સોરાષ્ટ્ર કોને સત્તાનાં સિંહાસન પર બેસાડશે?

ગુજરાતમાં સત્તાનાં સંગ્રામમાં પહેલા તબક્કામાં ૮૯ બેઠકોનું મતદાન થવાનું છે, તેમાં સહુ કોઈની નજર સૌરાષ્ટ્ર – કચ્છની પ૪ બેઠકો પર મંડાયેલી છે. છેલ્લા બે દાયકાથી સૌરાષ્ટ્રમાં ભાજપનો દબદબો રહ્યો છે ત્યારે હવે સૌથી મોટો સવાલ એ છે કે સૌરાષ્ટ્રમાં કોણ બાજી મારશે ? જોઈએ કેવી છે સૌરાષ્ટ્રની શતરંજ….

 

સત્તાની ગલિયારીઓમાં એવું કહેવાય છે કે ગાંધીનગરની સત્તાની સીડી સુધી પહોંચવા માટે સૌરાષ્ટ્ર સર કરવું પડે છે. સૌરાષ્ટ્રની ૪૮ અને કચ્છની ૬ બેઠકો છે. ગુજરાતનાં રાજકારણમાં સૌરાષ્ટ્રનો દબદબો રહ્યો છે અને સૌરાષ્ટ્ર ભાજપનો ગઢ રહ્યો છે. સંઘને સૌ પહેલા રાજકોટમાંથી વિધાનસભાની સીટ મળી હતી. ૧૯૯પમાં પ્રથમવાર ગુજરાતમાં ભાજપનુ શાસન આવ્યુ અને કેશુભાઈ પટેલ મુખ્યપ્રધાન બન્યા તેમાં સૌરાષ્ટ્રનો સિંહફાળો હતો. એટલું જ નહીં, નરેન્દ્ર મોદીએ તેમની રાજકીય કરિયરની પહેલી ચૂંટણી રાજકોટ – ર માંથી લડવાનું પસંદ કર્યુ હતુ અને ભાજપનાં શાસનનાં ત્રણ મુખ્યપ્રધાનો રાજકોટ – સૌરાષ્ટ્રે આપ્યા છે. ગુજરાત ભાજપનું પ્રમુખપદ સૌરાષ્ટ્રનાં છ જેટલા નેતાઓ સંભાળી ચૂકયા છે એ જ બતાવે છે કે સૌરાષ્ટ્ર ભાજપનો ગઢ રહ્યો છે અને ભાજપને સત્તા પર લાવવામાં સૌરાષ્ટ્રનો સિંહફાળો રહ્યો છે. સમયનું ચક્ર હવે બદલાઈ રહ્યંુ છે. ગુજરાત વિધાનસભાની ર૦૧૭ની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં સૌરાષ્ટ્ર ભાજપ કે કૉંગ્રેસ, કોને સાથ આપશે તે સૌથી મોટો સવાલ સર્વત્ર પૂછાઈ રહ્યો છે.

