ધ મંડલમ્ પ્રકરણ – 20ઃ અજબ જંગલની ગજબ રચના

વહી ગયેલી વાર્તા…………

કમાન્ડર કલ્કીન વિનસ, ઝેવ અને રોબોનને લેબહાઉસમાં રાત્રિ રોકાણ માટે મૂકીને ચાલ્યા જાય છે. બીજા દિવસે સવારે જ્યારે કમાન્ડર કલ્કીન પાછા ફરે છે ત્યારે વિનસ, ઝેવ અને રોબોનને લેબહાઉસની બહારના જંગલમાં આશ્ચર્યમાં ગરકાવ થયેલાં જોવે છે. કમાન્ડર કલ્કીન, વિનસ, ઝેવ અને રોબોન જંગલની લટાર મારવા નીકળે છે. સદીઓ બાદ વિનસ પૃથ્વી અને પૃથ્વીના આભૂષણસમા વૃક્ષો, વન્યજીવો, સૂર્ય પ્રકાશ વગેરેને નિહાળી રહી હતી અને આનંદિત થઇ રહી હતી. લેબહાઉસની બહાર વિશાળ જંગલ છે તેનો ખ્યાલ વિનસ કે ઝેવને નહોતો. જોકે, નાઇટ વિઝન ટેકનોલૉૅજીને કારણે રોબોનને રાત્રે જ જંગલ અને લેબહાઉસની રચનાનો પરિચય મળી ગયો હતો. જંગલમાં લટાર મારવા નીકળેલા વિનસ, ઝેવ અને રોબોન નાના મદનિયા જેવા દેખાતા વૃદ્ધ હાથીને જોઇને અંચબિત થઇ જાય છે. ઝેવ કમાન્ડર કલ્કીનને હાથીના નામની પૃચ્છા કરે છે. ત્યારે કમાન્ડર કલ્કીન હાથીનું નામ ઝીરોવન કહે છે. આ સાંભળીને ઝેવ અને કમાન્ડર કલ્કીન વચ્ચે બાઇનરી લેંગ્વેજને લઇને ચર્ચા થાય છે. કમાન્ડર કલ્કીન ઝેવને સમજાવે છે કે હકીકતમાં શૂન્ય પોતે જ એક હીરો છે પણ આપણે શૂન્યનું મહત્ત્વ ઓછું આંકીને નંબર વનને હીરો બનાવી દીધો છે. શૂન્ય જ બ્રહ્માંડ છે અને બ્રહ્માંડ જ શૂન્ય છે. આખરે ચર્ચા વિરામ પામે છે અને બધાં આગળ વધે છે. રસ્તામાં કમાન્ડર કલ્કીન જણાવે છે કે દિવસ ટૂંકો હોવાને કારણે બધાં પ્રાણીઓ અને ફૂલ-છોડ, વૃક્ષ વગેરેના કદ ખૂબ ટૂંકા થઇ ગયા છે.   ……(હવે આગળ વાંચો) – ૨૦

 

હવે જંગલ તરફ જવાનું થયું. નજર પહોંચે ત્યાં સુધી અફાટ જંગલ દેખાતું હતું. વામન અવતાર લાગે એવા નીચા નીચા વૃક્ષો નજર સામે હતા. બધા ઝાડની ઊંચાઈ ઓછી હોવા છતાં જંગલ ઘેઘૂર લાગતું હતું. ગીચોગીચ અને કુદરતી વનલત્તાથી સમૃદ્ધ. સૂર્યના તડકાને જમીન સુધી પહાંેચતા તકલીફ પડી જાય એવા વૃક્ષોના વિશાળ સમુદાયને આઠ આંખો જોઈ રહેલી. જેમાંથી છ આંખો કુદરતી હતી અને બે કાચની બનેલી ઈલેક્ટ્રોનિક. પરંતુ આ દૃશ્ય એટલું રમણીય હતું કે તે બધી જ આંખોને, પછી એ નૈસર્ગિક હોય કે યાંત્રિક, સરખી ઠંડક આપતું હતું.

