ગુજરાતની ચૂંટણીમાં પાઘડીની બોલબાલા

ગુજરાત વિધાનસભાની પ્રતિષ્ઠાભરી ચૂંટણીનાં પ્રચારમાં અનેક મુદ્દાઓ ચર્ચામાં રહ્યા, પરંતુ આ વખતે પાઘડીઓએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. સ્થાનિક પ્રાંતની ઓળખ બની ચૂકેલી પાઘડીએ આજના હાઈટેક પ્રચારમાં પણ પોતાની શાખને જાળવી રાખી છે. ચૂંટણી પ્રચારમાં ઘૂમી રહેલા નેતાઓને પહેરાવવામાં આવતી જાત જાતની પાઘડીઓ આકર્ષણની સાથે ચર્ચાનો વિષય બની હતી….

 

એક સમય હતો જયારે પાઘડી એ વ્યકિતની આન, બાન અને શાનનંુ પ્રતીક કહેવાતી હતી પણ સમયનાં વહેણમાં પાઘડીઓ પહેરવાનું અને પાઘડી બાંધવાની કળા લુપ્ત થઈ રહી છે. એક સમય હતો જ્યારે પ્રદેશ અને વ્યકિતની પહેચાન તેની પાઘડી પરથી થતી હતી. જેમ બાર ગાઉએ બોલી બદલાય તેમ દરેક વિસ્તાર અને પ્રાંતની સાથે સ્થાનિક લોકોમાં પાઘડીઓ અને તેને પહેરવાની રીત અલગ અલગ હતી. હવે સમય બદલાયો છે. સમાજનાં પ્રસંગો, કુટુંબમાં લગ્ન જેવા પ્રસંગોએ જ પાઘડીઓ દેખાય છે. હાલ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે ત્યારે પાઘડીઓની ચર્ચા એટલા માટે છેડાઈ છે કેમ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કૉંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી સહિતના નેતાઓ ચૂંટણી સભાઓ અને રેલીઓમાં ખાસ પ્રકારની પાઘડીઓ અને સાફો પહેરી રહ્યા છે. નેતાઓને પાઘડી પહેરવાનો અને સ્થાનિક લોકોને પોતાની ઓળખ બની ચૂકેલી પાઘડી કે સાફો પહેરાવવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

પાઘડીઓના પણ પ્રકાર છેે. પ્રાંત વિશેષ, વ્યકિત વિશેષ, જ્ઞાતિ કે કોઈ ચોક્કસ સમાજ, ધર્મ અને પ્રદેશની અલગ અલગ પાઘડીઓ હોય છે. ગાયકવાડી પાઘડી, મારવાડી,  કાઠિયાવાડની આંટીયાળી પાઘડી, ગોંડલની પાઘડી, કાઠી દરબારોની વચ્ચે ટપકાંવાળી પાઘડી અને આદિવાસીઓની પાઘડી પ્રખ્યાત છે. આ પાઘડી સ્થાનિક સમાજ અને પ્રદેશની એક પહેચાન બની ચૂકી હોય છે. મૂળ વાત પર આવીએ તો ગુજરાતમાં છેલ્લા દોઢ – બે મહિનાથી નેતાઓની સભાઓ અને રેલીઓ થઈ રહી છે. ચૂંટણીઓમાં ડાંગનો આદિવાસી વિસ્તાર હોય કે સૌરાષ્ટ્રનો દરિયાકિનારાનો વિસ્તાર હોય, નેતાઓનું સ્વાગત પાઘડી પહેરાવીને કરવામાં આવે છે. રાજનેતાઓ પણ પાઘડીઓ પહેરીને ગૌરવ અનુભવી રહ્યા છે. કેટલાક રાજનેતાઓ તો તેમનુ ભાષણ પૂરું ના થાય ત્યાં સુધી એ પાઘડી પહેરી રાખે છે. નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીએ આ વખતની ચૂંટણીમાં ગુજરાતના લગભગ દરેક જિલ્લાઓમાં ચૂંટણી સભાઓ કરી છે. આ બંને નેતાઓની પાઘડીવાળી  તસવીરો ચૂંટણી પ્રચારમાં સોશિયલ મીડિયામાં ધૂમ વાયરલ થઈ છે. પાઘડી કે સાફાથી વ્યકિતત્વને એક નિખાર મળે છે. ભૂતકાળમાં રાજાઓ પાઘડીઓ બાંધતા ત્યારે પાઘડી પર પોતાના રાજચિન્હને લગાવતા હતા. હાલ ચૂંટણીમાં નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી જયાં જાય ત્યાં સ્થાનિક લોકો તેમનું પાઘડી પહેરાવીને સ્વાગત કરે છે. હવે તો જુદા જુદા સંપ્રદાયોના સાફા અને પાઘડી પણ ચર્ચામાં આવ્યા છે. ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયનો સાફો અલગ ભાત પાડે છે. નરેન્દ્ર મોદીને મણિનગર સ્વામિનારાયણ મંદિરના એક કાર્યક્રમમાં સફેદ ઉંચો ફૂમકાવાળો સાફો પહેરાવાયો હતો એ તસવીર ખૂબ વાયરલ થઈ હતી. નરેન્દ્ર મોદીની આ સાફા સાથેની તસવીરની સાથે આ સાફાની પણ ચર્ચા છેડાઈ હતી તો થોડા દિવસ પહેેલાં રાહુલ ગાંધી ગઢડામાં જૂના સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા ગયા ત્યારે આ મંદિરના સ્વામીએ રાહુલ ગાંધીને લીલી અને લાલ બાંધણીનો સાફો પહેરાવ્યો હતો. એ સાફા સાથેનો રાહુલનો ફોટો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે.

