Categories: Gujarat

૨૦૦ વર્ષ પહેલા કંપની સરકારે અમદાવાદનો કબ્જો લીધો ત્યારે…

અંગ્રેજ હકૂમત પછી જે યુગ મંડાયો તેને આપણે અર્વાચીન યુગનું નામ આપીએ તો અમદાવાદમાં અર્વાચીન યુગ આજથી ઠીક ૨૦૦ વર્ષ પહેલા મંડાયો હતો. કેમકે ડિસેમ્બર ૧૮૧૭માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ગાયકવાડ પાસેથી અમદાવાદનો કબજો મેળવ્યો હતો. આજથી ૨૦૦ વર્ષ પહેલાં અમદાવાદ શહેર અને તેના વહીવટ કેવા હતા… આવો જોઈએ……..

 

ગાયકવાડ-પેશવા શાસકો પાસેથી ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ડિસેમ્બર ૧૮૧૭માં અમદાવાદ શહેરનો વહીવટ સંભાળ્યો ત્યારે સ્થિતિ બહુ ખરાબ હતી. ૧૮૧૮ના બોમ્બે ગેઝેટ પ્રમાણે, ૧૮૧૧માં મારવાડ અને કાઠિયાવાડ  પ્રાંતમાં તિડના ઓળા ઊતરી આવ્યા અને પાક નાશ પામ્યો. પરિણામે દુકાળ પડ્યો અને રોગચાળો ફેલાયો. ગેઝેટ પ્રમાણે, એ મહામારીમાં શહેરની અડધોઅડધ વસ્તી નાશ પામી હતી. મૃતકો એટલા બધા હતા કે મૃતદેહો અર્ધબળેલી હાલતમાં છોડી દેવાયા હતા.

૨૩ ઑક્ટોબર ૧૮૧૪ના રોજ અમદાવાદનો વહીવટ ખોરવાયો. કરાર પ્રમાણે, અમદાવાદનો વહીવટ કરતી ગાયકવાડ સરકાર અંગ્રેજોને વાર્ષિક પાંચ લાખ રુપિયા વેરો ચૂકવતી હતી અને સત્તા માટે ગાયકવાડ અને પેશ્વા વચ્ચે કરાર થયેલો હોવા છતાં પેશ્વાએ નિમેલા સર-સુબેદાર ત્રિમ્બકજી ડેંગલાએ શહેર કબજે કરવા સેના મોકલી હતી. પછીથી મહેસૂલ ઉઘરાવવા મુદ્દે ગૂંચવાડા સર્જાયા હતા. એ અઢી વર્ષ શહેર માટે બહુ ખરાબ રહ્યા હતા. ૧૮૧૭માં પૂના કરાર થયો અને ગૂંચવાડો દૂર થયો. આ કરાર હેઠળ, ગાયકવાડ પેશ્વાને વર્ષે ૪.૫ લાખ ચૂકવે અને એટલી જ રકમ બ્રિટિશને પણ ચૂકવવાનું નક્કી થયું. ૩ નવેમ્બર ૧૯૧૭ના રોજ એટચિસન સંધિ હેઠળ ગાયકવાડ વડોદરા નજીકના વિસ્તારના બદલામાં બ્રિટિશને અમદાવાદ અને તેની સીમ આપી દેવા સંમત થયા. ડિસેમ્બરમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીને અમદાવાદ સોંપવામાં આવ્યુ અને સંધી પ્રમાણે ગાયકવાડ પાસે માત્ર અમદાવાદમાં આવેલી ગાયકવાડની હવેલીનો કબજો રહ્યો.

