આમ આદમી પાર્ટીએ ગુજરાત સરકારના બજેટને ગણાવ્યું લટકતા ગાજર જેવું

અમદાવાદ:  ગઈ કાલે ગુજરાત સરકારે રજુ કરેલું બજેટ એ રાજ્ય ના આમ આદમી માટે સદંતર નિરાશાજનક, છેતરામણું અને લટકતા ગાજર જેવું છે. જેમકે, 66000 યુવાનો ને રોજગાર આપવાની બજેટ માં વાત કરી પરંતું રાજ્યમાં સરકારી ચોપડે નોંધાયેલ બેરોજગાર યુવાનોનો આંકડો 8 લાખ જેટલો છે તેનું શું? વળી, બીજા જે લાખો યુવાનો સરકારી ચોપડે બેરોજગાર તરીકે નોંધાયેલા નથી એ મહાપ્રચંડ આંકડો તો જુદો! એટલુંજ નહિ, પાયાનો સવાલ તો એ છે કે આ 66000 યુવાનો ને ગુજરાત સરકાર કાયમી નોકરી અને છઠ્ઠા પગારપંચ નો લાભ આપશે કે પછી લોકરક્ષકો, વિદ્યા-સહાયકો સહિતના લાખો કર્મચારીઓની માફક 4500 માં વૈતરું કરાવી તેમનું અવિરત શોષણ કરશે? નર્મદા યોજના માં 9050 કરોડ ની આ બજેટ માં જાહેરાત કરવામાં આવી પરંતુ વાસ્તવિકતા એ છે કે અગાઉના બજેટો માં 70000 કરોડ ફાળવેલા હોવા છતાં 53000 કિલોમીટર લાંબી કેનાલોનું કામ પુરું થયું નથી. વળી, ગયા બજેટમાં ફાળવેલા 9000 કરોડમાંથી 400 કરોડ જ વપરાયા છે.

ખેડૂત વર્ગ સિંચાઈ થી વંચિત હોવા છતાં ન તો આ કેનાલ નું કામ કરવામાં આવે છે ન તો ભ્રષ્ટાચારના કારણે તૂટેલી કેનાલોનું રીપેરીંગ કરવામાં આવે છે અને ઉપરથી આ પાણી ઉદ્યોગ-ગૃહોને પાણી પહોંચાડવાનો કારસો કરેલ છે. મનરેગા યોજના માટે 780 કરોડ ફાળવ્યા છે પરંતુ આજે ગ્રામીણ વિસ્તાર માં ખેતમજુરી માટે ચુકવવામાં આવતા લઘુત્તમ વેતન ના સંદર્ભ માં આ રકમ ને જોઈએ તો 5800000 ખેતમજુરો માંથી માંડ 500000 લોકોને પણ તેનો લાભ મળી શકે તેમ નથી – ટેકાના ભાવ આપવાની વાત તો બાજુ પર રહી.

શિક્ષણ ક્ષેત્રે 23815 કરોડ નું બજેટ ફાળવ્યું છે જે ગયા બજેટ કરતાં 3115 કરોડ જ વધારે છે પરંતુ હાલમાં 40000 શિક્ષકો, 3000 કોલેજ પ્રાધ્યાપકો અને મોટા ભાગની સંસ્થાઓ માં પ્રિન્સીપાલો ની જગ્યાઓ ખાલી છે તો માત્ર 3000 કરોડ ના કાગજી વધારા માં આ ખાલી જગ્યાઓ ક્યાંથી ભરાશે? એટલુંજ નહિ આટલો નજીવો વધારો એ તો શિક્ષકોના પગાર પાછળ જ ખર્ચાઈ જશે ત્યારે અહીં એ ખાસ કહેવાનું મન થાય કે દિલ્લી ની “આપ” સરકારે બમણું કરી બતાવ્યું છે. વળી, 20 કરોડ ફાળવી 16 નવી કોલેજ ઉભી કરવાની જાહેરાત કરી છે એ હાસ્યાસ્પદ એટલા માટે છે કે આ 20 કરોડ ને 16 થી ભાગીએ તો કોલેજ દીઠ 1.25 કરોડ થાય જે રકમ માં સંસ્થા નું બિલ્ડીંગ પણ ન બને.

આરોગ્ય ક્ષેત્રે ગુજરાત સરકાર દ્વારા આ બજેટમાં જાહેરાત કરવામાં આવી છે કે 575 દવાઓ સરકારી દવાખાનાઓ માં મફત આપવામાં આવશે અને પોતાની પીઠ થાબડે છે ત્યારે ગુજરાત સરકારે દિલ્લી સરકાર દ્વારા માત્ર એક વર્ષ ના ટૂંકા સમયગાળામાં કેવી રીતે તમામા સરકારી દવાખાનાઓમાં દરેક પ્રકારની દવાઓ અને નિશુલ્ક કરી નાખ્યા છે એ આ સરકારે દિલ્લી ની સરકાર પાસેથી શીખવું જોઈએ. પરંતુ ગતિશીલ ગુજરાત ની વરવી વાસ્તવિકતા એ છે કે અહીના PHC, CHC, રેફરલ હોસ્પિટલ, સબ-સેન્ટર માં 60% થી વધારે મેડીકલ સ્ટાફ જ નથી. આ છતાં આ બજેટ જોઈએ તો એક તરફ વાઈબ્રન્ત સમિટ માટે 70 કરોડ અને ખાનગી હોસ્પિટલો માં 40 કરોડ જેટલી ટેક્સ રાહત આપવામાં આવે છે જે સ્પષ્ટપણે દેખાડે છે કે સામાન્ય નાગરિકોના આરોગ્યમાં સુધારો થાય તેમાં સરકાર ને કોઈ રસ નથી.

અમદાવાદ સિવિલ, વી એસ હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ કે LG હોસ્પિટલ ના જનરલ વોર્ડ માં કોઈ પણ દિવસે આંટો મારીએ ત્યારે સમજાય કે આ રાજ્ય માં આમ આદમી ઠેબે ચડે છે. સરકારે સિક્યુરીટી એકત ના અમલીકરણ ની વાત કરી બજેટ માં અંત્યોદય પરિવારોને 35 કિલો અનાજ અને બાકીનાને વ્યક્તિદીઠ 5 કિલો અનાજ વિતરણ ની વાત કરી છે જેનો લાભ અંદાજીત 3 કરોડ લોકોને મળે એ પ્રમાણેની સરકારી જાહેરાત છે. જે દેખાડે છે કે ગુજરાત માં અડધો અડધ પ્રજા
અત્યંત ગરીબીમાં જીવે છે.

5 લાખ થી વધારે ખેતીવાડી વીજળી જોડાણની અરજીઓ સમગ્ર ગુજરાત માં પેન્ડીંગ હોવા છતાં ફક્ત 1 લાખ ખેડૂતોને જ વીજળી આપવાની જાહેરાત કરીને બાકીના 4 લાખ ખેડૂતોને ઠેંગો બતાવી દીધો છે. 20લાખ કરોડના મૂડી રોકાણની વાતો વચ્ચે , મોટા ઉપાડે રજુ કરેલા આ બજેટની ભરમાર વચ્ચે આ રાજ્યના આમ આદમી વતી અમે ગુજરાતની સરકારને પૂછીએ છે કે જો રાજ્યમાં વિકાસ થઇ રહ્યો હોય તો રાજ્યનું દેવું 2લાખ કરોડ કેવી રીતે થઇ ગયું ?

You might also like