કેટરીના માટે ‘ટાઇગર  કા પ્યાર જીંદા હૈ’

સલમાન ખાનનું નામ આવે એટલે તેની સાથે જોડાયેલી અભિનેત્રીઓનું લાં…..બું લિસ્ટ બહાર આવે. જો કે, ઐશ્વર્યા રાય પછી સલમાનના સાચા પ્રેમ તરીકે કેટરીના કૈફનું નામ સર્વપ્રથમ ગણવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ છૂટા પડેલા આ લવબર્ડ્સ ફરી એકવાર ટાઇગર ઝીંદા હૈ… ફિલ્મથી વધુ નજીક આવી ગયા છે. એવું પણ ચર્ચાઇ રહ્યું છે કે, કેટરીના તેની ડૂબતી નૈયાના તારણહાર બનેલા  સલમાનના દબાણમાં ધીમે ધીમે આવી રહી છે.

 

સેવાભાવી સ્વભાવ, પરિવારપ્રેમી અને પોતાનું કમિટમેન્ટ પૂરું કરવા માટે આખી દુનિયા હલાવી દે તેવા દબંગ સ્ટાર સલમાનની એક બીજી પણ ઓળખ છે, અને તે છે, લગ્ન સુધી પહોંચી પરત ફરતો મુરતિયો. જી હા, સલમાને બોલિવૂડમાં એન્ટ્રી મારી ત્યારથી તે સોમી અલી, સંગીતા બીજલાની, ઐશ્વર્યા રાય, કેટરીના કૈફ અને લુલિયા વંતુર જેવી અભિનેત્રીઓ સાથે અફેર કરી હંમેશા ચર્ચામાં રહ્યો છે. જેમાં સંગીતા સાથેના તો લગ્નનાં કાર્ડ સુદ્ધાં પણ છપાઇ ચૂક્યા હતા. પરંતુ તેની કમનસીબીએ કે તે ક્યારેય વરરાજા ના બની શક્યો. ત્યાર બાદ તે લાંબો સમય સુધી ઐશ્વર્યા સાથે પણ રિલેશનમાં રહ્યો પરંતુ તેના જીદ્દી વલણ અને દબંગ સ્વભાવના કારણે એશે પણ તેને જાકારો આપ્યો. ત્યાંથી દિવસો ભરાઇ જતાં ભાઇ કેટરીનાના પ્રેમમાં પડ્યા અને તેની સાથે રિલેશનની ચર્ચાઓ થવા લાગી. આ વખતે તો સલમાનના ચાહકોનેે ખાતરી હતી જ કે ભાઇ ઘોડે ચઢસે જ. પણ  કેટરીના પોતાની ઉંમરના કેરેક્ટર સાથે લગ્ન કરવા માંગતી હતી માટે દબંગ ખાનને સ્પષ્ટ જણાવી દીધું કે આપણે માત્ર સારા મિત્રો બનીને રહીશુ. આમ કહીને સીધી જ કપૂર કુટુંબની પુત્રવધૂ બનવાના સપના જોતી રણબીર કપૂરની પાછળ ચાલી નીકળી. ઐશ્વર્યા રાય સાથેના રિલેશન તૂટવાના કારણે સલમાન એટલો બધો હતાશ થયો હતો કે તે પોતાની જાતને બદલવાનો હંમેશા પ્રયત્ન કરતો રહ્યો હતો. તેનું બદલાયેલું સ્વરૃપ કેટરીનાના કિસ્સામાં જોવા મળ્યું. દબંગખાને કેટને સહેલાઇથી જવા દીધી, સાથે જ સ્વીકાર્યુ પણ ખરૃં કે આપણે સારા મિત્રો છીએ.

(જો કે સલમાનને ક્યાં ખબર હતી કે કેટ માત્ર બોલિવૂડમાં ફિલ્મો મેળવવા માટે તેનો ઉપયોગ કરી રહી છે.)

