અયોધ્યા વિવાદઃ ૫ ડિસેમ્બરે કોર્ટરૃમમાં શું બન્યું હતું ?

સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડ અને બાબરી એક્શન કમિટીના વકીલોએ જસ્ટિસ દીપક મિશ્રા દ્વારા સુનાવણી કરવાનો વિરોધ કર્યો. આ વકીલોનું કહેવું હતું કે જસ્ટિસ દીપક મિશ્રાએ આ કેસની સુનાવણી ન કરવી જોઇએ કારણ કે તેમનો કાર્યકાળ પૂરો થઇ રહ્યો છે અને આ કેસ તેમના કાર્યકાળ દરમિયાન પૂરો નહીં થઇ શકે. વકીલોએ લગભગ એક કલાક સુધી કોર્ટની કાર્યવાહી સ્થગિત કરી દીધી. એક સમય તો એવો આવ્યો કે વકીલોએ કોર્ટનો બહિષ્કાર કરવાનો પણ પ્રયત્ન કર્યો….

 

રામ જન્મ ભૂમિ- બાબરી મસ્જિદના માલિકી હકને લઇને ૫ ડિસેમ્બરના રોજ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન વકીલો દ્વારા જબરદસ્ત ઊહાપોહ મચાવવામાં આવ્યો. આ ઊહાપોહ મચાવવાનું કારણ હતું – મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દીપક મિશ્રાનો કાર્યકાળ. જસ્ટિસ મિશ્રાનો કાર્યકાળ ૨ ઑક્ટોબર, ૨૦૧૮ના રોજ સમાપ્ત થઇ રહ્યો છે.

ખીચોખીચ ભરેલી કોર્ટમાં બપોરના બે વાગ્યા બાદ સુનાવણી હાથ ધરવામાં આવી ત્યારે સુન્ની વકફ બોર્ડના વકીલ રાજીવ ધવને દલીલ કરી કે મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાએ આ કેસની સુનાવણી ન કરવી જોઇએ કારણકે તેમના કાર્યકાળ દરમિયાન કેસની સુનાવણી પૂરી નહીં થાય. ધવને વધુમાં ઉમેર્યું કે કેસની તૈયારી માટે તેમને પોતાને જ ચાર મહિનાનો સમય જોઇશે. તેથી જસ્ટિસ મિશ્રાએ આ મુદ્દાને સ્થગિત કરી દેવો જોઇએ. જોકે, બાદમાં ધવને પોતાની વાત ફેરવી તોળી અને સ્પષ્ટતા કરતા કહ્યું કે શબ્દોની પસંદગી કરવામાં તેઓ થાપ ખાઇ ગયા હતા. તેમના કહેવાનો ભાવાર્થ એ હતો કે આ કેસની સુનાવણી ઑક્ટોબર મહિના સુધીમાં પૂરી નહીં થઇ શકે.

કૉંગ્રેસી નેતા અને સુન્ની બોર્ડના વકીલ કપિલ સિબ્બલ પણ રાજીવ ધવનની તરફેણમાં ઉતરી આવ્યા હતા. સિબ્બલે દલીલ કરી હતી કે, ‘આ મામલો પેચીદો છે અને ઘણો સમય માગી લે એવો છે. તેથી વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી બાદ કેસ પર કાર્યવાહી હાથ ધરવામાં આવે. કોર્ટ અયોધ્યા કેસની સુનાવણી કરવામાં ઝડપ કેમ કરી રહી છે? જો ઉતાવળ હોય તો આ ઉતાવળ પાછળ કયા કારણ જવાબદાર છે, તેનો ખુલાસો કરે.’ સિબ્બલના મતે આ કેસ દેશની રાજનીતિને પ્રભાવિત કરવાવાળો છે. તેમજ દેશની સાંપ્રદાયિકતાને પણ અસર કરનારો છે. આ મામલાને સાત ન્યાયાધીશોની સંવિધાન પીઠને મોકલવામાં આવે. અગાઉ પાંચ જજની પીઠે મસ્જિદ અંગે પહેલેથી ચુકાદો આપેલો જ છે. તેથી હવે આ મામલો સાત ન્યાયધીશોવાળી મોટી પીઠને સોંપવામાં આવે. લોકો કોર્ટની બહાર રામ મંદિર અને બાબરી મસ્જિદને લઇને કેવા કેવા નિવેદનો આપી રહ્યા છે, તેની તરફ કોર્ટે ધ્યાન આપવું જોઇએ.

