કરૃણાનિધિ સાથે મોદીની મુલાકાત, એક તીર, અનેક નિશાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં તેમની ચેન્નાઇની મુલાકાત દરમિયાન ડીએમકેના ૯૩ વર્ષીય સુપ્રીમો એમ. કરૃણાનિધિના ખબરઅંતર પૂછવા તેમના નિવાસસ્થાને પહોંચી ગયા એ ઘટનાએ રાજકીય વર્તુળોમાં ભારે આશ્ચર્ય જન્માવ્યું. કરૃણાનિધિ સાથેની વડાપ્રધાનની આ મુલાકાત વિશુદ્ધપણે સૌજન્ય મુલાકાત હતી. આમ છતાં તેના રાજકીય અર્થઘટનો થવા લાગે તેમાં નવાઇ નથી. કરૃણાનિધિને મળવા વડાપ્રધાન આવી રહ્યા છે એની જાણ થતાં જ કરૃણાનિધિના રાજકીય વારસ ગણાતા તેમના પુત્ર એમ.કે. સ્ટાલિન તેમની દુબઇની મુલાકાત ટુંકાવીને ચેન્નાઇ દોડી આવ્યા હતા. આ ઘટનાએ સૌ પ્રથમ કૉંગ્રેસમાં ચિંતા જન્માવી હતી. કૉંગ્રેસ એવું માનવા લાગી હતી કે કદાચ ડીએમકે હવે યુપીએ છોડીને એનડીએમાં સામેલ થઇ જશે. રાજકીય પંડિતોને એવું લાગ્યું કે તામિલનાડુમાં પણ બિહારની ઘટનાનું પુનરાવર્તન થશે, ડીએમકે એનડીએમા સામેલ થઇ જતાં રાજ્યમાં રાજકીય પરિવર્તન આવશે. આવી અટકળોનું એક કારણ એ પણ હતું કે ડીએમકે નોટબંધીના વિરોધમાં દેખાવો કરવાનો કાર્યક્રમ મુલતવી રાખ્યો હતો. પણ તેનું ખરું કારણ રાજ્યમાં અનેક ઠેકાણે ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. મોદી જરા જુદી રીતે વિચારનારા છે. લોકસભામાં ડીએમકેના કોઇ સભ્ય નથી. રાજ્યસભામાં તેની નજીવી ઉપસ્થિતિ છે. તેની સામે અન્નાડીએમકેની સંસદમાં મજબૂત સ્થિતિ છે અને તે ભાજપની સાથે છે એટલે એ વધુ ઉપયોગી છે. પરંતુ કરૃણાનિધિને મળીને મોદીએ અન્નાડીએમકેના અંદરોઅંદર ઝઘડતા જૂથોને મેસેજ આપી દીધો છે કે ભાજપ પાસે તમારા સિવાયનો વિકલ્પ પણ છે. રાજકારણમાં પ્રવેશ અંગે દ્વિધા અનુભવતા ફિલ્મ સ્ટાર રજનીકાંત માટે પણ મેસેજ છે કે નિર્ણય લેવામાં વિલંબ કરવો હિતાવહ નથી. આમ, મોદીએ કરૃણાનિધિની મુલાકાતથી અનાયાસે એક તીરથી અનેક નિશાન સાધ્યાં છે.

You might also like