વિવાદના ઓછાયા વચ્ચે ગોવામાં ફિલ્મોત્સવનો પ્રારંભ

ગોવામાં શરૃ થયેલ ૪૮મો ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ( આઇએફએફઆઇ) પણ અગાઉના ફિલ્મોત્સવની માફક વિવાદથી મુક્ત રહી શક્યો નથી. અગાઉ દિલ્હી, મુંબઇ જેવા અલગ અલગ મહાનગરમાં યોજાતો આ ફિલ્મોત્સવ છેલ્લા કેટલાંક વર્ષોથી ગોવામાં યોજાય છે તો તેનું કારણ વિશ્વમાં ભારતના આ આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવની આગવી ઓળખ ઊભી કરવાનું રહ્યું છે. પરંતુ વર્ષોના પ્રયાસ પછી પણ તેમાં બહુ સફળતા મળી હોય એવું કહી શકાય તેમ નથી. કાન ફિલ્મોત્સવની માફક ગોવાના ફિલ્મોત્સવની આંતરરાષ્ટ્રીય સ્તરે કેટલી નોંધ લેવાય છે એ એક સવાલ છે. જો કે તેની પાછળ અનેક કારણો અને પરિબળો જવાબદાર હશે. ગોવાની રાજ્ય સરકાર હવે ત્યાં કાયમી ધોરણે નિશ્ચિત બનેલા ફિલ્મોત્સવના આયોજનની સુવિધા માટે અલાયદું મલ્ટિપ્લેક્સ સિનેમા સાથેનું વિશાળ કોમ્પ્લેક્સ નિર્માણ કરવા જઇ રહી છે. રાજ્યના મુખ્યપ્રધાન મનોહર પરિકરે ફિલ્મોત્સવના ઉદઘાટન સમારોહમાં

આ અંગેની જાહેરાત કરતાં કહ્યું કે બે વર્ષ પછી પચાસમો ફિલ્મોત્સવ આ નવા કોમ્પ્લેક્સમાં યોજી શકાશે. ગોવાના ફિલ્મોત્સવની આગવી ઓળખ ઊભી કરવામાં કદાચ આ પગલું સહાયક બનશે. ૪૮મા ફિલ્મોત્સવનો ઉદઘાટન સમારોહ અગાઉના ફિલ્મોત્સવો કરતાં તદ્દન અનોખો બની રહ્યો. ફિલ્મોત્સવ પૂર્વે સર્જાયેલા કેટલાક વિવાદની છાયાથી સમારોહને અલિપ્ત રાખી શકાયો એ જ તેની મોટી સફળતા હતી. ભારતીય પેનોરમા વિભાગ માટે આવેલી ૧૫૩ ફિલ્મોમાંથી ૨૬ ફિલ્મો પસંદ કરવામાં આવી હતી. તેમાંથી બે ફિલ્મો – રવિ જાદવની મરાઠી ફિલ્મ ‘ન્યૂડ’ અને શશીધરનની મલયાલી ફિલ્મ ‘એસ દુર્ગા’ને માહિતી-પ્રસારણ મંત્રાલયની સૂચનાથી છેલ્લી ઘડીએ યાદીમાંથી રદ કરવામાં આવી. સરકારના આ પગલાંના વિરોધમાં જ્યુરીના વડા અને જાણીતા ફિલ્મ ડાયરેક્ટર સુજોય ઘોષે રાજીનામું આપી દીધું. એ પછી જ્યુરીના બીજા બે સભ્યોએ પણ રાજીનામા આપી દીધા. રાજીનામા આપનારા સભ્યોની દલીલ એવી હતી કે આ બંને ફિલ્મો મહિલા સશક્તિકરણ વિશેની ફિલ્મો છે. જ્યૂરીના સભ્યો સાથે કોઇ પણ પ્રકારની ચર્ચા કર્યા વિના બંને ફિલ્મોને યાદીમાંથી કાઢી નાખવાનું તેમને યોગ્ય લાગ્યું નથી.