શુક્ર ગ્રહ ઉપર પણ વૃક્ષો હતા. પરંતુ પ્રાયોગિક ધોરણે ઉગાડેલા ઝાડ બહુ મર્યાદિત સંખ્યામાં હતા, વત્તા શુક્રની સેંકડો કિલોમીટર ઉંચેની આબોહવા બહુ વિચલિત પ્રકારની હતી. માટે તેવા ઝાડની ઉંમર કદાચ લાંબી રહેતી હતી પણ તેની તંદુરસ્તી નહિ. એટલે જ ત્યાં કૃત્રિમ ઓક્સિજન બનાવવાના પ્લાન્ટ દરેકેદરેક ફ્લોટિંગ સિટી એટલે કે તરતાં શહેરમાં હતા. જે દરેક તરતાં શહેરને પર્યાપ્ત પ્રાણવાયુ પૂરો પાડી દેતા હતા અને હવામાં ભળેલો ઉચ્છવાસ વાયુ સંગ્રહિત થઇ જતો હતો અને તેનો શુક્રની સપાટી નજીક નિકાલ થઇ જતો હતો.

પાંચસો વર્ષ સુધી અંધારા સમક્ષ જ જેની આંખો રહી હતી તેવી વિનસે આટલાં બધાં ઝાડ વર્ષો પછી જોયા હતા. એ પણ સાચુકલા ઝાડ. સિમ્યુલેટિંગ સ્ક્રીન ઉપર કે વર્ચ્યુઅલ સ્ક્રીન ઉપર તો તેણે શુક્રથી પૃથ્વીના પ્રવાસ દરમિયાન હરિયાળી માણેલી. પૃથ્વી ઉપર આવીને પણ અઢી ફૂટ ઊંડા દરિયાની વચ્ચોવચ્ચ ઉભા રહીને મંદ ઘૂઘવતા સમુદ્ર અને તે પાણીના ભેજની ઠંડકને સદીઓથી તરસ્યા રહેલા પોતાના ફેફસામાં પૂરી હતી. રસ્તામાં ઝાડની હારમાળા પણ જોઈ હતી. પરંતુ સેંકડો ચોરસ કિલોમીટરમાં પથરાયેલા ઘેઘૂર જંગલને કારણે સ્ફૂર્તિથી તરબતર હવા તેને નવી તાજગી બક્ષી રહી હતી. વિનસ કરતાં જુદા હાલ ત્યારે મૂળ શુક્રવાસી ઝેવના હતા. તેણે આજ સુધી તેના અભ્યાસની થિયરીમાં જ ભણ્યું હતું કે એક સમયે એટલે કે લુના સમયકાળમાં પૃથ્વી ઉપર મોટા વિસ્તારમાં અડાબીડ જંગલોનું સામ્રાજ્ય હતું. જંગલોની એક અલગ દુનિયા હતી. જંગલી પ્રાણીઓ, જંગલી કીટકો, જંગલી પક્ષીઓ અને ત્યાં સુધી કે જંગલી શાકભાજીઓ પણ થતા અને વિજ્ઞાનીઓ તેનો અભ્યાસ કરતા. પરંતુ ઝેવને તેની અઢાર વર્ષની જિંદગીમાં ક્યારેય મોકો મળ્યો ન હતો કે તે તેની નજર સામે જંગલો જૂએ. શુક્ર ઉપર જ જન્મનારા ઇન્સાનની નિયતિમાં આવા લીલાછમ નસીબ ન હોય.

માણસનું હૃદય ધરાવનારો નાનકડો રોબોન તો કુદાકુદ કરતો હતો કારણ કે હવે ચારેયે જંગલ તરફ જવા માટે પ્રયાણ કરી દીધું હતું. રોબોનના આશ્ચર્યનું કારણ એ હતું કે ઘણાં બધા ઝાડના પાંદડા ચમકતા હતા. કમાન્ડર કલ્કીન સિવાય દિવસના ઉજાસમાં ચમકતાં પાંદડાની નવાઈ બધાને લાગતી હતી. થોડી વાર પહેલા ઝેવે એક પાંદડું તોડીને વિનસના હાથમાં મૂક્યું હતું તે પણ ચમકદાર હતું એટલે તો વિનસથી રહેવાયું ન હતું અને તેણે પૂછી લીધેલું કે વૃક્ષોની ઉંચાઈ અને પાંદડાના દેખાવ વિષે સવાલો કર્યા હતા. હવે આ વખતે ઝેવે પૂછ્યું, ‘કમાન્ડર આ ફ્લોરોસેન્ટ પાંદડા કેમ છે?’

