એક અનોખું ગામ જ્યાં દેશનાં રાજ્યોનાં નામનાં દર્શન

ગુજરાતમાં એક એવું ગામ છે જ્યાં આખા ભારતના રાજ્યોનાં નામનાં દર્શન થાય છે. એટલે કે આ ગામની પોળો અને સોસાયટીના નામ ભારતના વિવિધ રાજયો પરથી રાખવામાં આવ્યા છે. જ્યારે તમે આ ગામમાં પહોંચો અને ત્યાં કેરલા પાર્કનું નામ વાંચો ત્યારે પહેલાં તો તમને ખુદને જ નવાઇ લાગે. પ્રથમ વખત આ ગામની  મુલાકાત લેનાર માટે આ એક નવો જ અનુભવ હોય છે. આ ગામ એટલે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાનું વીરપુર ગામ. તાલુકામાં શ્રેષ્ઠ, જિલ્લામાં શ્રેષ્ઠ અને રાજ્યમાં પણ શ્રેષ્ઠ ગામનો અવૉર્ડ  મેળવનાર આ ગામ સંપૂર્ણ ભારત તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે ગામના રસ્તાઓ, ગલીઓ કે પછી શેરીઓનાં નામ પ્રતિષ્ઠિત વ્યક્તિના નામે હોય અથવા તો કોઇ ફ્રિડમ ફાઇટરના નામે રાખેલાં હોય છે. ઘણીવાર સોસાયટીના નામ જે તે બિલ્ડરના સંતાનોના નામ ઉપરથી આપવામાં આવેલાં હોય છે. પરંતુ આ બધાથી અલગ આ ગામે પોતાની એક નવી જ ઓળખ ઉભી કરી છે. આ સમગ્ર ગામની ગલીઓમાં તમે જાવ તો કોઇનું નામ મહારાષ્ટ્ર  હોય તો વળી કોઇનું રાજસ્થાન  તો વળી કોઇ ગલીનું નામ કાશ્મીર નજરે પડે છે. એવી જ રીતે ફળિયાનાં નામમાં પણ દેશના જુદા-જુદા રાજયોના નામનાં જ દર્શન થાય છે. એવું કહેવાય છે કે સંપ અને ભાઇચારા  સાથે અહીંના લોકો સારી રીતે રહી શકે તે માટે આ રીતે નામ આપવામાં આવ્યા છે. એકવાર તો વીરપુરની મુલાકાત લેવી જ રહી. કેમ બરાબર ને..?

You might also like