ભાજપના સાંકડા વિજયનું  મૂલ્યાંકન ઓછું આંકવાની જરૃર નથી

૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીઓમાં સાંપડેલી સફળતાની તુલનામાં આ ચૂંટણીઓમાં ભાજપને સાંપડેલી થોડી ઓછી સફળતાનું જે એવું મૂલ્યાંકન થઇ રહ્યું છે કે ભાજપની જીતમાં હાર છે અને કૉન્ગ્રેસની હારમાં જીત છે તે પરિસ્થિતિનું વાસ્તવિક મૂલ્યાંકન નથી. તો જ્યારે શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે એમ કહે કે ગુજરાતમાં કૉન્ગ્રેસ અસલી વિજેતા છે ત્યારે પરિસ્થિતિને તેઓ પોતાના ઊંધા ચશ્મે જોઇ ભાજપ પ્રત્યેનો પોતાનો દ્વેષ જ વ્યક્ત કરી રહ્યા છે. હા, એ પણ સ્વીકારવું રહ્યું કે આ ચૂંટણીમાં રાહુલ ગાંધીએ પોતાના નવા લડાયક ચહેરાનો બરાબર પરિચય કરવા ઉપરાંત પોતાના તીખા ચબરાકીયા આક્ષેપ ભાજપ અને ખાસ કરીને નરેન્દ્ર મોદી પર ભિંસ જાળવી રાખવામાં ઠીક ઠીક પ્રમાણમાં સફળ પણ થયા છે. અલબત્ત ૯૯ના આંકડે ભાજપને અટકાવી દેવામાં કૉન્ગ્રેસને મળેલી સફળતા અને ૧૯૮૫ પછી પ્રથમ વાર ૮૦ના આંકડે પક્ષને પહોંચાડવામાં રાહુલ ગાંધીની સિદ્ધિઓનો સ્વીકાર કરીએ તો પણ પક્ષને ૨૨ વર્ષોના વનવાસમાંથી મુક્તિ આપવામાં તેઓ નિષ્ફળ રહ્યા છે. તેનો પણ સ્વીકાર કરવો રહ્યો.

૧૮૨ની સભ્ય સંખ્યાવાળા ગુજરાત વિધાનસભામાં ભાજપને ૯૯ બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે. અને આ સભ્ય સંખ્યા ૧૯૯૫થી શરૃ થયેલી તેની વિજયયાત્રામાં સૌથી ઓછી તો છે જ પરંતુ ૨૨ વર્ષોના એકધારા શાસન પછી ફરી છઠ્ઠી વાર વિજય પ્રાપ્ત કરવો તે કાંઇ નાનો સૂનો પડકાર નથી. પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓ સાત સતત વિધાનસભાઓની ચૂંટણીઓ જીતી ૩૫ વર્ષો સુધી શાસન કરતા રહેવાનો જે ઇતિહાસ સર્જ્યો છે તે પછી ગુજરાતમાં ભાજપ સતત છઠ્ઠી ચૂંટણી જીતી ૨૭ વર્ષો શાસન કરવાનો લોક ચૂકાદો પ્રાપ્ત કરી નવો ઇતિહાસ રચ્યો છે. વધુમાં આ ચૂંટણીમા ંપડકારો પણ  ક્યાં ઓછા હતા? પાટીદાર અનામત આંદોલન, નોટબંધી, જીએસટી કે રોજગારીની સમસ્યાઓ તો હતી જ.

