મતની કિંમત છે, મતદારની નહીં?

ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મતદાનને લઇને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો મતદાનને લઇને કેટલાં જાગૃત છે તેનું ઉદાહરણ કનેવાલ ટાપુમાં જોવા મળે છે. કનેવાલના લોકો આઝાદીના દાયકાઓ બાદ આજે પણ મુશ્કેલીઓ વેઠીને મતદાન કરવા પાંચ કિલોમીટર દૂર આવેલા મતદાન મથકે નાવડીમાં બેસીને જાય છે.  ‘અભિયાને’ આ ટાપુની મુલાકાત લઇને મતદારોની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો હતો…..

 

થોડા સમયથી ટેલિવિઝન પર એક જાહેરખબર પ્રસારિત થઇ રહી છે. આ જાહેરખબરમાં એક નાવિક પોતાની દીકરીને નાવડીમાં બેસાડીને નદી પસાર કરાવી રહ્યો છે. હલેસાં મારતાં મારતાં એ દીકરીને કહે છે કે, મોટી થઇને ગામના બાળકોને શાળામાં જવા-આવવા માટે તકલીફ ન પડે તે માટે પુલનું નિર્માણ કરાવજે. ત્યારે પેલી દીકરી કહે છે કે, હું પુલ નહીં બંધાવું પણ ગામમાં જ શાળા શરૃ કરીશ. જાહેરખબર જોઇને વિચાર આવે કે આજના સમયમાં  શું આવું કોઇ ગામ હોઇ શકે જ્યાં ગામવાસીઓને પ્રાથમિક જરૃરિયાતો માટે નદી કે તળાવ પાર કરીને બીજા સ્થળે જવાની ફરજ પડતી હોય. જે દેશમાં બુલેટ ટ્રેનની વાતો થતી હોય અને ભાવનગરથી દહેજ માટેની રો રો ફેરી સર્વિસ શરૃ થતી હોય એ દેશમાં શુંં આજે પણ એવું કોઇ ગામ હોઇ શકે જ્યાં વીજળી, પાણી, સ્વાસ્થ્ય, શાળા, જીવનનિર્વાહ માટેની સામગ્રી, રસ્તા વગેરેનો અભાવ હોય અને પારાવાર મુશ્કેલીઓ સહન કરીને એક ગામથી બીજા ગામ તે પણ નૌકાના સહારે જવું પડતું હોય. તો જવાબ છે – હા. વિકાસના વાદળો જ્યાં વરસ્યા નથી એવા ગામડાં પણ ભારતમાં છે અને બહુ દૂર નજર દોડાવવાની જરૃર નથી. કારણ કે, આવા જ ગામનો ચિતાર આપી રહ્યું છે આણંદ જિલ્લાના તારાપુર તાલુકાનું કનેવાલ ગામ. કનેવાલ ગામ નહીં પણ ટાપુ છે.

કનેવાલ તળાવની વચ્ચોવચ આવેલા ટાપુ પર પાંત્રીસ પરિવારો રહે છે. આ પરિવારોના ૧૬૦થી વધુ મત છે. તેઓ  ૭૦ વર્ષથી પોતાના  મતાધિકારનો ઉપયોગ કરવા કનેવાલ તળાવના ટાપુ પરથી ૨૦થી ૨૫ મિનિટનું અંતર કાપીને બોટ દ્વારા વરલી ગામે મતદાન કરવા જાય છે. તેમને માટે મતદાન મથક સુધી પહોંચવા કોઇપણ પ્રકારની વિશેષ વ્યવસ્થા ઊભી નથી કરવામાં આવતી કે આટલાં વર્ષોમાં એ ટાપુ પર મતદાન કેન્દ્ર શરૃ કરવાની પણ ક્યારેય કોઇ હિલચાલ નથી થઇ. સોજિત્રા વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ કનેવાલ તળાવના ટેકરા પર રહેતા પરિવારો મતદાનના દિવસે હોડીમાં બેસીને મતદાન કરવા જાય છે.