સૌરાષ્ટ્રની ચૂંટણી પર સહુ કોઈની નજર એટલા માટે છે કે, મુખ્યપ્રધાન વિજય રૃપાણી, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી, દિલીપ સંઘાણી, આર.સી.ફળદુ જેવા ભાજપનાં દિગ્ગજ નેતાઓ અને કૉંગ્રેસનાં શકિતસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, કુંવરજી બાવળિયા, પરેશ ધાનાણી જેવા નેતાઓનાં રાજકીય ભાવિ દાવ પર લાગ્યા છે. ભાજપે નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય નેતાઓની ફોજ ચૂંટણી પ્રચારનાં મેદાનમાં ઉતારી છે તો બીજી તરફ રાહુલ ગાંધી અને સ્થાનિક કૉંગ્રેસના આગેવાનો કૉંગ્રેસનો મોરચો સંભાળી રહ્યા છે. સૌરાષ્ટ્રનાં જિલ્લાઓનાં રાજકીય સમીકરણો જાણતા પહેલા એક નજર ભૂતકાળ અને સૌરાષ્ટ્રની રાજકીય તાસીર પર કરીએ તો ૧૯૯પમાં ગુજરાતમાંં ભાજપ સત્તા સ્થાને આવ્યા બાદ સૌરાષ્ટ્રમાંથી સૌથી વધુ બેઠકો ભાજપને મળતી આવી છે. ગત ર૦૧ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો પર એક નજર કરીએ તો સૌરાષ્ટ્રની ૪૮ બેઠકોમાંથી ભાજપને ૩૧, કૉંગ્રેસને ૧૪, જીપીપીને ર અને એનસીપીને એક બેઠક મળી હતી. આ વખતે કૉંગ્રેસે ભાજપનાં ગઢ એવા સૌરાષ્ટ્રમાં ગાબડુ પાડવા માટે કમર કસી છે તો બીજી તરફ ભાજપે તેનો ગઢ સાચવવા માટે તમામ તાકાત કામે લગાડી છે. સૌરાષ્ટ્રમાં સૌથી મોટું ફેકટર પાટીદારોનાં મતનું છે. પાટીદાર અનામત આંદોલનની તીવ્ર અસર ભલે સૌરાષ્ટ્રની છ – સાત બેઠકો પર રહી હોય પણ આ મુદ્દાની અસર આખા સૌરાષ્ટ્રમાં રહેતા પાટીદારો પર જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રનાં મોટાભાગનાં ગામોમાં પાટીદારોની વસતી છે. સૌરાષ્ટ્રનો પાટીદાર સમાજ આ વખતની ચૂંટણીમાં એક નિર્ણાયક ભૂમિકા ભજવશે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. સૌરાષ્ટ્રમાં લેઉવા અને કડવા એમ મુખ્ય બે પાટીદાર સમુદાય છે. પાટીદારોને રિઝવવા માટે હાલ તો ભાજપ અને કૉંગ્રેસ, બંને પક્ષોએ કોઈ કસર છોડી નથી. ચૂંટણીમાં પાટીદારો કોનો સાથ આપશે તે કહેવુ કઠિન છે.

સૌરાષ્ટ્રમાં પાટીદાર પછી સૌથી વધુ વસ્તી ધરાવતો કોળી સમાજ છે. ભાવનગર, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાનાં જસદણ સહિતનાં વિસ્તારોમાં કોળી સમાજનું સારું વર્ચસ્વ છે. કોળી સમાજ પર કોઈ એક પક્ષનું વર્ચસ્વ નથી. ભાજપ અને કૉંગ્રેસમાં કોળી સમાજ વહેંચાયેલો છે. રાજકીય વિશ્લેષકો એવું માની રહ્યા છે કે, આ વખતે જયાં પટેલ અને કોળી ઉમેદવારો ઉભા છે ત્યાં બ્રાહ્મણ, લોહાણા, વાણિયા એમ ઈતર સમુદાય પરિણામમાં નિર્ણાયક બનશે. સૌરાષ્ટ્રમાં આવી રાજકોટ, જામનગર, જૂનાગઢ અને સુરેન્દ્રનગર વિસ્તારની આશરે ૧પ જેટલી સીટ છે.

રાજકોટમાં વિજયની વરમાળા કોણ પહેરશે ?

રાજકોટ શહેરની ચાર અને જિલ્લાની મળી આઠ બેઠક છે પણ સહુ કોઈની નજર રાજકોટ – પશ્ચિમની બેઠક પર છે. આ બેઠક પર મુખ્યપ્રધાન વિજય રૃપાણી અને કૉંગ્રેસનાં ઈન્દ્રનિલ રાજગુરૃ વચ્ચે જંગ છે. રાજકોટની આ હાઈપ્રોફાઈલ બેઠકે આખા દેશનું ધ્યાન ખેંચ્યુ છે. રૃપાણીએ બેઠક બદલી નથી. તેમને રાજકોટનાં મતદારો પર ભરોસો છે. તો બીજી તરફ કોઈ પણ ભોગે વિજયરથને અટકાવવા માટે કૉંગ્રેસના ઈન્દ્રનિલ રાજગુરૃએ પોતાનો મત વિસ્તાર બદલ્યો અને પૂર્વનેે બદલે રાજકોટ પશ્ચિમની બેઠક પરથી દાવેદારી કરી છે. રાજગુરૃ છેલ્લા એક વર્ષથી મહેનત કરી રહ્યા છે. ગત ચૂંટણીમાં વિજય રૃપાણી સામે કૉંગ્રેસે પાટીદાર આગેવાન જયંતી કાલરીયાને મેદાનમાં ઉતાર્યા હતા. રસાકસી થઈ હતી છતાં ર૪ હજાર જેટલા મતોથી રૃપાણી જીત્યા હતા. આ વખતે આ સીટ પર બંને પક્ષોનાં ઉમેદવારો ઈતર સમાજમાંથી આવે છે એટલે પાટીદાર મતો નિર્ણાયક સાબિત થશે તેવી રાજકીય ગણતરીઓ મુકાઈ રહી છે.

