૬૦૦ વર્ષ જૂની અૈતિહાસિક દીવાલ ધરાશાયી થવાના અારે

અમદાવાદ: અમદાવાદના ઐતિહાસિક દરવાજાઓમાં જેની ગણતરી થાય છે એવા કાલુપુર દરવાજાનો કેટલોક ભાગ ધરાશાયી થઇ ગયો હતો. આ પહેલાં પણ ખાનપુર દરવાજાની દીવાલ તૂટી પડતાં એકનું મૃત્યુ થયું હતું. ત્યારે અમદાવાદની ૬૦૦ વર્ષ જૂની ખાનપુરથી રાયખડ સુધીની બે કિલોમીટર લાંબી નદીના કિનારે આવેલી ઐતિહાસિક દીવાલના કાંગરા ખરી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ ઐતિહાસિક વારસો જાળવી રાખવા માટે 4 કરોડ રૂપિયાના ખર્ચે 2 કિલોમીટરની દીવાલને ટ્રેડિશનલ પદ્ધતિથી રિસ્ટોરેશન કરવાની તૈયારી કરી રહ્યું છે.
ઇ. સ. ૧૪૧૧ની ૨૭મી ફેબ્રુઆરીના રોજ સાબરમતી નદીની પૂર્વ દિશામાં અને જૂના શહેર અશાવલ અને કર્ણાવતીથી નજીકના વિશાળ અને ખુલ્લા વિસ્તારમાં અમદાવાદ શહેરનો પાયો નખાયો હતો. અહમદશાહ બાદશાહે શહેરના 10 કિલોમીટરના વિસ્તારમાં દીવાલ બનાવવાનું કામ શરૂ કરાવ્યું હતું. જોકે તેના પૌત્ર મહંમદ બેગડાએ 1558માં દીવાલ બનાવવાનું કામ પૂર્ણ કર્યું હતું. આ સાથે 12 દરવાજાઓ બનાવ્યા હતા. અંગ્રેજ શાસન કાળ દરમ્યાન અંગ્રેજોએ પણ શહેરના કોટ વિસ્તારમાં નવા બે દરવાજાઓનું નિર્માણ કર્યું હતું.
અમદાવાદની ઓળખ ગણાતી 10 કિલોમીટરની દીવાલનો કેટલોક ભાગ 1940માં તોડી નાખવામાં આવ્યો હતો. ત્યારે અમદાવાદની ઓળખ ગણાતી ઐતિહાસિક દીવાલને આજે લોકો ભૂલી રહ્યા છે. રિવરફન્ટ પાસે બે કિલોમીટર લાંબી ઐતિહાસિક દીવાલના કાંગરા ખરી રહ્યા છે. હાલત એટલી ખરાબ છે કે ગમે ત્યારે ‌દીવાલ પડી જાય તેવી શક્યતા છે. દીવાલ ઉપર પીપળાનાં વૃક્ષ ઊગી ગયાં છે અને મોટાંમોટાં ગાબડાં પણ પડ્યાં છે.
અમદાવાદ મ્યનિસિપલ કોર્પોરેશન રૂ. 4 કરોડ ખર્ચે ટ્રેડિશનલ પદ્ધતિથી દીવાલનું રિસ્ટોરેશન કરાશે. બે કિલોમીટરની દીવાલને 4 તબક્કામાં રિપેર કરવામાં આવશે. જેમાં ગુજરીબજારથી રાયખડ દરવાજા સુધીની મંજૂરી મળી ગઇ છે. રાયખડ દરવાજાથી ખાનજહાં દરવાજા સુધીની દીવાલ પાછળ રૂ.૧.૧૩, નહેરુબ્રિજ થી લાલ દરવાજા હોમગાર્ડ ગ્રાઉન્ડ પાછળના દીવાલ પાછળ રૂ. 1.18 કરોડ રૂપિયા ખર્ચાશે. એલિસબ્રિજથી લાલ દરવાજા હોમગાર્ડ ગ્રાઉન્ડ પાછળનો ભાગ 1.26 કરોડના ખર્ચે રિસ્ટોર કરાશે.
પહેલાના સમયમાં જ્યારે મકાન કે પછી કોઇ ઇમારતો બનાવવામાં આવતી હતી ત્યારે સિમેન્ટનો ઉપયોગ થતો નહી. રેતી, ચૂનો, સુરખી ગોળ, મેથી, ગૂગળ નાખીને ઇમારતો તથા મકાનોનું નિર્માણ થતું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશને પણ આ દીવાલોનાં રિસ્ટ્રોરેશન માટે ટ્રેડિશનલ પદ્ધતિનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. હેરિટેજ વિભાગના ડેપ્યુટી જનરલ મેનેજર પી.કે.નાયરે જણાવ્યું છે કે બે કિલોમીટર દીવાલનાં રિસ્ટ્રોરેશનની કામગીરીને મંજૂરી મળી ગઇ છે ટ્રેડિશનલ પદ્ધતિથી આ દીવાલનું રિસ્ટ્રોરેશન થશે જેમાં ક્યાંય પણ સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવશે.

You might also like