પાઘડીઓનાં અભ્યાસુ અને પાઘડી બાંધવાની કળામાં માહેર ધર્મરાજસિંહ વાઘેલા કહે છે, પાઘડી, પાઘ અને સાફો એ અલગ અલગ વસ્તુ છે. દુહા અને સાહિત્યમાં ઉલ્લેખ કરાયો છે એ મુજબ ગુજરાતમાં આશરે પ૦ જાતની પાઘડીઓ જોવા મળે છે. રાજાશાહીના સમયમાં પાઘડી બાંધવાની એક પરંપરા હતી. જેમણે રાજય કે રાજાની આબરુ બચાવવાનું કે બહાદુરીનું કામ કર્યુ હોય તેમને ભર્યા દરબારમાં પાઘ બાંધી તેમને સન્માન આપવામાં આવતું હતું. આમ પાઘડી એક સન્માનનું પ્રતીક છે. વર્તમાન સમયમાં નેતાઓને પાઘડી બાંધી સ્થાનિક લોકો કે કોઈ સમાજ સન્માન આપે છે. સમય મુજબ રીત રસમો બદલાઈ છે પણ પાઘડી એક ગૌરવ અને સન્માનનું પ્રતીક છે તે અકબંધ રહ્યંુ છે. ચાર પ્રકારની પાઘડી અને ત્રણેક પ્રકારના સાફા જોવા મળે છે. મુગલશાહી, મારવાડી, મેવાડ, મરાઠા, ગાયકવાડી, કાઠિયાવાડી, સોરઠી, ગોહિલવાડ, હાલારી- આમ દરેક પ્રકારની પાઘડીની ખાસ વિશેષતા હોય છે.

પાઘડી બાંધવાની કળા જે હાલ લુપ્ત થતી જાય છે. કેટલીક પાઘડીની વિશેષતા જોઈએ તો કાઠિયાવાડી આંટીયાળી પાઘડી આગળથી સહેજ નમતી હોય છે, જેમણે આવી આંટીયાળી પાઘડી પહેરી હોય તે વ્યકિતની ઓળખ આપવાની જરુર પડતી નથી. પાઘડી જોઈને અંદાજ આવી જાય છે કે વ્યકિત કયા પ્રાંતના રહેવાસી છે.  મરાઠા સરદાર છત્રપતિ શિવાજીની પાઘડી એ તેમની ઓળખાણ બની ગઈ હતી. ઉંચી આંટીયાળી અને ઉપરના ભાગે ફૂમકું, આ પાઘડી મરાઠા પ્રદેશની શાન છે. આવી જ ગ્વાલિયર રાજવી ઘરાનાની પાઘડી પણ તેમની પરંપરા અને શાસનની શાન બની ચૂકી હતી. જાડી આંટીયાળી પાઘડીમાં હીરામાણેક અને કિંમતી મોતી જડેલી આકર્ષક લટકણ અને કલગી મૂકવામાં આવી હોય છે તેની ઉપર રંગબેરંગી પીછાં મૂકવામા આવ્યા હોય છે. આ કલગી પાઘડીની શાનમાં વધારો કરે છે.

