યુવાનોમાં પ્રથમ મતદાનનો ઉત્સાહ

લોકશાહીના સૌથી મોટા ઉત્સવ તરીકે ગણાતી ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. એક સમય હતો જ્યારે ચૂંટણીમાં મતદાન કરવા અંગે જાગૃતિ ફેલાવવા અભિયાન ચલાવવુ પડતુ હતુ. પરંતુ હવે ચૂંટણી એ લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ બની રહી છે. તેવામાં પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા જઇ રહેલા યુવાનો માટે આ ઇલેક્શન કોઇ તહેવારથી કમ નથી. આ યુવાનો મતદાન કરીને કેવા બદલાવની અપેક્ષા રાખે છે અને કયા પ્રશ્નોનું નિરાકરણ ઇચ્છે છે તે જાણવાની ઉત્સુક્તા હોય તે સ્વાભાવિક છે……..

 

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ શરૃ થઇ ગયા છે. સાથે જ દરેક વ્યક્તિમાં મતદાનને લઇને ઉત્સુક્તા દેખાય છે. પોતાના પક્ષને વિજયી બનાવવા માટે થઇને દરેક જણ તૈયારીમાં લાગી ગયા છે ત્યારે આ વર્ષે અંદાજે ૪૦ લાખ જેટલા નવા મતદારો છે જે પ્રથમ વાર પોતાના અધિકારનો ઉપયોગ કરી મતદાન કરશે. જેમાં ૧૮થી ૨૨ વર્ષના નવયુવાનોનો સમાવેશ થાય છે. એક સમય એવો હતો જ્યારે યુવાનો મતદાનને લઇને જોઇએ તેટલા ઉત્સાહિત નહોતા જોવા મળતા. પણ હવે યુવાનોમાં પોતાના હકને લઇને નવી જ પ્રેરણા આવી હોય તેમ સોશિયલ મીડિયાથી લઇને પોતે કોને મત આપશે ત્યાં સુધી બધુ જ ગંભીર થઇને વિચારતા થયા છે. કદાચ તેના કારણે આ વખતે દરેક પક્ષ પણ કયાંકને કયાંક યુવાનો શંુ ઇચ્છે છે, કે યુવાનો કેવા વિચારો સાથે સહમત થશે વગેરે જાણવાનો અને યુવાનોને પોતાના પક્ષ તરફ આકર્ષવાનો પ્રયત્ન કરતા જોવા મળે છે. જો કે આપણે અહીં એ વાતની ચર્ચા કરવાની છે કે આજનો યુવાન ખરેખર ઇલેક્શનને લઇને શું વિચારી રહ્યો છે.. ? ચૂંટણી પ્રથામાં તેને કેટલો વિશ્વાસ છે? પોતાના મતનો ઉપયોગ કરી કેવા રાજયનું નિર્માણ કરવામાં સહયોગ આપવા માગે છે..? એવા કયા પ્રશ્નો છે જે તેમને કનડી રહ્યા છે અને તેનું નિરાકરણ કરવાનો નિર્ધાર કર્યો છે..? વગેરે..વગેરે..!

ભારતમાં જન્મ લેનાર દરેક નાગરિક જ્યારે તે ૧૮વર્ષ પૂર્ણ કરે ત્યારે તેને મતદાન કરવાનો અધિકાર મળે છે. આ અધિકાર એટલે પોતાની જાતે એવા જન પ્રતિનિધિ વ્યક્તિની પસંદગી કરવાની, જેના પર ભરોસો કરી પાંચ વર્ષ સુધી દરેક નિર્ણય કરવાનો અધિકાર તેને આપવાનો અને જેની સાથે પોતે સીધા જ સહમત હોય.