ચારેય હવે જંગલમાં પ્રવેશી ચૂક્યા હતા. પોતાની ઊંચાઈના વૃક્ષો વચ્ચેથી પસાર થતા હતા. કલ્કીને હાથ ઉંચો કરીને એક પાંદડું તોડ્યું અને ચાલતાં ચાલતાં ઝેવને બતાવતા ગયા. વિનસ પણ આ સાંભળી રહેલી. રોબોન ભાઈ તો હતાં જ બુદ્ધિશાળી એટલે એને કદાચ પાંદડાની ચમકનું રહસ્યમય વિજ્ઞાન ખબર હશે એટલે ભાઈએ આગળ ચાલતી પકડી. ‘તમને એ ખબર જ છે કે પાંદડું ઝાડનું રસોડું છે. આખા જીવ માટે એટલે કે આ વનસ્પતિ જીવ-વૃક્ષ માટે ખોરાક પાંદડું બનાવે, સૂર્યપ્રકાશની મદદથી. સૂરજના કિરણો પાંદડા ઉપર પડે અને જે પ્રકાશસંશ્લેષણની ક્રિયા થાય એ દરમિયાન કેટલીક ઉર્જા છૂટી પડે, બીજા શબ્દોમાં કહીએ તો ઉર્જાનો વ્યય થાય.’ કલ્કીને હવે વિનસની સામે જોઈને કહ્યું, ‘લુના સમયમાં એટલે કે ઇસવીસનના સમયમાં પૃથ્વી ઉપરની વનસ્પતિ એટલી કાર્યક્ષમ હતી કે સૂર્યના કિરણોને વાપરીને પોતાના માટે ખોરાક બનાવતી વખતે બહુ જ ઓછી ઉર્જાનો વ્યય થતો.

હવે આ પોસ્ટલુનો સમય છે. ચંદ્ર પછીની પૃથ્વી જે એક વખત તહેશનહેશ થઇ ગયેલી. હવેના જે પણ વૃક્ષો તમે જૂઓ છો તે બચી ગયેલા, અડધા બળી ગયેલા બીજ કે વનસ્પતિના અવશેષોમાંથી મહામહેનતે ઉગાડેલા છે. આ વૃક્ષોના અડધા જનીનો લુપ્ત થઇ ગયા છે એટલે પ્રકાશસંશ્લેષણ વખતે ઉર્જાનો વ્યય વધુ થાય છે માટે તે વેડફાતી ઉર્જા તમને પ્રકાશ સ્વરૃપે દેખાય છે અને માટે મોટા ભાગના ઝાડના પાંદડા કે તેની કૂંપળો તમને ચમકીલી દેખાશે.’ કલ્કીને સાવ સાદી ભાષામાં પોતાનો જવાબ પૂરો કર્યો એટલે વિનસ તરત બોલી કે, ‘તેનો મતલબ એ કે દિલ બહેલાવનારી ચમક હકીકતમાં આ જંગલની કમજોરી છે.’ ‘યેસ. રાઈટ.’ કલ્કીનને બદલે ઝેવે જવાબ આપ્યો. તે બંનેથી આગળ ચાલતાં વિનસ બોલી, ‘કેવી છે તમારી દુનિયા અને કેટલી બધી છે તમારી પ્રગતિ. તમારી નબળાઈ પણ શાનદાર લાગે છે.’

કલ્કીને વિનસની આ વ્યંગાત્મક વાત સાંભળી લીધી. કદાચ તેમની પાસે જવાબ પણ હતો પણ તે કઈ બોલ્યા નહિ. કારણ કે વિનસે એક ચીસ પાડી, ‘રોબોન!’ અને ત્યાં રોબોન ભાઈ ખડખડાટ હસતાં હતા. એ દૃશ્ય જોઈને થોડી વાર પહેલા સ્થિર મુખમુદ્રામાં રહેલા કલ્કીન પણ થોડાં હસ્યા. વિનસ સ્તબ્ધ થઇને ઉભી હતી. ઝેવ ધીમેથી બોલ્યો ‘કન્વેયર બેલ્ટ?’ એ કલ્કીન સાંભળી ગયા અને સહેજ મોઢું બગડ્યું એનું. ‘આ શું થઇ રહ્યું છે બોસ?’ વિનસે કલ્કીનને પૂછ્યું. ‘એ જ થઇ રહ્યું છે જે તું જોઈ રહી છે.’ ‘બટ હાઉ? નીચે જમીનમાં શું છે?’ ‘મેં કહ્યું હતું ને કે આપણે જંગલમાં ખૂબ ઊંડે જવાનું છે પણ આપણે બહુ ચાલવું નહિ પડે. તેની વ્યવસ્થા છે આ. સૌજન્યઃ- લેબહાઉસના સ્થાપક પ્રો. લિથેન્સ.’

