પક્ષોમાં યુવાઓ તુમ આગે બઢો નું સૂત્ર,  ટિકિટ આપવામાં પીછે રહો ની સચ્ચાઈ

યુવાન મતદારોનું સંખ્યાબળ મોટું હોવાથી દરેક રાજકીય પક્ષ યુવાઓને પ્રાધાન્ય આપવાની જાહેરમાં વાતો કરે છે પણ વાસ્તવિકતા એ છે કે સંગઠનની કામગીરી હોય કે ચૂંટણીમાં ટિકિટ આપવાનો મામલો હોય પણ હંમેશા યુવાઓને અન્યાય જ થતો આવ્યો હોવાની ફરિયાદો ઉઠી છે. જો કે હવે રાજકીય માહોલ બદલાયો છે. ભાજપ – કૉંગ્રેસ જેવા રાષ્ટ્રીય પક્ષો યુવાઓને વધુ ને વધુ તક આપવાનાં પ્રયાસો કરી રહ્યા છે……

 

કોઈ મોટા નેતાઓની સભાઓ કરવાની હોય, મોરચો કે રેલી કાઢવાની હોય ત્યારે દરેક રાજકીય પક્ષોને તેનો યુવા મોરચો સૌ પહેલા યાદ આવે છે. વધુમાં વધુ સંખ્યામાં માણસો લાવવાના કામથી માંડીને અનેક વ્યવસ્થાઓનો ભાર યુવા મોરચાનાં ખભે નાખી દેવામાં આવતો હોય છે. વર્ષોથી રાજકીય પક્ષોમાં આવું જોવા મળી રહ્યું છે. પક્ષનાં કાર્યાલયોમાં કે સભાઓનાં મંચ પર તો ઈસ્ત્રી ટાઈટ ઝભ્ભામાં સજજ પક્ષનાં વરિષ્ઠ નેતાઓ જ ગોઠવાઈ જતા હોય છે યુવાઓને ભાગ્યે જ તક મળતી હોય છે. દરેક રાજકીય પક્ષમાં જેમ મહિલાઓને પ્રતિનિધિત્વ આપવાની વાતો થાય છે પણ વાસ્તવિકતા જુદી છે બસ તેવી જ સ્થિતિ યુવા મોરચાની છે. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં તો કાયદો આવતા ફરજિયાત દરેક રાજકીય પક્ષને પ૦ ટકા સીટ ફાળવવામાં આવી રહી છે પણ વિધાનસભા કે લોકસભાની ચૂંટણીઓમાં જૂજ સીટ જ ફાળવવામાં આવે છે તેનો વસવસો યુવાઓમાં કયાંક છાને ખૂણે જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં ૩પ વર્ષની વયનાં મતદારો કેટલા ?

રાજકીય પક્ષોમાં યુવા મોરચાનું કેવું સ્થાન  છે? ભાજપ, કૉંગ્રેસનાં યુવા મોરચાના હોદ્દેદારો શું માને છે તે જોતા પહેલા યુવા મતદારોની સંખ્યા અને તેની ટકાવારી કેટલી છે તેના પર એક નજર કરીએ તો ખ્યાલ આવશે કે યુવા મતદારોનો કેટલો પ્રભાવ છે અને યુવાઓને પોતાના  તરફ આકર્ષવા માટે શા માટે રાજકીય પક્ષો પ્રયાસો કરી રહ્યા છે. ગુજરાતમાં માત્ર ૩પ વર્ષની વય જૂથનાં મતદારોની સંખ્યા જોઈએ તો પણ યુવા મતદારોનો કેવો દબદબો ગુજરાતની આ વિધાનસભાની ચૂંટણીમાં રહેશે તેનો અંદાજ આવી શકે છે. ચૂંટણી પંચના સતાવાર આંકડા મુજબ ગુજરાતમાં હાલ આશરે ૬.રપ  કરોડની વસ્તીમાં ૪.૩૩ કરોડ મતદારો છે તેમાં ૧૮ થી ૩પ વર્ષની વય જૂથનાં મતદારોની સંખ્યા ૧,૮૩,ર૦,૯૮પ છે. જેમાંથી ગુજરાતની આ વિધાનસભાની ચૂંટણીમાં પહેલી જ વાર મતાધિકારનો ઉપયોગ કરનાર છે તેવા ૧૮ થી ર૧ વર્ષની વય જૂથનાં ર૯,૭ર,ર૪૧ છે. આમ રાજયમાં કુલ મતદારોમાં ૩પ વર્ષની વય જૂથનાં મતદારોની ટકાવારી જ ૪૦ ટકાની ઉપર થાય છે. ચૂંટણી પંચે રાજયમાં તા. ૧ લી જૂલાઈથી રપ ઑકટોબર ર૦૧૭ સુધી મતદાર નોંધણી માટે ખાસ અભિયાન ચલાવ્યું હતું તે ગાળા દરમિયાન જ ૧૦.૪૬ લાખ નવા મતદારો નોંધાયા હતા.