માની લઇએ કે મતદાન તો પાંચ વર્ષે એક વાર આવે છે,પરંતુ પાયાની સુવિધાઓ પણ અહીં સુધી પહોંચાડવામાં તંત્ર ઉદાસીન રહ્યું છેે. મતદારોને મત આપવા જવાનો પ્રશ્ન તો છે જ ઉપરાંત અહીં વસતા પરિવારોને રોજ પારાવાર સમસ્યાઓ સામે લડત આપવી પડે છે. તેમાં પણ સૌથી જટિલ પ્રશ્ન છે બાળકોના અભ્યાસનો,  સ્વાસ્થ્ય અને વીજળીનો. આ ટાપુ પર અંદાજે ૩૦થી ૩૫ બાળકો છે, જેમને પ્રાથમિક અભ્યાસ માટે વરલી ગામની શાળામાં અને ઉચ્ચ અભ્યાસ માટે તારાપુર  સુધી જવું પડે છે. પરંતુ ત્યાં સુધી પહોંચવા માટે પહેલા કનેવાલ તળાવને પાર કરવુ પડે છે. ટાપુ પર રહેતા દરેક લોકો પાસે બોટની સુવિધા નથી. તેથી જેમની પાસે બોટ છે તેઓ અન્ય બાળકોને પાંચ- દસ રૃપિયાના ભાડે વરલી ગામે લઇ જાય છે. અહીં વસતા પરિવારો ખેતી પર નિર્ભર છે. રોજે રોજ બાળકોને પૈસા ખર્ચીને શાળાએ મોકલી શકે તેવી વ્યવસ્થા કરવી તેમને પરવડે તેમ નથી, માટે ઘણા પરિવાર તો બાળકોને શાળામાં મોકલવાનું જ ટાળે છે. કેટલાક અઠવાડિયામાં બે-ત્રણ દિવસ જ બાળકોને શાળામાં મોકલે છે. બાળકોને શાળાએ મોકલવા માટે પરિવારોએ વારા રાખવા પડે છે. એટલે જો સોમવારે એક બાળક શાળાએ જાય તો એ જ દિવસે અન્ય કોઇ બાળક ઘેર બેસી રહે. આવી સ્થિતિ હોય ત્યાં તો કન્યા કેળવણીની વાત જ ક્યાં કરવાની.

આ પરિસ્થિતિ વિશે વાત કરતા ટાપુ પર રહેતા લાલજીભાઇ કહે છે કે, “અમારી કોઇ એક બે નહીં અગણિત સમસ્યાઓ છે. એવું નથી કે અમે કોઇ જ્ગ્યાએ રજૂૂઆત નથી કરતા પરંતુ હવે રજૂઆતો કરીને થાકી ગયા છીએ. ચૂંટણી સમયે અમારી સમસ્યાઓ દૂર થશે તેવા કહેણ આવે છે પરંતુ સમસ્યા દૂર થતી નથી. પંદર વર્ષ આ બેઠક પર ભાજપે રાજ કર્યુ પરંતુ અમારી કોઇ મુશ્કેલી દૂર ના થઇ અને હવે છેલ્લા પાંચ વર્ષથી કૉંગ્રેસ છે છતાં અમારી સ્થિતિ ઠેરની ઠેર છે. હવે એમ થાય છે કે આટલી મુશ્કેલીઓનો સામનો કરીને ઘરનાં પૈસા ખર્ચી મત આપવા જવાનો કોઇ અર્થ જ નથી. પરંતુ ઘરના વડીલો કહે છે મત આપવા તો જવું જ પડે. હવે કરવુ શું…?”  મુશ્કેલીઓનો પાર નથી છતાં મત આપવાનો ઉત્સાહ રાખનારા પાયલબહેન કહે છે કે, “મારા લગ્નને પાંચ વર્ષ થઇ ગયા. રોજિંદી અનેક સમસ્યાઓ છે. ચારે બાજુ પાણી વચ્ચે રહેવું ઘણું કપરું હોય છે. લાઇટની વ્યવસ્થા નથી તો પીવાના પાણી માટે પણ તળાવના પાણીનો જ ઉપયોગ કરીએ છીએ. ઘરના નાના મોટા કામકાજ માટે પણ બહાર જવાતું નથી. ઘરનો વડીલ વર્ગ કામમાં હોય, બહાર કોણ લઇ જાય. મહેમાનો કે પરિવારના લોકોને અહીં આવવુ હોય તો પણ સો વાર વિચાર કરવો પડે છે. એક બાજુ શહેરનો વિકાસ થાય છે જ્યારે બીજી બાજુ અમારા માટે કોઇ કશું વિચારતું જ નથી.”

ટાપુ છોડીને ગામમાં રહેવા કેમ નથી જતા, એમ પૂછતા જીવણભાઇ સોલંકી કહે છે કે, “આ તો અમારા પૂર્વજોનો વારસો છે. એમ કેવી રીતે છોડી દઇએ અને માનો કે છોડવાનું વિચારીએ તો પણ ક્યાં જઇએ. અહીં જે જમીન છે તેમાં નાની મોટી ખેતી કરીને જેમ તેમ પરિવારનો નિર્વાહ કરીએ છીએ. છેલ્લા ૧૦૫ વર્ષથી અમારા વડીલો અહીં વસ્યા છે. અમારું તો જે ગણો તે આ જ છે.” જ્યારે ગલાલબહેન કહે છે કે, “સૌથી મોટી સમસ્યા તો સગર્ભા મહિલાને થાય છે. વહુને છેલ્લા દિવસો જતા હતા ત્યારે દિવસોના દિવસો સુધી અમે સૂતા નહોતા. ગમે ત્યારે દવાખાને જવાનું થાય, રાતનો સમય અને સુવાવડી વહુ-દીકરીને લઇને પાણીમાં મજલ કાપવી, તે કોઇ દુઃસ્વપ્નથી ઓછું નથી. આ સમય પણ જોવો પડે છે.”

