નેતાઓનો નવો મંત્રઃ ઘર ઘર..મંદિર..મંદિર..

ગુજરાતનાં હવામાનમાં ભલે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો હોય પણ રાજકીય માહોલ ગરમી પકડી રહ્યો છે. છેલ્લા થોડા દિવસોથી તો કઈંક એવા દૃશ્યો જોવા મળી રહ્યા છે કે અગાઉ ચૂંટણી પહેલા કયારેય જોવા મળ્યા ન હતા. ભાજપ હોય કે કૉંગે્રસ, રાજકીય નેતાઓ મત માટે ઘરે ઘરે અને મંદિર મંદિર ફરી રહ્યા છે જે ચર્ચાનો વિષય બન્યો છે……

 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મંગળવારે તા.૧૪મીએ જાહેરનામુ બહાર પડવાની સાથે પ્રથમ તબક્કાનાં મતદાન માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૃ થઈ ચૂકી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની ૮૯ સીટ માટે ચૂંટણીનો માહોલ હવે જોર પકડી રહ્યો છે. આ વખતની ચૂંટણીમાં અગાઉ ન જોયા હોય તેવા દાવપેચ અને દૃશ્યો જોવા મળી રહ્યા છે. સૌથી વધુ ચર્ચા તો રાજકીય નેતાઓ મત માટે મંદિરોનાં પગથિયા ઘસી રહ્યા છે તેની અને છેલ્લા પાંચ વર્ષમાં કયારેય જે શેરીઓ કે ઘરે ના ગયા હોય તેવા નેતાઓ ઘરે ઘરે જઈને સેલ્ફી અને ફોટા પડાવી રહ્યા છે તેની ચાલી છે.

ચૂંટણી ટાણે પ્રચારમાં નેતાઓ નીકળતા હોય છે એ સમજી શકાય છે પણ આ વખતે તો મંદિરોનો એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી મોટા ભાગે એવું જોવા મળ્યું છે કે ભાજપનાં નેતાઓ જયારે પ્રચાર અભિયાનની શરૃઆત કરતા હોય ત્યારે પોતાના વિસ્તારનાં કોઈ એક મંદિરે શીશ ઝુકાવીને શુભારંભ કરતા જોવા મળતા અને રાષ્ટ્રીય નેતાઓ આવે તો સભા સંબોધીને નીકળી જતા હતા. પણ આ વખતે રાજકીય માહોલ બનાવવા મંદિરોનો નવો પ્રયોગ કરી રહ્યા છે તેમાં ભાજપ કે કૉંગ્રેસ કોઈ બાકાત નથી. સોશિયલ મીડિયામાં આખો દિવસ નેતાઓ મંદિરોનાં દર્શન કરતા હોય તેવી તસવીરો જ ફરતી રહે છે.

કૉંગે્રસે ગુજરાતની આ ચૂંટણીમાં સોફટ હિન્દુત્વનું કાર્ડ ઉતારવાનું નક્કી કરતા રાહુલ ગાંધીના ગુજરાતનાં પ્રવાસમાં રોજ બે-ત્રણ મંદિરોનો સમાવેશ કરાઈ રહ્યો છે. ઉત્તર ગુજરાતનાં  પ્રવાસમાં રાહુલ ગાંધીએ છ-સાત મંદિરોની મુલાકાત લીધી હતી અને છેલ્લા દિવસે ભરવાડ સમાજની ગુરૃ ગાદી એવા વાળીનાથ મંદિર અને દલિતોનાં આસ્થાનાં કેન્દ્ર એવા વીર મેઘ માયા અને પ્રસિદ્ધ એવી શકિત પીઠ બહુચરાજી મંદિરની પણ મુલાકાત લીધી હતી. કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી જુદા જુદા મંદિરોની મુલાકાત લઈ રહ્યા હોઇ ભાજપનાં નેતાઓ પણ પાછળ રહેવા માગતા નથી તેઓ પણ જુદા જુદા મંદિરો અને સંપ્રદાયની મુલાકાત લઈ રહ્યા છે. ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ થોડા દિવસ પહેલા સોમનાથ અને વડતાલ સ્વામીનારાયણ મંદિરે દર્શન માટે ગયા હતા. મુખ્યપ્રધાન વિજય રૃપાણીએ પણ વડતાલ અને હરિધામ સોખડાની મુલાકાત લીધી હતી. ગુજરાતમાં આમ રાજનેતાઓમાં મંદિરે જવા માટેની એક હોડ મચી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. અગાઉ નેતાઓએ એક સાથે આટલા મંદિરોની મુલાકાત લીધી હોય તેવું બન્યું નથી.

હજુ તો દિલ્હીથી નેતાઓનાં ધાડા ઉતરશે તેઓનાં પ્રવાસ કાર્યક્રમોમાં પણ મંદિરોની મુલાકાતો ગોઠવાઈ રહી છે. પુજારીઓ તો દરેક નેતાઓને  તિલક કરીને આશીર્વાદ આપી રહ્યા છે. હવે આ આશીર્વાદ કોને કેટલા ફળશે તે તો પરિણામ જાહેર થાય ત્યારે ખબર પડશે.! ચૂંટણી પ્રચારમાં સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો હોવા છતાં રાજકીય આગેવાનો પરંપરાગત ડોર ટુ ડોર પ્રચાર કાર્ય કરી રહ્યા છે. કેટલાક લોકો એવું કહેતા સંભળાયા કે કયારેય શેરીઓમાં ગાડીઓ ઉભી નહીં રાખનારા નેતાઓ હવે ચૂંટણીઓ આવી છે એટલે શેરીઓમાં એકાએક પ્રગટ થઈ રહ્યા છે અને ઘરે ઘરે ફરીને મતદારોને રીઝવી રહ્યા છે. ભાજપે મહાસંપર્ક અભિયાન હાથ ધર્યુ તેમાં પ્રધાનો,  નેતાઓ પત્રિકાઓ લઈને ઘરે ઘરે ફર્યા હતા. ભાજપનાં આ અભિયાન બાદ કૉંગ્રેસે પણ ઘરે ઘરે જવાનું એક કેમ્પેઈન મંગળવાર તા.૧૪મીથી શરૃ કર્યું છે. રાજયસ્તરનો આ કાર્યક્રમ અપાયો છે. પ્રદેશ કૉંગ્રેસનાંં પ્રભારી અશોક ગેહલોત સહિતનાં નેતાઓ આ અભિયાનમાં જોડાયા હતા. આમ ગુજરાતમાં ચૂંટણીમાં રાજકીય નેતાઓએ નવો મંત્ર અપનાવ્યો છે તે છે ઘર ઘર..મંદિર..મંદિર..

You might also like