જેટલી વિરુદ્ધનાં યુદ્ધમાં હવે આપની મદદે મોદી

નવી દિલ્હી : ડીડીસીએનાં મુદ્દે ચાલી રહેલા રાજકીય યુદ્ધમાં જેટલી અને આપ પોતાની તમામ તાકાત લગાવી રહ્યા છે. જો કે હવે આ વહેતી ગંગામાં લલિત મોદી પણ હાથ ધોઇ લેવા માટે કુદી પડ્યા છે. લલિત મોદીએ શુક્રવારે સાંજે ટ્વીટ કરીને કહ્યું કે અરૂણ જેટલી મુદ્દે આમ આદમી પાર્ટી તેની સાઇટની મદદ લઇ શકે છે. મોદીએ લખ્યું અરૂણ જેટલી અંગે ડેટા જોઇએ તો આમ આદમી પાર્ટી મારી વેબસાઇટ અને ટાઇમલાઇન ચેક કરી શકે છે અને તેમની ટીમને હું લંડનમાં પણ મળી ચુક્યો છું.
નોંધનીય છે કે થોડા દિવસો અગાઉ મુખ્યમંત્રીની ઓફીસ પર સીબીઆઇનાં દરોડા બાદ મુખ્યમંત્રી કેજરીવાલ સહિત સંપુર્ણ આમ આદમી પાર્ટીએ મોદી સરકારની વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. કેજરીવાલે દાવો કર્યો કે તેમની ઓફીસ પર દરોડો કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલીનાં ઇશારે પાડવામાં આવ્યો હતો. કારણ કે જેટલી ડીડીસીએનાં ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે.
કેજરીવાલે તેવો પણ દાવો કર્યો કે તેની પાસે તપાસ કમિશનનો રિપોર્ટ આવ્યો હતો. માટે સીબીઆઇ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જો કે જેટલીએ કેજરીવાલ દ્વારા કરવામાં આવેલા આરોપોને ફગાવી દીધા હતા. તે ઉપરાંત એક બ્લોગ દ્વારા પોતાનાં તરફથી સ્પષ્ટતા કરી હતી.

You might also like