આ સંજોગોમાં આ ચૂંટણીમાં ભાજપની તાકિદની મુશ્કેલી તેની પરંપરાગત પટેલ વોટ બૅન્ક તૂટવા ઊભા થયેલા જોખમની હતી. અનામત માટે હાર્દિક પટેલના નેતૃત્વ હેઠળ શરૃ થયેલા પાટીદાર આંદોલનની માંગણીઓનો સ્વીકાર કરવો ભાજપ માટે જેમ અશક્ય હોત તો તેનો ઇન્કાર કરવો અને તે પછી તેની ભારે રાજકીય કિંમત ચૂકવવી તે પણ, ચૂંટણી ટાણે, પક્ષ માટે સહેલું ન હતું. હરિયાણામાં આવી જ અનામત માટેનું જાટ આંદોલન, રાજસ્થાનમાં ગુર્જરોનું અને મહારાષ્ટ્રમાં મરાઠાઓના આંદોલનના જે અંજામ આવ્યા તે જોતાં ગુજરાતમાં પણ બંધારણીય મર્યાદાઓ જોતાં પાટીદારો માટે અનામત સંભવ હતી જ નહીં. આ તબક્કે કૉન્ગ્રેસ કેવળ પટેલ વોટ બેન્ક માટે અનામત માટેની કહેવાતી ફોર્મુલા કપિલ સિબ્બલ દ્વારા હાર્દિક પટેલને પહોંચતી કરી અને તે સાથે કૉન્ગ્રેસ અને પાટીદાર આંદોલનકારીઓ વચ્ચેનું બિનસત્તાવાર ગઠબંધન શરૃ થયું. આ ચૂંટણીમાં, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કૉન્ગ્રેસને જે ગણનાપાત્ર સફળતા મળી છે તેમાં હાર્દિક ફેક્ટરનો સારો એવો ફાળો  છે. પરંતુ પાટીદાર આંદોલન સાથેનું કૉન્ગ્રેસનું ગઠબંધન તેને બહુમતી કેમ અપાવી શક્યું નથી તે પણ નોંધવું રહ્યું. સૌરાષ્ટ્રમાં કૉન્ગ્રેસને આ આંદોલનનો લાભ મળ્યો તો ખરો પરંતુ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત, ખાસ કરીને સુરતમાં જે લાભની આશા કૉન્ગ્રેસ રાખતી હતી તે તેને મળ્યો નથી. થોડું ઊંડાણથી વિચારીએ તો હાર્દિક પટેલને ખોળે લેવાને બદલે આરંભથી જ પાટીદાર આંદોલનનો કૉન્ગ્રેસે વિરોધ કર્યો હોત તો તેને તાકિદે લાભ થાત કે ન થાત પરંતુ લાંબાગાળે અવશ્ય થયો હોત. બે વર્ષ પહેલા આ આંદોલનનો આરંભ થયો ત્યારે એવી વ્યાપક ચર્ચાઓ ચાલતી હતી કે પાટીદાર જેવી સાધન સંપન્ન જ્ઞાતિની અનામતની માંગણી કેટલા અંશે વાજબી ગણી શકાય? ગુજરાતમાં પાટીદારો ન તો સામાજિક, શૈક્ષણિક કે આર્થિક દૃષ્ટિએ પછાત છે. વધારામાં ગુજરાતમાં ઉપલી જાતિના ગણાતા બ્રાહ્મણો, વણિક, જૈન કે રાજપૂતોની સાથે પટેલોનો કેવળ રોટી વ્યવહાર સ્વાભાવિક બની ગયો છે તેમ બેટી વ્યવહાર પણ સ્વાભાવિક માન્ય થતો રહ્યો છે. આ સંજોગોમાં કોઇપણ માપદંડથી પટેલોને પછાત ગણી શકાય તેમ નથી.

આરંભમાં એવું પણ ચર્ચાતું હતું કે આ માંગણીઓ ઊભી કરવા માટે સંઘ પરિવારનો હાથ છે અને આવી બેહુદી માંગણીઓ ઊભી કરવા પાછળની રમત પટેલોને અનામત અપાવા માટે નથી પરંતુ દલિતો અને આદીવાસીઓ સહીત સમાજના જે નબળા વર્ગોને છેલ્લા સાત દાયકાઓથી અનામતના લાભો મળતા રહ્યા છે તે રદ કરાવા માટેની વ્યવસ્થિત ચાલ છે. આ વાત પકડી લઇ કૉન્ગ્રેસે પાટીદાર આંદોલનનો વિરોધ કરી સંઘ પરિવાર પર દલિતો અને આદીવાસીઓ સહીત સમાજના નબળા વર્ગોને સામાજીક લાભોથી વંચિત રાખવાની ભાજપની રમત ગણી પ્રહાર કર્યો હોત તો તેનો ગરીબોમુખી ચહેરો વધારે ઉજ્જવળ દેખાયો હોત. આવા વ્યૂહને કારણે તેને દલિતો અને આદિવાસીઓના મતોનો લાભ થયો હોત પરંતુ વધારામાં ઓબીસીનો ઝોક પણ તેની તરફ આવત. આ ભૂલને કારણે તેનો ગાંધીનગર પહોંચવાનો માર્ગ મોકળો થયો હોત કે કેમ તે કહેવું મુશ્કેલ છે પરંતુ ન થયો હોત તો પણ લાંબાગાળાનો રાજકીય લાભ તો અવશ્ય થાત જ.