એવું કહી શકાય કે અત્યાર સુધી યુવાનોએ આ વાતને ક્યારેય ગંભીરતાથી  નહોતી લીધી પરંતુ હવે સમય બદલાઇ ગયો છે. આજના યુવાનોને પોતાના રાજ્યમાં શું બની રહ્યું છે તે, શું સારું કે ખોટંુ છે તે જાણવું અને તે વિશે ચર્ચા કરવી ગમે છે. હવે માત્ર ફિલ્મો કે મોજ-મસ્તીને જ વળગી રહેવંુ યુવાનો ટાળે છે. એક સમયે મહાત્મા ગાંધી બોલ્યા હતા કે દેશના સારા ઘડતરમાં યુવાનોનો ફાળો સવિશેષ હશે. હવે લાગી રહ્યંુ છે કે ગાંધીજીના આ શબ્દો સાચા પડવા જઇ રહ્યા છે. કારણ કે આજે કૉલેજની કેન્ટિન હોય કે ચાની લારી કે પછી મોડી રાત્રે મળતી મિત્રોની ટુકડી – બધા માટે ચૂંટણીની ચર્ચા  મહત્વની બની રહી છે. પોતે પ્રથમ વાર મતદાન કરશે તેનો ગર્વ લેતા દરેક યુવાનોના પોતાના અલગ-અલગ વિચારો છે.

યુવાનોમાં ઇતિહાસ રચવાની ક્ષમતા હોય છે

કોઇ પણ ક્ષેત્ર હોય હંમેશાં પોતાના વિચારોને મુક્ત મને રજૂ કરવા માટે પોતાની જાતને કાયમ કટિબદ્ધ રાખતી ફાલ્ગુ શકુન્ત પટેલ કહે છે કે, “હું પ્રથમ વખત મતદાન કરીશ મારો ઉત્સાહ અનેરો છે. આજ સુધી મને ઇલેક્શનની પ્રક્રિયા કે કોઇ પક્ષ સાથે કોઇ પણ પ્રશ્ન હોય તો હું તેની ચર્ચા મારા પૂરતી જ રાખતી. કારણ કે હું ભારતનું નાગરિકત્વ તો ધરાવુ છું પરંતુ મને યોગ્ય પક્ષ કે વ્યક્તિને સિલેક્ટ કરવાનો હક નહોતો. પ્રથમ વાર મારા હકનો હું ઉપયોગ કરીશ અને મતદાન પણ કરીશ. અમે યુવાનો દરેક મુશ્કેલીનો રસ્તો શોધવા તત્પર હોઇએ છીએ. પરંતુ ઘણી વાર સમય સંજોગોનો અભાવ રહે છે. ભારતીય હોવાનો જેટલો મને ગર્વ છે તેટલી જ ખુશી મને મારા ગુજરાતી હોવા પર છે. મારું ગુજરાત બધી રીતે અલગ છે. પરંતુ હજુ  ક્યાંકને કયાંક અડચણોનો સામનો કરવો પડે છે. યુવા તરીકે મારે મારા ગુજરાતને દરેક બદીથી મુક્ત જોવું છે. હું મારા મતનો ઉપયોગ કરી એવી સરકારની રચના કરવા માગુ છું જેમાં કોઇ પણ ભેદભાવ વિના દરેક વ્યક્તિ શાંતિથી રહી શકે. દરેક પક્ષ પોત પોતાની રીતે કાર્ય કરે છે, આપણે યુવાનો તે જોઇએ પણ છીએ, હવે વારો આપણો છે કે કોને આપણે હાંકી કાઢવા અને કોના શિરે તાજ પહેરાવવો. યુવાનો આજે એટલા તો સમજુ બની જ ગયા છે જે નિર્ણય લઇ શકે કે આપણા ભવિષ્ય માટે શું સારૃં અને શું ખોટું છે. હા બીજી એક વાત એ પણ જરૃરી છે કે કોઇ પણ પ્રકારના બદલાવ માટે આગળ આવવુ જરૃરી છે. માત્ર પેપરના પાના પલટાવી કે ટીવીની ચેનલો બદલી કોઇ પણ નેતાઓને કે પક્ષને કશું જ કહેવાનો આપણને હક નથી. જો કશંુ સારું જોઇતુ હોય તો પહેલ તો કરવી જ રહી અને તે સુંદર પહેલ  મતદાન કરીને કરી શકાય છે. બાકી રહ્યા પ્રશ્નો તો તેનો ઉકેલ યોગ્ય મતદાનથી આવી જશે.”

