નવાં ક્લેવર ધરો હંસલાઃ બર્લિનથી મોસ્કો

દીર્ઘ અને જીવલેણ જેવી બીમારી પછી ઍગ્નેસે વિદ્યાકીય પ્રવૃત્તિને ગતિ આપી, ખુદ મહાનિબંધ લખીને ડૉકટરેટ મેળવવા ચાહતી હતી. તેવી તેની ક્ષમતા અને સજજ્તા પણ હતી. પણ બીજી બાજુ જીવન નિર્વાહની ચિંતા હતી એટલે પત્રકારત્વ કેન્દ્રમાં રાખ્યું. ઘણું લખ્યું અને દેશની બહાર પણ વંચાયું. છેક ભારતમાં લજપતરાયનાં અખબારે અને રામાનંદ ચેટરજીના ‘મોડર્ન રિવ્યૂ’ સામયિકે પ્રકાશિત કરેલા લેખોએ તો ભારતીય રાષ્ટ્રવાદીઓમાં આનંદ અને આશ્ચર્યની લાગણી પ્રસરાવી; અરે, આ વિદેશિની કોણ છે જે અમારી પીડાને બરાબર સમજીને રણટંકાર કરી રહી છે ?

ચટ્ટોને ભારે અફસોસ હતો કે આ તેજસ્વિની તેનાં તમામ ક્રાંતિકાર્યોમાં સાથે-સંગાથે નથી. તેણે ઍગ્નેસ અને તેના મિત્ર મીરઝા અલી બાકરને યે કહેવડાવ્યું કે આવો, આપણે સાથે મળીને આ કપરો સ્વાતંત્ર્ય સંગ્રામ લડી લઈએ. ૧૯ર૬માં ‘લીગ અગેઈન્સ્ટ ઈમ્પિરિયાલિઝમ’ સંગઠનમાં તેણે વિલ્લી મ્યુન્ઝેનબર્ગની સાથે કામ કરવા માંડ્યું અને ભારતમાં પંડિત જવાહરલાલ નેહરુની સાથે પત્રવ્યવહાર શરૃ કર્યો. (એ વળી અલગ પ્રકરણ છે જેની ચર્ચા પછીથી કરીશું કે રશિયામાં વીરેન્દ્રનાથને ગોળીએ દેવાયો તે વિશે જવાહરલાલ ભારતના વડાપ્રધાન બન્યા પછી પણ રશિયામાં તપાસનો એક હરફ પણ ઉચ્ચાર્યો નહોતો !)

