જાણીતાં બેન્કર અને ‘આપ’નાં નેતા મીરાં સાન્યાલનું કેન્સરથી નિધન

નવી દિલ્હી: કેન્સરની બીમારીથી પીડાતા બેન્કરમાંથી રાજનેતા બનેલા મીરાં સાન્યાલનું શુક્રવારે નિધન થયું છે. ૫૭ વર્ષનાં મીરાં સાન્યાલે રોયલ બેંક ઓફ સ્કોટલેન્ડમાં ભારતની મુખ્ય કાર્યકારીના રૂપમાં નોકરી છોડ્યા બાદ આમ આદમી પાર્ટી જોઈન્ટ કરી હતી. ૨૦૧૪માં તેઓ લોકસભાની ચૂંટણી પણ લડ્યા હતા. મીરાં સાન્યાલના નિધન પર દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે શોક વ્યક્ત કર્યો હતો.

ટ્વિટમાં મીરાં સાન્યાલના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કરતાં કેજરીવાલે કહ્યું હતું કે દેશે એક મહત્ત્વની આર્થિક બાબતોની જાણકારી રાખનાર મહિલાને ગુમાવી દીધી છે. હું તેમના મૃત્યુ અંગે જાણીને ખૂબ જ દુઃખી છું. મારી પાસે તે દુઃખને વર્ણવવાના શબ્દો નથી.

આપ નેતા અને દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને કહ્યું કે હું મીરાં સાન્યાલના મૃત્યુના સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખી થયો છું. ભગવાન તેમના આત્માને શાંતિ આપે તેઓ હંમેશાં અમારા દિલમાં જીવીત રહેશે.

રાજકારણમાં આવતાં પહેલાં તેમની ૩૦ વર્ષની બેન્કિંગ કારકિર્દી રહી હતી. કોચીમાં જન્મેલાં સાન્યાલે કોર્પોરેટ ફાઈનાન્સના પ્રમુખ અને એશિયા માટે એબીએન એમરોના ચીફ ઓપરેટિંગ ઓફિસરના રૂપમાં પણ કામ કર્યું હતું. તેમણે દક્ષિણ મુંબઈમાંથી ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી લડી હતી, પરંતુ તેઓ હારી ગયા હતા.

You might also like