અમદાવાદના ઇતિહાસવિદ રિઝવાન કાદરી કહે છે, “૧૬૧૮માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના પ્રતિનિધી ટોમસ રોને હિંદમાં વેપાર કરવાનો પરવાનો બાદશાહ જહાંગીરે અમદાવાદમાં આપ્યો પણ વિધિની વક્રતા તો જૂઓ કે ૨૦૦ વર્ષ પછી વેપારીના રુપમાં આવેલા અંગ્રેજો અમદાવાદના શાસક બની બેઠા.” સન ૧૮૧૭ની ૩૦મી નવેમ્બરે બ્રિટિશરોએ અમદાવાદનો હવાલો સંભાળી લીધો હતો. અમદાવાદના પ્રથમ કલેક્ટર એન્ડ્રુ ડનલોપ અને પ્રથમ જજ ઇડમંડ ઇરોનસાઇડ હતા. એક સાથે આખું અમદાવાદ કંપની સરકારને નહોતું મળ્યું પરંતુ ટુકડે ટુકડે મળ્યું હતું. જેમકે ૧૯૦૨માં ધોલેરા બંદર અને નવ ગામો કંપની સરકારને મળ્યા હતા. વસઈની સંધી કરીને પેશ્વાએ બ્રિટિશરોને આખુ ધંધુકા અને ઘોઘા આપી દીધા હતા. પછી લોર્ડ વેલેસ્લીએ દાખલ કરેલી સહાયકારી યોજનાના અમલીકરણ માટે ગાયકવાડે ધોળકાનો પેટાવિભાગ પણ સોંપી દીધો હતો. ૧૮૧૭ની પૂનાની સંધી દ્વારા પેશ્વાએ અમદાવાદ શહેર, દસક્રોઇના પેટાવિભાગ, વિરમગામ, પ્રાંતિજના પેટાવિભાગો તેમજ મોડાસા અને હરસોલનો એનો ભાગ બ્રિટિશરોને આપી દીધો હતો. આમ ૧૮૧૮માં અમદાવાદને આખરી સ્વરુપ મળ્યું. ગુજરાતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો વહીવટ ૧૮૫૮ સુધી રહ્યો હતો. આ વહીવટનો ટૂંકો ઇતિહાસ અમદાવાદના નિવૃત નાયબ કલેક્ટર એદલજી ડોસાભાઈએ તેમના પુસ્તક “હિસ્ટરી ઓફ ગુજરાત”માં આપ્યો છે.