રાજકોટ શહેરની કુલ ચાર સીટમાંથી ભાજપ અને કૉંગ્રેસ બંનેએ બે – બે પાટીદારોને મેદાનમાં ઉતાર્યા છે. ગોવિંદ પટેલને રિપીટ કર્યા છે. તેઓ ત્રીજી વખત રાજકોટ દક્ષિણની બેઠક પરથી લડી રહ્યા છે તો તેમની સામે કૉંગ્રેસે પૂર્વ જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ પટેલ દિનેશ ચોવટીયાને ટિકિટ આપી છે. આ સીટ પર ઓબીસી નિર્ણાયક ભૂમિકા ભજવશે. રાજકોટ પૂર્વની સીટ પર ભાજપ અને કૉંગ્રેસ બંનેએ યુવાન પાટીદારને ટિકિટ આપી છે. આમ રાજકોટ શહેરની બે સીટ પર પટેલો વચ્ચે જંગ છે. રાજકોટ ગ્રામ્યમાં ભાજપે ત્રણ ટર્મથી ચૂંટાતા દલિત મહિલા ભાનુબહેન બાબરીયાને કાપીને ગત વખતે કૉંગ્રેસમાંથી લડેલા લાખા સાગઠીયાને ટિકિટ આપી છે અને કૉંગ્રેસે કૉર્પોરેશનના વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયાને મેદાનમાં ઉતાર્યા છે. કાંટે કી ટકકર આ સીટ પર છે.

રાજકોટ જિલ્લાની અન્ય ચાર સીટની વાત કરીએ તો જસદણમાં કૉંગ્રેસના વરિષ્ઠ નેતા કુંવરજી બાવળીયા ખુદ મેદાનમાં છે. તેમની સામે ભાજપે પાટીદાર ડૉ. ભરત બોઘરાને રિપીટ કર્યા છે. આ બેઠક પર વધુ એક વખત ગુરુ ચેલા વચ્ચે જંગ છે. બોઘરા એક સમયે બાવળીયાનાં સહયોગી તરીકે કામ કરતા હતા. કોળી નેતા બાવળીયાનું વર્ચસ્વ તોડવુ ભાજપ માટે પડકારરૃપ છે. મોદીએ પ્રચાર અભિયાનમાં પ્રથમ દિવસે જ જસદણમાં સભા કરી હતી. ગોંડલની સીટ સૌથી વધુ ચર્ચામાં છે. ગોંડલનાં ભાજપનાં ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા એક કાનૂની કેસમાં ગુજરાતમાંથી બહાર હોઇ ભાજપે તેમનાં પત્ની ગીતાબાને ટિકિટ આપી છે તો કૉંગ્રેસે રાજકોટ જિલ્લા પંચાયતનાં કારોબારી ચૅરમેન અર્જુન ખાટરીયાને મેદાનમાં ઉતાર્યા છે. ગોંડલ બેઠકમાં સૌથી વધુ ૭૦ હજાર જેટલા પાટીદાર મતો છે જે આ ચૂંટણીમાં નિર્ણાયક બનશે. ગોંડલમાં ભાજપ કે કૉંગ્રેસે પાટીદારને ટિકિટ નથી આપી. જેતપુરની વાત કરીએ તો કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાને ભાજપે રિપીટ કર્યા છે તો કૉંગ્રેસે ખોડલધામનાં ટ્રસ્ટી રવિ આંબલીયાને ટિકિટ આપી જંગ રોચક બનાવી દીધો છે. બે યુવા પાટીદાર નેતાઓ વચ્ચે જેતપુરમાં લડાઈ છે ત્યારે ઈતર સમુદાય મહત્વની ભૂમિકામાં છે.

