ચૂંટણીના મેદાનમાં નેતાઓની સેફ ગેમ!

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બંને તબક્કા માટે ભારે ખેંચતાણ બાદ અંતે રાજકીય પક્ષોના ઉમેદવારો ફાઈનલ થઈ ગયા છે. આ વખતની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં અનેક રંગો જોવા મળી રહ્યા  છે ત્યારે ગુજરાતનાં રાજકીય મોરચે એક એવી ચર્ચા સાંભળવા મળી રહી છે કે, પ્રદેશનાં અનેક મોટા નેતાઓએ ચૂંટણીનાં મેદાનમાં ઉતરતા પહેલા જ સેફ ગેમ બનાવીને પોતાની જીત પાક્કી કરી લીધી છે !….

 

પ્રથમ ચરણમાંં જયાં મતદાન છે તે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો ચૂંટણીનો પ્રચાર પૂરવેગમાં ચાલી રહ્યો છે અને બીજા તબક્કાની ચૂંટણીમાં હવે લાંબી કવાયત બાદ અંતે ભાજપ – કૉંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ મુરતિયા મેદાનમાં ઉતારી દીધા છે. ગુજરાત વિધાનસભાની ૧૮ર બેઠકોની ચૂંટણીનાં જંગમાં આ વખતે અનેક રસપ્રદ મુદ્દાઓ સામે આવી રહ્યા છે. ઉમેદવારો ફાઈનલ થયા બાદ ગુજરાતનાં રાજકીય વર્તુળોમાં સેફ પેકેજનો એક મુદ્દો ભારે ચર્ચામાં છે. મતલબ કે અનેક મોટા નેતાઓએ પોતાની બેઠકને સેફ કરવા માટે જ્ઞાતિ – જાતિનાં અને પક્ષોનાં સમીકરણો એવા ગોઠવ્યા છે કે તેમની જીત પાક્કી બની જાય અને આવી વ્યૂહ રચનામાં ભાજપ અને કૉંગ્રેસનાં કેટલાય મહારથીઓ સફળ થયા છે.

આવી વ્યૂહરચના ઘડવાના કેટલાક કારણો પણ છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે એવી રણનીતિ ઘડી હતી કે ગુજરાત કૉંગ્રેસના ટોચના નેતાઓની હાર થાય અને એ મુજબ ચૂંટણીની ચોપાટ ગોઠવી હતી. નવાઈની વાત તો એ છે કે જયારે પરિણામો આવ્યા ત્યારે કેટલાક કૉંગ્રેસનાં નેતાઓને આ વ્યૂહમાં આબાદ સપડાયાની ખબર પડી હતી. વિધાનસભામાં પહોંચવામાં અનેક નેતાઓના સપનાઓ અધૂરા જ રહી ગયા હતા. આ વખતે ર૦૧૭ની ચૂંટણીમાં ખાસ કરીને કૉંગ્રેસનાં જે નેતાઓ ચૂંટણી લડવા માગતા હતા તેઓ પહેલેથી જ સતર્ક રહ્યા અને કઈ સીટ પર કોણ આવી રહ્યું છે તેના પાક્કા ગણિત બેસાડીને એટલું જ નહીં સ્થાનિક નડે તેવા આગેવાનોને સમજાવીને પછી જ ઉમેદવારી કરી છે. કેટલાકે તો પોતાની સીટ પાક્કી કરવા માટે બીજા સીટનાં ચોગઠાં ગોઠવ્યા છે અને તેમાં જરૃર પડી તો અન્ય રાજકીય પક્ષોનાં આગેવાનોને પણ અંદરખાને રહીને સમજાવ્યા હોવાની ચર્ચાઓ છે. આ ચર્ચાઓમાં કેટલુ તથ્ય છે તે તો કોઈ જાહેરમાં કહેવાનું નથી પણ પરિણામો તેનો સંકેત આપશે.

ગુજરાતના બંને ચરણના મતદાનમાં હવે ઉમેદવારી પત્રો ભરાઈ ચૂકયા છે. કૉંગ્રેસ અને ભાજપનાં કેટલાક મોટા ગજાના નેતાઓએ તો સેફ સીટ મેળવવાનાં ગણિત સાથે મતવિસ્તારો બદલ્યા છે. રાજકીય મોરચે એવી ચર્ચા છે કે આ વખતની ચૂંટણીમાં ભાજપનાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, દિલીપ સંઘાણી, સૌરભ પટેલ, રાઘવજી પટેલ સહિતનાં નેતાઓ સેફ ઝોનમાં છે તો કૉંગ્રેસમાં એવું કહેવાય છે કે શકિતસિંહ ગોહિલ, સિધ્ધાર્થભાઈ પટેલ, વિક્રમ માડમ, કુંવરજી બાવળીયા, અલ્પેશ ઠાકોર સહિતનાં આગેવાનો સેફ ઝોનમાં છે. માત્ર ભાજપ – કૉંગ્રેસ નહીં છેલ્લા એક – દોઢ વર્ષથી આંદોલનો કરતા યુવા નેતાઓએ પણ ચૂંટણી લડવા માટે અગાઉથી જ તૈયારી કરી રાખી હતી. સૌરાષ્ટ્રમાં પાસના કન્વીનર લલિત વસોયા ધોરાજી સીટ પરથી લડશે તેવી ચર્ચા છેલ્લા છ મહિનાથી હતી. તેઓ પણ તૈયારીમાં જ હતા. અલ્પેશ ઠાકોરે પણ ભલે પત્તા છેલ્લે ખોલ્યા પણ તેનું ચૂંટણી લડવાનું ફાઈનલ હતુ. આવું જ જિજ્ઞેશ મેવાણીનું થયું છે. છેક સુધી ના પાડતા રહ્યા અને અંતે નક્કી કર્યા મુજબ છેલ્લી ઘડીએ ચૂંટણીના મેદાનમાં ઝંપલાવી દીધુ છે. પાક્કા ગણિત સાથે આ યુવા નેતાઓએ મતવિસ્તારો પસંદ કર્યા છે. ગુજરાત વિધાનસભાની આ વખતની ચૂંટણીમાં ભરેલા નાળિયેર જેવી સ્થિતિ બનેલી છે. રાજકીય ગણિત ગોઠવવામાં પાવરધા એવા નેતાઓ પણ પરિણામ વિશે સચોટ આગાહી કરી શકે તેવી સ્થિતિમાં નથી. જો કે આ તો રાજકારણ છે. લોકોનો મૂડ શું છે તે પારખવામાં ભલભલા ભૂલ ખાઈ જાય છે. કોના ગણિત પાક્કા હતા તે તો પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે.!

You might also like