કથાનકની દૃષ્ટિએ બંને ફિલ્મો પ્રયોગશીલ અને અનોખી હોવા છતાં બંને ફિલ્મોના નામ જુગુપ્સાપ્રેરક હોવાથી અને ફિલ્મના કથાનકથી વિપરિત છાપ ઊભી કરતા હોવાથી ફિલ્મને રદ કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. ‘એસ.દુર્ગા’ નામની ફિલ્મનું નામ ‘સેક્સી દુર્ગા’ છે. દુર્ગા નામે દેવીની હિન્દુઓ શ્રદ્ધાપૂર્વક પૂજા કરતા હોવાથી આ નામ સામે વાંધો-વિરોધ રહ્યો છે. સેન્સરમાં આ ફિલ્મ ગઇ ત્યાં પણ નામ સામે વાંધો લેવાતાં ‘એસ. દુર્ગા’ કરાયું. પણ દુર્ગા નામ બદલાયું નહીં. લોકોની લાગણી સાથે ચેડાં કરીને દર્શકોને આકર્ષવાની ફિલ્મકારોની મનોવૃત્તિ યોગ્ય નથી અને દરેક વખતે કલા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની વાત કરીને છટકી શકાય નહીં. આ બાબત સરકાર કોઇ નિર્દેશ આપે ત્યારે તેના વિરોધમાં ખડા થઇ જવાની પ્રવૃત્તિ પણ યોગ્ય નથી. ‘ન્યૂડ’ ફિલ્મમાં એક ચિત્રકારની નગ્ન સ્ત્રી મોડૅલની કથા છે, જે પૈસા માટે ચિત્રકાર સમક્ષ ન્યૂડ મોડલિંગ કરે છે. આ ફિલ્મનું નામ પણ બીજું રાખી શકાયું હોત. પરંતુ એમ કરવામાં ન આવ્યું તો તેનું સ્પષ્ટ કારણ નગ્નતાના નામે લોકોને આકર્ષિત કરવાનું દેખાઇ આવે છે. શિર્ષક ફિલ્મના કથાનકનું યથાતથ પ્રતિબિંબ પાડતું હોવાનું કહી શકાય તેમ નથી. રાજીનામા આપનાર જ્યૂરીના સભ્યો કહે છે કે તેમણે પત્રો લખવા છતાં સરકારે કોઇ પ્રતિભાવ આપ્યો નહીં. સરકાર તેના નિર્ણય બાબતમાં ચર્ચા જ કરવા ઇચ્છતી ન હોય અને વિવાદને વધુ ઉત્તેજન આપવા ઇચ્છતી ના હોય એ સંજોગોમાં સરકારનું મૌન સમજી શકાય એવું છે.

આ બંને ફિલ્મો રદ થતાં ફિલ્મોત્સવનો આરંભ ભારતીય પેનોરમાની એક અન્ય પ્રયોગશીલ ફિલ્મ ‘પીહુ’ દ્વારા કરવામાં આવી. વિનોદ કાપડી નામના નિર્દેશકની આ ફિલ્મની કથા બે વર્ષની એક બાળકીની આસપાસ વણાયેલી છે. અગાઉ એક ફિલ્મ માટે નેશનલ અવૉર્ડ મેળવનાર વિનોદ કાપડી સ્વયં ‘પીહુ’ ફિલ્મને કારણે ચર્ચામાં છે. ફિલ્મોત્સવનો પ્રારંભ તેમની ફિલ્મથી થવાનો છે એ વાત જાણીને ઉત્સાહ અને ઉત્તેજના અનુભવનાર કાપડીને જો કે એ વાતનું આશ્ચર્ય પણ થયું કે મહદ્ અંશે નેશનલ અવૉર્ડ વિજેતા ફિલ્મથી ફિલ્મોત્સવનો આરંભ થતો હોય છે ત્યારે તેમની ફિલ્મની પસંદગી એ તેમને માટે તો ગૌરવરૃપ ઘટના છે. ‘પીહુ’ ફિલ્મ માત્ર બે વર્ષની બાળકીની કથા નથી બલ્કે એ માત્ર એક બાળકીના પાત્ર આધારિત ફિલ્મ છે. ફિલ્મ મધ્યમવર્ગના પરિવારની કથા કહે છે. કામકાજી માહોલમાં પરિવારના વાલીઓ પરિવારને સમય નથી આપી શકતા. વિનોદ કાપડીનો દાવો છે કે ફિલ્મ જોયા પછી દર્શકોને અહેસાસ થશે કે નાની નાની બાબતોની ઉપેક્ષા કરવાથી તેના થ્રિલર ફિલ્મ ગણાવે છે. તેઓ કહે છે કે વિશ્વ સિનેમામાં ઘણી પ્રયોગશીલ ફિલ્મો બની રહી છે, જેમાં એક કલાકાર હોય, પરંતુ તેમાં મોટા કલાકારોની ભૂમિકા મહત્ત્વની હોય છે. જ્યારે આ કદાચ એવી પહેલી ફિલ્મ  હશે જેમાં બે વર્ષની એક બાળકી છે. તેમણે નેશનલ અવૉર્ડ માટે ‘પીહુ’ મોકલી હતી પણ તેને અવૉર્ડ મળ્યો નહીં. અને આમ છતાં ફિલ્મના પ્રારંભમાં રજૂ થવાનું માન તેને મળ્યું. ફિલ્મોત્સવ પછી સામાન્ય દર્શકો પણ આ ફિલ્મને જોઇ શકે અને તેના સામાજિક મેસેજને સમજી શકશે તો વિનોદ કાપડીની મહેનત સાર્થક થશે.

You might also like