વહીવટ અંગ્રેજો હસ્તક આવ્યો તે પહેલાં મોટી સંખ્યામાં નદી નાળા ઉભરાતા હતા અને તેને કારણે ખેતીને ઘણુ નુકસાન થતું અને જાનહાની પણ થતી હતી. આથી સરકારે મોટા પાયા પર ડ્રેનેજનું કામ હાથ ઉપર લીધુ હતું. થોડા જ સમયમાં અંગ્રેજોએ આ મુશ્કેલીનું નિવારણ કરી લીધુ હતું. પહેલાં ખેડૂતો દ્વારા મહેસૂલ ઉઘરાવવામાં આવતું. એ પદ્ધતિમાં ઘણા અત્યાચારો થતા. અંગ્રેજોએ સ્ટાઇપેન્ડ આપીને મહેસૂલ હિસાબનીશ તરીકે તલાટીઓ નિમ્યા. આ તલાટીઓ સાચાં આંકડાશાસ્ત્રીય અને નાણાકીય રજિસ્ટર રાખતા હતા. ૧૮૨૦માં સતીપ્રથા ઉપર કાયદેસર રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને ૧૮૨૭માં પોલીસ વ્યવસ્થા કરવામાં આવી હતી. ૧૮૨૪માં શહેરની પહેલીવાર મોજણી થઈ હતી અને ૧૮૩૦માં ફોજદારી કચેરી જજના તાબામાંથી મેજિસ્ટ્રેટના તાબામાં આવી હતી. માર્ગોના બાંધકામ, રેલવે, પોસ્ટ અને ટેલિગ્રાફની વ્યવસ્થા પરત્વે પણ લક્ષ્ય અપાયુ હતું. રૃઢિગત કાયદાઓના સ્થાને નવા કાયદા અમલમાં મુકાયા હતા. અચાનક કે ભારે પડતા ફેરફારોને લીધે લોકો ઉશ્કેરાય નહીં કે લોકો ગભરાય નહીં એ વાતને ધ્યાનમાં રાખીને બ્રિટિશ સત્તા અને બ્રિટિશ વહીવટ સ્થાપવામાં આવ્યા. “હિસ્ટરી ઓફ ગુજરાત”માં એદલજી ડોસાભાઈ લખે છે કે મહેસૂલની રીતિમાં ફેરફાર કરવાથી નાણાવટીઓને એમના લાભનું એક મોટું કામ મળતું બંધ થઈ ગયુ અને ઘણા બધા દેશી સંસ્થાનો પડી ભાંગ્યા તથા માલમિલકત સરખી રીતે વહેંચાઈ ગઈ. ભાટ લોકો એકવાર ગુજરાતમાં વજનદાર થઈ પડ્યા હતા તે હવે કશા લેખામાં રહ્યા નહીં અને રૈયત જે અગાઉ  દુઃખ સહન કરતી હતી તેને બદલે ઘણુ ધન, સુખ તેમજ નિર્ભયપણુ પામી. વેપારીઓ અને ગરાસિયાઓ એ બે વર્ગ જ ખેદ જણાવતા. વંશપરંપરાગત ઠાકોર રહ્યા નહીં, સ્થાપિત લશ્કરી નાયક રહ્યા નહીં. રૈયતના લોકોને બ્રિટિશ રાજ્ય સુખદાયક થઈ પડ્યું. અંગ્રેજ શાસન આવવાથી પીંઢારાઓના હુમલા બંધ થઈ ગયા, અંદરખાને ચાલતી અવ્યવસ્થા અટકી, નિષ્પક્ષ ન્યાય મળ્યો અને જુલ્મ તથા બળાત્કારથી પૈસા ખેંચી લેવાના પ્રકાર ઘણા ખરા સાફ કરી નાખ્યા. ગુજરાત એવું તો પ્રગતિના પંથે આગળ વધ્યુ કે ગુજરાત પૂર્વ ભારતના સમૃદ્ધ રાજ્ય બંગાળ સામે મુકાબલો કરવાની પંક્તિમાં મુકાયું. અંગ્રેજોએ શહેરનો વહીવટ હાથમાં લીધો એના પાંચ વર્ષમાં જ ૧૮૧૯માં અને ૧૮૨૧માં બે મોટા ભૂકંપ આવ્યા હતા. ૧૮૧૯ના ધરતીકંપમાં જુમા મસ્જિદના પ્રસિદ્ધ મિનારા પડી ગયા. ઘણા ઘર પડી ગયા અને ઘણી જાનહાની પણ થઈ.

કંપની સરકાર દ્વારા અમદાવાદ શહેરની જકાત ઘટાડવામાં આવી હતી અને એ પછી શહેરના વેપારનો ઝડપી વિકાસ થયો હતો. અમદાવાદના પહેલા કલેક્ટર ડનલોપે જોયુ કે શહેરની દીવાલો તદ્દન બિસ્માર હાલતમાં હતી, આથી ચોરીલૂંટના બનાવો વધી ગયા હતા. મહેસૂલ કમિશનર બની ગયા પછી એણે કોટને દુરસ્ત કરવા ૨૨ એપ્રીલ ૧૮૩૧ના રોજ સરકારી અધિકારીઓ અને સમાજના આગેવાનોને લઈને એક સમિતિ બનાવી. આ પ્રખ્યાત શહરે-કોટ-ફંડ કમિટિમાંથી જ આજની અમદાવાદ મ્યુનિસિપાલિટીનો જન્મ થયો છે એમ કહી શકાય. ફંડ મળ્યા બાદ સમિતિએ ઑક્ટોબર ૧૮૩૧માં જેઠા ખુશાલજી અને મૂળજી ગિરધર સાથે કોટના રિનોવેશનનો રુપિયા ૩૧,૬૭૨નો કરાર કરવામાં આવ્યો હતો. આ કરાર હેઠળ એક વર્ષમાં ખાનપુર દરવાજાથી દિલ્હી દરવાજા (શાહપુર દરવાજા સહિત) સુધીનું કામ પૂરું કરવાનું હતું. ૧૮૩૨માં મરજિયાત કોટ-ફીની આવકથી આખા કોટનું રિનોવેશન કામ પૂરું કરવામાં આવ્યું અને વધેલી મૂડી મ્યુનિસિપલ ફંડમાં જમા કરવામાં આવી હતી. લોકહિતની ઘણી યોજનાઓ આ ફંડથી પૂરી કરવામાં આવી હતી. શહેરને પાણી પુરવઠો, દીવાબત્તીની સગવડો, સફાઈ અને આરોગ્યની વ્યવસ્થા આમાંથી સચવાતા હતા. ૧૮૪૬માં કોટ ફી એક ટકાથી ઘટાડીને અડધો ટકો કરી નાખવામાં આવી હતી. ૧૮૪૭થી સરિયામ રસ્તા ઉપર દિવસમાં બે વખત પાણી છાંટવાનું શરુ થયું. રાત્રે પ્રકાશ માટે ફાનસ મૂકવાની વ્યવસ્થા થઈ. સન ૧૮૪૯માં રુપિયા ૮,૦૦૦ના ખર્ચે ભદ્રના કિલ્લા ઉપર ઘડિયાળ મૂકવામાં આવી હતી. બાદશાહી વખતના નળ પુરાઈ ગયા હતા તે સાફ કરવામાં આવ્યા હતા. રિઝવાન કાદરી કહે છે, “નગર પર વિવિધ સમયે ઘણા આક્રમણો થવાથી શહેરનો કોટ તૂટી ગયો હતો. ૧૭૮૦માં અંગ્રેજ પ્રતિનિધી જનરલ ગોડાર્ડે પણ અમદાવાદના કિલ્લા પર હુમલો કર્યો હતો. આમ, ૧૭૮૦થી જ અમદાવાદમાં અંગ્રેજોનો પગપેસારો થઈ ગયો હતો.”

