અાબિદ-સલીમ નેપાળ બોર્ડરથી બ્રિટન કે પાકિસ્તાન જવાની ફિરાકમાં હતા

અમદાવાદ: ભરૂચના ભાજપના બે નેતાઓની હત્યામાં વોન્ટેડ અારોપી અાતંકી જાવેદ ચિકનાના ભાઈ અાબિદ પટેલ અને સલીમ ઘાંચીની ગુજરાત એટીએસ અને રાષ્ટ્ર સુરક્ષા એજન્સીઓએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી નેપાળ ભારત બોર્ડર પરથી ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અાબિદ અને સલીમ બંને નેપાળ બોર્ડર થઈ પાકિસ્તાન અથવા યુ.કે. ભાગી જવાની ફિરાકમાં હતા.

ભરૂચના શિરીષ બંગાળી અને પ્રજ્ઞેશ મિસ્ત્રીની ૨ નવેમ્બરના રોજ પ્રિન્ટિંગ પ્રેસમાં ગોળી મારી હત્યા કરાઈ હતી. ચકચારી હત્યા કેસમાં એટીએસે પણ તપાસ શરૂ કરતાં શૂટર સહિત સાત લોકોની એટીએસે ધરપકડ કરી હતી.

પૂછપરછ દરમિયાન દાઉદ ઈબ્રાહીમના ખાસ એવા જાવેદ ચિકનાનું નામ ખૂલ્યું હતું. ૧૯૯૩ના બોમ્બ બ્લાસ્ટ કેસમાં અાતંકી જાવેદ ચિકના વોન્ટેડ છે અને ૧૯૯૩થી ૨૦૦૨ સુધી જે તોફાનો થયાં તે અંગેનો બદલો લેવા તેણે ગુજરાતના કેટલાકને નેતાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.

જેમાં ભરૂચના બે નેતાની હત્યા માટે રૂ. ૫૦ લાખની સોપારી અપાઈ હતી. જાવેદનો ભાઈ અાબિદ પટેલ જે ભરૂચમાં જ રહેતો હતો તેણે ભરૂચના યુસુફને સોપારી અાપવામાં મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી. યુસુફ સાથે અાબિદે મિટિંગ યોજી સોપારી અાપી હતી.

ઝડપાયેલો સલીમ ઘાંચી પણ ભરૂચનો જ રહેવાસી છે અને ટેલરિંગનું કામ કરે છે. સલીમ શૂટર સાથે મુંબઈ ખાતે હથિયાર લેવા ગયો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. અાજે મોડી રાત્રે એટીએસની ટીમ બંનેને લઈ અમદાવાદ અાવી પહોંચશે.

You might also like