રૂ. ૫૦૦ કરોડનાં કૌભાંડમાં અભય ગાંધી સામે પાંચ વર્ષ પછી પણ હજુ તપાસ ચાલી રહી છે

અમદાવાદ: અમદાવાદ સહિત ગુજરાતભરમાં લોભામણી જાહેરાતો આપીને આશરે 500 કરોડનું કૌભાંડ આચનાર અભય ગાંધી અને પારસ ગાંધી સામેના કેસોમાં હાલ તપાસ ચાલી રહી છે અને વધુ તપાસની હવે જરૂર નથી. તેમ પોલીસ અધિક્ષકે કોર્ટમાં લેખિતમાં જણાવ્યું છે. બીજી તરફ આરોપીઓ સામે નીચલી કોર્ટમાં ( ક્રાઈમ બ્રાન્ચની કોર્ટમાં)કેસ ચાલતો નહીં હોવાથી જામીન મેળવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી.જેમાં હાઈકોર્ટે નવરંગપુરાની કોર્ટમાં કેસ ટ્રાન્સફર કરવા માટે નિર્દેશ આપ્યો હતો.જેને પગલે કોર્ટ નંબર 11માંથી કેસ 13મી કોર્ટમાં ટ્રાન્સફર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, અભય ગાંધી અને તેના મળતિયાઓ સામે આરબીઆઈ અને એન્ફોર્સમેન્ટ વિભાગે પણ કાર્યવાહી હાથ ધરી છે.  અમદાવાદ શહેરના એ.આઈ.એસ.ઈ.કેપિટલ મેનેજમેન્ટ પ્રા.લિ.ની કંપની ખોલીને તેમાં રોકાણકારો પાસેથી લાખોની રકમ ઉઘરાવીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું.જેમાં અભય ગાંધી અને પારસ ગાંધી મુખ્ય સૂત્રધારો હતા. રોકાણકારો પાસેથી ઉઘરાવેલાં નાણાંનું શેરબજારમાં રોકાણ કરવામાં આવતું હતું. રોકાણકારોને પાંચથી વીસ ટકાનું વ્યાજ ત્રણથી છ માસમાં ચૂકવવાની લોભામણી જાહેરાત કરવામાં આવી હતી. જમાલપુરમાં રહેતા ઈશાદ અહેમદ શેખે અભય ગાંધી સહિત અન્યો સામે 31-5-2011ના રોજ ફરિયાદ કરી હતી.

જેમાં અભય ગાંધી નાસી ગયો હતો.જયારે અભય ગાંધીનો ભાઈ પારસ ગાંધીની 23-7-2011ના રોજ ધરપકડ કરવામાં આવી હતી.જેમાં કેટલાક રાજકારણીઓ અને પોલીસ અધિકારીઓનું રોકાણ હોવાનો આક્ષેપ થયો હતો.જો કે,તપાસમાં કોઈ તથ્ય બહાર આવ્યું નહોતુ. બીજી તરફ તપાસનીશ અધિકારી નિર્લિપ્ત રાયે પુરાવા એકઠા કરીને 4-8-2011ના રોજ કોર્ટમાં ચાર્જશીટ મૂકી હતી. આ કેસમાં વોન્ટેડ અભય ગાંધી નાટકીય ઢબે 2013માં પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.પછી અભય ગાંધીએ કેસ ચાલતો નહીં હોવાથી જામીન મેળવવા માટે અરજીઓ કરી હતી.

જે અરજીઓ નીચલી કોર્ટે ના મંજૂર કરી હતી.દરમિયાનમાં આ કેસમાં નાણાકીય વ્યવહારોની તપાસ યોગ્ય દિશામાં થઈ નહીં હોવાથી તેની તપાસ કરવા માટે દાદ માગવામાં આવી હતી.જેમાં તપાસનીશ અધિકારી નિર્લિપ્ત રાયે કોર્ટમાં લેખિતમાં જણાવ્યું હતું કે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મારફતે તપાસ કરવા માટે પોલીસ વડાને પત્ર પાઠવવામાં આવ્યો હતો.જેમાં શહેરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો પાસેથી ભાવ મગાવવામાં આવ્યા હતા.જેમાં સૌથી ઓછું ટેન્ડર 12 લાખનું આવતાં તેમની મારફતે તપાસ કરાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસનીશ અધિકારી દ્વારા કોર્ટમાં લેખિતમાં જણાવ્યું હતું કે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મારફતે તપાસ કરાવવા માટે કાર્યવાહી ચાલી રહી છે.

ઉપરાંત એન્ફોર્સમેન્ટ વિભાગ દ્વારા પણ અભય ગાંધી સહિત અન્યો સામે તપાસ કરીને પીએમએસના કાયદા હેઠળ કાર્યવાહી કરી છે. તપાસનીશ અધિકારી કેસના દસ્તાવેજો અને સીડીની કોપી રિઝર્વ બેંકમાં રૂબરૂ આપીને આવતા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના જનરલ મેનેજર કુલદીપસિંહ દ્વારા અભય ગાંધી તથા અન્યો સામે વાયોલેન્ટ પ્રોવિઝન 45(1)એ ઓફ આરબીઆઈ એકટ મુજબ મેટ્રો.કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવી છે. હવે આ કેસમાં વધુ તપાસ કરવાની જરૂર રહેતી નથી, બીજી તરફ હાઈકોર્ટના હુકમ મુજબ કેસ અન્ય કોર્ટમાં ટ્રાન્સફર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ વિભાગે અભય ગાંધી અને તેના એન્જટોની મિલકતો ટાંચમાં લેવાની કાર્યવાહી પણ હાથ
ધરી છે.

You might also like