ચટ્ટોની ઍગ્નેસ વિનાની જિંદગીનાં અનેક વળાંક આવ્યા. તેનાં બહેન સરોજિની નાયડુ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસનાં ૧૯રપમાં અધ્યક્ષ બન્યાં પણ ચટ્ટો તો તેને ‘બ્રિટિશ એજન્ટ’ જ માનતો રહ્યો ! તે પોતાના મિત્રોને કહેતો ઃ તેની કવિતા-બવિતા તો ઠીક પણ રાષ્ટ્રીય જંગમાં તેનાં પ્રદાનનું મારે મન કોઈ મૂલ્ય નથી… આ લોકો (નેતાઓ) અંગ્રેજોની ખિલાફ હોતા નથી; જીવ સટોસટ લડવાની હિંમત ધરાવતા નથી. વિલ્લી ડાબેરી વિચાર ધરાવતો અખબારી માલિક હતો. જર્મનીમાં તેની દોસ્તી ચટ્ટોની સાથે થઈ; તે જીવનભર રહી. રશિયન પરિવર્તનનો તે પ્રશંસક હતો. હોંગકોંગની મજદૂર હડતાળમાં તેણે મોટો ભાગ ભજવ્યો. તે પછી તેને ૧૯ર૬માં ‘લીગ અગેઈન્સ્ટ કૃઆલિટી એન્ડ ઑપરેશન’ સંગઠના ઊભી કરી. સામ્રાજ્યવાદ વિરોધી સંસ્થાનું તેમાં વિલીનીકરણ કરાયું જર્મની વિશ્વયુદ્ધ પછી ‘સામ્રાજ્યવાદી’ કોલોની તો રહ્યું નહોતું એટલે દેશ-વિદેશના તરેહવારના બગાવતીઓ અહીં આશ્રય લઈ રહ્યા હતા. તેવી સંખ્યા પાંચ હજારથી વધુ હતી ! ચટ્ટો અને તેના ભત્રીજા જયસૂર્ય નાયડુ (સરોજિની નાયડુનો પુત્ર) એ બધાંને સંગઠિત કરવા માંડ્યા. ચટ્ટો તેમની વચ્ચે ચાર ભાષામાં પ્રવચન કરતો; ફ્રેન્ચ, સ્કેન્ડેનવિયન, જર્મન અને અંગ્રેજી. તેણે તત્કાલીન કૉંગ્રેસને ભારતમાં આવો જંગ શરૃ કરવા પત્રિકાઓ પણ મોકલી. નેહરુ યુરોપ પ્રવાસે નીકળેલા, ચટ્ટોએ તેને બ્રસેલ્સ પરિષદમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું. ૧૯ર૭માં આ પરિષદ મળી તેમાં ૧૩૪ સંગઠનોમાં ૩૦૦ સદસ્યોએ ભાગ લીધો; ૩૭ દેશો સામેલ થયા. જવાહરલાલ પણ તેમાં વકતા હતા. તે ચટ્ટોના પરિશ્રમને કારણે. બ્રિટન, ચીન, ભારતના સામ્રાજ્યવાદ વિરોધીઓનું સંયુક્ત નિવેદન પણ ઘોષિત થયું. જેમાં ભારતની સ્વતંત્રતા પણ એક મુદ્દો હતો. પણ બધાંએ સ્વીકાર્યું કે, સમગ્ર પરિષદનો પ્રાણ તો વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય જ હતો !

૧૯ર૬માં ચટ્ટો-નેહરુ બર્લિનમાં મળ્યા, મિત્રો બન્યા ૧૯૩૦ સુધી આ સાતત્ય રહ્યું નેહરુ-પરિવારની સાથે પણ ગાઢ સંબંધ બંધાયો. કૃષ્ણા (નેહરુના બહેન) લખે છેઃ ‘ચટ્ટો જેવો “Gentle, charming and one of the most lovable” બીજો જોયો નથી. જવાહરલાલ પાક્કા કમ્યુનિસ્ટ થાય એવી પેરવી આ સંગઠનના કેટલાકે શરૃ કરી પણ ચટ્ટોએ તેમને બચાવી લીધા. નેહરુએ મદ્રાસના કૉંગ્રેસ અધિવેશનમાં લીગ અગેઈન્સ્ટ ઈમ્પિરિયાલિઝમ અને કૉંગ્રેસના સંયુક્ત સંગઠન બનાવવા માટે પ્રયાસ કર્યો, પ્રસ્તાવ લાવ્યા પણ ગાંધીજીએ તેને ઉતાવળિયું પગલું ગણાવ્યું. નેહરુએ ‘ઈન્ડિપેન્ડન્ટસ ઓફ ઈન્ડિયા લીગ’ નીચે સ્થાપના કરી હતી પણ નેતાજી સુભાષચંદ્રે ત્રિપુરી કૉંગ્રેસ પછી નેહરુને લખેલા પત્રમાં ‘કોઈપણ મુદ્દે દૃઢ રહેવાને બદલે હાલકડોલક’ રહેવાનો નહેરુનો સ્વભાવ હતો. ચટ્ટોએ તો ભારતમાં આઝાદીની ક્રાંતિ માટે ઘણાં સૂચન કર્યા પણ… વિઠ્ઠલભાઈ પટેલ ‘નેહરુમાં રહેલા’ ઈધર-ઉધર સ્વભાવને બરાબર જાણી ગયા હતા. કમ્યુનિસ્ટોએ તે સમયના મોતીલાલ નેહરુ, જવાહરલાલ, સુભાષચંદ્ર અને ગાંધીજીને સામ્યવાદ વિચારથી અલગ બૂર્ઝવા ગણાવ્યા. આ વિધાન મેરઠ-ષડયંત્ર કેસમાં સરકારી વકીલે જ કર્યું! દસમી કમ્યુનિસ્ટ ઈન્ટરનેશનલે કૉંગ્રેસથી છૂટાછેડા લઈ લીધા અને અલગ સામ્યવાદી પક્ષ ભારતમાં કામ કરે તેવું સૂચવ્યું.