હકીકતમાં નાનકડો રોબોન તેની મસ્તીમાં કુદકા મારતો આગળ વધતો હતો. તેના માટે તો આ બધા નીચા ઝાડ પણ ઊંચા હતા એટલે અમુક ડાળીઓ ઉપર તે લટકતો પણ હતો અને આ ત્રણેયથી થોડો વધુ આગળ નીકળી ગયેલો. અમુક હદ સુધી પહોંચ્યા પછી તેણે એક ડગલું મૂક્યું ત્યાં તો એ ખુદ સરકવા લાગ્યો. ના, તે સરકતો ન હતો તેના પગ નીચેની જમીન સરકતી હતી. જમીન સરસી એસ્કેલેટર હોય તે રીતે જમીનનો એક પટ્ટો સરકતો હતો. તે પટ્ટાના બંને છેડા ઉપર મોટું ઘાસ ઉગેલું હતું એટલે જમીનનો સરકી રહેલો પટ્ટો સ્થિર જમીનથી ચોક્કસ કઈ રેખાથી જુદો પડે છે એ સ્પષ્ટ દેખાતું ન હતું. આ દૃશ્ય જોઈને વિનસ બેન ચીસ પાડી બેઠા.

‘આ જનાબ ઝેવ વિચારે છે એમ કન્વેયર બેલ્ટ પણ નથી કે નથી આ કોઈ યાંત્રિક એસ્કેલેટર. તમે જે જોઈ રહ્યા છો અને રોબોન જે અનુભવી રહ્યો છે એ એકદમ કુદરતી લીલા છે. કુદરતી રીતે જમીન સરકી રહી છે. તે પટ્ટાની નીચે કોઈ જ મશીનરી નથી.’ કલ્કીનની આ વાત સાંભળીને ઝેવ અને વિનસ સુન્ન થઇ ગયા. કઈ રીતે તે જમીન ખસી શકતી હતી તે જ વિચાર બંનેને આવતો હતો. વિનસને તો એટલી ખબર હતી કે જમીનની નીચેના પેટાળમાં દબાણમાં ફેરફાર થાય એટલે ભૂકંપ આવે અને ભૂકંપને કારણે થયેલી અનેક તારાજીઓ તેને યાદ હતી, જે તેની યુવાનીના સમયમાં એટલે કે ઇસવીસન કાળમાં થઇ હતી. બીજા પણ કુદરતી વિકલ્પો મગજમાં આવ્યા પરંતુ આ જમીન સરકવાનો કોઈ જ ખુલાસો જડતો ન હતો.

બત્તી ઝબકી હોય એમ ઝડપથી ઝેવ બોલ્યો, ‘મને ખબર છે, પૃથ્વી ઉપર અમુક દલદલ જમીનો પણ હોય છે. કળણ કે એવું કશુંક તેને કહેવાય. તેની ઉપર તમે પગ મૂકો એટલે અંદર ખુંપતા જાઓ. જેમ તમે બહાર નીકળવાની ખોટી રીતે કોશિશ કરો એમ વધુ ઝડપથી જમીનમાં સમાઈ જાઓ. મેં વાંચેલું આવું ક્યાંક. બની શકે કે આ જમીન વર્ટીકલ નહિ પણ હોરીઝોન્ટલ દલદલ હોય. માણસને ઉભી રેખામાં ખેંચવાને બદલે આડી રીતે ખેંચતી હોય.’ આ સાંભળીને તરત વિનસે ચીસ પાડી, ‘રોબોન, જલ્દી અહીં આવ. ઉતરી જા ત્યાંથી.’ પેલો રોબોન તો સ્ફૂર્તિથી ઠેકડો મારી ને સરકતી જમીનથી બાજુમાં ખસી ગયો અને વિનસ પાસે આવીને મલકાતો બોલ્યો, ‘બોલો ને. તમે મને બોલાવ્યો.’ ઝેવને ખીજ ચડી કે ક્યાં આની ચિંતા કરી એણે,  ચિપકું તેમાં. કલ્કીન ત્રણેયની નાદાની જોઈને ખડખડાટ હસી પડ્યા.

