બોલો, ભુજ સુધરાઇ ફૂટપાથ ભાડે આપે છે !

સામાન્ય રીતે નગરપાલિકા દબાણ હટાવવાનું કામ કરતી હોય છે. પરંતુ ભુજમાં ઉલ્ટી ગંગા જેવો તાલ જોવા મળી રહ્યો છે. રાહદારીઓને ચાલવા માટેની ફૂટપાથ વેપાર કરવા માટે રીતસરની ભાડે અપાય છે. નગરપાલિકા ‘આવક’ ઉભી કરવા માટે મહિને રૃા. ૩૬૦૦ લઇને શેડ કરીને વેપાર કરવા માટે મંજૂરી આપી રહી છે. જેના કારણે ભારે વિરોધનો વંટોળ ઉઠ્યો છે. ભુજમાં એક પણ ફૂટપાથ એવી જોવા નહીં મળે કે તેની પર દબાણ કરાયું ન હોય. શહેરના ક્રિમ વિસ્તાર ગણાતા ટાઉનહોલ આસપાસ ગરમ કપડાંના વેપારીઓ, જિલ્લા પંચાયતની દીવાલને અડીને જ રેડિમેડ કપડાંના વેપારીઓ, પી.જી.વી.સી.એલ.ની દીવાલ પાસે

ગૃહસુશોભનની વસ્તુઓના વેપારીઓ લાંબા સમયથી ફૂટપાથ કબજે કરીને બેઠાં છે. આ રસ્તાઓ ભારે ટ્રાફિકવાળા હોવાથી પગપાળા જતા લોકો માટે રસ્તા પરથી ચાલવું જોખમી છે. નગરપાલિકાના પ્રમુખે જણાવ્યું કે, ‘આવા વેપારીઓ થોડા સમય માટે આવે છે. તેઓને ના પાડવા છતાં કે તેમને ઉઠાડી મૂક્યા પછી પણ વારંવાર જે તે જગ્યાએ વેપાર કરવા લાગી જતાં હોય છે. તો તેમની પાસેથી મંજૂરી પેટે થોડી રકમ લઇને પાલિકાને ‘આવક’ થાય તેવું શા માટે ન કરવું?’ ટાઉનહોલ પાસે તો વેપારીઓએ સોનાની લગડી જેવી જગ્યા માટે મહિનાના ૩૬૦૦ ભરીને ત્યાં પતરાંના શેડ પાકાં બાંધકામ સાથે ઉભા કરી દેતા વિપક્ષે આખો મામલો કલેક્ટર સુધી પહોંચાડતા કલેક્ટરે ચીફ ઑફિસર અને શોપ ઇન્સ્પેક્ટરને વેપારીઓ કાયમી ધોરણે ફૂટપાથ પચાવીને બેસી ન જાય તે જોવા તાકીદ કરી છે.

You might also like