અત્યારે અનામતનું સમર્થન કરીને પણ કોંગ્રેસ ગાંધીનગર પહોંચી શકી નથી અને સામી બાજુ પટેલ મતોમાં વિભાજન કરાવી ભાજપ સાંકડી બહુમતી સાથે પણ સત્તા વાપસી કરી રહ્યું છે. હવે પટેલોને અનામતનું જે ગાજર કપિલ સિબ્બલની ફોર્મ્યુલા દ્વારા લટકાવી રાખ્યું છે તેવું હરિયાણાના જાટ, રાજસ્થાનના ગુર્જરો કે મહારાષ્ટ્રના મરાઠા પણ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાસે માગશે તો અધ્યક્ષ રાહુલ ગાંધી તે આપી શકશે ખરાં? આ સાથે કોંગ્રેસ જેવા રાષ્ટ્રીય પક્ષ માટે જ્ઞાતિવાદી, જાતિવાદી શક્ય છે બનવું ખરું?

સંભવતઃ કોંગ્રેસે ગુજરાતમાં તાકીદના લાભ ખાતર પાટીદારો સાથે હાથ મિલાવ્યાનું જે સાહસ કર્યું છે તેની મોટી કિંમત તેણે ભવિષ્યમાં ચૂકવવી પડવાની છે અને જે હાર્દિક પટેલ અત્યારે તેની મોટી અસ્કયામત છે તે તેની મોટી આફત બને તો નવાઇ નહીં. તો નોટબંધી કે જીએસટીના પડકારો કરતાં પણ મોટાં લાગતાં પટેલ પડકારો વચ્ચે ભાજપે ફરીવાર સત્તા વાપસી કરી છે. ઉપરાંત આ ચૂંટણીમાં પટેલ ફેક્ટર કોંગ્રેસની તરફેણમાં ગણાતું હોવા છતાં તે તેના પ્રથમ કક્ષાના ચાર નેતાઓ અનુક્રમે અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ કે તુષાર ચૌધરીને વિધાનસભામાં મોકલી શક્યા નહીં તો સામે પટેલનો ગઢ મનાતા સૌરાષ્ટ્રમાંથી વિજય રૃપાણી ૫૩,૦૦૦ ઉપરાંત વોટોથી જીતે કે તેના પટેલ નેતાઓ નીતિન પટેલ કે સૌરભ પટેલ ચૂંટાઇ આવે તે ભાજપની નાની સિદ્ધિ નથી. અહીં એ વાત નોંધવી રહી કે ગુજરાતમાં કોંગ્રેસને જે ૮૦ જેટલી બેઠકો પ્રાપ્ત થઇ છે, તેમાં તેના ખુદના ફાળા કરતાં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીએ જે વંટોળ ઊભો કર્યો હતો તેનો લાભ કોંગ્રેસને મળ્યો છે.  આ વંટોળ સામે ભાજપ છઠ્ઠીવાર સત્તાવાપસી કરી શક્યું છે તેનું કારણ તેનું ચુસ્ત-દુરસ્ત સંગઠન અને નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા છે. કોંગ્રેસના ટોચના નેતાઓ હાર્યા કારણકે તેમની પાસે આ ત્રણ યુવકોએ ઊભું કરેલું વાતાવરણ હતું પણ પક્ષનું સંગઠનનું માળખું નહોતું. તો સામે ભાજપ પોતાના બળ પર ઊભા રહી આ વંટોળનો સામનો કરી છઠ્ઠો વિજય પ્રાપ્ત કરી શક્યું છે અને તેથી તેનું મહત્ત્વ ઓછું આંકવાની જરૃર નથી. આ વિજય પછી હવે ૨૦૧૯ની લોકસભાના વિજયનો માર્ગ વધારે પ્રશસ્ત થઇ રહ્યો છે તે નોંધવું રહ્યું.

——————-.

You might also like