‘આ દલદલ પણ નથી કે કન્ટ્રોલ્ડ અર્થક્વેક પણ નથી. આ મશીનનો કમાલ પણ નથી. આ કુદરતની લીલા છે. હા, પ્રોફેસર લિથેન્સે આ વિકસાવવામાં ઘણી જહેમત ઉઠાવી હતી.’ એટલું બોલીને કલ્કીને નીચા વળીને થોડું ઘાસ તોડ્યું. ચમકી રહેલા લીલા ઘાસના મૂળ સાથે થોડી માટી ચોંટેલી દેખાઈ. ‘આ મૂળિયામાંથી માટીને સાવ ઉખેડી નાખ.’ ઝેવે મૂળસોતું ઉખડેલું ઘાસ હાથમાં લીધું અને માટી સાફ કરવા લાગ્યો. માટી ભીની હતી પણ તોય ઉખડી નહિ. થોડું જોર લગાવ્યું તો થોડીક જ માટી નીચે પડી. વિનસે ઘાસ હાથમાં લઇને પ્રયત્ન કર્યો તો તેનાથી કશું ન થયું. વિનસ પાસે પોતાની તાકાત બતાવવાનો એક પણ મોકો રોબોન છોડે. તેણે સિનિયરની અદાથી ઘાસ હાથમાં લીધું અને પોતાના નાજુક લાગતા હાથ જે એકંદરે તો અંદરથી યાંત્રિક હતા તેના વડે માટી કાઢવાની કોશિશ કરી. સારું એવું યાંત્રિક જોર લગાવ્યુંં ત્યારે મોટાભાગની માટી નીકળી.

‘આ તો બહુ મજબૂત  છે. પ્લાસ્ટિક જેટલું કે એનાથી પણ વધારે.’ રોબોનને આશ્ચર્ય થયું. કલ્કીને ત્રણેયની જિજ્ઞાસા સંતોષવા જવાબ આપ્યો, ‘આ માટી દેખાય છે ને. આ માટીમાં એક્સ્ટ્રીમોફાઈલ બેક્ટેરિયા પુષ્કળ પ્રમાણમાં થાય છે. આ સૂક્ષ્મજીવ જે આપણને નરી આંખે દેખાતા નથી અને રોબોન તને પણ નહિ દેખાય ભલેને તું તારી આંખોથી એક હજાર ગણું ઝૂમ-ઇન કરે, એ નહીં જ દેખાય. આપણા માટે અદૃશ્ય એવા જીવાણુઓ આ દુનિયાના સૌથી વધુ તાકતવર જીવો છે. તે આ માટીમાં સારી રીતે ફૂલીફાલી શકે છે. માટે માટી મૂળિયાથી ઉખડતી ન હતી.’ કલ્કીન બોલતા હતા એને વચ્ચેથી અટકાવીને રોબોને ઉતાવળે પૂછ્યું, ‘પણ એને અને પેલી જમીન સરકે છે એ બંનેને શું સંબંધ?’ કલ્કીને જવાબ આપ્યો, ‘એ જ સમજાવું છું બેટા. ધીરજ રાખ. છોકરી અને વિજ્ઞાન ક્યારેય ઉતાવળે ન સમજાય.’ રોબોન શરમાઈ ગયો.

‘જેમ આપણને નાનપણથી ખબર છે કે કીડી એના વજન કરતાં પણ વધુ વજનદાર દાણો ઉપાડી શકે છે. માણસ ગાડી કે એરોકેટ આજની તારીખે ખેસવી પણ નથી શકતો, આટલી બધી એડવાન્સ ટેકનોલૉજી અને હ્યુમન ઇન્હાન્સમેન્ટ ટેકનોલૉજીનો આવિષ્કાર થઇ ગયા પછી પણ. પરંતુ આ બેક્ટેરિયા તો કીડીઓના પણ બાપ છે. પોતાના વજન કરતાં એક લાખ ગણું વજન ઉપાડી શકે છે. તમારા જમાનામાં જે ટ્રેનો હતી એવી ટ્રેન ઉપાડીને કોઈ એક માણસ ચાલે તો કેવું લાગે? એવું આ એક-એક બેક્ટેરિયા કરી શકે છે. અને આ જે સરકતી જમીન તમે જોઈ એ જમીન નીચે અને ફક્ત એટલા જ પટ્ટાની નીચે પ્રોફેસર લિથેન્સે આજથી વર્ષો પહેલા એવી ગોઠવણ કરી હતી કે આ પ્રકારના બેક્ટેરિયાની વસાહતોની વસાહતો ઉછરે. ચસોચસ કોલોની છે તે જમીન નીચે. એટલે પ્રો.લિથેન્સની અદ્ભુત કારીગરી ભરેલી રચના એવી છે કે તે જમીન ઉપર સહેજ પણ પ્રેશર આવે એટલે તે બેક્ટેરિયા ખસવાની કોશિશ કરે. ડાબે અને જમણે ખસી શકે એમ નથી માટે તે આગળ-પાછળ અને થોડા ઉપર-નીચે  ગતિ કરે. એકસાથે કરોડો બેક્ટેરિયાની એક કોલોની અને એવી બીજી કરોડો કોલોની આંદોલન કરે. એટલા માટે તે જમીન બહુ ધીમા દરે થોડી ખસતી જાય. પણ એ જમીન છેવટે ત્યાંની ત્યાં જ રહે પણ આપણને આગળ પહોંચાડી દે. એટલે જમીન ખસે તો તે જગ્યાએ પોલાણ પણ ન સર્જાય અને આપણે ઉભા ઉભા આગળ વધી શકીએ.’ કલ્કીનનો લાંબો જવાબ પૂરો થયો અને આ ચંગુ-મંગુ-નંગુ જેવા ત્રણેય દોસ્તોની આંખો પહોળી થઇ ગઈ.