ચટ્ટોને નેહરુ-શૈલીનો અણસાર આવવા માંડ્યો લાહોર કૉંગ્રેસમાં ગાંધીજીએ જ તેમનું અધ્યક્ષપદ માટે નામ સૂચવ્યું તેને ચટ્ટોએ ‘નેહરુને રાજકીય વિરોધમાં સમાપ્ત’ કરવાની ચાલ ગણાવી. ‘તમારા હાથ ગાંધીએ બાંધી લીધા’ એવી વાસ્તવિકતા જણાવી. ‘આનાથી બીજું કંઈ નહીં તોયે ભારતીય સ્વતંત્રતાનું આંદોલન નબળું પડશે.’ એમ પણ કહ્યું નેહરુએ ગાંધી- વાઈસ રૉય સમજૂતિને સંમતી આપી તેનાથી ચટ્ટોની નિરાશા વધી ગઈ.

ચટ્ટોના રાષ્ટ્રવાદમાં બગાવત ભળેલી હતી પણ ક્યાંક તકવાદ નહોતો. એમ્મા ગોલ્ડમેને તો તેની સ્મરણકથા ‘લિવિંગ માય લાઈફ’માં સરસ વિશ્લેષણ કર્યું છે: “Chatto was intellectual and witty, but he impressed me as a somewhat crafty individual. He called himself an anarchist though is was evident that is was HINDU nationalism to which he devoted himself entirely.”

હા. સુભાષની જેમ જ તે રગેરગ રાષ્ટ્રવાદી હતો. તે બેનિટો મુસોલિનીને મળ્યો. માર્ગારેટ બુબેર-નોમેન લખે છેઃ ‘તે કમ્યુનિસ્ટ નહોતો, ભારતીય રાષ્ટ્રવાદી હતો.’ ૧૯૩૦માં તે જર્મન કમ્યુનિસ્ટ પાર્ટીની સાથે જોડાયો પણ તેની મનિષા ભારત-મુક્તિની જ હતી. પછી લેનિન-રૉય સાથેના મતભેદમાં એક બાબત મુખ્ય રહી અને રશિયન સામ્યવાદ તેને સહન કરી શકયો નહીં એટલે એકાંતિક જેલવાસમાં જ મારી નાખ્યો.

આ અજંપાએ તેને પરિવારમાં પણ વિદ્રોહી બનાવ્યો. સરોજિનીના જેલવાસ પછીના છૂટકારા વિશે તેણે કડવાશપૂર્વક લખ્યુઃ ‘સરોજિની નાયડુ ઈઝ એ પપેટ હુ ઈઝ પ્લેસ્ડ ઈન ચેંજ થિયેટ્રિકલ સાઈડ ઑફ ધ કમ્પેઈન..’

૧૯૩૧નો ઑગસ્ટ આ વિદ્રોહીને નવા રસ્તે વાળે છે. ચટ્ટોએ જર્મની છોડ્યું. દિમિત્રોવની મદદથી તેણે રશિયા તરફ ગમન કર્યું. તેની પાસે બીજો વિકલ્પ જ ક્યાં હતો? ફ્રાન્સમાં તે હદપાર હતો, બ્રિટનમાં જાય તો ફાંસી. ભારતમાં પણ તેને દીર્ઘકાલીન જેલવાસ મળે. જર્મની તેને ના પસંદ કરવા માંડ્યું હતું. હવે? લીગ ઓફ એંટી ઈમ્પિરિયાલિઝમનાં કાર્યાલય પર પોલીસે દરોડો પાડીને તાળાં લગાવી દીધાં હતાં. જર્મન હિટલરને તે સમય ભારત-મુક્તિનો પ્રશ્ન જ નકામો લાગતો હતો. ચંપકરમણ પિલ્લાઈએ લખેલા પત્રનો જવાબ હિટલરે એવો આપ્યો કે ભારતને માટે બ્રિટિશ શાસન બરાબર છે. સભ્ય વિશ્વસમાજ માટે તે હિતકારક ગણાશે!

