‘આપ’ તૂટવાના આરેઃ ૩૦થી વધુ ધારાસભ્ય છેડો ફાડવાના મૂડમાં

નવી દિલ્હી: દિલ્હી મ્યુનિ. કોર્પોરેશન (એમસીડી)ની ચૂંટણી પહેલાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (આપ)માં આંતરિક લડાઈ ચરમસીમાએ પહોંચી છે. કેટલાક લોકોનું માનવું છે કે આ આંતરિક વિખવાદના કારણે આમ આદમી પાર્ટી (આપ) તૂટી શકે છે. બવાનાના પક્ષના ધારાસભ્ય વેદ પ્રકાશ ભાજપમાં જોડાયા બાદ હવે એવું માનવામાં આવી રહ્યું છે કે આપના ચાર વધુ ધારાસભ્ય કોંગ્રેસના સંપર્કમાં છે. આ અગાઉ પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં પણ આપને પરાજયનો સામનો કરવો પડ્યો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આપના ભાગલા અંગે અફવાઓનું બજાર ગરમ છે અને અહેવાલો અનુસાર આપના ૩૦ જેટલા ધારાસભ્ય હવે બળવો પોકારવાના મૂડમાં છે અને ગમે તે ઘડીએ આપથી છેડો ફાડી શકે તેમ છે. એવા પણ સમાચાર છે કે આપના ઓછામાં ઓછા ચાર ધારાસભ્યએ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરી હતી.

આ ધારાસભ્યોએ કોંગ્રેસ પક્ષમાં જોડાવવા માટે તેમની સાથે પરામર્શ કર્યો હતો. આપ માટે સૌથી ચિંતાજનક વાત એ છે કે આ ચાર ધારાસભ્યએ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને એવી ખાતરી આપી છે કે તેમના પછી અન્ય ૩૧ ધારાસભ્ય પણ કોંગ્રેસમાં આવી શકે છે. આ મુદ્દે કોંગ્રેસમાં પણ સઘન ચર્ચાઓ ચાલી રહી છે, જોકે પક્ષના દિલ્હી એકમે આ પગલા સામે કેટલાક વાંધા રજૂ કર્યા છે. દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અજય માકન અને દિલ્હીના પ્રભારી તેમજ પક્ષના મહામંત્રીએ આ અંગે કોઈ પ્રશ્નનો જવાબ આપવા ઈન્કાર કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં આપના ૭૬ ધારાસભ્ય ચૂંટાયા હતા, તેમાંથી કેટલાક ધારાસભ્ય બાગી બની ચૂક્યા છે, જેમાં દેવેન્દ્ર સહરાવ્રત, પંકજ પુષ્કર અને પૂર્વ મંત્રી સંદીપકુમાર તેમજ અશિમ અહેમદ ખાનનો સમાવેશ થાય છે.
http://sambhaavnews.com/

You might also like