યુવા મતદારોનાં હાથમાં ઉમેદવારોનું ભાવિ

યુવા મતદારોની સંખ્યા વધી રહી છે તેની સાથે યુવા મતદારોમાં જાગૃતિ પણ આવી છે. સોશિયલ મીડિયા જેવા માધ્યમોનાં કારણે આજનો યુવાન રાજકીય પક્ષો અને ઉમેદવારોનાં દરેક પાસાઓનો અભ્યાસ કરતો થઈ ગયો છે. યુવા મતદારોનાં હાથમાં ઉમેદવારોનું ભાવિ નક્કી કરવાની માસ્ટર કી છે. ગુજરાતમાં હાલ વિધાનસભાની ચૂંટણીનો ખરાખરીનો જંગ જામ્યો છે. આ ચૂંટણીમાં યુવા મતદારો કોઈ પણ ઉમેદવાર કે રાજકીય પક્ષનું ભાવિ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. યુવા મતદારોની આ તાકાતને નરેન્દ્ર મોદી સારી રીતે જાણી ચૂકયા હોવાથી ર૦૧૪ ની લોકસભાની ચૂંટણીમાં તેમણે સભાઓમાં અને ચૂંટણી ઢંઢેરામાં યુવાઓને ખાસ મહત્વ આપ્યુ હતુ અને સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી યુવા મતદારો સાથે નાતો જોડયો હતો અને તેમાં તે સફળ થયા હતા. ગુજરાતમાં ડિસેમ્બર ર૦૧૭ની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં હવે કૉંગ્રેસ પણ યુવા મતદારોનાં મહત્વને સમજી ચૂકી હોય યુવાઓને આકર્ષવા રણનીતિઓ ઘડીને આગળ વધી રહી છે.

શું કહે છે યુવા મોરચાનાં નેતાઓ ?

દરેક રાજકીય પક્ષોમાં યુવા મોરચો કાર્યરત છે. ભાજપમાં યુવા મોરચો અને કૉંગ્રેસમાં યૂથ કૉંગ્રેસ એ પક્ષમાં યુવાઓનું પ્રતિનિધિત્વ કરે છે. યુવા મોરચાનાં પ્રમુખો અને યુવા નેતાઓ સાથે વાત કરી તો દરેક પોતપોતાના પક્ષમાં યુવાનોને યોગ્ય પ્રતિનિધિત્વ મળી રહ્યો હોવાનો દાવો કરી રહ્યા છે. ગુજરાત ભાજપનાં યુવા મોરચાનાં પ્રમુખ ઋત્વીજ પટેલ ‘અભિયાન’ને કહે છે ભાજપ હંમેશા સેકન્ડ કેડર તૈયાર કરવામાં આગળ છે. ભાજપમાં સંગઠનની વાત હોય કે સરકારી યોજનાઓની વાત હોય હંમેશા યુવાઓને સતત પ્રાધાન્ય મળતુ રહ્યું છે તેનાં અનેક દાખલાઓ મોજૂદ છે. વિધાનસભાની ચૂંટણીની જ વાત કરીએ તો ગત ર૦૧રની ચૂંટણીમાં અનેક યુવાઓને ટિકિટ આપી હતી તેમાં હર્ષ સંઘવી, રાજેશ ચુડાસમા અને પૂનમ માડમ સહિતનાં યુવાનો ચૂંટાઈ આવ્યા હતા. ગત લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો કચ્છમાં વિનોદ ચાવડા, દેવુસિંહ ચૌહાણ અને રાજેશ ચૂડાસમા યુવા સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ભાજપ સરકાર પણ શિક્ષણ અને રોજગાર પર વિશેષ મહત્વ આપી રહી છે અને આ વખતની ચૂંટણીમાં પણ યુવાઓને વધુ ટિકિટ આપી મહત્વ આપશે તેવો પૂરો વિશ્વાસ છે.

