આધારકાર્ડને હવે સાથે રાખવાની જરૂર નહીં રહે

અમદાવાદ: હવે આધારકાર્ડને હંમેશાં તમારી સાથે રાખવાની જરૂર નહીં પડે. સરકારે એમઆધાર એપને અપડેટ કરી દીધી છે. રજિસ્ટર્ડ મોબાઈલ પર એપમાં સમય આધારિત વન ટાઈમ પાસવર્ડ (ઓટીપી) જોડવામાં આવ્યો છે અને તેના દ્વારા આધારને તમે તમારા મોબાઈલ ફોન પર રાખી શકશો.

સરકારે હવે લગભગ દરેક જગ્યાએ આધારને અનિવાર્ય બનાવ્યું છે. તેથી આધારકાર્ડ સાથે રાખવું જરૂરી થઈ ગયું છે, પરંતુ મોબાઈલ પર ઉપલબ્ધ થયા બાદ હવે આધારને હંમેશાં સાથે રાખવાની જરૂર નહીં રહે. એપના ‌બીટાવર્ઝનમાં વસ્તીગણતરીના ડેટા હોય છે, તેમાં આધારકાર્ડમાં જે જાણકારી હોય છે તે મોબાઈલ પર જોવા મળે છે. સમય આધારિત ઓટીપીમાં હવે ઓટીપી ડાઉનલોડ થવા માટે રાહ જોવી નહીં પડે. તે મોબાઈલ પર હંમેશાં ઉપલબ્ધ બનશે.

યુઆઈએડીઆઈના સીઈઓ અજયભૂષણ પાંડેયનું કહેવું છે કે સેલ્ફ સર્વિસ અપડેટ પોર્ટલમાં ઓટીપીને જોડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રેલવેએ પણ ૮ સપ્ટેમ્બરથી એમ આધારને સત્તાવાર કાનૂની ઓળખપત્ર તરીકે માન્યતા આપી છે. પાંડેયનું કહેવું છે કે અત્યારે એમઆધાર એપ એન્ડ્રોઈડ ફોન પર ઉપલબ્ધ છે. ઓટીપીને લઈને જે સમસ્યા ઊભી થઈ રહી હતી તે હવે થશે નહીં. લોકોને હવે એસએમએસ માટે મોબાઈલ નેટવર્ક પણ આધાર રાખવો પડશે નહીં.

You might also like