રશિયામાં કદાચ, કશુંક થઈ શકે તેવી આશાથી તેણે પ્રયાણ કર્યું. તે પહેલા વિવિધ સામયિકોમાં વૈશ્વિક રાજકારણ વિષેના ઘણા લેખો લખ્યા, લેનિનું સાહિત્ય સંપાદિત કર્યું, ૧૯૩રમાં તેના મોસ્કો-નિવાસ દરમિયાન ‘બ્યૂરો ઓફ કમ્યુનિસ્ટ અકાદમી’માં અધ્યયન કર્યું, સંપાદન પર હાથ અજમાવ્યો. પણ તે દરમિયાન બ્રિટિશ સરકારે ‘હેન્ડર્સન-ડોગેલેસ્કિ’ સમજૂતિને આગળ ધરીને ચટ્ટોના ભારતીય સ્વાતંત્ર્ય માટેના એકધારા પ્રયાસોને નિષ્ફળ બનાવવાની કોશિશ કરી. એટલે સુધી કે ચટ્ટો રશિયામાંથી પાછો ફરી જાય તેવા સંકેતો આપવામાં આવ્યા!

૧૯૩રમાં ચટ્ટોની મોસ્કોમાં અસુરક્ષા અને અજંપો પ્રભાવી રહ્યાં. ૧૯૦૯માં લંડનમાં મદનલાલ ધીંગરાએ કર્ઝન-વાયલીને ઠાર માર્યો તેમાં ચટ્ટોની સંડોવણીનો કેસ ફરીવાર ખૂલ્યો. બીજી બાજુ રશિયન સામ્યવાદી ‘ક્રોમિટર્ન’ને લાગ્યું કે આ માણસ (સામ્યવાદ પ્રત્યે)રાજકીય અપ્રામાણિકતા દાખવી રહ્યો છે.

છતાં તે સંશોધન-કાર્ય કરતો રહ્યો ‘ભારતમાં ક્રાંતિક ઈતિહાસ’ લખવાનું કામ તેને સોંપવામાં આવ્યું. (તે પુસ્તક રશિયન અભિલેખાગારમાં ક્યાં ખોવાયેલું હશે?) ‘બોર્બા કલાસોન’ (કલાસ સટ્રગલ)નો તંત્રી બન્યો. લેનિનગ્રાદની રશિયન કમ્યુનિસ્ટ પાર્ટીના વડા સર્ગેઈ મિર્નોવિચ કિરોવને લાગ્યું કે અરે, આ તો છૂપું રતન છે. લેનિન સમકક્ષ ગણાતો. તેણે ચટ્ટોને લેનિનગ્રાદ મોકલ્યો અને ત્યાં ‘ઈન્સ્ટિટ્યૂટ ઓફ ધ એકેડેમી ઓફ ધ યુએસએસઆર’માં કામ સોંપ્યું. ઓરિએંટલ ઈન્સ્ટિટ્યૂટમાં પણ તેણે સંશોધનાત્મક

પ્રવૃતિમાં સક્રિયતા દાખવી. પછી ‘ઈન્સ્ટિટ્યૂટ ઓફ એંથ્રોપોલૉજી એન્ડ ઓથનૉગ્રાફી’નું કામ સોંપાયું. ત્યાં ‘ભારતીય વિભાગ’ને પણ સંભાળ્યો. આમેય તેને ભાષા અને ફિલોલૉજીમાં બચપણથી રસ હતો. જલદીથી તે રશિયન ભાષાનો યે નિષ્ણાત બની ગયો. માર્કિસસ્ટ-લેનિનિસ્ટ પાર્ટીને આ અકાદમી જ્ઞાન અને થિયરીમાં મદદરૃપ થશે એવો હેતુ હતો. (આપણે ત્યાં કોઈ રાજકીય પક્ષ આવું વિચારી શકે છે.?)

You might also like