ગુજરાત યૂથ કૉંગે્રસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત ‘અભિયાન’ને કહે છે કૉંગ્રેસમાં યુવાઓને પુરતી તકો મળે છે. જયારે ચૂંટણીઓમાં ટિકિટ ફાળવણીની વાત હોય તો પણ મહત્વ આપવામાં આવી રહ્યું છે. વર્ષ ર૦૧પમાં જયારે તાલુકા – જિલ્લા પંચાયતની ચૂંટણીઓ થઈ ત્યારે પક્ષના યુવા કાર્યકરોને ટિકિટ ફાળવણીમાં ખાસ મહત્વ અપાયુ હતુ. અમરેલી જિલ્લા પંચાયતમાં જેનીબહેન ઠુંમર, મહેસાણામાં રણજિતભાઈ ઠાકોર અને અરવલ્લીમાં રાજેશ પારગીને તો જિલ્લા પંચાયતનાં પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. ગત વિધાનસભામાં પણ પરેશ ધાનાણી સહિત અનેક યુવા ધારાસભ્યો કૉંગ્રેસમાંથી ચૂંટાયા હતા અને આ વખતે ર૦૧રમાં વિધાનસભામાં પણ વીસેક યુવાનોને ટિકિટ આપવામાં આવે તેવી શકયતા છે. કૉંગ્રેસ રોજગારી અને શિક્ષણનો મુદ્દો જે યુવાઓને સ્પર્શે છે તેના તરફ હંમેશા લક્ષ્ય આપતી રહી છે.

કૉંગ્રેસના યુવા નેતા અને પ્રદેશ પ્રવકતા હિમાંશુ પટેલ તો ત્યાં સુધી કહે છે કે કૉંગ્રેસની દરેક કમિટીમાં એનએસયુઆઈ અને યૂથ કૉંગ્રેસનો કવોટા જ છે તે મુજબ સમાવેેશ કરવામાં આવે જ છે. રાહુલ ગાંધીએ યુવાઓનું પક્ષમાં મહત્વ વધારવા માટે ખાસ યૂથ કૉંગે્રસમાં ખાસ ઈન્ટરનલ ઈલેકશન આપ્યુ હતુ એટલે કોઈ યુવાનને રાજકીય રીતે આગળ આવવુ હોય અને તેનામાં ક્ષમતા હોય તો જરૃરી નથી કે તેના પરિવારમાંથી કોઈ રાજનેતા હોય ઈન્ટરનલ ઈલેકશન લડીને હોદ્દાઓ મેળવી શકે છે. કૉંગ્રેસ યુવાઓની સમસ્યાઓ ઉકેલવા સતત પ્રયાસો કરે છે. ગુજરાતમાં જો સરકાર આવશે તો રોજગાર અધિકાર બિલ લાવીશુ. વિધાનસભાની ચૂંટણીઓમાં પણ યુવાનોને ટિકિટ આપવામાં આવે છે. ગત ચૂંટણીમાં પરેશ ધાનાણી, અમિત ચૌધરી, આનંદ ચૌધરી સહિતનાં અનેક યુવાઓ ધારાસભ્ય બન્યા હતા.

