પરિણામો પછીનો ભાજપનો પ્લાન તૈયાર, કૉંગ્રેસમાં થોભો – રાહ જૂઓની નીતિ!

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા હવે પૂર્ણ થઈ ચૂકી છે. હવે તમામની નજર તા. ૧૮મીનાં પરિણામ પર મંડાયેલી છે. પરિણામોની અટકળોની આંધી વચ્ચે ભાજપની નેતાગીરીએ પરિણામ બાદની રણનીતિ કેવી રહેશે તેની તૈયારી કરી લીધી હોવાની ચર્ચા છે, જયારે કૉંગ્રેસ છાવણીમાં પરિણામ આવી ગયા બાદ જ આગળની વ્યૂહરચના નક્કી કરવાનો મૂડ જોવા મળી રહ્યો છે…….

 

બસ હવે ચૂંટણીનો ઘોંઘાટ પૂરો થયો છે. છેલ્લા કેટલાય મહિનાઓથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય મોરચે તો ગરમાવો હતો પણ સામાન્ય લોકોમાં પણ તેની જ ચર્ચાઓ સંભળાતી હતી. ચૂંટણીમાં મતદાનનો પ્રથમ તબક્કો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયા બાદ હવે તા.૧૪મીએ બીજા તબક્કાનંુ મતદાન પૂરું થઈ ગયુ છે. ભાજપ અને કૉંગ્રેસના નેતાઓની ફોજ જે ગુજરાતમાં ઊતરી હતી તે હવે દિલ્હી પરત ફરી જશે. લોકો અને વહીવટી તંત્ર હાશકારો અનુભવશે પણ રાજકીય પક્ષોમાં પરિણામો પછીની મોટી ઉથલપાથલ થવાની છે તેની તો હવે શરૃઆત થવાની છે. ચૂંટણીના પરિણામોના પડઘા ગુજરાતની રાજનીતિમાં પડવાના હજુ બાકી છે.

ગુજરાતમાં માનો કે જે કૉંગ્રેસ અને કેટલાક રાજકીય વિશ્લેષકોની ધારણા છે એ મુજબ ચૂંટણીમાં ભાજપને નુકસાન જાય અને બેઠકો ઘટીને ૧૧૦ કરતાં નીચે આવે તો તેની સીધી અસર વડાપ્રધાન મોદીની ઈમેજ પર થવાની છે. છેલ્લા રર વર્ષથી ગુજરાત ભાજપનો ગઢ રહ્યો હોય અને મોદી વડાપ્રધાનપદે હોય એવા સંજોગોમાં પાતળી બહુમતિથી પણ સરકાર બનાવવામાં ભાજપ નેતાગીરી ખુશ ના હોય એ સ્વાભાવિક છે. આવા સંજોગો ઉભા થાય તો શું કરવુ ? આ સવાલનો જવાબ ભાજપના હાઈકમાન્ડે તો તૈયાર રાખ્યો છે. મતલબ કે પરિણામ પછીની એક થિયરી પર ભાજપે રણનીતિ તૈયાર કરીને જ રાખી દીધી છે. ચર્ચા તો ત્યાં સુધીની છે કે વજુભાઈ વાળાને કર્ણાટકનાં રાજયપાલપદેથી રાજીનામંુ અપાવીને ફરી ગુજરાતમાં સક્રિય કરવા માટેનો તખ્તો ઘડાઈ ચૂકયો છે. વજુભાઈને રાજભવનનું કામ વહેલુ આટોપી લેવા સૂચનાઓ અપાઈ ગઈ છે. રાજભવનના અધિકારીઓ હાલ ઓવરટાઈમ કરી રહ્યા છે. તો એક એવી પણ ચર્ચા છે કે ગુજરાતની ચૂંટણી બાદ કોઈ પાટીદાર સીએમ આવી શકે છે. જો કે આ શકયતા ઓછી છે. અત્યંત રસાકસીભરી આ ચૂંટણીના પરિણામો ભાજપની ધારણા મુજબ આવે તો વિજય રૃપાણીની ખુરશી સલામત રહી જશે.  છેલ્લા ત્રણેક વર્ષમાં ગુજરાત ભાજપની હાલત સંગઠન અને સરકાર બંને સ્તર પર કથળી છે અને ગુજરાત ગુમાવવુ એ કોઈ કાળે ભાજપને પોષાય તેમ નથી. આવા સંજોગોમાં ર૦૧૯ની લોકસભાની ચૂંટણીને નજરમાં રાખીને મોદી અને અમિત શાહે પરિણામ પછીના એ અને બી પ્લાન તૈયાર રાખ્યાની ચર્ચાઓ શરૃ થઈ ગઈ છે.

હવે વાત કરીએ કૉંગ્રેસની તો આ વખતે પહેલીવાર કૉંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આટલો રસ લીધો છે. ગુજરાતની ચૂંટણી બાદ હવે રાહુલ પ્રમુખપદની તાજપોશીમાં વ્યસ્ત થઈ જશે. કૉંગ્રેસના નેતાઓમાં પરિણામો પછી કેવી રણનીતિ હશે તેની કોઈ ખાસ ચર્ચા નથી કે વ્યૂહરચના પણ જોવા મળતી નથી. કેટલાક કોંગી આગેવાનોને પૂછયુ તો એક જ જવાબ મળે છે. પહેલા પરિણામો આવવા દો પછી નક્કી કરીશુ શું કરવુ. સત્તા સુધી પહોંચવા માટે પૂરતી બેઠકો જો મળે તો સીએમ કોણ તે રાહુલ ગાંધી નક્કી કરશે અને માનો કે વિપક્ષમાં બેસવાનું થશે તો પણ વિપક્ષના નેતા કોણ તે નામ વિશે પણ અત્યારે કંઈ કહી શકાય તેમ નથી.

You might also like