મોરબી જિલ્લામાં પાટીદાર ફેકટર કોને નડશે ?

પાટીદાર ફેકટર મોરબી જિલ્લામાં સૌથી વધુ અસરકર્તા છે. મોરબી અને ટંકારા બંને બેઠકો પર પાટીદાર ફેકટર કોને ફળશે અને કોને નડશે તેની ચર્ચા જ સાંભળવા મળી રહી છે. મોરબીમાં પાંચમી વખત ભાજપનાં કાંતિ અમૃતીયા લડી રહ્યા છે. તેમની સામે કૉંગ્રેસે બ્રિજેશ મેરજાને રિપીટ કર્યા છે. ટંકારા બેઠક પાટીદાર પ્રભુત્વવાળી છે. જયારે વાંકાનેર બેઠકની વાત કરીએ તો આ સીટ પર મુસ્લિમ અને કોળી મતદારોનું પ્રભુત્વ છે. કૉંગ્રેસે મહંમદ જાવેદ પીરજાદાને રિપીટ કર્યા છે તો ભાજપે લોહાણા અગ્રણી જીતુ સોમાણીને ફરી ટિકિટ આપી છે. ભાજપ માટે આ સીટ જીતવી પડકારજનક છે.

જામનગરમાં રાઘવજી અને ફળદુની પ્રતિષ્ઠા દાવ પર લાગી

જામનગર જિલ્લામાં વિધાનસભાના જંગમાં સહુથી વધુ ચર્ચા જામનગર ગ્રામ્યમાં પક્ષપલટો કરી ભાજપમાંથી ઝુકાવનાર રાઘવજી પટેલ અને જામનગર સાઉથની સીટ પરથી લડી રહેલા પ્રદેશ ભાજપનાં પૂર્વ પ્રમુખ આર.સી.ફળદુનાં રાજકીય ભાવી પર છે. ભાજપે જામનગર સાઉથની સીટ પર પૂર્વ મંત્રી વસુબહેન ત્રિવેદીની ટિકિટ કાપીને આર.સી.ફળદુને આપી છે. કૉંગ્રેસે લોહાણા આગેવાન અશોક લાલને મેદાનમાં ઉતારી જંગ કસોકસનો બનાવી દીધો છે. વાત કરીએ રાઘવજી પટેલની તો તેમણે કૉંગ્રેસ સાથે છેડો ફાડયા બાદ ભાજપે તેમના જ મતવિસ્તાર જામનગર ગ્રામ્યની ટિકિટ આપી છે. તેમને સ્થાનિક લોકો કેટલા સ્વીકારે છે તે સવાલ છે પણ કૉંગ્રેસે પટેલોના પ્રભુત્વવાળી સીટ પર બીન પટેલને ટિકિટ આપી છે એટલે રાઘવજીને પાટીદાર મતો મળશે તેવું ગણિત મુકાઈ રહ્યું છે. જામનગર જિલ્લાની કુલ પાંચ બેઠક છે. શહેરની ત્રણ ઉપરાંત કાલાવડ, જામજોધપુરનો સમાવેશ થાય છે. કાલાવડ ભાજપનો ગઢ છે, જયારે જામજોધપુર સીટ પર કડવા પાટીદાર આગેવાન ચીમનભાઈ સાપરીયાને ભાજપે રિપીટ કર્યા છે. કૉંગ્રેસે પણ કડવા પટેલ આગેવાન ચિરાગ કાલરીયાને મેદાનમાં ઉતારી બે પાટીદારો વચ્ચેનો જંગ બનાવી દીધો છે. કાલાવડમાં ભાજપનો ગઢ રહ્યો છે આ અનામત કેટેગરીની સીટ કબ્જે કરવી કૉંગ્રેસ માટે પડકાર છે.

