‘અાધાર’ પર સુપ્રીમની રાહત લિંક કરવાની મુદત ૩૧ માર્ચ કરાઈ

નવી દિલ્હી: આધાર મામલે સુપ્રીમ કોર્ટે દેશના નાગરિકોને એક મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે દેશના સામાન્ય નાગરિકોને મોટી રાહત આપતાં આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર અને બેંક એકાઉન્ટ સહિત તમામ યોજનાઅો લિંક કરવાની સમયમર્યાદા ૩૧ માર્ચ, ૨૦૧૮ સુધી લંબાવી આપી છે.

અગાઉ મોબાઈલ સાથે આધાર લિંક કરવાની સમયમર્યાદા ૬ ફેબ્રુઆરી, ૨૦૧૮ નિર્ધારિત કરવામાં આવી હતી, પરંતુ હવે સુપ્રીમ કોર્ટે રાહત આપીને આ સમયમર્યાદા ૩૧ માર્ચ, ૨૦૧૮ સુધી લંબાવી આપતાં દેશના નાગરિકોને મોટી રાહત થઈ છે. કેન્દ્ર સરકારે અાધાર સાથે લિંક કરવાની સમય મર્યાદાના નિર્ણયને પાછો ખેંચી લીધો છે. હવે અાધાર સાથે લિંક કરવાની કોઈ ડેડ લાઈન નથી.

જો કે સુપ્રીમ કોર્ટ સમક્ષ કેન્દ્ર સરકાર વતી એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલે જણાવ્યું હતું કે જે લોકો પાસે અાધાર કાર્ડ નથી, સરકાર તેના માટે ડેડલાઈન ૩૧ ડિસેમ્બર ૨૦૧૭થી વધારી ૩૧ માર્ચ ૨૦૧૮ કરી રહી છે. અા માટે અાજે નોટિફિકેશન જારી કરવામાં અાવશે.

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જારી વિવિધ નોટિફિકેશન્સમાં આધારને વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવતી પરીક્ષા, સ્કોલર‌િશપ, અંતિમ સંસ્કાર, એચઆઈવી દર્દીઓના ઈલાજને આધાર સાથે ફરજિયાત લિંક કરવા જેવી વિવિધ યોજનાઓની જાહેરાત સામે વચગાળાની રાહત માગતી કેટલીય અરજીઓ પર સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી હાથ ધરી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે સામાન્ય માનવીને મોટી રાહત આપતાં આધારને લિંક કરવાની ડેડલાઈન ૩૧ માર્ચ, ૨૦૧૮ સુધી લંબાવી દીધી છે.

સરકારે અત્યાર સુધીમાં આધારને વિવિધ યોજનાઓ સાથે જોડવાને લઈ ૧૩૯ નોટિફિકેશન્સ જારી કર્યાં હતાં, જેમાં મનરેગાથી લઈ પેન્શન યોજના અને પ્રોવિડન્ટ ફંડથી લઈ વડા પ્રધાન જન ધન યોજના સુધી જોડવાની સૂચનાઓ જારી કરવામાં આવી હતી.

આ સુનાવણી પહેલાં કેન્દ્ર સરકારે બેન્ક ખાતાંઓ સહિત અન્ય કેટલીય યોજનાઓ માટે આધારકાર્ડ લિંક કરવાની સમયમર્યાદા ૩૧ માર્ચ, ૨૦૧૮ સુધી લંબાવી દીધી હતી, જોકે સરકારે મોબાઈલ નંબરને આધારકાર્ડ સાથે લિંક કરવાની તારીખ લંબાવી ન હતી અને આમ દેશના નાગરિકો પાસે મોબાઈલ નંબરને આધારકાર્ડ સાથે લિંક કરવાનો સમય માત્ર છઠ્ઠી ફેબ્રુઆરી સુધીનો જ હતો.

દરમિયાન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાના વડપણ હેઠળ પાંચ ન્યાયમૂર્તિઓની બંધારણીય બેન્ચે આ મામલે રાહતની માગણીને લઈ ગુરુવારે સાડા ત્રણ કલાક સુધી સુનાવણી હાથ ધરી હતી અને પોતાનો ચુકાદો આજે શુક્રવાર પર અનામત રાખ્યો હતો.

બંધારણીય બેન્ચના અન્ય સભ્યમાં ન્યાયમૂર્તિ એ. કે. સિકરી, ન્યાયમૂર્તિ એ. એમ. ખાનવિલકર, ન્યાયમૂર્તિ ધનંજય વાય. ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ અશોક ભૂષણનો સમાવેશ થાય છે તેમાં વિવિધ પિટિશનરોએ આધારને પ્રાઈવસીના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન જણાવીને પડકાર ફેંક્યો હતો, જેના પર હવે નિયમિત સુનાવણી આગામી વર્ષે ૧૦ જાન્યુઆરીથી શરૂ થશે.

અદાલતે એવો સંકેત આપ્યો હતો કે નવા બેન્ક ખાતાં ખોલવા માટે આધારને ફરજિયાત બનાવવાની સરકારની અરજી પર પણ શુક્રવારે જ ચુકાદો સંભળાવશે. એટર્ની જનરલ વેણુ ગોપાલ અને સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે નવાં બેન્ક ખાતાં ખોલવા માટે આધારને જોડવાની મંજૂરી આપવામાં આવે.

પિટિશનરોના વકીલોએ જણાવ્યું હતું કે કોઈ પણ વર્તમાન ખાતાધારક દ્વારા નવા ખાતાધારકના ઓળખની સિસ્ટમ છેલ્લા સાત દાયકાથી ચાલી રહી છે તો આગામી ત્રણ મહિના સુધી તેને જારી રાખવાની મંજૂરી આપવાથી કોઈ આભ તૂટી પડવાનું નથી.

You might also like