જીએસટીના દરોમાં પરિવર્તન આવકાર્ય પણ આખરી ન બને…

જીએસટી કાઉન્સિલની ગત સપ્તાહની બેઠકમાં કુલ ૨૧૧ ચીજવસ્તુઓના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કેટલીક ચીજવસ્તુઓના જીએસટી દરોમાં વિસંગતતા હતી એટલે તેમાં ફેરફાર અપેક્ષિત હતો. પરંતુ જે રીતે વ્યાપક સ્તરે કરવેરાના સ્લેબમાં અને દરોમાં ફેરફાર કરાયા છે તેમાં ચૂંટણીનું દબાણ સ્પષ્ટ જોઇ શકાય છે. ખાસ કરીને ગુજરાતની ચૂંટણીમાં કૉંગ્રેસે લોકોની નાડ પારખીને જીએસટીનો મુદ્દો લોકો વચ્ચે અને વેપારીઓ વચ્ચે સતત ઉઠાવવાનું ચાલુ રાખ્યું, એ પછી સરકાર માટે કોઇ વિકલ્પ ન હતો. નાણા પ્રધાન કહેતાં જીએસટી કાઉન્સિલ આ બાબતમાં લોકલાગણીને બહુ વહેલા લક્ષમાં લઇ શકી હોત. પણ એમ ન બની શક્યું એમાં સરકાર પક્ષે લોકોની લાગણીને ધરાર ન સમજવાનો હઠાગ્રહ પણ છે. એવુ જ જીએસટી અંગે વેપારીઓની મુશ્કેલીની બાબતમાં છે.

ગુજરાતમાં રાહુલ ગાંધીએ વેપારીઓ વચ્ચે જઇને તેમની મુશ્કેલીને વાચા આપવાનું શરૃ કર્યું. એ પછી નાણા પ્રધાન અરૃણ જેટલી અને તેમનું જીએસટી તંત્ર હરકતમાં આવ્યું. જે જેટલી વેપારીઓની વાત સમજવા કે સાંભળવા તૈયાર ન હતા એ જ જેટલીએ વેપારીઓની મુસીબતને તત્કાલ હળવી કરવાનું મુનાસીબ માન્યું છે. જીએસટી કાઉન્સિલના આ નિર્ણયો એકંદરે આવકાર્ય હોવા છતાં સરકાર પક્ષે વેપારીઓ અને લોકો સામે હઠાગ્રહનું વલણ કોઇ રીતે યોગ્ય નથી. ખાસ કરીને જ્યારે જીએસટી તેના અમલીકરણના પ્રારંભિક તબક્કામાં છે અને તેમાં વ્યાવહારિક રીતે અનેક પ્રકારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે સરકાર તેના અમલીકરણ માટે દંડો લઇને ઊભી રહી જાય એ કોઇ રીતે યોગ્ય નથી. નોટબંધીના આરંભના દિવસોમાં જેમ સરકારે રોજ નિયમોમાં ફેરફાર અને સુધારા કરવા પડતા હતા તેમ જીએસટી મામલે પણ સરકારે કમસે કમ એક વર્ષ સુધી સ્થિતિસ્થાપક અવસ્થામાં રહીને લોકો અને વેપારીઓની સુવિધા તેમજ સરલીકરણ માટે ખુલ્લા મનથી તત્પર રહેવું જોઇએ. કોઇ પણ નવી વ્યવસ્થાના અપેક્ષિત પરિણામો મેળવવા માટે એ જરૃરી છે. ગત સપ્તાહે જે સુધારા કરાયા છે અને વેપારી વર્ગને જ ેરાહત અપાઇ છે એ પણ આખરી ન બની રહેવી જોઇએ. કેમ કે જીએસટી અંગેની વેપારીઓની ફરિયાદોનો અંત આવ્યો નથી. આ ફરિયાદો જીએસટી નાબૂદ કરવા માટેની નહીં પણ તેને અપનાવવા ઇચ્છતા અથવા અપાવી ચૂકેલા વેપારી વર્ગની વ્યાવહારિક મુશ્કેલીઓ છે. તેને સમજવાની ટેવ અમલદારશાહીને પડે એ જરૃરી છે. અન્યથા અમલદારશાહી તો વેપારીઓને પરેશાન કરવા હંમેશાં તત્પર હોય છે. સરકારે અમલદારોને નહીં, લોકોને, વેપારી વર્ગને ખુશ રાખવાનો છે.

જીએસટી કાઉન્સિલે ૧૭૮ વસ્તુઓને ૨૮ ટકાના સ્લેબમાંથી હટાવીને ૧૮ ટકાના સ્લેબમાં ખસેડી છે. આ ઉપરાંત બીજી અનેક વસ્તુઓના દર ૧૮ ટકા અને ૧૨ ટકાથી ઘટાડવામાં આવ્યા છે. આ જાહેરાતથી લોકોએ નિરાંત અનુભવી છે. પરંતુ જીએસટીના દર ઘટવાથી બજારમાં વસ્તુઓ સસ્તી મળવા લાગશે એવું બધી વસ્તુ બાબતમાં ખાતરીપૂર્વક કહી શકાતું નથી. કેમ કે ભારતીય બજારમાં એક વખત વસ્તુના ભાવ વધે પછી તેમાં ઘટાડો કરવાનું વલણ ભાગ્યે જ જોવા મળે છે. વેપારી સમુદાયની આ મનોવૃત્તિ પણ યોગ્ય નથી. વ્યવસાયિક વર્ગની મથરાવટી મેલી હોવાની છાપ આ કારણે જ ઊભી થઇ છે. એકંદરે આ તમામ ફેરફારો લોકોના હિતમાં આવકાર્ય છે. પરંતુ સરકાર આટલેથી સુધારાની ઇતિશ્રી માનીને ચાલી શકે નહીં. જ્યારે પણ જ્યાં જરૃરી લાગે ત્યાં સુધારા માટેની તૈયારી રાખવાનું સરકાર અને લોકો – બંનેના હિતમાં છે. એ માટે સરકારે એક જવાબદાર ફીડબેક સિસ્ટમ તૈયાર કરવી જોઇએ જે સરકારને બજાર અને લોકોની પ્રતિક્રિયા વિશે ચોક્કસ માહિતી આપે. કોઇ દબાણને વશ થઇને વારંવાર પરિવર્તન કરવાનું શક્ય પણ નથી અને યોગ્ય પણ નથી. પરંતુ વાજબી મુશ્કેલીના નિરાકરણ માટે ફેરફારની તૈયારી રાખવી એ જ અસરકારક ઉપાય છે.

You might also like