસ કિશોરોને ગમી ગયો, સાચો માની લીધો. કોઈપણ ભાગેનું વલણ કેવું બહાવરૃં બનાવી દે છે તેનો સાર્વજનિક પ્રયોગ થયો. હાર્દિક અલ્પેશની કાખઘોડીથી દોડવાનો. ત્રીજી કાખઘોડી જિજ્ઞેશની હતી. બધા જ બધા વિરોધના મોજાં પર અસવાર યુવા નેતાઓ હતા એટલે ગુજરાતના (બધા નહીં) કેટલાક કર્મશીલ બૌદ્ધિકોને તેમનામાં મહાન નેતાઓના ગુણ દેખાયા. ખરેખરતો ગુજરાતમાં મહાગુજરાત આંદોલન કે નવનિર્માણ કે અનામત-તરફેણ વિરોધમાં જે ઝાકઝમાળ પેદા કરતી નેતાગીરી હતી તે કોઈને કોઈ પક્ષમાં વિલીન થઈ ગઈ તે દેખીતું ઉદાહરણ આ નવા નેતાઓ માટે ય એટલું જ સાચું છે.. મુદ્દાઓ ગમે તેટલા સંવેદનશીલ હોય પણ તેને દીર્ઘદૃષ્ટા તરીકે પામીને આગળ ધપાવનારું નેતૃત્ત્વ હજુ આંદોલનોમાંથી નીપજી શકે તેવું છે જ નહીં. સમસામયિક પરપોટાઓ ઇતિહાસ રચી શકતા નથી. ભાજપે ધારી હતી એટલી બેઠકો ના આવી પણ તેનાં નેતૃત્ત્વને પ્રજાએ અનિવાર્ય ગણ્યું છે. નરેન્દ્ર મોદીનો ભાવાત્મક સંબંધ તૂટ્યો નહીં. રાષ્ટ્રીય પ્રમુખે તેવાં સંગઠનાત્મક રણનીતિનો નકશો બનાવી આપ્યો. ઉમેદવારો પસંદ કરવામાં ક્યાંક ભૂલ થઈ હોય તો તે તેમની રાજકીય મજૂબરી હશે. પણ હવે પછી ઉમેદવારની પસંદગીને વધુ અસરકારક બનાવવાનો બોધપાઠ હેડમાસ્તર નાગરિકે આપ્યો છે તે ભાજપે યાદ રાખવા જેવો છે. જે જીત્યા છે તેમાં ઘણાબધા રાજકીય અનુભવીઓ છે પ્રશાસન સાથે મૌલિક સ્વતંત્રતા સાથે નિર્ણયાત્મક બને તે આગામી દિવસોની માંગ હશે. યાદ રહે કે ઇન્કમ્બન્સી પાંચમીવારની ચૂંટણીમાં હતી તે છઠ્ઠીવારના શાસનમાંથી સમુળગી નષ્ટ થઈ ગઈ નથી. તેમાં અસરકારક સુધાર કરીને નરેન્દ્ર મોદીનાં સ્વપ્ન સરખા “ગુજરાત મોડેલ”ને વધુ કામિયાબ બનાવવાનો એક માત્ર એજંડા નવી સરકારે રાખવો જ પડશે.

બેશક, કોંગ્રેસ ઉત્તમ વિપક્ષ તરીકે ભાગ ભજવે તેને માટે જ તેને મત મળ્યા છે ધાંધલધમાલ આરોપ વિરોધના નુસખાઓ માટે નહીં. વિભાજક પરિબળો, રાષ્ટ્રવિરોધી શક્તિઓની પરોક્ષ-પ્રત્યક્ષ ઉપસ્થિતિ, વિરોધ ખાતર વિરોધ આ તીક્ષ્ણ મુદ્દાની સામે ઉપેક્ષા કોંગ્રેસને પાલવશે નહીં અને સાવધાન રહેવું પડશે. બોધપાઠોની એક કરૃણ નિયતિ એ છે કે ઇતિહાસમાં ભૂલોનો બોધપાઠ એટલો જ કે બોધપાઠ શીખવો નહીં… ગુજરાત તેમાંથી બચી જઈને આગળ વધે તો  કેવું સારું!

——————-.

You might also like