રાકેશ શર્માની બાયોપિક ‘સેલ્યૂટ’માં આમિર ખાન

બૉલિવૂડમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે ઓળખાતા આમિરખાનની ‘દંગલ’ ફિલ્મે રેકોર્ડ બ્રેક કમાણી કરી છે. રોમેન્ટિક ફિલ્મ હોય કે એક્શન થ્રિલર આમિર ખાન દરેક ફિલ્મમાં તેની આગવી અદા સાથે રજૂ થતો હોય છે. આમિર ભલે વર્ષે, બે વર્ષે કે ત્રણ વર્ષે એક ફિલ્મ લઇને આવે પણ તેની ફિલ્મ બોલિવુડની દરેક ફિલ્મોને ટક્કર આપી શકવાની ક્ષમતા જ ધરાવે છે. આમિર દરેક ફિલ્મની વાર્તાને લઇને ખૂબ જ ચૂઝી છે અને એટલે જ તે ફિલ્મોની પસંદગી કરવામાં ખૂબ કાળજી રાખે છે. આ વખતે હવે આમિર બાયોપિક લઇને આવી રહ્યો છે. આમિરની ફિલ્મ એક મેસેજ ફિલ્મ હોય છે. પ્રેક્ષકો હંમેશા તેની ફિલ્મની રાહ જોતા હોય છે. આમિર ખાન કંઇક અલગ કરવાની તેની ખાસિયતના કારણે આ વખતે તે ભારતના પ્રથમ અવકાશ યાત્રી રાકેશ શર્માની બાયોપિક સાથે જોવા મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે  વિન્ગ કમાન્ડર રાકેશ શર્મા ઇન્ડિયન એરફોર્સમાં ટેસ્ટ પાઇલોટ હતા. તેમને સરકારે સર્વોચ્ચ વીરતા પુરસ્કાર અશોક ચક્રથી સન્માનિત કર્યા હતા. રાકેશ શર્મા ભારતનું ગૌરવ છે. માત્ર પ્રથમ અવકાશ યાત્રી તરીકે જ તેમને જોવા યોગ્ય નથી.  સામાન્ય વ્યક્તિથી લઇને ભારતના પ્રથમ અવકાશ યાત્રી સુધીની સફર ખૂબ જ રોમાંચક રહી છે અને હવે આ રોમાંચ કચકડામાં કંડારવાની તૈયારી આમિર કરી રહ્યો છે.

‘દંગલ’માં ત્રણ દીકરીઓના પિતા તરીકે તેની પર્સનાલિટી ખીલી ઉઠતી હતી. હવે આ વિષય તો અલગ જ પ્રકારનો છે. તેમાં આમિરનું કામ જોવાની દર્શકોને ચોક્કસથી મજા આવશે. બાયોપિક માટે આમિર, સિદ્ધાર્થ રોય કપૂર અને રોની સ્ક્રૂવાલા સાથે મળીને કામ કરશે.જેનું નામ’ સેલ્યૂટ’ રાખવામાં આવ્યું છે. સિદ્ધાર્થ પોતાના નવા પ્રોડકશન હાઉસ આર.કે.એફના બેનર હેઠળ આ ફિલ્મ રિલીઝ કરશે. ફિલ્મનું નિર્દેશન મહેશ મઠાઇ કરશે. ૨૦૧૯માં ‘સેલ્યૂટ’ ફિલ્મ રજૂ થશે. હાલમાં આમિર ‘ઠગ્સ ઑફ હિન્દુસ્તાન’માં વ્યસ્ત છે. આમિરની અવકાશ યાત્રા કેવી રહેશે તે માટે ફિલ્મની રાહ જોવી રહી.
http://sambhaavnews.com/

You might also like