રાજસ્થાનમા આપ ના કાર્યકર્તાઓ સાથે થઇ મારપીટ

જયપુર : રાજસ્થાનના ઝલાવાડ જીલ્લાના રાયપુરના એક ગામમાં પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ભાજપના કાર્યકર્તાઓએ માર માર્યાની ઘટના સામે આવી હતી. રાજસ્થાનમા આવેલ ઝલાવાડ જીલ્લાના રાયપુરના દીવલ ખેડા ગામમાં આપના કેટલાક સમર્થકો પોતાની પાર્ટીના પ્રચાર અર્થે ગયા હતા ત્યારે ત્યાંના સ્થાનિક ભાજપ કાર્યકર્તાઓએ આપના લોકો સાથે મારપીટ કરતા આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો.

આ ઘટનાને કારણે રાયપુર પોલીસને જાણ થતા તે ઘટના સ્થળે આવી પહોંચી હતી. ભાજપના કાર્યકર્તાઓએ પોલીસના પોતાના નિવેદનમા જણાવ્યું હતુ કે આપના કાર્યકર્તાઓ ગ્રામજનોને જબરદસ્તી પાર્ટીની ટોપીઓ પહેરાવી રહ્યા હતા અને સભ્યપદના ફોર્મ પર હસ્તાક્ષર કરાવી રહ્યા હતા અને રાજ્યના મુખ્યમંત્રી વસુંધરા રાજે વિરૂદ્ધ ભાષણ આપી રહ્યા હોવાને કારણે ભાજપના કાર્યકર્તા ગુસ્સે ભરાયા હતા.

તો બીજી તરફ આપના કાર્યકર્તાઓએ ભાજપના કાર્યકર્તાઓ વિરૂધ્ધ આરોપ લગાવ્યો છે કે, ખેડૂત સંમેલનને લઇને પ્રચાર કરી રહ્યા હતા અને ત્યારે ભાજપના કાર્યકર્તાઓએ તેમની સાથે મારપીટ કરી હતી અને તેમની કારના કાચ તોડી નાખ્યા હતા અને પોસ્ટરો ફાડીને સળગાવી દીધા હતા.

આ ઘટનાને પગલે સ્થાનીક પોલીસે બંન્ને પક્ષના નિવેદનો નોંધીને ઘટનાના સંદર્ભમા વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આપના કાર્યકર્તાઓ દ્વારા પ્રચાર-પ્રસાર કરવામા આવી રહ્ય હતો ત્યારે અચાનક ચડી આવેલ ભાજપના સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા આપના પ્રચારકો સાથે મારપીટ કરી હતી અને તેમના ગાડીઓના કાચ પણ ફોડી નાખ્યા હતા.

You might also like