‘આપ’ના કન્વીનર સુખદેવ પટેલ ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ

અમદાવાદ: આમ આદમી પાર્ટી (આપ)ના પ્રદેશ કન્વીનર સુખદેવ પટેલને પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ બદલ ત્રણ વર્ષ માટે સભ્યપદેથી સસ્પેન્ડ કરાતા ‘આપ’ના કાર્યકરોમાં ખળભળાટ મચી ગયો હતો. ગત એપ્રિલ, ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચૂંટણી દરમિયાનથી ગુજરાત ‘આપ’ના પ્રદેશ કન્વીનર તરીકે કામગીરી સંભાળતા સુખદેવ પટેલની પક્ષમાંથી ત્રણ વર્ષ માટે હકાલપટ્ટી કરાઈ હોવાની જાહેરાત થઈ છે. અમદાવાદ ખાતે ગુજરાતના પ્રભારી ગુલાબસિંહ યાદવ તેમ જ લોકસભાના ઈન્ચાર્જ, ઝોનલ પ્રભારીઓની મહત્ત્વપૂર્ણ બેઠક થઈ હતી. જેમાં સુખદેવ પટેલને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો હતો.

‘આપ’ના મીડિયા સંયોજક તરીકે હર્ષિલ નાયકની નિમણૂક કરાઈ છે. તેમની સાથે જિગ્નેશ મેવાણી, આશુતોષ પટેલ, મનોજ સોરઠિયા, સાદિન હસન અને જયદીપ પંડ્યાનો મીડિયા ડિબેટ પેનલમાં સમાવેશ કરાયો છે. ગુજરાત એકમની સોશિયલ મીડિયા અને આઈટીની જવાબદારી સાહિન હસન તેમ જ લીગલ વિભાગની જવાબદારી એડવોકેટ પ્રવિણ ઠક્કરને સોંપાઈ છે.

દરમિયાન મીડિયા સંયોજક હર્ષિલ નાયકે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે ૨૦ ડિસેમ્બરથી ‘આપ’ ગુજરાતમાં પચાસ રેલી કરશે. આ તમામ રેલીઓમાં સ્થળ અને સમયની જાણકારી ટૂંક સમયમાં પક્ષ દ્વારા અપાશે. આ ઉપરાંત વિધાનસભા ઈન્ચાર્જને માર્ગદર્શન આપી પ્રત્યેક વીસ બુથ ઉપર સર્કલ ઈન્ચાર્જની નિમણૂક કરાશે.

You might also like