જેમ પાઘડી પ્રદેશની ઓળખાણ બને છે તેમ પાઘડીથી અલગ અલગ જ્ઞાતિ અને સમાજની ઓળખ બની જતી હતી. પાઘડી એ ભાતીગળ લોકજીવનનંુ અનોખું આભૂષણ કહેવાય છે. ભરવાડ કે રબારી સમાજના લોકો પાઘડી પહેરે તેમાં ખાસ કરીને ભરત ભરેલો રાતો છેડો વચ્ચે જોવા મળે છે. ખાસ કરીને પાંચાળ પંથકના રબારી લોકો મોટાભાગે પાઘડીની એક સાઈડ ભરત ભરેલો પટ્ટો રાખી અલગ ભાત પાડે છે. આવું જ હાલારી પટેલની પાઘડી ટપકાંવાળી અને સહેજ આગળથી નમતી જોવા મળે છે. સાત વાર, નવ વારની પાઘડીઓ હોય છે. શીખ લોકો પહેરે છે એ તો ર૪ વારની લાંબી હોય છે. આજના સમયમાં આવી પાઘડીઓ પહેરવાની આ કળા પણ લુપ્ત થઈ રહી છે. બ્રાહ્મણોની ઓળખ પણ એક જમાનામાં તેમની પાઘડીથી થતી હતી. ઔદિચ્ય બ્રાહ્મણ અને નાગર બ્રાહ્મણની પાઘડીમાં થોડો ફેર રહેતો હતો. નરસિંહ મહેતા નાગર બ્રાહ્મણ હતા. નાગર લોકોની પાઘડીમાં વચ્ચેનો ભાગ ઉપસેલો રહેતો હતો. તો રાજસ્થાની વેપારીની કલરફૂલ પાઘડીની પણ એક અલગ પહેચાન છે.

મુગલ બાદશાહો ખાસ પાઘ પહેરીને તખ્ત પર બેસતા હતા. મુગલ બાદશાહની પાઘડીની શાન તો કંઈક અલગ જ હતી. મુગલોની પાઘડી પાછળથી સહેજ લાંબી અને વળાંકવાળી રહેતી હતી. શહેનશાહ અકબરની તસવીરો જોઈએ તો મુગલ પાઘડીની શાન જોઈ શકાય છે. ગાયકવાડ ઘરાનાની પાઘડીની શાન કંઈક અલગ જ છે. આ પરંપરાગત પાઘડીને વચ્ચેના ભાગમાંથી ખૂબ સુંદર અલગ શેપ આપવામાં આવે છે. આવી રીતે કચ્છ અને જામનગર (હાલાર)ના લોકોની પાઘડી પણ એક અલગ ઓળખને છતી કરે છે

મારવાડ – રાજસ્થાની પાઘડીની ભાત કંઈક અલગ જ હોય છે. મારવાડી પાઘડીનાં  કાપડમાં જુદા જુદા કલર હોય છે જે પાઘડીને કલરફૂલ બનાવે છે. મારવાડી પાઘડી બેઠા ઘાટની હોય છે, તેનો પન્નો બહુ લાંબો નથી હોતો. મારવાડ કે જેસલમેરની પાઘડીની એક અલગ ઓળખ છે. ગુજરાતમાં જુદા જુદા પંથકની વ્યકિતની પહેચાન એક સમયમાં તેની પાઘડી પરથી કરવામાં આવતી હતી. ભાલ પ્રદેશની રંગબેરંગી બાંધણીની પાઘડી જાણીતી છે. ભાલ કે સાણંદની પાઘડી હોય કે ગોહિલવાડની, તેમાં થોડો ફેર જોવા મળતો હોય છે. યુવાનો લીલી કે કૉફી કલરની બાંધણીની પાઘડી અને મોટી ઉંમરની વ્યકિતઓ ધોળી પાઘડીઓ બાંધતા હતા. આ પાઘડીઓની વચ્ચેના ભાગમાં છેડાની જે ડિઝાઈન પાડવામાં આવતી તે ખૂબ મહેનત અને કળાનું કામ છે. વર્તમાન સમયમાં તો આવી પાઘડીઓ બાંધનારા શોધવા એ પણ કપરું કામ છે!

You might also like