કેજરીવાલને ફટકોઃ ‘આપ’ના MLA પવનકુમાર શર્માને ૧૮ માસની જેલ

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પવનકુમાર શર્માને દિલ્હી હાઈકોર્ટે 18 માસની સજા સંભળાવતાં કેજરીવાલને વધુ એક ફટકો પડ્યો છે. કોર્ટે ધારાસભ્ય પવનકુમારને તેમની બેદરકારીથી એક કર્મચારીનું મોત થવા બદલ દોષિત જાહેર કર્યા હતા તેમજ તેમને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પવન કુમારને મેટ્રોપો‌િલટન મેજિસ્ટ્રેટ વીરેન્દ્રસિંહે આ સજા સંભળાવી હતી.

આ અંગે શર્માએ જણાવ્યું હતું કે તે આ મામલે હવે સુપ્રીમમાં અપીલ કરશે. મળતી માહિતી મુજબ આ ઘટના 2009ની છે, જેમાં સમયપુર બાદલીમાં શર્માની એક સ્ટીલની ફેક્ટરી છે, તેમાં રામકુમાર નામના એક રોલિંગ મશીન ઓપરેટરને કામ કરતાં ઈજા થઈ હતી. તેને રોહિણી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ત્યારબાદ ફેક્ટરીમાં કામ કરતા અન્ય કર્મચારીઓએ શર્મા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી કે શર્માએ તેમની ફેક્ટરીમાં ખરાબ મશીન લગાવ્યાં છે અને કર્મચારીઓના જણાવ્યા અનુસાર આ બાબતે તેમણે શર્માને અનેક વાર જાણ કરી હતી, પરંતુ શર્મા તે અંગે ધ્યાન આપવાના બદલે આવા લોકોને કામ છોડીને જતા રહેવાની સલાહ આપતા હતા.

You might also like