દેશી રિયાસતોની આવકનું મુખ્ય સાધન જમીન-મહેસૂલ હતું. જકાત, ઇજારા ફી, કોર્ટ ફી, દંડ, જપ્તી વગેરેમાંથી પણ રાજ્યને આવક થતી. કેટલાક રજવાડામાં રાજકુટુંબમાં જન્મ કે લગ્નના પ્રસંગે પ્રજા પાસેથી વિશેષ કર લેવામાં આવતો. રાજાને ત્યાં કુંવરનો જન્મ થાય ત્યારે કુંવરપછેડો નામનો કર, રાજાના કુંવરના લગ્ન પ્રસંગે વિવાહ-વધાવો નામનો કર અને કુંવરીના લગ્ન પ્રસંગે કન્યા-ચોળી નામનો કર લેવામાં આવતો. કેટલાક રજવાડા ઘરવેરો, ઘી ઉપરનો ઓકટ્રોય વેરો તથા લગ્ન અને છૂટાછેડા ઉપર પણ કર લેવામાં આવતો. આ ઉપરાંત જ્ઞાતિ પ્રમાણે કર લેવામાં આવતો.

જોકે ગુજરાતમાં સત્તાના કેન્દ્ર સ્થાને ઇસ્ટ ઇન્ડિયા કંપની અગાઉ પેશ્વા-ગાયકવાડ હતા છતાં વર્ષો સુધી અહીંના સિક્કાઓ ઉપર દિલ્હીના મુઘલ બાદશાહોનું નામ ચાલુ રહેલું. મુઘલ બાદશાહનું નામ આપવાની પ્રથા ૧૮૫૮માં બાદશાહતના અંત આવવાની સાથે થઈ પરંતુ સિક્કાઓ ઉપર ફારસી ભાષાનો પ્રયોગ એ પછી પણ ચાલુ રહ્યો. મરાઠા શાસન દરમિયાન મુલ્કગીરી પદ્ધતિને કારણે તથા વેપારીઓને બાન તરીકે પકડી પૈસા પડાવવાની નીતિને કારણે ઉદ્યોગ, વેપાર અને ખેતી પર ઘણી માઠી અસર થઈ હતી. ૧૮૨૦માં ગાયકવાડ સાથે તથા પેશ્વા સાથે ૧૮૧૭ અને ૧૮૧૯માં થયેલા કોલકરારને કારણે અંગ્રેજોની સત્તા ગુજરાતમાં સર્વોપરી બની હતી.

Maharshi Shukla

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

1 week ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

1 week ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

1 week ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

1 week ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

1 week ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 weeks ago