સલમાને તો કેટને અલવિદા કહી દીધી. બીજી બાજુ તેના જીવનમાં લુલિયા વંતુરે એન્ટ્રી મારી. ભાઇની ગાડી ચાલવા લાગી. મુશ્કેલી કેટ માટે ઉભી થઇ કારણ કે તેની અને રણબીરની જોડીને લોકોે પસંદ તો કરી રહ્યાં હતા પણ ફિલ્મોમાં જોઇએ તેટલી સફળતા નહોતી મળતી. તો બીજી બાજુ તેમના લગ્ન થવાના છે તેવી અફવાઓએ જોર પકડ્યુ. કેટની ભાવિ નણંદ એટલે કે કરિનાએ તો ભાઇ ભાભીની જોડીને અભિનંદન પણ આપી દીધા હતા. પરંતુ વાંધો ભાવિ સાસુમા નીતુસિંઘને પડ્યો. પોતાનો દીકરો કેટ સાથે લગ્ન કરે તેવું તે ઇચ્છતા નહોતા. પણ આ બધી વાતો તો કોમન છે. હકીકતમાં તો રણબીર અને કેટ વચ્ચે શીતયુદ્ધ શરૃ થયુ હતું જે અંતે તેમના રિલેશનને પૂર્ણાહુતિ તરફ દોરી ગયું. ફરી એકવાર કેટબેબી એકાંતમાં સરી પડી. એટલું જ નહીં પણ કેટને ફિલ્મો મળવાની પણ બંધ થઇ ગઇ. અંતે ફરી એકવાર તે પોતાના ગોડફાધર સલમાનની નજીક આવી છે. જો કે અત્યારે પણ તે માત્ર મિત્ર હોવાનો જ ડોળ કરે છે પણ હકીકતે તો તેનો અને સલમાનનો પ્રેમ ટાઇગર જીંદા હૈ… માં સ્પષ્ટ દેખાઇ આવે છે. બીજી બાજુ એવી પણ ચર્ચા છે કે તેમનું ફરી મિલન થયુ છે તેવી વાતો માત્રને માત્ર ફિલ્મના પ્રમોશન માટે થઇ રહી છે. કારણ કે સલમાન તો કેટની રાહ જોઇને બેઠો જ હતો પરંતુ કેટે તેને ક્યારેય મિત્રથી વધુ નથી કહ્યો હંમેશા દુઃખી કર્યો છે. કેટરીનાની ડૂબતી નાવને તારવા માટે સલમાન ટાઇગર બનીને આવ્યો છે. જો કે ક્યાંકને કયાંક કેટરીનાએ પણ પોતાના વળતા પાણી છે તેવી જાણ થતાં હાલ સલમાન માટે પોતે ક્રેઝી છે અને જે પણ છે તેના કારણે છે તેવું દર્શાવી રહી છે. એવું પણ કહી શકાય કે કેટ દબંગના દબાણમાં છે. આ બધી વાતોની વચ્ચે લુલિયાના હાલ બેહાલ બની ગયા છે. કેટે ટાઇગરને છોડ્યો તો ટાઇગરે લુલિયાને અપનાવી. હવે ફરી ભાઇના જીવનમાં કેટ આવી ગઇ છે ત્યારે લુલિયા માટે હવે હમ તો ચલે પરદેશ જ કહેવાનું બાકી રહી ગયુ છે. લુલિયાએ સલમાનને વારંવાર પૂછ્યુ કે કેટ માટે આ તારો પ્રેમ છે કે પછી… પણ સલમાને ચોખવટ ના કરીને લુલિયાને દૂર કરી દીધી છે.

પાંચ વર્ષ પછી સલમાન ખાન અને કેટરીના કૈફ ફરી એકવાર રૃપેરી પરદે પોતાનો જલવો બતાવવા આવી રહ્યા છે. ત્યારે બન્ને વચ્ચેના રોમેન્ટિક સીન રીલ કરતાં રિયલ વધુ લાગી રહ્યા છે. જો કે કેટની આ કોઇ નવી ફોર્મ્યુલા પણ હોઇ શકે છે. કારણ કે દબંગે એશ વખતે જે ઠોકર ખાધી છે તેમાંથી તે ઘણુ બધુ શીખી ગયો છે. ૨૦૧૭માં ભાઇએ ઘોડે ના ચઢીને પોતાના ચાહકોને  નિરાશ કર્યા છે. હવે આવનારા વર્ષમાં આ બેચલર કેટરીના સાથે કે લુલિયા સાથે સપ્તપદીના ફેરા ફરે તેની રાહ જોવાઇ રહી છે. જો કે કેટ અને સલમાનનો સંગ કાશીએ પહોંચશે કે પછી ફરી એકવાર કેટ પોતાનું કામ કઢાવી સલમાનના દબાણમાંથી મુક્તિ મેળવશે, તે માટે આવનારા સમયની અને ટાઇગર જીંદા હૈ ની રાહ જોવી પડશે.

You might also like