વરલી ગામના સામાજિક કાર્યકર વનરાજસિંહ ગોહિલ કહે છે કે, “દરેક સમસ્યા આ ટાપુ પર જોવા મળે છે. કનેવાલ તળાવ એક ટૂરિઝમ સ્પોટ પણ છે અને તેના વિકાસ માટે કરોડો રૃપિયા ફાળવવામાં આવ્યા છે પણ તેનો નહિવત ઉપયોગ થયો છે. નવેમ્બરથી લઇને ફેબ્રુઆરી સુધી અહીં યાયાવર પક્ષીઓ જોવા મળે છે. જે માટે સહેલાણીઓ પણ આવતા હોય છે પરંતુ કોઇ વ્યવસ્થા ના હોવાના કારણે પરત ફરે છે. રહી વાત ટાપુ પર વસતા લોકોની તો ઇલેક્શન સમયે તે લોકોના દરેક પ્રશ્નો હલ થશે તેવી ઠાલી સાંત્વના આપવામાં આવે છે પરંતુ જેવો મતદાનનો દિવસ પસાર થાય કે તમે કોણ અને અમે કોણ જેવી સ્થિતિ ઊભી થાય છે. અહીં રહેતા લોકોને એમ થાય છે કે આજે નહીં તો કાલે કોઇક તો અમારી સમસ્યાને દૂર કરશે એમ માનીને કનેવાલ ટાપુ પરથી વરલી અને ત્યાંથી પણ ત્રણ ચાર કિલોમીટરનું અંતર કાપીને મતદાન કરવા જાય છે. અમે પણ એવી આશા રાખીએ કે તે લોકો માટે ટાપુ પર જ મતદાન કેન્દ્રની વ્યવસ્થા ઉભી થાય. જો કે આ વખતે પણ હજુ સુધી આવી કોઇ વ્યવસ્થા ઊભી કરવાની વાત સુદ્ધાં થઇ નથી.  ચૂંટાઇ આવનારો નેતા ટાપુના રહેવાસીઓ માટે ખરેખર કોઇ સુવિધા ઊભી કરે છે, સમસ્યાઓનું નિરાકરણ લાવે છે કે પછી તેમના પુરોગામી નેતાઓને જ અનુસરે છે.”

કનેવાલ ટાપુના લોકોની સમસ્યાઓ જોઇને વિચાર આવે કે કિંમત મતની જ છે, મતદારની નહીં. એટલે જ મત મળી જાય પછી કોઇ નેતા કે પક્ષ આવા વિસ્તારોની મુલાકાતે નથી આવતા કે નથી અહીંના લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવતા.

કનેવાલ તળાવ એક ટૂરિઝમ સ્પોટ પણ છે અને તેના વિકાસ માટે કરોડો રૃપિયા ફાળવવામાં આવ્યા છે પણ તેનો નહિવત ઉપયોગ થયો છે. સહેલાણીઓ નિરાશ થઈ પરત ફરે છે. -વનરાજસિંહ ગોહિલ (સામાજિક કાર્યકર )

———-

ચારે બાજુ પાણી વચ્ચે રહેવું ઘણું કપરું હોય છે. લાઇટની વ્યવસ્થા નથી તો પીવાના પાણી માટે પણ તળાવના પાણીનો જ ઉપયોગ કરીએ છીએ.-પાયલબહેન ( સ્થાનિક રહીશ )

———-

અમને કોઇ રજૂઆત નથી મળીઃ – મામલતદાર

તારાપુર તાલુકાના મામલતદાર નવનિત પ્રજાપતિ કહે છે કે, આ ટાપુ પરના લોકોનો સીધો વ્યવહાર વરલી ગામ સાથે છે. તેઓ દર વખતે મતદાન કરવા માટે ડિઝલ બોટમાં જાય છે. આ વખતે પણ અમારી પાસે તે લોકોની કોઇ રજૂઆત આવી નથી માટે જે પ્રમાણે જાય છે તે પ્રમાણે જ મતદાન માટે જશે. ચૂટણીપંચ દ્વારા પણ અમારી પાસે રજૂઆત આવી નથી. માટે અમે કોઇ પણ પ્રકારની વ્યવસ્થા કરી નથી.

—————————–.

You might also like