એબીએ નક્કી કર્યું હતું, તાજમહાલ સામે જ ડેનિયલને કરશે પ્રપોઝ

બેંગલુરુઃ આજકાલ એબી ડિવિલિયર્સ આઇપીએલને કારણે ઘણો ચર્ચામાં છે. ડિવિલિયર્સે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો કે તેણે પોતાની ગર્લફ્રેન્ડ ડેનિયલને તાજમહાલની સામે લગ્ન માટે કેવી રીતે પ્રપોઝ કર્યું હતું.

એબીએ જણાવ્યું, ”પાંચ વર્ષ પહેલાં મારાં લગ્ન થયાં હતાં અને એ પહેલાં જ્યારે હું ભારત આવ્યો હતો ત્યારે કેટલાક ફોટોગ્રાફર્સને મારી સાથે આગ્રા લઈ ગયો હતો અને ડેનિયલને જણાવ્યું હતું કે તેઓ મારા સિક્યોરિટી ગાર્ડ્સ છે. હું ઇચ્છતો હતો કે ફોટોગ્રાફર્સ એ ક્ષણને કેમેરામાં કેદ કરી લે.”

ડિવિલિયર્સે ૨૦૧૩માં પોતાની ગર્લફ્રેન્ડ ડેનિયલ સાથે લગ્ન કર્યાં હતાં અને હવે તેમને બે બાળકો પણ છે. તેણે ડેનિયલને ઐતિહાસિક સ્થળ તાજમહાલ સામે પ્રપોઝ કર્યું હતું. ડિવિલિયર્સે હવે આ અંગેનું રહસ્ય ખોલીને જણાવ્યું કે તેણે શા માટે ડેનિયલને પ્રપોઝ કરવા માટે તાજમહાલની પસંદગી કરી.

ડિવિલિયર્સે જણાવ્યું, ”આઇપીએલના થોડા મહિલા પહેલાં હું પ્લાનિંગ કરી રહ્યો હતો. મેં રિંગ ખરીદી લીધી હતી અને નક્કી કરી લીધું હતું કે તાજમહાલ સામે જઈને જ પ્રપોઝ કરવું. પછી જ્યારે હું આઇપીએલમાં રમવા આવ્યો ત્યારે સિક્યોરિટી ગાર્ડ્સથી ઘેરાઈ ગયો.

હકીકતમાં તેઓ વીડિયોગ્રાફર્સ અને ફોટોગ્રાફર્સ હતા, જેઓ દરેક ક્ષણની વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી રહ્યા હતા. મેં ડેનિયલને કહ્યું કે મારે સિક્યોરિટી ગાર્ડ સાથે ટ્રાવેલ કરવાનું છે. અમે આગ્રા પહોંચ્યા અને તાજમહાલ સામે મેં ડેનિયલને પ્રપોઝ કર્યું અને એ બધું કેમેરામાં કેદ થઈ ગયું. ડેનિયલને પ્રપોઝ અંગે પહેલાં કોઈ જાણકારી નહોતી તેથી તેના માટે આ એક મોટી સરપ્રાઇઝ હતી.”

એબી એ ક્ષણોને ખાસ માને છે. એ ઘટનાને યાદ કરીને એબી કહે છે, ”જ્યારે તે આગ્રાથી પાછાે ફર્યો અને વિરાટને પ્રપોઝ અંગે જણાવ્યું ત્યારે વિરાટે કહ્યું હતું – તું અમારા માટે સ્ટાન્ડર્ડ ઘણું ઊંચું કરી રહ્યો છે. ત્યાર બાદ મેં જોયું કે વિરાટે અનુષ્કા માટે પણ ઘણું સારું કર્યું હતું.” ઉલ્લેખનીય છે કે વિરાટ અને ડિવિલિયર્સ સારા મિત્રો પણ છે.

You might also like