હવે ત્રણેય સવાર થઇ ગયા, જમીન ઉપર. એ જમીનની ખાસિયત એ હતી કે જેમ વજન વધુ એમ તે વધુ ઝડપથી સરકે, હવે ચાર લોકો તે પટ્ટા ઉપર ઉભા હતા માટે થોડી વધુ ગતિ આવી. બધાને મજા પડી ગઈ. વિનસ ખુશ ખુશ થઇ ગઈ. ઝેવ પણ ચારેબાજુ ડોકી ફેરવીને જોતો રહ્યો.

બંને બાજુ વૃક્ષોનો ખડકલો. પાંદડાથી લથબથ ડાળીઓ પવનમાં સતત હલતી હોય. કાનને રાહત પહોંચે તેવો પવનનો અવાજ. પાંદડા ખરવાનો અને પાંદડા હલવાનો એકધારો ધ્વનિ. એમાં પણ ચમકતાં પાંદડા. જમીન ઉપર ખરી પડેલા પાંદડામાંથી જે ચમકતાં દેખાય તેટલા તાજાં ખરેલા હોય એવો ખ્યાલ આવી જતો હતો. વૃક્ષો ઉપર અને જમીન ઉપર પણ આગિયા જેવા સતત ચમકી રહેલા પાંદડાની જાજમ બિછાવેલી હોય એવું લાગતું હતું. હવે જંગલમાં સૂર્યનો પ્રકાશ તો પાંદડામાંથી ચળાઈને ધરતી સુધી પહોંચી શકતો ન હતો તો પણ નીચે અંધારું લાગતું ન હતું. સ્વયંપ્રકાશિત પાંદડાને કારણે ઝાડના ઉપરીભાગ કરતાં નીચે ઉજાસ વધુ હતો. આ અદ્ભુત દૃશ્ય હતું. ચારેય સરકતા જતા હતા. જાણે લીફ-લાઈટથી એટલે કે પાંદડાના પ્રકાશથી તે  ચારેય દોસ્તો પણ પ્રફુલ્લિત થઇ ગયા હતા.

વધુમાં જેમ જેમ તેઓ ગીચ જંગલની અંદર જતા ગયા એમ પાછળની દિશામાં રહેલું લેબહાઉસ તો દેખાતું જ બંધ થતું ગયું અને ઠંડો પવન વધતો ગયો. થોડી હુંફાળી પૃથ્વીમાં, હુંફાળા દરિયા જે જમીન ઉપર હોય તેવી પૃથ્વી ઉપર આટલો મોટો વિસ્તાર શીતાગારમાં હોઈ શકે તેનું અચરજ વિનસને ખાસ થતું હતું. વધુમાં, જુદા જુદા અવાજો પણ સંભળાઈ રહેલા. પ્રાણીઓના અને કીટકોના. નાની સાઈઝના વાંદરા કુદાકુદ કરતાં દેખાતા હતા. દૂર બે ઝાડ વચ્ચે અલપ ઝલપ હરણ પણ જોવા મળ્યા. વિનસને હજુ યાદ રાખવું પડતું હતું કે તેને જે દેખાઈ રહ્યા છે તે કોઈ પ્રાણીના બચ્ચા નથી પણ પુખ્તવયના પ્રાણીઓ જ છે. કલ્કીને તે ત્રણેયને સમજાવેલું કે હવે પોષણક્ષમ વાતાવરણ રહ્યું ન હતું. માટે ઝાડ સાથે બધા પ્રાણીઓનો પણ અલ્પવિકાસ થયો હતો. માટે હાથી, ચિમ્પાન્ઝી, વાંદરા, હીપોપોટેમસ, બિડાલ કુળ એટલે કે બિલાડી વર્ગના ચિત્તો, દીપડો, વાઘ જેવા પ્રાણીઓ બધા નાના કદના થઇ ગયા હતા. અમુક પ્રાણીઓનું તો અસ્તિત્વ જ રહ્યું ન હતું. તેના જો અશ્મી મળી આવે તો તેમાંથી તે પ્રાણીની જાતિને ફરીથી અસ્તિત્વમાં લાવવાની કોશિશો દુનિયાની ઘણી લેબોરેટરીમાં ચાલુ જ હતી.

