‘આપ’ના નેતાઓ દ્વારા પંજાબમાં ટિકિટના બદલામાં મહિલાઓનું કરાતું યૌન શોષણ

નવી દિલ્હીઃ કેજરીવાલ સરકારમાં પૂર્વ પ્રધાન અને આમ આદમી પાર્ટીના (આપ) નેતા સંદીપકુમારની દિલ્હી પોલીસ દ્વારા બળાત્કારના કેસમાં ધરપકડના એક િદવસ બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ કેજરીવાલ સરકાર સામે લેટર બોમ્બ ફેંકીને આમ આદમી પાર્ટીમાં મોટા પાયે મહિલાઓનાં યૌન શોષણ અને વ્યભિચાર ચાલતો હોવાનો ચોંકાવનારો પર્દાફાશ કર્યો છે.
દિલ્હીના બીજવાસન મત વિસ્તારના ‘આપ’ના જ ધારાસભ્ય દેવેન્દ્ર શેરાવતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને પત્ર લખીને પોતાના જ પક્ષના વરિષ્ઠ નેતાઓ પર ચોંકાવનારા આક્ષેપો કર્યા છે.

દેવેન્દ્ર શેરાવતે એવો આક્ષેપ કર્યો છે કે પંજાબમાં ટિકિટ આપવા માટે ‘આપ’ના સિનિયર નેતાઓ દ્વારા મહિલાઓનું યૌન શોષણ કરવામાં આવે છે. આ નેતાઓમાં દુર્ગેશ પાઠક અને સંજયસિંહનો પણ સમાવેશ થાય છે. આ પત્રમાં દિલ્હીના ધારાસભ્યોના કામકાજમાં દખલગીરી કરવાનો દિલીપ પાંડે પર પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

પત્રમાં દેવેન્દ્ર શેરાવતે જણાવ્યું છે કે અરવિંદ કેજરીવાલજી હું કેટલાક મુદ્દાઓ પર આપનું ધ્યાન દોરવા માગું છું. પહેલી વાત એ છે કે મને પક્ષના કેટલાક કાર્યકરોએ પંજાબમાં ટિકિટ વિતરણ દરમિયાન થયેલા યૌન શોષણના કેટલાક કિસ્સાઓ અંગે જણાવ્યું છે. હું પંજાબના લોકોને મળ્યો હતો અને આ આક્ષેપોમાં વાસ્તવિક હકીકતો અંગે જાણવાની કોશિશ કરી હતી.

મને લાગે છે કે તમે અને દિલ્હીના બાકીના ધારાસભ્યો એ અંગે અજાણ છે કે સંજયસિંહ, દુર્ગેશ પાઠક અને દિલ્હીથી આવેલા બાકીના પક્ષના પ્રતિનિધિઓ પંજાબમાં શું શું કરી રહ્યા છે. દિલીપ પાંડે પણ દિલ્હીમાં કંઈક આવું જ કરી રહ્યા છે. છોકરીઓ સાથે તેમના ફોટો ઈન્ટનેર અને સોશિયલ સાઈટ પર સરક્યુલેટ થઈ રહ્યા છે અને તેઓ પક્ષના ધારાસભ્યોની કામગીરીમાં બિનજરૂરી દખલ કરી રહ્યા છે.

આપે શેરાવતના આ પત્રને ગુસ્સામાં લખેલો હોવાનું જણાવીને ફગાવી દીધો છે. પાર્ટીએ જણાવ્યું છે કે તેઓ આ પત્ર પર કોઈ પ્રતિક્રિયા આપશે નહીં. દિલ્હીમાં આપના સંયોજક દિલીપ પાંડેએ જણાવ્યું હતું કે શેરાવત પાસે પોતાના દાવાના સંદર્શનના કોઈ પુરાવા નથી.

You might also like