પાક.માં અફઘાનિસ્તાનના ઉપરાજ્યપાલનું અપહરણ

ઈસ્લામાબાદ: અફઘાનિસ્તાનના કુનાર પ્રાંતના ઉપ રાજ્યપાલ મહંમદ નબી અહેમદીનું પાકિસ્તાનના પેશાવર શહેરમાંથી અજાણ્યા લોકોએ અપહરણ કરી લીધું છે. મહંમદ નબી અફઘાન યોદ્ધા ગુલબુદીન હિકમતયારની હિબ્જ એ ઈસ્લામી પાર્ટીના નેતા છે. જોકે તેમના અપહરણ અંગે હજુ કોઈ આતંકી સંગઠને જવાબદારી સ્વીકારી નથી.

પાકિસ્તાનના પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મહંમદ નબી તેમના ભાઈ સાથે પેશાવર આવ્યા હતા. ત્યારે ગત શુક્રવારે પેશાવરમાં તેઓ પગપાળા જઈ રહ્યા હતા ત્યારે એક કાળા કલરના કાચવાળી કારમાં આવેલા કેટલાક અજાણ્યા શખસોએ તેમનું અપહરણ કરી લીધું હતું. આ ઘટના બાદ મહંમદ નબીના ભાઈએ પોલીસમાં તેમના ભાઈનું અપહરણ થયાની જાણકારી આપી હતી. પરંતુ મહંમદ નબીના ભાઈએ તેમના ભાઈ અફઘાનિસ્તાનમાં ઉપ રાજ્યપાલ છે તેવી માહિતી આપી ન હતી. તેમની પાસે પાસપોર્ટ ન હતો. આ ઘટના બાદ કુનાર પ્રાંતના ગવર્નરના પ્રવકતા અબ્દુલ ગનીએ પણ આ વાતને સમર્થન આપ્યું છે.

પ્રવકતાએ વધુમાં જણાવ્યુ હતુ કે મહંમદ નબી ચિકિત્સા ઉપચાર માટે રજા પર હતા. અફઘાનિસ્તાનના અમીર લોકો તેમની સારવાર માટે પાકિસ્તાન આવે છે. પાકિસ્તાન પોલીસના જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાન સરકારે તેમને મહંમદ નબીના પ્રવાસ અંગે માહિતી આપી ન હતી. જો અફઘાનિસ્તાન સરકારે આવી માહિતી આપી હોત તો તેમને પાકિસ્તાન પોલીસ તરફથી પૂરતી સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હોત. દરમિયાન તાલિબાનના પ્રવકતા જબીહુલ્લા મુજાહિદે એક નિવેદન જારી કરી મહંમદ નબીના અપહરણમાં તાલિબાનનો હાથ હોવાની વાતનો ઈનકાર કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની સરકારનો આમ તો સમગ્ર દેશમાં આતંકીઓ પર કોઈ અંકુશ નથી. પરંતુ પેશાવર પ્રાંતમાં તો આતંકીઓની સત્તા જ હોય તેવું જોવા મળી રહ્યું છે. જોકે આ અંગે હાલ પાકિસ્તાન સરકાર તપાસ કરી રહી છે. તાલિબાને આ અપહરણ સાથે તેને કોઈ લેવાદેવા નથી તેવી સ્પષ્ટતા કરી છે ત્યારે બીજી તરફ આ મામલે હજુ કોઈ આતંકી સંગઠને જવાબદારી સ્વીકારી નથી. તેથી આ મામલો વધુ ગૂંચવાયો છે.

You might also like