ખૂબ લડી મર્દાની વો તો ઈન્ડિયાવાલી મેરી કોમ હૈ

ભારતીય બોક્સિંગ જગતમાં એમ. સી. મેરી કોમ એ અજાણ્યુ નામ નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય મહિલા બોક્સિંગને ગૌરવ અપાવનારી મેરી કોમ દેશવાસીઓમાં નોર્થ ઈસ્ટના સ્પોર્ટસ કલ્ચરની બ્રાન્ડ એમ્બેસેડર બની રહી છે….

મેરી કોમે હમણાં એશિયન બોક્સિંગમાં પાંચમી સુવર્ણ સિદ્ધિ મેળવી છે. ૨૦૧૨ના લંડન ઑલિમ્પિકમાં પહેલી વખત સામેલ કરવામાં આવેલી મહિલા બોક્સિંગની સ્પર્ધામાં મેરીએ કાંસ્ય સંફળતા મેળવી હતી. મેરી અને ઓન્લેરના દાંમ્પત્યજીવનમાં ખુપ્નૈવાર અને રેચુંગ્વાર નામના બે જોડિયા ફૂલો ખીલી ચૂક્યા હતા અને ઑલિમ્પિકની કાંસ્ય સફળતા બાદ ત્રીજા પુત્ર પ્રિન્સનું આગમન થયું.

જિંદગીની દરેક બોક્સિંગ ફાઈટને કારકિર્દીની આખરી ફાઈટ માનીને લડનારી મેરીને ઑલિમ્પિક ચંદ્રકે નામ-દામ અપાવ્યા. આ સમયે જ દેશને અહેસાસ થયો કે ભારતની આ બોક્સર તો પાંચ વખત વર્લ્ડ ચૅમ્પિયન બની ચૂકી છે, તેમાંય મણિપુરના કાંગાથેઈ નામના નાનકડા ગામડામાં જન્મેલી મેરીએ એક નાનકડા ઝૂંપડાથી લઈને વિશ્વ ફલક પર છવાઈ જવાની જે સિદ્ધિ મેળવી તેનાથી બધા ચકિત થઈ ગયા. આ જ કારણે લોકહૃદયમાં તેને વિશિષ્ટ સ્થાન મળ્યું. માન-અકરામના વરસાદ વચ્ચે તે રાજ્યસભાની સભ્ય પણ બની.

ભારે નામના અને દામ મેળવ્યા બાદ મોટાભાગના ખેલાડીઓની ઝળહળતી કારકિર્દી શો-કેસમાં મૂકેલા ભૂતકાળની ભવ્યતાને વાગોળતાં ચંદ્રકો જેવી બની જતી હોય છે, જેને માત્ર યાદ કરીને દિવસો પસાર કરવાના હોય છે. ઑલિમ્પિકનો મેડલ જીત્યા બાદ મેરીએ બે વર્ષ પછી સાઉથ કોરિયાની ઈન્ચેઓન એશિયન ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો ત્યારે તે ત્રીસી વટાવવાના આરે પહોંચી ગઈ હતી. ભારતીય રમત જગતમાં ત્રીસી વટાવનારા ખેલાડીઓની નિવૃત્તિનું કાઉન્ટડાઉન શરુ કરી દેવાય છે.

તેમાંય ઘર – પરિવારની વ્યસ્તતા, બોક્સિંગ એકેડમી, સમારંભો, સાંસદ તરીકેની જવાબદારી જેવી અનેકાનેક વ્યસ્તતા વચ્ચે પણ મેરીએ બોક્સિંગ રિંગમાં પરસેવો પાડવાનું ન છોડ્યું. દુનિયાને લાગવા માંડ્યું હતુ કે મેરી હવે નિવૃત્તિ લઈને ભૂતકાળને વાગોળતા-વાગોળતા એશોઆરામની જિંદગી જીવવા માંડશે, પણ મેરી અલગ માટીની બની છે. તેણે વધતી ઉંમર અને તમામ જવાબદારીઓ વચ્ચે પણ જાપાનમાં યોજાયેલી એશિયન ચૅમ્પિયનશિપમાં કારકિર્દીની પાંચમી સુવર્ણ સફળતા મેળવીને સાબિત કર્યું કે, મેરીના મુક્કાનો પાવર હજુ જરાય ઓછો થયો નથી. ભારતીય બોક્સિંગની વિટંબણા એ છે કે, એશિયન બોક્સિંગમાં ભાગ લેનારી ૧૦ બોક્સરોમાંથી એકમાત્ર મેરીએ જ સુવર્ણ સફળતા પ્રાપ્ત કરી છે. મેરીએ એશિયન બોક્સિંગમાં સૌપ્રથમ ૨૦ વર્ષની ઉંમરે પહેલી વખત ટાઈટલ જીત્યું હતું અને આજે ૧૪ વર્ષ બાદ પણ ૩૪ વર્ષેય તેનો જાદુ બરકરાર છે. ભારતની મર્દાની બોક્સર મેરી હજુ પણ થાકી નથી કે હિંમત હારી નથી. તે હજુ પણ વધુ સફળતા મેળવવા માટે પ્રેક્ટિસ કરી રહી છે.

You might also like