અલગ થયેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાની વાત કરીએ તો અહીં બે વિધાનસભાની સીટ છે. હાલ આ બંને સીટ ભાજપ પાસે છે. પણ ર૦૧૭નાં જંગમાં ભાજપે બંને સીટ જાળવવી અઘરી હોવાનું સ્થાનિક લોકો કહી રહ્યા છે. ખંભાળીયા સીટ પર કૉંગ્રેસના પૂર્વ સાંસદ વિક્રમ માડમ અને ભાજપનાં કાળુભાઈ ચાવડા વચ્ચે જંગ છે. દ્વારકામાં છઠ્ઠી વખત ચૂંટણી લડી રહેલા પબુભા માણેક અને કૉંગ્રેસના મેરામણ ગોરીયા વચ્ચે કાંટે કી ટકકર છે. ગોરીયા ખંભાળીયાની બેઠક બદલીને દ્વારકા લડવા ગયા છે.

અમરેલીમાં પાટીદાર ફેકટર બાજી બગાડશે 

અમરેલી જિલ્લો પાટીદારોનો પ્રભુત્વ વાળો વિસ્તાર છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં કેશુભાઈ પટેલના પક્ષ જીપીપીની અસર આ જિલ્લામાં જોવા મળી હતી. જિલ્લાની કુલ પાંચ સીટમાંથી બે ભાજપ, બે કૉંગ્રેસ અને એક ધારીની બેઠક જીપીપીને મળી હતી. પાટીદાર અનામત આંદોલન આ જિલ્લામાં અસર કરશે તેવું માનવામાં આવે છે. આ વખતે અમરેલી સીટ પર કૉંગ્રેસના યુવા નેતા પરેશ ધાનાણી સામે ભાજપે બાવકુ ઉંધાડને મેદાનમાં ઉતાર્યા છે. બંને પટેલ છે એટલે પાટીદાર મતદારોમાં ભાગલા પડશે એ સંજોગોમાં ઈતર સમુદાય નિર્ણાયક સાબિત થશે. ધારી સીટ પર ભાજપનાં દિગ્ગજ નેતા દિલીપ સંઘાણી લડી રહ્યા છે. તેમની સામે કૉંગ્રેસે જયસુખ કાકડીયાને ટિકિટ આપી છે. દિલીપ સંઘાણીનું રાજકીય ભાવિ દાવ પર લાગ્યું હોઇ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચલાલામાં સભા કરીને વાતાવરણ બદલાવવા પ્રયાસ કર્યો હતો. લાઠીમાં પણ બે પાટીદાર આગેવાનો વિરજી ઠુંમર અને ગોપાલ વસ્તાપરા વચ્ચે લડાઈ છે. સાવરકુંડલામાં પણ બે પાટીદારો કમલેશ કાનાણી અને કૉંગ્રેસના પ્રતાપ દૂધાત વચ્ચે જંગ છે. આમ જિલ્લાની પાંચ સીટમાંથી ચાર સીટ પર પાટીદાર ઉમેદવારો વચ્ચે મુખ્ય જંગ છે. એક માત્ર રાજુલા સીટ પર કોળી નેતા હીરાભાઈ સોલંકી અને કૉંગ્રેસના આહિર આગેવાન અમરીશ ડેર વચ્ચે રસાકસી છે. આમ આ જિલ્લામાં પાટીદારો કોની બાજી બગાડશે અને કોની સુધારશે તેના પર મીટ છે.

 ભાવનગરમાં ભાજપનો દબદબો

ભાવનગર જિલ્લામાં ભાજપનો દબદબો રહયો છે. ગત વિધાનસભાની ચૂંટણી વખતે બોટાદ અલગ જિલ્લો ન હતો અને કુલ ૯ સીટ હતી. તેમાંથી માત્ર એક જ સીટ કૉંગ્રેસને મળી હતી. આ વખતે પાટીદાર આંદોલન ચાલી રહ્યુ છે પણ ભાવનગર જિલ્લામાં ભાજપનુ વર્ચસ્વ જળવાઈ રહેશે તેમ રાજકીય વિશ્લેષકોનું માનવુ છે. ભાવનગર જિલ્લાની સાત સીટ છે. ભાવનગર પશ્ચિમની સીટ પર પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી લડી રહ્યા છે. તેમની સામે કૉંગ્રેસે ક્ષત્રિય આગેવાન દિલીપસિંહ ગોહિલને મૂકયા છે. ભાવનગર ગ્રામ્યની સીટ પર ભાજપ અને કોળી નેતા પરસોત્તમ સોલંકીનુ ભાવિ દાવ પર લાગ્યુ છે. રાજકીય સમીકરણો એવા છે કે ભાવનગર જિલ્લામાં પાટીદાર ફેકટર બહુ અસર નહીં કરે.  સૌરભ પટેલને આકોટાને બદલે બોટાદથી ફરી ભાજપે ટિકિટ આપી છે. સૌરભભાઈ માટે ફરી એક વાર રાજકીય કરિયરને આગળ ધપાવવાની તક છે ત્યારે સ્થાનિક મતદારો હવે સૌરભભાઈની પડખે રહેશે કે કેમ તે જોવાનું રહે છે.