ચારેય દોસ્તો બે-ત્રણ કિલોમીટર જેટલા જંગલની અંદર પહોંચી ગયા. ઝેવનો ચહેરો ભીનો થઇ ગયો હતો. ફક્ત એ જ નહિ બધા ભીના હતા. જંગલની હવામાં ભેજ જ એટલો હતો અને ઠંડક પણ એટલી હતી કે સૂક્ષ્મ ટીપાં રૃપે શરીર ઉપર બાઝી જતી. હવામાં રહેલી સાવ નાની બુંદોએ બધાને નવડાવી નાખ્યા. ચારેબાજુ ચમકતી લીલી હરિયાળી. પવનને કારણે એકસાથે હલી રહેલા હજારો વૃક્ષો અને તેના કરોડો પાંદડાનો અવાજ, જંગલની ઉપર ઓછો પ્રકાશ પણ ઝાડ નીચે વધુ પ્રકાશ હોવાના કારણે જે પ્રકાશનો તફાવત સર્જાતો હતો તેને કારણે ઉભું થતું રમણીય પેનોરોમિક દૃશ્ય, ઠંડી હવાના સૂસવાટા, માખી જેટલા કદના ઉડી રહેલા હજારો પતંગિયા, જુદા જુદા ઝાડ ઉપર ઉગેલા રંગબેરંગી ફળો, કોઈ ઝાડ ઉપર બેસીને નાનકડું તરબૂચ જેવું કોઈ લાલ ફળ ખાઈ રહેલી ખિસકોલીઓ અને ખાસ તો બાકીના જગતથી અળગી રહી શકેલી નૈસર્ગિક સંપતિની આહલાદક અનુભૂતિ. વિનસના ભીના ચહેરા ઉપર તેની આંખમાંથી નીકળેલા ખુશીના આંસુ દેખાતા ન હતા પણ રોબોન મૂરખ તો ન હતો ને. એ નાનો હતો પણ સમજી શકતો હતો. ઝેવ પણ સમજી ગયો હતો કે વિનસનું રડવું એ ખુશીની પરાકાષ્ઠા છે. કલ્કીન તો ત્રણેયને સમજતાં હતા.

પણ વિનસને કેમ ખુશી થઇ તે કદાચ કોઈ સમજતું ન હતું. અત્યાર સુધી એટલે કે કેટલાય મહિનાઓથી, જાગૃતઅવસ્થામાં આવ્યા પછીથી, વિનસને એવું જ હતું કે દુનિયાને આ લોકોએ પતાવી નાખી છે. પૃથ્વીનો ચહેરો જ નહિ આખું જિસ્મ વિકૃત થઇ ગયું છે. પૃથ્વી ઉપર સિત્તેર ટકા હિસ્સામાં જમીન અને માત્ર ત્રીસ ટકા ભાગમાં દરિયો જોઈને, એ પણ સાવ અઢી-ત્રણ કે ચાર ફૂટનો, વિનસ સાવ નિરાશ જ થઇ ગયેલી. તેણે બધી આશા છોડી દીધી હતી. તેને આ પૃથ્વી અને નર્કની કલ્પના વચ્ચે ખાસ મોટો ફરક લાગતો ન હતો. પણ આ વિશિષ્ટ જંગલની અંદર આવ્યા પછી તેને પહેલીવાર આ નવી પૃથ્વી પોતીકી લાગી. વર્ષો પછી પહેલી વખત તેને પૃથ્વી માટે દયા ઉપજવાને બદલે પ્રેમની લાગણી નીપજી. જાણે આ જંગલ અને કુદરત વિનસને ભેટી પડ્યા હોય એવું એને લાગ્યું માટે તેની આંખો હરખથી છલકાઈ ગઈ હતી.

થોડી વાર સુધી કોઈ જ વાતચીત કર્યા વિના ત્રણેય સરકતા પટ્ટા ઉપર શાંતિથી ઉભા હતા. જંગલને માણી રહ્યા હતા. પાંચે ઇન્દ્રિયોથી જંગલને મહેસૂસ કરી રહ્યા હતા. વિનસને જંગલ શક્ય હોય એટલું પી લેવું હતું, તેની અનુભૂતિથી છલકાઈ જવું હતું. કારણ કે આ જંગલથી થોડાક જ કિલોમીટર દૂરથી એવી દુનિયા શરુ થતી હતી જ્યાં લીલોતરી ખાસ જોવા મળતી ન હતી. જ્યાં ઠંડો પવન વાતો ન હતો. જ્યાં વનરાજી ખીલતી ન હતી. જ્યાં હવામાં પાણી ભળેલું ન હતું. ફક્ત હવાની જ નહિ પણ લાગણીની ભીનાશ જે આ જંગલ આપતું હતું એ બહાર ખડું કરવામાં આવેલું યાંત્રિકી જગત આપવાનું ન હતું.