ઇતિહાસ ભલે ના રચાય બદલાવ આવશે

મિતાલી ગોહિલ કહે છે કે, “મને ઘણી ખુશી છે કે હું પ્રથમ વાર મતદાન કરીશ. હંમેશાં એવું કહેતી આવી છું કે આપણો મત તો યોગ્ય વ્યક્તિને જ અપાય પછી ભલે તે પક્ષ વિજેતા બને કે નહીં પરંતુ આપણને હંમેશાં સંતોષ રહે કે આપણે કોઇ પણ દબાણમાં આવીને મતદાન નથી કર્યું. દરેક યુવાનની જેમ જ મને પણ મારા હકનો ઉપયોગ કરવો ગમે છે. પરંતુ સાચંુ કહું તો ક્યાંકને ક્યાંક ડર પણ લાગે છે. આજે જે પ્રમાણે ઇલેક્શનની રીત બદલાઇ છે તે જોતા કશું અયોગ્ય ના બને તેનો ભય હંમેશાં સતાવે છે. એક યુવાન તરીકે હું એવુ ઇચ્છીશ કે સૌ પ્રથમ તો આ મોંઘવારી ઓછી થાય. આજે જેના ભાવ જૂઓ તે આસમાને  છે. શંુ ખાવું અને શંુ ના ખાવું તે પણ ખબર પડતી નથી. એક સમય એવો હતો કે ઘરમાં રસોઇ બનતી તો ગાય, શ્વાન, ભિક્ષુક અને અચાનક કોઇ મહેમાન આવી જશે તો.. એવો વિચાર કરી બધા માટે રસોઇની તૈયારી કરવામાં આવતી. આજે જે પ્રમાણે ભાવ વધારો થઇ રહ્યો છે તે જોતા કયાંકને કયાંક આપણી સંસ્કૃતિને લુપ્ત થતી ના જોવી પડે તે વિચાર સતત સતાવે છે. જ્યારે  સ્વચ્છ ભારત અભિયાનને લઇને પણ ઘણા બધા પ્રશ્નો થાય છે. એક બાજુ દેશને સાફ રાખવાની વાત કરીએ છીએ. જ્યારે બીજી બાજુ વિચારો પરના કિચડને દૂર કરવાનો બિલકુલ પ્રયત્ન કરવામાં નથી આવતો. બદલાવ જોઇએ છે. જેમાં બધાનું સારૃં થાય. કોઇને નુકસાન પહોંચાડીને નહીં પરંતુ હાથમાં હાથ મિલાવી આગળ આવવંુ છે. મારા ગુજરાતનો મને ગર્વ છે અને તેની ગરિમા જળવાઇ રહે તેવી ઇલેક્શન પ્રથાને હું સ્વીકારવા માગુ છંુ. મારા મતના ઉપયોગથી  એવી સરકારની રચના જોવા માગુ છું જેમાં માત્રને માત્ર અમન જ હોય.”

શિક્ષણક્ષેત્રે બદલાવની તાતી જરૃર છે

“હું નીમિષા રાણા. મને મારી શિક્ષણ પ્રણાલી બદલવાની તાતી જરૃર લાગે છે. પ્રથમ વાર મતદાન કરવા જઇ રહી છું, ત્યારે આવનારી સરકાર પાસે એટલી તો અપેક્ષા રાખીશ જ કે, શિક્ષણનો ભાર ઓછો થાય. આજે ધનિક લોકો મસમોટી ફી ભરી સેલ્ફ ફાઇનાન્સ કૉલેજોમાં એડમિશન લઇ લે છે. ભલે તેમનામાં શિક્ષણ મેળવવાની યોગ્યતા કે હોશિયારી હોય કે ના હોય, પણ પૈસાના જોરે તેઓ આસાનીથી કોઇ પણ કૉલેજમાં ભણવા જઇ શકે છે. જ્યારે શિક્ષણમાં ભલે તેજસ્વી હોય પણ મોટી ફી ભરી શકતા ના હોય તેવા વિદ્યાર્થીઓ પાછળ રહી જાય છે. સારું ભણવા માટે પૈસાની જરૃર હોય કે આવડતની તે પ્રશ્ન સૌથી મોટો છે. ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે વલખા મારવા પડે તે યોગ્ય નથી. સરકાર પાસે મારી અપેક્ષા છે કે અમારી યુવા પેઢીને સારું શિક્ષણ મળી રહે તે માટે યોગ્ય પગલા ભરે.”