કપિલ સિબ્બલની દલીલ પર જસ્ટિસ અશોક ભૂષણે ફટકાર લગાવી હતી. ભૂષણે કહ્યું હતું કે, ‘હજુ તો કેસની સુનાવણી શરૃ નથી થઇ તે પહેલાં તેને રોકી દેવાની વાત કરવામાં આવી રહી છે. તમે કેવી રીતે કહી શકો કે કેસની સુનાવણીમાં એક વર્ષ કરતાં વધુનો સમય નીકળી જશે.’ કોર્ટે સિબ્બલને કહ્યું કે, ‘તમે તમારા બોલથી ફરી રહ્યા છો. અગાઉ તમે ડિસેમ્બર મહિનામાં સુનાવણી શરૃ કરવા માટે તૈયાર થઇ ગયા હતા. તમે બિલકુલ હાસ્યાસ્પદ ટિપ્પણીઓ કરી રહ્યા છો. અલ્હાબાદ કોર્ટે અયોધ્યા કેસની સુનાવણી નેવું દિવસમાં પૂરી કરીને ચુકાદો આપી દીધો હતો. તો સુપ્રીમ કોર્ટમાં કેમ એવું ન થઇ શકે? સાથે જ આ મામલાને ધાર્મિક સ્થળોની સાથે પરિભાષિત ન કરવો જોઇએ.’ ઉપરાંત જસ્ટિસ ભૂષણે સિબ્બલને ટકોર પણ કરી હતી કે કોર્ટની બહાર લોકો કેવા નિવેદનો આપે છે, તેની સાથે કોર્ટને કોઇ પ્રકારની નિસબત નથી.

જસ્ટિસ અશોક ભૂષણની સાથે રામજન્મભૂમિ ટ્રસ્ટના વકીલ હરીશ સાલ્વેએ પણ સિબ્બલના આ તર્ક અને દલીલોનો વિરોધ કર્યો હતો. સાલ્વેનું કહેવું હતું કે, ‘મામલાની સુનાવણી પર રોક લગાવવાની વાત કરીને સિબ્બલ સમાજમાં શું સંદેશો પહોંચાડવા માગે છે. અત્યારથી પાયાવિહોણા તર્ક લગાવવાની કે આશંકાઓ વ્યક્ત કરવાની જરૃર નથી. જો સુનાવણી દરમિયાન કોઇ સંવૈધાનિક સવાલો ઊઠ્યા તો પીઠ તેને સંવિધાન પીઠને મોકલવા માટે સ્વતંત્ર છે. એવા ઘણાં ચુકાદા હોય છે તેની દૂરોગામી અસર થતી હોય છે પણ કોર્ટને તેની કાર્યવાહી કરતાં રોકવી એ બિલકુલ યોગ્ય નથી.’

યુપી સરકારના એએસજી તુષાર મહેતાએ પણ કપિલ સિબ્બલની માગણી પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. વકીલો એવું કેવી રીતે કહી શકે કે કોર્ટ કેસ ન ચલાવે. વકીલોના આ પ્રકારના વ્યવહારને જોતાં તો હવે કોર્ટે સત્વરે સુનાવણી હાથ ધરી દેવી જોઇએ.

