આધાર કાર્ડની પણ વેલિડિટી હોય છે, ડીએક્ટિવેટ થયું છે કે નહીં તે ચેક કરો

નવી દિલ્હી: સરકાર હવે આધાર કાર્ડને ધીમે ધીમે તમામ સરકારી યોજનાઓ અને આર્થિક પ્રવૃત્તિઓ માટે ફરજિયાત કરી રહી છે. આ સંદર્ભમાં એક નવો ખુલાસો થયો છે કે કોઈએ પણ આધાર કાર્ડને સતત ત્રણ વર્ષ સુધી કોઈ પણ સરકારી યોજના કે બેન્કિંગ સાથે સંકળાયેલ કારોબારમાં ઉપયોગ કર્યો ન હોય તો આધાર કાર્ડની વેલિડિટી સમાપ્ત થઈ જાય છે.
જો તમે ત્રણ વર્ષ સુધી સતત આધાર કાર્ડનો કોઈ પણ જગ્યાએ ઉપયોગ કર્યો ન હોય તો તે નિષ્ક્રિય (ડીએક્ટિવેટ) થઈ જાય છે એટલે કે આધાર કાર્ડ બનાવ્યા બાદ સતત ત્રણ વર્ષ સુધી જો આધાર કાર્ડને પાન કાર્ડ કે બેન્ક કે અન્ય કોઈ સરકારી – સામાજિક કાર્યક્રમ કે યોજના સાથે લિંક કર્યું ન હોય તો તે નિષ્ક્રિય થઈ જાય છે.

જોકે તમારે આ માટે ગભરાવવાની જરૂર નથી. જો તમારો આધાર નંબર નિષ્ક્રિય થઈ ગયો હોય તો તેને બીજી વખત સક્રિય (એક્ટિવ) કરી શકાય છે. આ ઉપરાંત જે લોકોને એવી શંકા હોય કે તેમનું કાર્ડ એક્ટિવ છે કે ડિએક્ટિવ તો તેઓ યુઆઈડીએઆઈની વેબસાઈટ પર જઈને ઓનલાઈન ચેક કરી શકે છે.

જો તમારું આધાર કાર્ડ નિષ્ક્રિય થઈ ગયું હોય તો તમે તમામ ડોક્યુમેન્ટ લઈને નજીકના આધાર રજિસ્ટ્રેશન કેન્દ્ર પર પહોંચી જશો અને ત્યાં તમારે આધાર અપડેટ ફોર્મ ભરવું પડશે. ત્યાર બાદ બાયોમેટ્રિક મશીનથી તમારા આંગળીનાં નિશાન (ફિંગર પ્રિન્ટ) વેરિફાઈ કરવામાં આવશે. વેરિફાઈ કરવાની સાથે જ તમારું આધાર કાર્ડ ફરીથી એક્ટિવેટ થઈ જશે.

http://sambhaavnews.com/

You might also like