અનામત હોવી જ ના જોઇએ   

અનામતના નામે એટલા બધા નાટકો જોયા છે કે હવે તો કંટાળો આવી ગયો છે. આ અનામત પ્રથા સંપૂર્ણપણે નાબુદ કરવી જોઇએ એમ કહેતા માધવ કૌશિક ભટ્ટ કહે છે કે, “એક વિદ્યાર્થી મહા મહેનત કરી ભણે છે. પરંતુ જ્યારે નોકરી કે એડમિશન મેળવવાની વાત હોય તો કેટલીકવાર અયોગ્ય અથવા તો રખડપટ્ટી કરતાં વિદ્યાર્થીઓનો અનામતના જોરે જલદી ચાન્સ લાગી જાય છે. તેનું કારણ છે અનામત. હું મારા મતથી એવી સરકારને ચાન્સ આપવા માગુ છું જે મારા જેવા યુવાનોને સમજે, જેમને એવી ખબર પડે કે મહેનત કરવાથી જ ફળ મળે છે. અનામતના નામે ચરી ખાવાથી કશું જ નહીં મળે. મારી સરકાર પાસે માગ છે કે આ અનામતના મુદ્દાને જળ-મૂળથી ઉખાડી નાંખવો જોઇએ અને તમામને સમાન હક મળવો જોઇએ. નાત-જાત કે ઊંચ-નીચની ભેદરેખાના નામે ગમે તે અધિકારી બની બેસે અને મહેનત કરનાર પાણી વહેંચે તે ચલાવી લેવાની તૈયારી હવે અમારા યુવાનોમાં નથી. મહેનત કરો અને આગળ આવો, હું મત આપી અને અપાવી એવા પક્ષને સમર્થન આપીશ જે ખરેખર આવનારી પેઢી માટે વિચારે. સાચું કહું તો અનામત માગવા નીકળી પડેલા લોકો કરતાં જે લોકો અનામતને કાઢી નાખવાની તરફેણ કરે તેમનામાં યુવાનોને વધુ વિશ્વાસ છે. એક્ચ્યુઅલી આપણે અનામતના નામે સામાજિક રીતે પછાત ગણાતી જાતિઓના બાળકો અને યુવાનોના શૈક્ષણિક સ્તરને કુંઠિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ક્યાંકને ક્યાંક તેમના મનમાં એવી ગ્રંથિ બેસાડી દેવામાં આવી છે કે મહેનત કરવાની ક્યાં જરૃર છે આપણે તો રિઝર્વ કેટેગરીમાં આવીએ છીએ. અમુક ટકા માર્ક્સ લાવીશું એટલે એડમિશન કે નોકરી મળી જ જશે. અનામતના નામે આજના યુવાનો સાથે છેતરપિંડી અને ભેદભાવ કરવામાં આવે છે તે અયોગ્ય છે. મહેનત કરો અને મહેનત પ્રમાણેનું ફળ મેળવો.”

યુવાનો રોજગારલક્ષી બને તે અનિવાર્ય

સંજય પાઠક કહે છે કે, “પ્રથમ વાર મતદાન કરવું મારા માટે ખુશીની વાત છે, જે સમય વિતી જાય છે તે ક્યારેય પાછો નથી આવી શકતો પરંતુ આપણાથી એકની એક ભૂલ બીજીવાર ના થાય તે જોવું ચોક્કસથી આપણા હાથમાં છે. હું મારો મત એવી સરકારને આપવા માગુ છું જે દેશના ઘડતરમાં મહત્વનો ફાળો આપનાર એવા યુવાનો વિશે વિચારે. સારું ભણીને પણ યુવાનને આજે સારી નોકરી મેળવવા પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે સરકાર તરફથી સારી જોબ પ્લેસમેન્ટની જરૃરિયાત પૂર્ણ થાય તો યુવાનોના સારા ભાવિની રચના થઇ શકે જેના કારણે એક ઉત્તમ રાજયની પણ રચના થાય. આવનારી પેઢી જ છે જે બદલાવની તાકાત રાખે છે. માટે દરેક યુવાને પોતાની સમસ્યા દૂર થાય અને સાથે સાથે જ નવી દિશામાં સૂર્યોદય થાય તેવી આશા સાથે મતદાન કરવંુ જોઇએ. પોતાના કિંમતી મતને ઓછો આંકવાની ક્યારેય જરૃર નથી. સરકાર રોજગારી નથી પૂરી પાડી શકતી. યોગ્યતા પ્રમાણેની જોબ નથી મળતી, ભણ્યા હોય એન્જિનિયરિંગ તેમ છતાં પછી ક્યારેક કેટલાંક યુવાનોને વર્ગ ત્રણની નોકરીનો સ્વીકાર કરવો પડે, મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે પણ સરકારી નોકરીઓમાં પાંચ વર્ષ સુધી ‘ફિક્સ પે’નો નિયમ અને તેમાંય પાછી ચૂંટણી આવે એટલે ફિક્સ પેનો સ્કેલ વધારે, યુવાનો પોતે જે મહેનત કરે છે તે પ્રમાણેનું વળતર નથી મળતું તેથી વિદેશમાં જઇને વસવાનું વિચારે છે કે એટલિસ્ટ વિદેશમાં એ મહેનત કરશે તો તે પ્રમાણેના નાણાં કમાઇને પોતાના પરિવારને સુવિધાઓ અને ભવિષ્ય માટે સેફ્ટી પૂરી પાડી શકશે. મારી સરકાર પાસેથી અપેક્ષા છે કે એવો માહોલ બનાવે કે વિદ્યાર્થીઓને મહેનત પ્રમાણે રોજગારી મળી રહે. ખાનગીકરણને પ્રાધાન્ય આપે છે સરકાર. પ્રાઇવેટ જોબ ઊભી કરી રહી છે પણ તેમાં યુવાનોનું શોષણ થઇ રહ્યું છે એ કેમ સરકાર નથી જોતી. ખાનગી કંપનીઓ લેબર કાયદાઓનું પૂરેપૂરું પાલન કરી રહી છે કે નહીં તે કેમ ધ્યાને નથી લેતી. મારે મારો મત આપીને એવી સરકાર જોવી છે જે આ પ્રશ્નો પર ધ્યાન આપે.”