આમ ભાજપ હોય કે કૉંગ્રેસ દરેક પક્ષના યુવા નેતાઓ પોતાનો પક્ષ યુવાઓની સતત ચિંતા કરીને યુવાઓને પ્રાધાન્ય આપવાનો દાવો કરી રહ્યા છે. જો કે છેલ્લી બે વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓમાં એવું જોવા મળ્યુ છે કે કુલ સીટનાં દસથી પંદર ટકા સીટથી વધારે યુવાનોને ફાળવવામાં નથી આવતી. મોટા ભાગે ૪૦ થી પપ વર્ષની વય જૂથનાં ઉમેદવારો વધારે હોય છે. જો કે ધારાસભા લડવા માટે એક મોટું બેકગ્રાઉન્ડ ઉભુ કરવુ પડતુ હોય છે યુવાનોની હજુ કરિયરની શરૃઆત હોય છે એટલે વિધાનસભામાં ૩પ વર્ષથી ઓછી વયનાં જૂજ યુવાનોને જ રાજકીય પક્ષો ટિકિટ આપે છે એવી દલીલો પક્ષનાં વરિષ્ઠ નેતાઓ કરે છે.

ગત વિધાનસભાની ચૂંટણીમાં કઈ વય જૂથનાં કેટલા ધારાસભ્યો હતા ?

વર્ષ ર૦૧ર વિધાનસભાની ચૂંટણીમાં જે ધારાસભ્યો ચૂંટાયા તેમાંથી કઈ વય જૂથનાં કેટલા હતા તેના પર નજર કરીએ. ચૂંટણી પંચમાં ઉમેદવારો દ્વારા જે સોગંદનામુ રજૂ કરાયુ છે તેનો આધાર લઈને એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ નામની સંસ્થાએ આ આંકડા તૈયાર કર્યા છે.

વય જૂથ        ધારાસભ્યોની સંખ્યા

રપ થી ૩૦     ૩

૩૧ થી ૪૦     ૧પ

૪૧ થી પ૦     ૪૩

પ૧ થી ૬૦     ૬પ

૬૧ થી ૭૦     ર૭

૭૧ થી ૮૦     પ

————.

ગુજરાતમાં કેટલા છે યુવા મતદારો ?

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી તા. રપ ઑકટોબર ર૦૧૭ ની સ્થિતિએ જે મતદાર યાદી છે તે મુજબ થવાની છે. હાલ નવા મતદારો નોંધવાની પ્રક્રિયા સ્થગિત કરી દેવામાં આવી છે. ગુજરાતનાં ચૂંટણી પંચમાંથી સતાવાર પ્રાપ્ત થયેલા આંકડા મુજબ ગુજરાતમાં ૧૮ થી ૩પ વર્ષની વય જૂથનાં મતદારોની સંખ્યા ૧.૮૩ કરોડ જેટલી થવા જાય છે જે કુલ મતદારો ૪.૩૩ કરોડ છે તેના ૪ર ટકા જેટલી થાય છે આમ યુવા મતદારોની આ ઉંચી ટકાવારી રાજકીય ઉમેદવારો અને પક્ષનું ભાવિ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા અદા કરી શકે છે. આવો આંકડાઓ પર નજર કરીએ.

૧૮ થી ર૧ વર્ષની વય જૂથના મતદારો

પુરૃષો  ૧૭૭૧૪પર

સ્ત્રીઓ  ૧ર૦૦૬૭૭

થર્ડ જેન્ડર      ૧૧ર

કુલ     ર૯૭રર૪૧

૧૮ થી ૩પ વર્ષની વય જૂથના મતદારો

પુરૃષો  ૯૯૩૦ર૧૦

સ્ત્રીઓ  ૮૩૯૦૩૬૯

થર્ડ જેન્ડર      ૪૦૬

કુલ     ૧૮૩ર૦૯૮પ

You might also like