‘આ શેનો અવાજ આવે છે કમાન્ડર?’ સરકતા રસ્તા ઉપર પણ થોડી થોડી વારે ચાલીને આગળ નીકળી જનારા રોબોને બાજુમાં ઉભા રહીને પૂછ્યું. ‘શેનો અવાજ? મને કેમ નથી સંભળાતો?’ વિનસ બોલી. ‘થોડા આગળ જઈએ એટલે સંભળાશે.’ ઝેવની ઉત્સુકતા વધી ગઈ. ટાબરિયાં જેવા રોબોનના કાનમાં એવો તે કયો અવાજ સતત પડે છે જે તે બંનેને નથી સંભળાતો એવો પ્રશ્ન ઝેવને મનમાં થયો. તે ફક્ત તેનું અને વિનસનું જ વિચારી રહેલો. કારણ કે કલ્કીનના હાવભાવ ઉપરથી એ જણાઈ આવતું હતું કે તેને ખબર હતી કે તે અવાજ શેનો હતો પણ તેમણે ચૂપ રહેવાનું પસંદ કર્યું.

ચારેય આગળ વધ્યા. હવે ધીમે ધીમે પેલો અવાજ આવી રહેલો. અવાજ મંદ હતો પણ ધીમી ઝડપે વધી રહ્યો હતો. એકધારો ધ્વનિ જંગલની અંદરથી આવી રહેલો. વિનસના ચહેરા ઉપર એ અવાજનો સ્ત્રોત જાણવાની ઉત્કંઠા વધી ગઈ. તે ચાલવા મંડી. તેને જલ્દીથી જાણવું હતું કે આ અવાજ શેનો છે. તેની પાછળ ઝેવ પણ ચાલવા લાગ્યો. રોબોન તો આગળ દોડી જ રહેલો. કલ્કીન શાંતિથી ઉભા ઉભા સરકતી જમીન સાથે ગતિ કરી રહેલા.

થોડીવાર પછી તો અવાજ બહુ મોટો થઇ ગયો. ધ્વનિતીવ્રતા વધતી ગઈ. હવે તો દર થોડી ક્ષણો પછી એક મોટો પ્રચંડ અવાજ આવતો હતો. કશુંક અફળાવાનો અવાજ. આટલી વિશાળ ગર્જના દર થોડી વારે શેની થતી હતી? હવે ત્રણેય દોસ્તોએ દોટ મૂકી. થોડું દોડ્યા પછી ઝાડ સાવ ઓછા થતા ગયા. જંગલ પૂરું થઇને વગડો શરુ થયો હોય એવું લાગ્યું. ઘાસવાળી જમીનનો વિસ્તાર વધતો જતો હતો. સરકતી જમીનનો પટ્ટો પણ પૂરો થઇ ગયો. ત્રણેય દોડતાં રહ્યા અને અચાનક ત્રણેયના પગ જમીન સાથે ચોંટી ગયા અને ત્રણેયની આંખો ફાટેલી રહી ગઈ. આશ્ચર્યજનક આઘાતે ત્રણેયને સ્ટેચ્યુ કરી દીધા.

વિનસે ખાસ્સા લાંબા વિરામ પછી પાછળ જોયું. ધીમી ઝડપે કલ્કીન મલકાતા મલકાતા આવી રહેલા. આશ્ચર્યથી પહોળી થઇ ગયેલી આંખોમાં અનેક સવાલો હતા. જે કલ્કીને વાંચી લીધા હતા. પણ કલ્કીનના મગજમાં બીજી એક ચિંતા હતી. જે દૃશ્ય આ ત્રણ જોઈ રહેલા તેના વિષે નહિ પરંતુ આ સ્થળ ઉપર થોડોક પણ વધુ સમય વિતાવ્યા પછી, જો કોઈને પણ બીજી એક વાતની ખબર પડશે કે તે દેખાઈ જશે તો શું થશે તેના વિચારો કલ્કીનના દિમાગમાં ચાલ્યા રાખતા હતા.

(ક્રમશઃ)

You might also like