શિક્ષણ, અનામત અને ભ્રષ્ટાચાર જેવા પ્રશ્નોનું નિરાકરણ લાવવું જોઇએ

મારા મતનો ઉપયોગ હું પ્રથમવાર કરીશ પણ મતદાન બૂથ પર તો બાળપણથી જ જતો હતો તેમ કહેતા શાહનવાઝ પઠાણ કહે છે કે, “નાનો હતો ત્યારે પિતાને પૂછતો કે મને આંગળી પર ટપકું કેમ નથી કરતા, ક્યારે કરશે.. ત્યારે પપ્પા હસતા અને કહેતા કે જ્યારે તું મોટો થઇશ ત્યારે આ હક તને પણ મળશે. હું મારા એ હકની રાહ વર્ષોથી જોતો આવ્યો છું જે હવે પૂર્ણ થવા જઇ રહ્યો છે. એક ઘરમાં રહીને આપણને માતા-પિતા, ભાઇ-બહેન કે અન્ય સંબંધી સાથે મતભેદ થતા હોય છે, ત્યારે તો આ આખા દેશ અને રાજ્યોને સંભાળવાની વાત છે. ત્યારે સત્તા પક્ષે કોઇને કોઇ નારાજ રહે તે સ્વભાવિક છે. આ વાતને હું બરાબર સમજુ છું, મારી એટલી જ અપેક્ષા છે કે સૌ પ્રથમ તો આ અનામતના મુદ્દા પર પૂર્ણ વિરામ મૂકવું જોઇએ, શિક્ષણને લઇને પણ ધરમૂળથી ફેરફાર કરવા જરૃરી છે. સાથે જ ટેબલ નીચેથી લેવામાં આવતા મીઠાઇના બોક્સ માટે કડકાઇ આવવી જોઇએ. આપણું ગુજરાત ઘણું સારૃં છે પણ કીચડ તો બધે હોય જ છે. જો થોડી કડકાઇ વધારવામાં આવે તો ગુજરાતની છબીને ખરડાતી બચાવી શકાય છે. તે માટે યુવાનોએ પોતાની સમસ્યા લઇને તેના નિરાકરણ માટે આગળ આવવું જ પડશે. મતદાનથી બદલાવ જરૃર શક્ય બનશે.”

ચૂંટણી આવે ત્યારે નવા મતદારોનો ઉમેરો થતો જ હોય છે. ત્યારે દરેક વખતે એવું નથી બનતું કે યુવાનો મતદાન કરવા થનગનતા હોય. પરંતુ આ વખતનો ઇલેક્શનનો માહોલ જોતા લાગી રહ્યું છે કે આ ચૂંટણી હકારાત્મક અસરો ઉભી કરશે અને તેમાં યુવાનોનો મત અગત્યનો ભાગ ભજવશે.

You might also like