સુરેન્દ્રનગરમાં કાંટે કી ટકકર

સુરેન્દ્રનગર જિલ્લો આમ તો ભાજપનો ગઢ મનાય છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં પાંચમાંથી ચાર બેઠક ભાજપે કબ્જે કરી હતી પણ આ વખતે સ્થાનિક સમીકરણોને લીધે ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે કાંટે કી ટકકર છે. ક્ષત્રિયો અને કોળી સમાજના રૃખ પર સહુ કોઈની નજર છે. બીજુ વઢવાણમાં ભાજપે વર્ષાબહેન દોશીની જગ્યાએ ધનજીભાઈ પટેલને ટિકિટ આપી છે તો કૉંગ્રેસે પણ પટેલ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. લીમડીમાં ફરી એક વખત બે જૂના જોગી કિરીટસિંહ રાણા અને સોમાભાઈ પટેલ વચ્ચે લડાઈ છે.

જૂનાગઢમાં મશરૂ ફરી એકવાર બાજી મારશે ?

જૂનાગઢ જિલ્લાની કુલ પાંચ બેઠક છે. આ ચૂંટણીમાં જૂનાગઢ અને વિસાવદરની સીટ પર સહુ કોઈની નજર છેે. બેે વખત અપક્ષ અને ચાર વખત ભાજપનાં ધારાસભ્ય બન્યા બાદ ફરી એક વખત વિધાનસભાની ચૂંટણીનો જંગ જૂનાગઢમાંથી મહેન્દ્ર મશરુ ખેલી રહ્યા છે. મશરૃની સામે કૉંગ્રેસે ભીખાભાઈ જોષીને ફરી ટિકિટ આપી છે. વિસાવદર પાટીદારોનો ગઢ ગણાય છે. કૉંગ્રેસના હર્ષદ રીબડીયા અને ભાજપનાં કિરીટ પટેલ બંને ભાજપનાં નેતાઓ વચ્ચે ટકકર છે. માણાવદરમાં કૉંગ્રેસે ફરી એક વાર જવાહર ચાવડાને રિપીટ કર્યા છે તો ભાજપે કડવા પાટીદાર મતો અંકે કરવા નિતીન ફળદુને ટિકિટ આપી છે. આ સીટ પર કડવા પટેલ સમુદાય મોટો છેે. આ વખતે કૉંગ્રેસનાં આંતરિક રોષથી માંગરોળ સીટ જાળવવી કૉંગ્રેસ માટે કપરા ચઢાણ સાબિત થાય તેવું માનવામાં આવે છે.

પોરબંદરની પ્રતિષ્ઠાભરી બેઠક પર બે દિગ્ગજો સામસામે છે. કેબિનેટ પ્રધાન બાબુભાઈ બોખીરીયા  અને પૂર્વ પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયા વચ્ચે ખરાખરીનો જંગ છે. બંને મહેર સમાજમાંથી આવે છે. કુતિયાણામાં ભાજપ, કૉંગ્રેસ અને એનસીપી એમ ત્રિપાંખીયો જંગ છે. કુતિયાણામાં એનસીપીનાં કાંધલ જાડેજા બેઠક જાળવી રાખશે કે કેમ તેના પર સહુ કોઈની મીટ છે. આમ સૌરાષ્ટ્રમાં સત્તાનાં સંગ્રામ માટે રાજકીય પક્ષોએ શતરંજની જાળ બીછાવી છે. કોણ સફળ થશે તે તો પરિણામ આવે ત્યારે જ ખબર પડશે.

————————.

You might also like