આ બધા કોર્ટરૃમ ડ્રામાની વચ્ચે મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દીપક મિશ્રાએ ચોખવટ કરી હતી કે આજે તો આમેય સુનાવણી શરૃ નહીં થઇ શકે. તેઓ માત્ર તથ્યો આધારિત સ્ટેટમેન્ટ વંચાવવાની શરૃઆત કરાવવા માગે છે અને સુનાવણી માટેની આગામી તારીખ નક્કી કરવા ઇચ્છે છે. જસ્ટિસ મિશ્રાએ હિન્દુ પક્ષના વકીલ વૈદ્યનાથનને બયાન વાંચવાનું કહ્યું તેની સામે રાજીવ ધવને વિરોધ નોંધાવ્યો. બીજી બાજુ શિયા વકફ બોર્ડના વકીલ એમસી ધીંગરા પણ પોતાનો પક્ષ રાખવા માટે ઊભા થયા હતા પરંતુ કોર્ટે તેમનો પક્ષ સાંભળવાની ના પાડતાં કહ્યું હતું કે દીવાની મુકદ્દમાઓમાં પક્ષો સિવાય અન્ય કોઇને હસ્તક્ષેપ કરવાની મંજૂરી નથી હોતી. આ બધી બહેસ ચાલતી હતી ત્યાં કપિલ સિબ્બલ, રાજીવ ધવન અને દુષ્યંત દવેએ કોર્ટની બહાર જવાની પરવાનગી માગી હતી. જોકે, કોર્ટે વકીલોને તેમના વતી એડવોકેટ ઓન રેકોર્ડ મૂકીને બહાર જવા કહ્યું હતું. તેની સામે સિબ્બલે દલીલ કરી હતી કે તેમના બીજા કોઇ વકીલ નથી. ત્યારે કોર્ટે આ ત્રણેય વકીલોને કોર્ટની બહાર જવાની મંજૂરી રદ કરી દીધી. જસ્ટિસ અશોક ભૂષણે વકીલોની કોર્ટનો બહિષ્કાર કરવાની વાતને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. આખરે વિરોધ કરનારા વકીલો શાંતિથી બેસી ગયા હતા. જસ્ટિસ મિશ્રાએ કપિલ સિબ્બલને કયા કયા દસ્તાવેજો નથી મળ્યા તે જણાવવા કહ્યું હતું.

———-

જસ્ટિસ મિશ્રા ભારતના ૪૫મા મુખ્ય ન્યાયમૂર્તિ છે. ૧૯૫૩માં જન્મેલા જસ્ટિસ મિશ્રાએ ૧૯૭૭માં વકીલાત કરવાની શરૃઆત કરી હતી. જસ્ટિસ મિશ્રાએ નિર્ભયા ગેન્ગ રેપ કેસના આરોપીઓને ફાંસીની સજા, પ્રમોશનમાં આરક્ષણ પર રોક, સિનેમા હોલમાં રાષ્ટ્રગાન ફરજિયાત કરવા જેવા ચર્ચાસ્પદ નિર્ણયો આપ્યા છે.
– જસ્ટિસ દીપક મિશ્રા,  મુખ્ય ન્યાયમૂર્તિ

———-

જસ્ટિસ અશોક ભૂષણનો જન્મ ૫, જુલાઇ, ૧૯૫૬ના રોજ થયો ઉત્તર પ્રદેશના જૌનપુરમાં થયો છે. ૧૯૭૯માં બાર કાઉન્સિલના વકીલના રૃપમાં નામાંકિત થયા. ૨૦૦૧માં અલ્હાબાદ કોર્ટના સ્થાયી જજ બન્યા. વર્ષ ૨૦૧૫માં કેરળ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા. વર્ષ ૨૦૧૬માં તેમને સુપ્રીમ કોર્ટના જજ બનાવવામાં આવ્યા.
– જસ્ટિસ અશોક ભૂષણ, સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ

———-

૫ જાન્યુઆરી, ૧૯૫૮ના રોજ જન્મેલા જસ્ટિસ એસ. અબ્દુલ નઝીર વર્ષ ૧૯૮૩માં કર્ણાટક હાઇકોર્ટના વકીલ બન્યા. વર્ષ ૨૦૦૩માં તેમની નિયુક્તિ કર્ણાટક હાઇકોર્ટના અતિરિક્ત જજ તરીકે કરવામાં આવી અને વર્ષ ૨૦૦૪માં સ્થાયી જજ બન્યા. ૧૭ ફેબ્રુઆરી, ૨૦૧૭ના રોજ તેઓ સુપ્રીમ કોર્ટના જજ બન્યા.
– જસ્ટિસ અબ્દુલ નઝીર, સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ

———————–.

You might also like