ગુજરાતની ચૂંટણીઃ કૉંગ્રેસમાં ઉત્સાહ સાથે ચિંતા પ્રવર્તે છે…

ગુજરાતમાં રાહુલ ગાંધીને મળેલા ભારે પ્રતિસાદથી દિલ્હીના કૉંગ્રેસીઓ ભારે ઉત્સાહમાં છે. ભાજપ-વિરોધી પ્રચારમાં યુવાનોને આગળ રાખવામાં આવ્યા છે. પરંતુ પક્ષના વરિષ્ઠોને એવો ભય સતાવી રહ્યો છે કે આ યુવા નેતૃત્વને આગળ કરવાથી પક્ષના જૂના જોગીઓ નારાજ થવાની શક્યતા છે. અશોક ગેહલોતને ગુજરાતના પ્રભારી બનાવી ચૂંટણીનો હવાલો સોંપાયો છે પણ રાહુલ ગાંધીએ તેમની નીચે ચાર ડેપ્યૂટીની નિમણૂક કરી છે. તેમાંના એક બાળાસાહેબ થોરાટ છે. એ ઉમેદવારોની પસંદગી માટેની સ્ક્રીનિંગ સમિતિના વડા છે અને સીધા રાહુલને રિપોર્ટ કરે છે. તાજેતરમાં એવો છબરડો થયો કે હાર્દિક પટેલની નિકટના રેશમા પટેલ કૉંગ્રેસની છાવણીમાંથી સરકી ગયા. રેશમાની શરત એ હતી કે તેને સૌરાષ્ટ્રમાં કેશોદની બેઠક પર ટિકિટ આપવામાં આવે. રેશમા એ સુનિશ્ચિત કરવા માટે દિલ્હી દોડી ગયા હતા. પરંતુ હાર્દિકે તેમને ટિકિટ આપવા સામે વાંધો લેતાં કૉંગ્રેસે પીછીહઠ કરી લીધી. પરિણામે હાર્દિકના પ્રવક્તા વરુણ પટેલ અને રેશમા – બન્ને ભાજપમાં જોડાઇ ગયા. અનામત આંદોલન પર પોતાનું વર્ચસ્વ હોવાનો દાવો કરતા હાર્દિક પટેલ એટલા મહત્વાકાંક્ષી અને આત્મકેન્દ્રી તેમજ પોતાની જાતને અત્યંત મહત્વના વ્યક્તિ માને છે કે તેઓ કૉંગ્રેસમાં રાહુલ સિવાય કોઇની સાથે વાત કરવાનું પસંદ કરતા નથી. પાટીદારોને અનામત માટેની ફોર્મ્યૂલા તૈયાર કરનાર કપિલ સિબલ ખાસ અમદાવાદ આવ્યા હતા ત્યારે પણ તેમના અનેક પ્રયાસો છતાં તેઓ માત્ર હાર્દિકના એક પ્રતિનિધિને જ મળી શક્યા હતા.

You might also like